સંબંધ નામે અજવાળું
(23)
ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર
રામ મોરી
સવારે ઉઠીને આંખો ચોળતા ચોળતા મોબાઈલ ખોલો તો જય શ્રી કૃષ્ણ ‘JSK’ બનીને તમારા ઘરમાં આવશે, આવજો એ ‘BYE’ અને કેમ છો એ ‘HI’ ‘Hello’ બનીને તમારા ઘરના ઉંબરે ઉભા છે. મોબાઈલમાં ભાષા બદલી શકાશે અને જો સેટીંગ ફિચર્સમાં જઈને ભાષા ગુજરાતી કરશો તો પછી વંચાતી બધી જ સૂચનાઓ ગુજરાતીમાં લખાયેલી હશે તો પણ અજાણી લાગશે. નાના બાળકોને વાર્તા કહેવા બેસશો તો એ વાર્તામાં છોટા ભીમ, મોગલી અને ક્રિષ્ના ગૃહકાર્ય કરતા હશે તો બાળકોને નહીં સમજાય પણ ‘HOME WORK’ કરતાં હશે તો એ વાત બાળકોને જલદી સમજાશે. રોજબરોજમાં આપણા જીવનમાં અંગ્રેજી શબ્દો, વાતો અને રહેણીકહેણી દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે. એમ છતાં અંગ્રેજી સમજાતી હોવાનો, જાણતા હોવાનો પ્રભાવ અને અહોભાવ આપણે સ્વીકારી ન શકતા હોઈએ તો પછી આંખ બંધ કરી એટલે જગતમાં અંધારું એવા મિથ્યા સુખમાં રાચીએ છીએ એવું સમજી લેવાનું. એમ છતાં, આજે અહીં આપણે વાત કરવાના છીએ ગુજરાતીની. અત્યારના સમયની ગુજરાતીની, સોશિયલ મિડિયા પર લખાઈ રહેલા ગુજરાતીની.
એવું કહેવાતું વર્ષો પહેલાં સંસ્કૃત ભાષાનું સામ્રાજ્ય હતું. એ પછી સંસ્કૃત ભાષામાં જ નાટક અને સાહિત્યનું સર્જન થતું. ધીરે ધીરે પ્રાકૃત ભાષાનું, પ્રાદેશિક ભાષાનું ચલણ આવ્યું, મૂળે સંસ્કૃતમાંથી જ છૂટી પડેલી આ ભાષા જનજીવનમાં વણાવવા લાગી અને પછી પ્રાકૃત ભાષામાં સાહિત્ય સર્જન થવા લાગ્યું. ભાષાવિદોનું માનવું છે કે દર પચાસ વર્ષે દરેક ભાષા પોતાનું વળું બદલે છે. પરિવર્તનની પ્રક્રિયા ધીમી ચોક્કસ હોઈ શકે પણ નક્કર તો ખરી જ. એક ભાષાના શબ્દો બીજી ભાષામાં ભળે. હું આને ભાષા પ્રદૂષિત થઈ એનાં કરતાં સમૃદ્ધ વધારે થઈ એવું માનું છું. સમય સાથે દરેક બાબતો બદલાય છે, જે બદલાય છે એ પોંખાય છે અને જે બંધાય છે એ ગંધાય છે. અત્યારે બોલચાલમાં પ્રયોજાતી ગુજરાતી અલગ છે. હોવાની જ. ધૂમકેતુના સર્જનમાં જોવા મળતી ગુજરાતી અને અત્યારના સાહિત્યમાં લખાતી ગુજરાતી અલગ છે અને એ હોવાની જ. પણ એથી કાંઈ ધૂમકેતુ કે ગોવર્ધનરામ ત્રિપાઠીની ગુજરાતી નક્કામી એમ પણ ન જ કહી શકાય. શરાબ જેટલી જૂની એટલું એનું મૂલ્ય અને મહત્તા વધારે તો પછી ભાષાભિમાન ( ગુણવંતશાહ પાસેથી લીધેલો શબ્દ) માટે પણ આ લાગણી હોવી ઘટે.
