64 Summerhill - 51 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 51

Featured Books
Categories
Share

64 સમરહિલ - 51

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 51

વહેલી સવારે આકાશમાં ભળભાંખળું થઈ રહ્યું હતું ત્યારે ખેતરના નિર્જન સૂનકારાને ઢંઢોળતી ચહલપહલ શરૃ થઈ હતી. ઝાંખાપાંખા ઉજાસ વચ્ચે દબાયેલા પગલે હરફર કરતો એક આદમી વેનિટી વાનમાં સામાન ગોઠવી રહ્યો હતો.

ત્રણ કમ્પાર્ટમેન્ટમાં મોડીફાઈ કરેલી ટેમ્પો ટ્રાવેલર વાનના છેલ્લા કમ્પાર્ટમેન્ટમાં ત્રણ વિશાળ સોફાચેર, ફ્રિઝ, સેટેલાઈટ ટીવી. તેની પાછળ સામાન મૂકવાના ત્રણેક ફૂટ પહોળા બે શેલ્ટર. વચ્ચેના કમ્પાર્ટમેન્ટમાં આરામદાયક કુશન મઢેલા બે રેક્લાઈનર સોફા, ડ્રાઈવર કેબિનની બાજુમાં વધુ એક રેક્લાઈનર ચેર. તેની પાસે ડબલ સ્ટૂલ સાઈઝનું કિચન પ્લેટફોર્મ.

બહારથી ટિપિકલ વાન જેવી લાગતી ટેમ્પો ટ્રાવેલર મોડીફાઈ કર્યા પછી હરતાં-ફરતાં ઘર જેવી બની ગઈ હતી.

ચારેયને બહાર લાવવામાં આવ્યા અને ત્વરિતને છેલ્લા કમ્પાર્ટમેન્ટમાં સુવડાવવામાં આવ્યો. તેની બાજુમાં રાઘવને બેસવાનો ઈશારો કરીને ત્રીજી ચેર પર દુબળી પોતે ગોઠવાયો. ઝુઝાર તેમજ છપ્પનને વચ્ચેના કમ્પાર્ટમેન્ટમાં બેસાડયા. દરેક વિન્ડો પર નેટ કર્ટન અને દરેક કમ્પાર્ટમેન્ટને જોડતું વિન્ડો શટર. એ શટર બંધ કરો એટલે સ્વતંત્ર રૃમ જેવી પ્રાઈવસી જળવાઈ રહે પણ દરેકનો માસ્ટર કન્ટ્રોલ છેલ્લા કમ્પાર્ટમેન્ટની એ સીટ પર, જ્યાં દુબળી બેઠો હતો.

ચારેયના મગજમાં એક જ ઉત્સુકતા ઘોળાતી હતી. હવે એ છોકરી દેખાવી જ જોઈએ, પણ કમ્પાર્ટમેન્ટમાં બેઠા પછી દરેકને સમજાયું હતું કે ભલે વૈભવશાળી અને આરામદાયક, પણ આ એક પ્રકારની હરતી-ફરતી નજરકેદ જ હતી. પોતાના કમ્પાર્ટમેન્ટ સિવાય બીજે કોણ બેઠું છે એ જોઈ શકાય તેમ ન હતું. કોણ ડ્રાઈવિંગ કરે છે કે કોણ આગળ બેઠું છે તેની કોઈ સૂઝ વગર મુસાફરી શરૃ થઈ હતી.

'છ કલાક સુધી ગાડી ક્યાંય ઊભી રહેવાની નથી' ગાડી ઉપડી એટલે તરત ઈન્ટરકોમમાં દુબળીનો અવાજ પડઘાયો, 'તમારી દરેકની સીટ પાસે કોફીના થર્મોસ અને બીજા ડ્રિન્ક્સ પડયા છે. બે કલાક પછી નાસ્તો મળશે. આપણે પહેલો હોલ્ટ ભીમબેટકા લઈશું. નાગપુર ત્રણેક કલાકનો વિરામ અને પછી નોર્થ-સાઉથ હાઈ-વે પર ચડયા પછી સીધા વારંગલ. મીનવ્હાઈલ, ટેક રેસ્ટ એન્ડ એન્જોય ધ જર્ની..'

***

'ક્યાં પહોંચ્યા?' ઝુઝારે ઊંઘરેટી આંખ જરાક ખોલી, બારીની બહાર નજર માંડી અને પછી ઘેનભર્યા અવાજે પૂછ્યું.

'ખબર નથી...' આંખો બંધ કરીને ઊંઘવા મથતા છપ્પને બેપરવાઈથી જવાબ આપ્યો.

'કેટલાં વાગ્યા?' એક તરફ ઝૂકેલી રહેવાથી જકડાઈ ગયેલી ગરદનના સ્નાયુને પસવારતા ઝુઝારે ફરીથી પૂછ્યું.

'ખબર નથી...' તેણે એ જ ટોનમાં જવાબ આપ્યો.

'ભીમબેટકા આવી ગયું?'

