Once Upon a Time - 40 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 40

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 40

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 40

અંડરવર્લ્ડકથાને થોડીવાર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ વાળી. અંડરવર્લ્ડ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કનેકશનની વાત કરતા વળી એકવાર પપ્પુ ટકલાના ચહેરા પર ચમક આવી ગઈ.

તેણે એની જિંદગીની કિતાબનું એક વધુ પાનું અમારી સામે ખુલ્લું મૂકતા કહ્યું, ‘અંડરવર્લ્ડમાં ગયા પહેલા હું કવિતાઓ અને વાર્તાઓ લખતો હતો. મેં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ નસીબ અજમાવી જોયું હતું. એ વખતે સલીમ-જાવેદનેય ટક્કર મારે એવા પ્લોટ મારી પાસે હતા, પણ કોઈ નિર્માતા કે દિગ્દર્શકે મારી સ્ટોરીમાં રસ દાખવ્યો નહીં. ઘણા નિર્માતા કે દિગ્દર્શક સુધી તો પહોંચવાનો ચાન્સ જ મને મળ્યો નહીં, પણ એ પછી હું અંડરવર્લ્ડમાં ગયો અને ટોચના ભાઈલોગ સાથે મારી ઉઠબેસ શરૂ થઈ. એ પછી ઘણા હિન્દી ફિલ્મ ડિરેક્ટર્સ-પ્રોડ્યુસર્સને મેં ભાઈલોગ સામે લળીલળીને સલામ ઠોકતા જોયા. ઘણા ફિલ્મ ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ અમારા બોસ સામે અદબ વાળીને ઉભા હોય અને બોસ એને ગાળો ચોપડાવીને બે કોડીના કરી નાખે એવા દ્રશ્યો પણ મેં મારી સગી આંખે જોયા છે. એવું બધું જોઈને મને બહુ મજા પડતી. મનેય મોકો મળતો ત્યારે હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખેરખાં ગણાતા નમૂનાઓને ઉતારી પાડતો અને અમારા એવા વર્તાવ છતાં તેઓ અમારી સાથે હસીને વાત કરે ત્યારે મને સંતોષ થતો. હું અંડરવર્લ્ડમાં સિનિયર બની ચુક્યો હતો અને એ વખતે ધાર્યું હોત તો ત્યારે ઘણા પ્રોડ્યુસર્સ–ડિરેક્ટર્સને મારી સ્ટોરી પરથી ફિલ્મ બનાવવાની ફરજ પાડી શક્યો હોત, પણ ત્યારે તો મારી પોતાની જિંદગી કોઈ ફિલ્મની સ્ટોરી જેવી બની ગઈ હતી...’

પપ્પુ ટકલા એની હાંકવા માંડ્યો એટલે પોલીસ ઓફિસર મિત્રએ એને હળવા ટોનમાં ટપાર્યો. જોકે અમે પપ્પુ ટકલાની ત્રણ નબળાઈ (ફાઈવફાઈવફાઈવ સિગરેટ, બ્લેક લેબલ, અને ફિલ્મ રાઈટર બનવાના એના અધૂરા ઓરતા) બરાબર સમજી ગયા હતા. એટલે તેને સારું લગાડવા અમે કહ્યું કે, ભવિષ્યમાં એક ‘રિટાયર્ડ ‘ભાઈ’ની જીવનકથા’ એવા ટાઈટલ હેઠળ તમારી લાઈફ સ્ટોરીની સિરિઝ આપણે તૈયાર કરીશું.

પપ્પુ ટકલાએ ફરી મેઈન ટ્રેક પર આવીને નવેસરથી વાત શરૂ કરી, ‘સતીશ રાજેના કમોત પછી દાઉદનો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથેનો સંબંધ તુટ્યો નહીં પણ ઓર ગાઢ બન્યો હતો. આપણા ફિલ્મસ્ટાર્સને નજરે જોઈને કે એમના ઓટોગ્રાફ લઈને એમની સાથે ફોટો પડાવીને આપણા દેશના ઘણા જુવાનિયાઓ એક વેંત અધ્ધર ચાલતા હોય છે. બસ, એવી જ સ્થિતિ મોટાભાગના હિન્દી ફિલ્મસ્ટાર્સ અને દાઉદ ઈબ્રાહીમ વચ્ચે હતી. હિન્દી ફિલ્મસ્ટાર્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા માંધાતા પ્રોડ્યુસર્સ-ડિરેક્ટર્સ દુબઈ જઈને દાઉદની મહેમાનગતિ માણવામાં ગૌરવ અનુભવતા થઇ ગયા હતા. દુબઈથી પાછા આવ્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માંધાતાઓ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોલર ઊંચો કરીને ફરવા માંડતા હતા. કેટલાક ફિલ્મનિર્માતાઓ તો દાઉદ પાસેથી વ્યાજે અથવા ઉછીના પૈસા લાવીને એ પૈસા ફિલ્મનિર્માણમાં લગાવવા માંડ્યા હતા. અનીલ કપૂર અને બોની કપૂર તો દાઉદની સાથે બેસીને શારજાહના સ્ટેડિયમમાં ક્રિકેટ જોતા નજરે પડતા હતા.

ટૂંકમાં દાઉદ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હીરો-હિરોઈનોનો હીરો બની ગયો હતો! ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મથી મશહૂર બની ગયેલી મંદાકિની દાઉદ સાથે એની પત્નીની જેમ રહેવા માંડી હતી. જ્હોની લીવર જેવા કોમેડિયન મર્કટવેડા કરીને દાઉદને ખુશ કરવા દુબઈ પહોંચી જતા હતા. આવી જ એક મહેફિલમાં જ્હોની લીવરે આપણા દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું. એ માટે મુંબઈની કોર્ટે જ્હોની લીવરની શાબ્દિક ધુલાઈ કરીને એને સજા ફટકારી હતી.

દાઉદ સાતમા આસમાનમાં વિહરી રહ્યો હતો. મુંબઈ પોલીસના એક સામાન્ય કોન્સ્ટેબલનો દીકરો પોતાની આંગળીના ટેરવે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નચાવી શક્યો હતો અને સાથે એના બીજા બધા ખેલ તો ચાલુ જ હતા. મજાની વાત એ હતી કે ૧૯૮૪માં સમદ ખાનની હત્યા પછી દાઉદ સામે એક પણ કેસ નોંધાયો નહોતો અને દાઉદ ફિલ્મસ્ટાર્સની સંગતમાં જિંદગીની મઝા લૂંટી રહ્યો હતો. આવી જ રીતે દાઉદ ટોચના હીરો-હિરોઈન્સ સાથે એક પાર્ટીમાં મહાલી રહ્યો હતો ત્યારે એને એક કડવા સમાચાર મળ્યા હતા અને તેનું માથું ભમી ગયું હતું!’

***

દુબઈમાં દાઉદની હિંદી ફિલ્મસ્ટાર્સ સાથેની પાર્ટીની વાત કરતા-કરતા પપ્પુ ટકલાના ચહેરા પર હાસ્ય તરી આવ્યું હતું. ‘તમને થોડી રસપ્રદ માહિતી આપીને પછી દાઉદને એ પાર્ટીમાં શું સમાચાર મળ્યા હતા એ કહું છું.’ ફાઈવફાઈવફાઈવનો કશ લઈને ધુમાડો છોડતા એણે વાત આગળ ચલાવી, ‘દાઉદની જેમ એના ભાઈઓને પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રત્યે ગજબનું વળગણ હતું. તમને કે તમારા વાચકોને ખબર નહીં હોય, પણ દાઉદનો ભાઈ નૂરા તો પોતાને કવિ માનતો હતો. એણે ઋષિ કપૂર, અનુપમ ખેર, અને ઉર્મિલા માંતોડકરના રોલવાળી ફિલ્મ ‘મિસ્ટર આશિક’ સહિત અનેક હિન્દી ફિલ્મ્સના ગીતો પણ લખ્યાં હતાં! તો વળી દાઉદના ભાઈ અનીસે મુંબઈના વાંદરા વિસ્તારમાં મંજરી એપાર્ટમેન્ટમાં રીતસર ફિલ્મ ફાઈનાન્સની ઑફિસ ખોલી હતી. અનીસ એ ઑફિસ સૈયદ ટોપીની મદદથી ચલાવતો હતો.