આજે પણ કપડાની બાબતમાં રેટ્રો લૂક એક ફેશન પ્રતિક ગણાય છે. એશી અને નેવુંના દાયકાની ફિલ્મોમાં જોવા મળતી સાડી અને સૂટ અત્યારે મેટ્રો સીટીની પાર્ટી અને એવોર્ડ નાઈટમાં પહેરવા એ સ્ટેટસ સિમ્બોલ અને સેન્સીબલ ચોઈસ ગણાય છે. આપણી મમ્મીઓ જ્યારે સોળ સત્તર વર્ષની હતી એ સમયે આખી બાંયના બ્લાઉઝ હતા અને પછી જતાં રહ્યા આજે ટોપના ડિઝાઈનર્સ એ લૂક પાછો અપનાવી રહ્યા છે. સમયાંતરે દરેક બાબતમાં જૂનુ સોનું પાછું આવે છે. ‘ડાર્લિંગ’, ‘બેબી’, ‘બેબ’, ‘હની’, ‘સ્વીટી’ અને ‘બાબુ’ શબ્દો વચ્ચે ફરી પાછો ‘વાલમ’ શબ્દ લીલી કૂંપળની જેમ કોળે તો એક ગુજરાતી તરીકે તો હરખાવવા જેવું જ છે. એક મિત્રનો એનઆરઆઈ ટીનએજ ભત્રીજો મને પૂછતો હતો કે, ‘’અંકલ, આ સાયબો શબ્દનો અર્થ શું થાય !’’ અને જ્યારે સાયબો શબ્દનો અર્થ સમજાવીએ ત્યારે એની આંખોમાં રહેલા ‘WOW’ને જોઈએ તો સમજાય કે ખરેખર ભાષાને શું વળગે ભૂર ! દરેક ભાષા, એ ભાષાનો કેફ, એ ભાષાનો અસબાબ એ લોઢામાં લીટો છે. ઠેંસ વાગેને ચીસ પોતીકી ભાષામાં નીકળે, સપના પોતાની ભાષામાં આવે અને આંખ બંધ કરોને પ્રાર્થના કરો તો મનમાં શબ્દો તમારી પોતાની ભાષાના હોય ત્યાં સુધી ભાષાને કશું થાય એમ નથી.
સોશિયલ મિડિયા પર આજકાલ ગુજરાતીમાં લખી રહેલા લોકોનો એક આખો વર્ગ ઉભો થઈ રહ્યો છે. એ લોકોને પોતાની ભાષામાં કોઈપણ રીતે, કોઈપણ ફોર્મમાં વ્યક્ત થવું છે. હવે એ લખાતા સાહિત્યમાં સાહિત્યિકતા કેટલી એ આખો અલગ મુદ્દો છે પણ ગુજરાતીમાં લખાઈ રહ્યું છે એનો આનંદ હોવાનો જ. ગુજરાતી નાટકોના શો હાઉલફૂલ હોય, ચૌદ ચૌદ અઠવાડિયા ગુજરાતી ફિલ્મો થિયેટર પર એકચક્રી શાસન કરતી હોય, ગુજરાતી પુસ્તકો ધડાધડ વંચાતા જોઈએ એટલે એક ગુજરાતી તરીકે આંતરડી ઠરે જ. સોશિયલ મિડિયા પર લોકો કવિતાઓ, ગઝલ, હાઈકુ, નિબંધ, પોતાની અનુભવ ડાયરી લખે છે. હું તો કહું છું કે સોશિયલ મિડિયા પર લખાયેલી જોક ફરતી હોય અને ગુજરાતીમાં લખાયેલી જોક પર કોઈ વ્યુઅર ખડખડાટ હસતો હોય અને એ બીજા પચાસ લોકોને આ જોક ફોરવર્ડ કરતો હોય તો આફ્ટરઓલ આખીવાતમાં ભાષાનું જ સંવર્ધન છે. અત્યારે સોશિયલ મિડિયા પર કંઈકેટલાય ગુજરાતી પેજીસ છે. આ બધા પેજીસ જાણીતા અને નવોદિત દરેક લોકોના લેખો અને વાર્તાઓ પબ્લીશ કરે છે. તમે એ દરેક પેજીસની પોસ્ટ પર વ્યુ જુઓ, કમેન્ટ જુઓ તો સમજાય કે આ બધા ગુજરાતી પેજીસના માધ્યમથી પણ કેટલા બધા ગુજરાતીઓ મોબાઈલમાં તો મોબાઈલમાં પણ પોતાની ભાષામાં લખાયેલું કશુંક રસથી રેગ્યુલર વાંચી રહ્યા છે. કંઈ કેટલીય વેબસાઈટ અને ઓનલાઈન ગુજરાતી સામયિકો છે, પુસ્તકો ઈ બુક સ્વરૂપે પ્રકાશિત કરતા માધ્યમો છે. આ બધા પ્લેટફોર્મ પર કેટલા લોકોએ આ લેખ વાંચ્યો અને ડાઉનલોડ કર્યો એ સંખ્યા જુઓ તો તમને પ્રશ્ન થાય કે આ બધા લોકો ગળું ફૂલાવી ફૂલાવીને જે કહી રહ્યા છે કે ગુજરાતી મરવા પડી છે અને કોઈ વાંચતું નથી એ ખરેખર સાચું છે ખરું ? ઓનલાઈન ગુજરાતી સાહિત્ય વાંચતા વાચકોની સંખ્યા જોશો તો તમને માન્યામાં નહી આવે. આજકાલ ઈ બુકનું ચલણ વધ્યું છે. દરેક મોટા મોટા પ્રકાશકો ઈ બુક કરતા થઈ ગયા છે. પ્રકાશકોનો મતે ભારત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ ગુજરાતી ઈ બુકની સખત ડિમાન્ડ કરતા હોય છે. પ્રકાશકોનું કહેવું છે કે એ રીતે ઈ બુક સ્વરૂપે ગુજરાતી પુસ્તકો ખરીદનારો વર્ગ બહુ મોટો છે. સોશિયલ મિડિયા એક એવું માધ્યમ છે જ્યાં દરેકને પોતાના મનની વાત કહેવાની સ્પેસ છે. હવે એ સ્પેસને લોકો ગુજરાતી ભાષામાં પૂરી રહ્યા છે તો પછી હરખાઈ લેવાનું. જોડણીની ભૂલો અને વ્યાકરણની ભૂલો એ આખો અલગ મુદ્દો છે. નહીં મામો કરતાં કાણો મામો કંઈ ખોટો તો નથી જ. અત્યારે જે રીતે બકો, ચકો, ભૂરો, અઠ્ઠે મારે, વાલમ, લંગોટિયો, સાયબો, દોઢો દોઢી, ચાંપલી, વાયડો, પ્રિયતમ, પિયુ, લાડીલો, ખમ્મા જેવા શબ્દો ચેટીંગમાં અને સોશિયલ મિડિયાની રૂપકડી અટારી પર વારંવાર વંચાતા રહે છે તો સરવાળે એ ભાષાને સમયાંતરે થતાં કંકુછાંટણા છે. ગુજરાતી ગીતો, લોકગીતો અને ભજનો પોપ મ્યુઝિક સાથે, પાર્ટી ડાન્સના સ્વરૂપમાં આવે, ગુજરાતી બાંધણી પટોણા ડિઝાઈન સ્કર્ટમાં આવે કે જીન્સમાં આવે એ સરવાળે ગુજરાતી કલ્ચરનો જય હો છે એમ ગુજરાતી શબ્દો અલગ અલગ રીતે, અલગ અલગ માધ્યમથી લોકો વચ્ચે પ્રયોજાતા રહે તો એ ગુજરાતી ભાષાનો જયઘોષ જ છે. ગ્લાસમાં પાણી તો છે જ, પછી તમે ગ્લાસને અડધો ભરેલો સમજો કે અડધો ખાલી સમજો...પણ આખી વાતમાં પાણીના હોવાપણાને ન વિસરી જઈએ. આ જ વાત આપણી ગુજરાતી ભાષાને લાગુ પડે છે. અહીં મારો મુદ્દો વાસ્તવિકતાથી મોઢું ફેરવી લેવાનો કે પલાયનવાદનો નથી અહીં વાત જે કંઈ છે એના પર હરખાવવાનો છે. મુદ્દો જે જતું રહ્યું છે કે નથી એના નામનું કૂટવા કરતા જે સાથે છે એનો હૂંફાળો હાથ પકડવાનો છે.
બાકી ભાષા કોઈથી બાંધી બંધાઈ નથી, કોઈના સચવાયે સચવાઈ નથી, કોઈના ધક્કે ચડાવવાથી ખોવાઈ નથી. ભાષા લજામણીનો છોડ પણ નથી કે અડકો તો બીડાઈ જાય કે ભાષા ગલગોટાનું ફૂલ નથી જેને સ્પર્શની કોઈ પરવા નથી. ભાષા સૂરજમુખીના ફૂલ જેવી છે. સમયનો સૂર્ય જેમ જેમ ફરતો જાય એમ એમ ભાષા પોતાનું પોત બદલતી બદલતી જંગલી ઝરણાની જેમ પોતાનો રસ્તો કરીને ધોધમાર કે પછી ખળખળ વહેતી રહે છે. એને મૂડ હશે તો દરિયા સુધી જશે નહીંતર કાળના રણમાં અધવચ્ચે જ ક્યાંક સમાઈ જશે !
***