'ખબર નથી...' છપ્પને ભારે અવાજે એવી જ બેદરકારીથી જવાબ વાળ્યો, 'આજે કઈ તારીખ છે, ક્યો વાર છે? ખબર નથી... આ ક્યુ રાજ્ય છે? ખબર નથી... યે સબ ક્યા મામલા હૈ?નહિ માલુમ...'

'ક્યા બકવાસ કરતા હૈ યાર?' ઝુઝારે ચીડાઈને તેની સામે જોયું પણ એ તો જાણે તંદ્રામાં હોય તેમ જ બોલી રહ્યો હતો.

'તેરા બ્લ્યુ ટૂથ ઓન કરો, મેરા બ્લ્યુ ટૂથ ઓન કરો... ફિર ક્યા? મેરે કો નહિ માલુમ... ઈન્ટરનેટ જેવું ડેટા શેઅરિંગ તારી અને મારી વચ્ચે કેવી રીતે શક્ય છે? નહિ માલુમ...' પછી તેણે મોટેથી બગાસું ખાતા બેહુદા અવાજે ઉમેર્યું, 'મૂર્તિઓ ચોરવાથી તું અને હું માણસ મટીને ઈન્ટરનેટ કેવી રીતે થઈ જઈએ? વાકેહી નહિ માલુમ..'

'તારા બાપનું નામ શું છે?'

'વો ભી નહિ માલુમ...' તેણે આંખો ખોલીને ઝુઝારની સામે જોયું અને રમતિયાળ સ્મિત કર્યું, 'હસ નહિ સાલા, હજુ બે-ચાર દિવસ આ બધાની વાતો સાંભળીશ તો તું ય તારા બાપનું નામ ભૂલી જઈશ...'

'નહિ યાર, વાતમાં કંઈક દમ તો છે...' ઝુઝારે રમનું મિનિએચર એક શ્વાસે ગટગટાવીને હળવો ખોંખારો ખાઈ લીધો, 'તું કોફી પીશ?'

એ કોઈપણ રીતે છપ્પનને વાતે ચડાવવા માંગતો હતો પણ આંખો મીંચીને છાતી પર હાથની અદબ ભીડીને બેઠેલા છપ્પનને જાણે કશામાં ય રસ ન હોય તેમ એ શુન્યમનસ્ક બની ગયો હતો.

'તને એક મૂર્તિ ચોરવાના આ માણસ કેટલાં રૃપિયા આપતો હતો?'

'એંશી હજાર, લાખ.. ક્યારેક બે લાખ... ખર્ચ અલગ... કભી ગોવા... કભી મસૂરી... કભી... નહિ માલુમ..' છપ્પન જાણે સમગ્ર સંસારની માયાજાળથી વિરક્ત થઈને પરમહંસની ભૂમિકાએ પહોંચ્યો હોય તેમ અવશપણે બોલ્યે જતો હતો.

ઝુઝાર ફાટી આંખે તેને જોઈ રહ્યો. ગ્વાલિયરમાં એ કંઈક ધાપ મારે, જોખમ વ્હોરીને બે-ચાર મારવાડી વેપારીને દબડાવે ત્યારે ત્રણ-ચાર મહિને માંડ બે-અઢી લાખ જોવા પામતો હતો અને આ સાલો...

'તને ક્યારેય સવાલ ન થયો કે એ આટલા રૃપિયા ખર્ચીને મેળવેલી મૂર્તિઓનું શું કરે છે?' આંકડો સાંભળીને તેની આંખમાંથી ઊંઘ અને શરીરમાંથી એકધારી મુસાફરીનો કંટાળો ક્યાંય ગાયબ થઈ ગયા હતા.

'જેનો જવાબ જ ન હોય એવા સવાલ કરીને શું ફાયદો?'

'એટલે?'

'એટલે એમ કે...' છપ્પને ફરીથી બગાસુ ખાધું, આંખો ખોલીને બારીની બહાર ક્ષિતિજ ભણી શૂન્ય નજરે તાકીને કહી દીધું, 'ખબર નથી..'

સતત 'ખબર નથી... નહિ માલુમ' સાંભળીને ત્રાસેલા ઝુઝારે મનોમન ગંદી ગાળ બોલી નાંખી. સાલા એક એકનું માથું ભાંગે એવા ચક્રમો વચ્ચે પોતે ક્યાં ભરાઈ પડયો તેનો તેને વસવસો થતો હતો.

*** *** ***

'હવે રૃઝ આવી રહી છે...' ત્વરિતની છાતીની બર્ન ઈન્જરી પર મલમ લગાવીને તેણે કિટમાંથી બે ટેબ્લેટ તેના હાથમાં થમાવી અને પછી પાણીની બોટલ ધરી રાઘવ ભણી વળ્યો, 'વૂડ યુ લાઈક ટુ હેવ સમ ડ્રિન્ક મિ. એસીપી..'

'નો, થેન્ક્સ...' તેને સતત અવલોકી રહેલા રાઘવે શાલીનતાથી જવાબ વાળ્યો, 'તારે મને સતત એસીપી કહેવાની જરૃર નથી. મારૃં નામ રાઘ...'