દાઉદનું નામ મંદાકિની સાથે જોડાયું એ અગાઉ દાઉદ રાધિકા નામની સી ગ્રેડની હિરોઈનના પરિચયમાં આવ્યો હતો. હૈદરાબાદના એક પ્રોડ્યુસરે ‘સાત સૂરોં કે પાર’ નામની ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી. પણ પૈસાના અભાવે એ ફિલ્મ અટકી પડી ત્યારે એ ફિલ્મની હિરોઈન રાધિકાએ કપડાના એક વેપારીની મદદથી દાઉદનો સંપર્ક સાધ્યો હતો. એ પછી દાઉદ અને રાધિકા વચ્ચે ‘દોસ્તી’ થઈ ગઈ હતી. રાધિકા સાથે પરિચય થયો ત્યારે દાઉદ ધીમે ધીમે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નજીક આવ્યો. એક સંગીતકાર બેલડી અને એક જાણીતા ગાયક તો દાઉદના વચેટિયા તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા બની ગયા હતા. આ વાત ૧૯૮૪ની છે. દાઉદે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો પછી અનીસના આગ્રહથી મુંબઈના વાંદરા વિસ્તારમાં ઑફિસ ખોલી હતી, જોકે એ ઑફિસ લાંબો સમય ચાલી નહોતી.’

પપ્પુ ટકલાની આ એક તકલીફ હતી, પણ દાઉદની જેમ એને પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પ્રત્યે વળગણ હતું. એટલે એની વાત રસ દાખવીને સાભળ્યા વિના છૂટકો નહોતો. જોકે આ વખતે પપ્પુ ટકલાએ અમારી બહુ કસોટી કર્યા વિના દુબઈની ફિલ્મ પાર્ટીની વાતનો દોર સાધી લીધો. બ્લૅક લેબલનો ઘૂંટ ભરતાં એણે કહ્યું, ‘દાઉદને ફિલ્મ પાર્ટી દરમિયાન જ સમાચાર મળ્યા કે મહારાષ્ટ્રમાં સત્પતી પાસે દરિયા કિનારેથી એની દાણચોરીથી મુંબઈ લઈ જવાઈ રહેલી ૧૨ ટન ચાંદી પકડાઈ ગઈ છે. દાઉદ ઈબ્રાહિમે આ ક્ન્સાઈન્મેન્ટ પાર પાડવાનું કામ માઈકલ કાણિયાને સોપ્યુ હતું. માઈકલ કાણિયા દુબઈથી ‘અલ નાદિયા’ નામની અત્યાધુનિક મોટરબોટમાં ૧૨ ટન ચાંદી સાથે મુંબઈના વસઈ ઉપનગર તરફ રવાના થયો હતો, પણ કસ્ટમ્સના મરીન એન્ડ પ્રિવેન્શન વિભાગના અધિકારીઓએ એને સત્પતીના દરિયા કિનારાથી થોડે દૂર આંતર્યો હતો. કસ્ટમ ડિપાર્ટમેન્ટની ટીમે બે બોટમાં ‘અલ નાદિયા’ નો પીછો કરીને માઈકલ કાણિયાને રૂપિયા સાડા આઠ કરોડની ચાંદી સાથે પકડી પાડ્યો. માઈકલ કાણિયાએ કસ્ટમ અધિકારીઓને કહી દીધું કે આ ચાંદીનો જથ્થો દાઉદ ઈબ્રાહીમનો છે. અને ભાઈ ઠાકુરને પહોચાડવાનો છે. કસ્ટમ અધિકારીઓએ દાઉદ અને ભાઈ ઠાકુર સામે સ્મગલિંગનો કેસ નોંધ્યો. પૂરા છ વર્ષ પછી ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૧ ના દિવસે દાઉદ સામે કોઈ કેસ નોધાયો હતો. દાઉદનો મૂડ માર્યો ગયો અને એણે તરત જ મુંબઈમાં ટાઈગર મેમણને ફોન જોડ્યો.

***

(ક્રમશ:)