'રાઘવ માહિયા...' તેણે અધવચ્ચે જ કહી દીધું. ગરમ કોફીનો ઘૂંટ ગળા નીચે ઉતારીને તેણે રાઘવની સામે જોયું. તેની આંખોમાં અજબ ચમક હતી કે પછી સાલો સાચે જ કંઈક ત્રાટક કરી રહ્યો હતો? રાઘવે નજર ઢાળી દીધી.

'બીજની ગામ... તહેસિલ ડુમરા... હેડમાસ્ટર સુનહરીલાલ માહિયા' કોફીના મગમાં આંખો ઢાળીને શાતિર સ્મિત સાથે એ બોલતો ગયો અને રાઘવની આંખોમાંથી આશ્ચર્ય વહેતું ગયું, 'હું એવું કામ કરી રહ્યો છું જેમાં રસ ધરાવતા દરેકની પૂરેપૂરી કુંડળી મારે જાણવી પડે છે'

રાઘવ ચૂપ રહ્યો. પોતે ડિંડોરીથી પીછો કર્યો એ જ ઘડીથી આ માણસે તેની તમામ ડિટેઈલ મેળવી હોવી જોઈએ. તેણે ડિપાર્ટમેન્ટમાંથી માહિતી લીધી હશે કે પછી...

'બિરવા અસનાની..' ગરદન કોફીના કપ ભણી ઝુકાવી રાખીને તેણે જરાક આંખ ઊંચકીને કહ્યું. રાઘવ સ્તબ્ધ થઈને તેની સામે જોતો રહ્યો. તેને બઘવાયેલો જોઈને ત્વરિતના ચહેરા પર પણ સ્મિત આવી ગયું.

'બિરવા બહુ બોલકી છોકરી છે પણ તેની પોઝિશન જોતાં તેણે આટલાં સાલસ ન રહેવું જોઈએ'

'ઈટ્સ નન ઓફ યોર બિઝનેસ..' આ તિલસ્મી આદમીને પોતે તદ્દન ઠંડા કલેજે નાણતો જશે એવો દૃઢ નિર્ધાર છતાં રાઘવ મનોમન ઉકળી રહ્યો હતો, 'તેં મારી પર્સનલ લાઈફ અને રિલેશનમાં ઊંડા ઉતરવાની ગુસ્તાખી કરી છે'

'એક જૂની મૂર્તિની ચોરી માટે તેં છેક ડેરા સુલ્તાનખાઁ સુધી આવવાની ગુસ્તાખી ન કરી હોત તો મારે ય ક્યાં કશું કરવાની જરૃર હતી?'

'કમ ઓન યાર...' રાઘવ હવે સાચે જ ગિન્નાયો હતો, 'તું એક પ્રોફેસર છે. વિદ્વાન છે. સ્કોલર છે. તારા તર્કને, રિસર્ચને સાબિત કરવા માટે તારે આવા કબાડા કરવાની કેમ જરૃર પડી? આવું જોખમ વ્હોરીને આવી ઊઠાંતરી કરાવવાને બદલે સીધી રીતે તું આ મૂર્તિઓનો અભ્યાસ ન કરી શકે?'

'ઈટ્સ અ લોંગ સ્ટોરી...'

'નો પ્રોબ્લેમ, વી હેવ અ લોંગ વે ટુ ગો...'

પહેલી વાર તેના ચહેરા પર કશાંક ભાવ ઊભર્યા. એકશ્વાસે કોફીનો મગ ખાલી કરીને તેણે ઊંડો નિઃશ્વાસ છોડયો, 'મારા રિસર્ચને જો સ્વીકારાયું હોત તો મારે સીધી રીતે જ સ્ટડી કરવો હતો'

'પણ સેંકડો વર્ષોથી સ્થાપિત થયેલી પૂરાતન મૂર્તિઓ ઉખાડીને તમે સમાજનો તો ગુનો કરો જ છો..' સ્ટડીની વાત આવી એટલે ત્વરિતથી બોલ્યા વગર ન રહેવાયું.

'ક્યો સમાજ?' તેણે ધારદાર નજરે, ઉપહાસભર્યા સ્મિત સાથે ત્વરિતની સામે જોયું, 'જેણે અત્યંત નિર્દયતાથી મારા રિસર્ચની મજાક ઊડાવી એ સમાજ? મારી નજર સામે મારા નામના જેણે ખિખિયાટા કર્યા એ સમાજ? કશું જ સમજ્યા વગર કે સમજવાની ચેષ્ટા પણ કર્યા વગર મારી બેહુદી મજાક ઊડાવતા કાર્ટુન દોર્યા એ સમાજ? મને બેવકૂફ ચિતરતા રોજના પચ્ચીસ જોક્સ મારી દીકરીના મોબાઈલ પર મોકલનાર સમાજની મારે પરવા કરવી જોઈએ એમ તું કહે છે?'

ભાગ્યે જ પલટાતા તેના અવાજમાં દબાયેલો ઉશ્કેરાટ છલકાતો હતો.

'સમાજની તને કદાચ પરવા ન હોય પણ કાયદાનો ડર તો તારે રાખવો જ રહ્યો...' રાઘવ બેહદ અસમંજસમાં હતો. ઘડીક તેને આ આદમી અત્યંત વિચક્ષણ અને ભેજાંબાજ લાગતો હતો. ક્યારેક રમકડું તૂટી જતાં જીદે ચડેલા બાળક જેવો લાગતો હતો તો ક્યારેક ડામીસ ગુનેગાર. તેણે ઉમેર્યું, 'અત્યારે હું તારા કબજામાં છું પણ આખું પોલિસતંત્ર નહિ. ક્યાંક તો તું સપડાવાનો જ છે..'

'આઈ સેઈડ, આઈ એમ મૂવિંગ ઓન એન્ડ ઓન.. એન્ડ ધેર ઈઝ નો પોઈન્ટ ઓફ યુ-ટર્ન...' અચાનક ઉશ્કેરાટ ફગાવીને તેનો ચહેરો સપાટ થઈ ગયો. તેની આંખોમાં ઝનુન તરી આવ્યું અને અવાજમાં શિકાર પર લપકતા હિંસક પશુનો ઘુરકાટ, 'માઈન્ડવેલ, મેં મારી આખી જિંદગીને દાવ પર લગાવી દીધી છે કારણ કે મારે મારી જાતને સાબિત કરવાની છે અને ત્યાં સુધી...' રાઘવની આંખમાં આંખ પરોવીને તેની છાતી તરફ મક્કમતાથી આંગળી ચિંધીને તેણે ઉમેર્યું, 'તું, તારી પોલિસ, તારો કાયદો, તારો સમાજ... દુનિયાની કોઈ તાકાતને હું ગણકારવાનો નથી...'

રેક્લાઈનર સોફાને પુશબેક કરીને હાંફતી છાતીએ તે પાછળની તરફ ખસ્યો અને નેટ કર્ટનમાંથી દેખાતા ઝાંખાપાંખા દૃશ્યને તાકી રહ્યો. રાઘવને એટલું સમજાતું હતું કે આ માણસ તેને વાગેલા ઘાવને જાતે જ ખોતરી ખોતરીને વકરાવી ચૂક્યો છે. કદાચ એ ઘાવને પંપાળવામાં આવે તો...

તેણે દાવ બદલ્યો અને અવાજમાં સહાનુભૂતિ ભરી, 'ત્વરિતે અમને તારા વિશે કેટલીક વાત કરી. મને સમજાતું નથી કે પ્રાચીન મંત્રોને, વિધિ-વિધાનોને, આ જરીપૂરાણી જર્જરિત મૂર્તિઓને તું અત્યાધુનિક વિજ્ઞાનની પેરેલલ કઈ રીતે મૂકીશ?'

'પેરેલલ ઈઝ યોર વર્ડ...' તેના અવાજમાં ઉત્સાહ વર્તાતો હતો, 'હું તો પ્રાચીન વિદ્યાઓને આધુનિક વિજ્ઞાનથી ય અનેકગણાં ચડિયાતા સ્થાને મૂકવા માંગું છું..'

એ બોલતો થયો એથી રાઘવને હાશકારો થતો હતો. તેણે વાત જારી રાખવા માટે મનોમન સવાલો વિચારવા માંડયા, 'પણ ત્વરિત કહે છે કે તું લેટેસ્ટ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ડેટા શેઅરિંગને પ્રાચીન વિદ્યાઓ સાથે સાંકળવા મથે છે. આધુનિક વિજ્ઞાન કંઈ એમ ને એમ તો આવી તિલસ્મી વાતો ન જ સ્વીકારે ને?'

'ડુ યુ નો, વિજ્ઞાન શું સ્વીકારે છે?' તે સોફા પર હાથ ટેકવીને અધૂકડો બેઠો થયો, 'તમે કોઈ સિધ્ધાંત શોધો તો એ થિયરી પ્રાયોગિક રીતે સાબિત થવી જોઈએ અથવા જો કોઈ પ્રયોગ કરો તો એ પ્રયોગને વૈજ્ઞાનિક સિધ્ધાંત વડે સાબિત કરી શકાવો જોઈએ'

'એટલે?'

'સમજાવું...' તેના અવાજમાં વર્તાતો રણકો ત્વરિતને બનારસ હિન્દુ યુનિવર્સિટીના ક્લાસરૃમની યાદ અપાવતો હતો.

ઘડીક આંખ બંધ કરીને તેણે કહ્યું, 'ઝાડ પરથી સફરજન પડયું એ જોઈને ન્યુટનને ગુરુત્વાકર્ષણનો નિયમ સૂઝ્યો. બટ માઈન્ડ વેલ, સફરજન તો એ પહેલાં ય ઝાડ પરથી પડતું જ હતું. ન્યુટને તો એ પડવાની ક્રિયાને વિજ્ઞાનની ભાષામાં વ્યાખ્યાયિત કરી. મતલબ કે, વ્યવહારમાં કે કુદરતમાં થતી રહેતી અને આપણને સહજ લાગતી એવી અનેક ક્રિયાઓ હોય છે જેને સૈધ્ધાંતિક રીતે આપણે હજુ સમજવાની બાકી હોય. એ જ રીતે કેટલીક બાબતોની વૈજ્ઞાનિક સમજુતી આપી શકાય તેમ હોય પણ એ પ્રાયોગિક રીતે સિધ્ધ કરવી અઘરી હોય..'

'મને સમજાયું નહિ...' તેને બોલતો કરવા પ્રયત્ન કરતો રાઘવ પોતાની જ જાણ બહાર તેની વાતોમાં ઉત્સુકતાભેર વિંટળાતો જતો હતો.

'લેટ મી રિપિટ... સફરજન તો પહેલેથી પડતું જ હતું પરંતુ એ શા માટે પડે છે એ પછી શોધાયું. હવે એક એવું ઉદાહરણ આપું જેમાં આવું આવું થાય તો સફરજન પડે એવો નિયમ પહેલાં શોધાયો અને પછી એ નિયમ મુજબ સફરજન પડે છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી...' તેના અવાજમાં વર્તાતો આત્મવિશ્વાસ, ચહેરા પરની અજબ પ્રસન્નતા... આવા શિક્ષક પાસે ન ભણવા મળ્યું તેનો રાઘવને ઘડીક વસવસો થઈ ગયો...

'ફોર એક્ઝામ્પલ, હિગ્ઝ-બોઝોન થિયરી... ગોડ પાર્ટિકલની સમજણ આપતી આ થિયરી જ્યારે શોધાઈ ત્યારે એવો પ્રયોગ કરવો સર્વથા અશક્ય લાગતો હતો. પછી થોડાંક સમયમાં એ પ્રયોગ શક્ય, પણ મુશ્કેલ લાગવા માંડયો અને પછી હાલમાં આપણે એ પ્રયોગ પણ કરી શક્યા અને સિધ્ધાંતને સાચો ય માનવો પડયો...'

'પણ એને તારા રિસર્ચ સાથે શું સંબંધ?'

'એ જ હું કહું છું...' ફરીથી આંખોમાં એ જ ઝનુન, અવાજમાં એવો જ ઘુરકાટ, ચહેરા પર એવો જ ઉન્માદ... 'ડાર્વિનના સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટની આવી ગંદી મજાક ઊડાવી હોત તો? નિલ્સ બોહર, આઈઝેક ન્યુટન, હિગ્સ-બોઝોનના બેહુદા કાર્ટુન દોરાયા હોત તો? સાલી આ હરામખોર દુનિયા, આ ઉલ્લુના પઠ્ઠા જેવા કહેવાતા એક્સપર્ટ્સ મારી થિયરીને હું પ્રેક્ટિકલી સાબિત કરી શકું ત્યાં સુધી રાહ ન જોઈ શક્યા..?'

'પણ એમ તો ગેલિલિયો ગેલિલી કે કોપરનિક્સના સંશોધનની ય એમના જમાનામાં હાંસી ઊડી જ...'

'હું ગેલિલિ નથી...' તેણે બેહદ હિંસક અવાજે તરત જવાબ વાળ્યો, 'હું બેવકૂફોના હાથે જીવતેજીવ સળગી જવા કે મારી આંખો ફોડાવી નાંખવા બન્યો નથી. હું મારી જાતને સાબિત કરીશ અને પછી સાલા એકેએક બેવકૂફના રૃંવેરૃંવે મરચા ભરીશ'

અચાનક એ રંગ બદલતો હતો. ઘડીક ઉત્સાહ, ઘડીક ઉન્માદ, ઘડીક ઝનૂન, ઘડીક પીડા...

હવે ત્વરિતે સવાલ કર્યો, 'પણ તમારી થિયરીનો કશોક સાયન્ટિફિક બેઈઝ તો હોવો જોઈએ ને? તમે બે માણસના મગજ વચ્ચે ડેટા શેઅરિંગની વાત કરો તો કોઈ વૈજ્ઞાનિક આધાર વગર એ કેવી રીતે ગળે ઉતરે?'

'ગળે ન ઉતરે તો...' છેડાયેલા અવાજે તે ત્વરિત તરફ ફર્યો, '... એ તારા ગળાનો વાંક છે. હું સાચો સાબિત થાઉં પછી ગળુ કપાવીને નવું ફિટ કરાવીશ, બોલ??'

'ઓકે.. એગ્રીડ... પણ માત્ર તમે કહો એટલે એ સાચું તો સાબિત ન થઈ જાય ને? બે મગજ વચ્ચે કોઈ જ સંધાન વગર ડેટા શેઅરિંગ...'

'માય ફૂટ...' તેણે ઉશ્કેરાટભેર જવાબ વાળ્યો, 'મગજ એટલે? હજારો રસાયણોનો જમેલો જ કે બીજું કંઈ? શરીરનું નિયમન કરતી લાખો ચેતાઓનું જાળું જ કે બીજું કંઈ? બે વ્યક્તિને પરસ્પર બહુ બને તેના માટે આપણે કહીએ છીએ કે તેમની કેમિસ્ટ્રી મેચ થાય છે. વોટ ડઝ ઈટ મિન?'

'પણ તો પછી તારે એ થિયરી કેમિસ્ટ્રીના કે એવા કોઈ સાયન્ટિફિક બેઈઝ વડે સમજાવવી જોઈએ. તેમાં આ જૂની મૂર્તિઓ ઊઠાવવાનું કમઠાણ ક્યાં આવ્યું?'

'કમ ઓન, આઈ એમ પ્રોફેસર ઓફ એન્શ્યન્ટ સ્કલ્પ્ચર એન્ડ એપિગ્રાફી. મારા રિસર્ચનો છેડો સાયન્સ સુધી નીકળે છે પણ એ સમજાવવાની રીત તો મારા વિષયની જ છે. કદાચ ત્વરિત એ સમજી શકશે...'

'ઓહ નો...' ત્વરિતે તરત કહી દીધું, 'હરામ છે જો મને કશો ય અંદાજ સુધ્ધાં આવતો હોય તો...'

'વેઈટ...' ગુમાનભર્યા હાસ્ય સાથે તે ઊભો થયો અને લગેજ શેલ્ટર ભણી વાંકા વળીને કેશાવલિ મંદિરની એ મૂર્તિ ઊઠાવી ત્વરિતની વચ્ચે ધરી, 'આ મૂર્તિ જોઈને તને તો કંઈક ખ્યાલ આવ્યો જ હોવો જોઈએ...'

'અફકોર્સ યસ...' ત્વરિત અજાયબીભર્યા ચહેરે કહ્યું, 'છેક ઢીંચણ સુધી પહોંચતો મૂર્તિનો ડાબો હાથ જમણાં હાથ કરતાં લાંબો છે. છાતીના ડાબા ભાગે શૂળ કે કટાર જેવી કશીક ઝાંખી અને અસંબધ્ધ આકૃતિ છે. નરમૂંડની માળાનો ઝુકાવ પણ સીધો હોવાને બદલે જાણે પવનના વેગથી ફંટાતો હોય તેમ ડાબી તરફ વળેલો છે. આ બધા સંકેતો મૂર્તિકારની ભૂલ કે અણઘડપણું નથી. એ ચોક્કસ કશુંક સૂચવે છે. આવી મૂર્તિ હોવા વિશે ભણાવવામાં આવે છે પણ આવી કોઈ મૂર્તિ કોઈએ જોયાનું મેં ક્યાંય જાણ્યું ન હતું.'

'એક્ઝેટલી...' મંત્રમુગ્ધ થઈને સાંભળી રહેલા રાઘવને ઉદ્દેશીને તેણે કહ્યું, 'આ મૂર્તિ વિશિષ્ટ છે. યુ કેન સે, એ લાખોંમાં એક છે. ત્વરિતે આ સંકેતો પારખ્યા અને મૂર્તિ વામપંથી હોવાનો તેને ખ્યાલ આવ્યો પણ એટલું પૂરતું નથી. વામપંથી મૂર્તિમાં કેટલાંક બીજાંય સંકેતો હોય છે. એ પૂરાતન લિપિઓ, સંકેતોનો ઉકેલ આવડવો જોઈએ...'

'યસ્સ્સ...' ત્વરિતના અવાજમાં બેહદ ઉત્સુકતા વર્તાતી હતી, 'કાલિકાષ્ટકમ્ના ચાર ચરણ પછી પાંચમી પંક્તિ અને આ બધા સંકેતો જોઈને જ હું તો બેહોશ થઈ ગયો હતો, પણ બીજા સંકેતો તો મને નથી સમજાયા'

'લૂક એટ ધીસ...' સોફાની પાસેના ડ્રોઅરમાંથી મેગ્નિફાઈંગ લેન્સ કાઢીને તેણે મૂર્તિ પર ફેરવવા માંડયો, 'બારીકાઈથી જુઓ... અહીં નરમૂંડની માળા, અસૂરના રક્ત ટપકતાં મસ્તક પર આડા-ઊભા લીટા જેવું કશું વંચાય છે? મૂર્તિના કપાળ પર, છાતી પર હારબંધ કશીક કોતરણી, એકસમાન લાગતા કાપા જેવું કંઈ દેખાય છે? ઢંગધડા વગરની લાગતી એ એક ભાષા છે અને એ ભાષામાં એક મંત્ર...'

તેનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ રાઘવ ખડખડાટ હસી પડયો, 'વોટ અ જોક યાર...'

'તને જોક લાગે છે?' તે રાઘવ સામે તાડુક્યો.

'જોક નહિ તો બીજું શું? આ તો પેલી પાગલની વાર્તા જેવું છે. પાગલોની મનોસ્થિતિનો અભ્યાસ કરતો એક ચિકિત્સક પાગલોને ખુલ્લા મેદાનમાં લઈ ગયો અને વાદળો બતાવ્યા. કોઈકને તેમાં ઘોડો પાણી પીતો હોય તેવો આકાર લાગ્યો, કોઈકને વળી હનુમાનદાદા સંજીવની લઈને ઊડતા દેખાયા તો કોઈકને તેમાં સરદારજી જેવા દાઢી-પાઘડીનો આકાર પણ વર્તાયો. માય ડિઅર, આવા કાપા-લીટા-ચિતરામણમાં તો કંઈ અર્થ શોધવાનો હોય?'

એ ઘડીક રોષભરી આંખે રાઘવને, ઘડીક ત્વરિતને જોઈ રહ્યો. તેની આંખો પહોળી થઈ રહી હતી. ગોરા-ફિક્કા ચહેરા પર લાલાશ તરી આવી હતી. કપાળ પર ધસી આવતા ભુખરા વાળ ઝાટકાભેર હટાવીને તેણે એક બટન પ્રેસ કરીને બે કમ્પાર્ટમેન્ટ વચ્ચેનું શટર ખોલ્યું.

શટરના અવાજથી ચોંકેલા ઝુઝારે આ તરફ જોયું અને તંદ્રાવસ્થામાં બેઠેલો છપ્પન પણ અંદર ડોકાયો.

''તમારી બંનેની ઊંઘ બગાડવા માટે સોરી, પણ મારે તમને ચારેયને એક વાક્ય કહેવું છે. તમે દરેક તમારી રીતે જે અર્થ સૂઝે એ મને કહેજો.'

અચાનક આ શું ઉખાણા જેવું પૂછાઈ રહ્યું છે તેનું આશ્ચર્ય ઝુઝાર અને છપ્પનના ચહેરા પર વિંઝાતું હતું. રાઘવ મનોમન આ ભેજાંબાજ આદમીની ટિચિંગ મેથડ અને નોલેજથી પ્રભાવિત થઈ રહ્યો હતો.

આંખ મિંચીને મનોમન તેણે કશુંક વિચાર્યું અને પછી ઝુઝારની સામે જોઈને બોલ્યો, 'ડેલ્ટા એસ ઈઝ ઈક્વલ ટુ ડેલ્ટા એચ માઈનસ ડેલ્ટા જી ડિવાઈડેડ બાય ટી.. ચાલ બોલ, તને શું સમજાયું?'

'કપાળ તારા બાપનું...' ઝુઝારના હોઠ પર આવી ગયું પણ કંઈ બોલ્યા વગર તેણે કંટાળાભેર ડોકું ધુણાવીને નનૈયો ભણી દીધો.

'બોલ, તું શું સમજ્યો?' તેણે છપ્પનને પૂછ્યું.

'મને તો યાર...' તેણે દયામણાભાવે જવાબ વાળ્યો, 'તેં શું પૂછ્યું એ જ સમજાયું નથી..'

'હું રિપિટ કરું છું, ટ્રાય કર... ડેલ્ટા એસ ઈઝ ઈક્વલ ટુ ડેલ્ટા એચ માઈનસ ડેલ્ટા જી ડિવાઈડેડ બાય ટી, હવે બોલ...'

'તું યાર...' છપ્પને બે હાથ જોડયા અને પછી રાઘવ-ત્વરિત તરફ આંગળી ચિંધી, 'આ બેય બહુ ભણેલા છે. તું એમની સાથે જ લમણાં લે અને મારું ભેજું ન ખા... તને વારંગલની મૂર્તિ ઊઠાવી દઈશ પણ આ રીતે મારા મગજની નસો ન ખેંચ, પ્લિઝ...'

તે રાઘવ અને ત્વરિત તરફ જોઈને ખડખડાટ હસી પડયો, 'હવે તમે બેય અર્થ કહેશો કે હું એ સેન્ટેન્સ રિપિટ કરું?'

બંનેના ચહેરા પર શરણાગતિના ભાવ જોઈને તેણે હળવાશભેર કહ્યું, 'તમને સૌને જે વાક્ય સાંભળીને જોક સાંભળ્યાની અનુભૂતિ થાય છે અથવા તો કોયડા જેવું લાગે છે એ જ વાક્ય જો હું ભૌતિકશાસ્ત્રના જાણકારને કહું તો એ તરત સમજી જશે કે આ તો થર્મોડાયનેમિક્સના ત્રીજા નિયમનું સૂત્ર છે...'

સોફાને અઢેલીને એ આરામથી બેઠો અને વિજયી અદાથી પગ પર પગ ચડાવતા રાઘવ તરફ જોયું, 'તું જેને સોલ્ટ તરીકે ઓળખે છે તેને રસાયણવિજ્ઞાની H2O કહે તો એ ખોટો નથી પણ તારી સમજણની આંખે અધૂરપના ડાબલા ચડેલા છે.'

તેણે ફરીથી મૂર્તિ હાથમાં લીધી. ફરીથી મેગ્નિફાઈંગ લેન્સ તેના પર ફેરવ્યો, 'હું કહું છું કે આ મૂર્તિ પર ઈસ્વીસનની બીજી સદી આસપાસ શક જાતિ દ્વારા વપરાતી ખરોષ્ઠિ લિપિમાં મંત્ર લખાયો છે અને તને જો હસવું આવે તો એ તારી સમજની મર્યાદા છે. તને આ આડા-ઊભા લીટા, કાપા, કઢંગા ચિતરામણ લાગે છે અને મને તેમાંથી એક બેનમૂન અર્થ પ્રગટતો દેખાય છે. વોટ આઈ મિન ટુ સે? તને ખબર નથી માટે તને એ ફની અથવા તો મેજિકલ અથવા તો અનબિલિવેબલ અથવા તો પઝલ જેવું લાગે છે, પણ તને ખબર ન હોય એટલે હકિકત ન બદલાઈ જાય...'

રાઘવના ચહેરા પર વાવાઝોડાં પછીનો સન્નાટો હતો. છપ્પન અને ઝુઝાર દિગ્મૂઢ થઈને તેને જોઈ રહ્યા હતા. ત્વરિત પ્રચંડ અચંબાથી અહોભાવભરી મૌન, સ્તબ્ધ આંખે તેને જોઈ રહ્યો હતો અને તેણે બેય હાથ હવામાં પસાર્યા અને બુલંદ અવાજે કહ્યું, 'અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા... ચક્ષુઃ ઉન્મિલિતં યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ... અજ્ઞાનરૃપી અંધકારથી અંજાયેલી મારી આંખોમાં જ્ઞાનનો ઉજાસ જે આંજે છે એવા ગુરુને હું નમસ્કાર કરું છું...'

એ ઘડીક ચૂપ થઈને બારીની બહાર જોતો રહ્યો અને આ ચારેયના ચહેરા પર દિગ્મૂઢપણાનો ભાવ અંકાતો ગયો.

ત્યારે ટેમ્પો ટ્રાવેલર રેવાલ ચાલે સૂમસામ સડક પર એકધારા વેગથી આગળ વધી રહી હતી

'આપણે વારંગલમાં પ્રવેશી રહ્યા છીએ...' તેણે શટર ખોલીને છપ્પનને ઝકઝોર્યો એ સાથે બીજા ત્રણેય હોશમાં આવ્યા. કલાકોની સ્તબ્ધતા હજુ ય એ દરેકના ચહેરા પર સ્પષ્ટ વર્તાતી હતી.

'મેં કહ્યું તેમ, આ સંકેત પ્રતિમા છે...' પછી ત્વરિતના ખોળામાં કેટલાંક ફોટોગ્રાફ્સ મૂક્યાં અને રાઘવ તરફ જોઈને કહ્યું, 'કાલે સાંજે જો છપ્પન આ મૂર્તિ આખેઆખી ઊઠાવીને લાવશે તો મોડી રાત સુધીમાં હું આ આડા-ઊભા લીટા, કાપા, કઢંગા ચિતરામણમાંથી મેં નીપજાવેલો અર્થ તને કહીશ...' પછી ત્વરિત તરફ જોઈને ઉમેર્યું, '..અને પછી ય જો તારા ગળે ન ઉતર્યું તો ગળુ કાપીને તારા હાથમાં દઈ દઈશ...'

તેના અવાજમાં ખુન્નસ હતું કે હળવાશ? રાઘવ કળી શકતો ન હતો અને ત્વરિતને એ કળવાના હોશ ન હતા. એ તસવીરમાં દેખાતું મંદિર, મંદિરની અંદરનો એક જર્જરિત થાંભલો અને થાંભલાની વચ્ચે જડેલી પ્રતિમાને ધારી-ધારીને એ જોઈ રહ્યો હતો...

વર્તુળાકારમાં પ્રસરેલી નાના કદની આઠ પ્રતિમાઓને વાયરના ગુંચળા જેવી કોતરણી વડે પરસ્પરસ સાંકળતી મધ્યસ્થ નવમી પ્રતિમા...

એ સંકેત પ્રતિમા હતી.

*** ***

અત્યાર સુધી સડસડાટ દોડતી ટેમ્પો ટ્રાવેલરનો વેગ હવે ધીમો પડયો હતો. કોણ ગાડી ડ્રાઈવ કરે છે એ સવાલ જ આ ચારેય જણા વિસરી ચૂક્યા હતા. બહાર ઝરમર ઝરમર વરસાદ વચ્ચે વાહનોના હોર્ન સંભળાઈ રહ્યા હતા....

- અને હોર્નના એ શોરબકોર વચ્ચે સંભળાઈ રહ્યો હતો એનફિલ્ડ બુલેટના ફાયરિંગનો અવાજ...

ઢગ્..ઢગ્..ઢગ્..ઢગ્..ઢગ્

(ક્રમશઃ)