From the Earth to the Moon (Sequel) - 23 in Gujarati Short Stories by Jules Verne books and stories PDF | ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 23

Featured Books
Categories
Share

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 23

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ

(સિક્વલ)

પ્રકરણ ૨૩

સંપૂર્ણ

આપણને એ યાદ જ છે કે જ્યારે મુસાફરો રવાના થયા હતા ત્યારે તેમની સાથે કેટલી બધી લાગણીઓ જોડાઈ હતી. જો સાહસના શરૂઆતમાં જૂની અને નવી પેઢીમાં લાગણીઓની ઉત્તેજના એટલી ઉંચાઈએ હતી તો વિચાર કરો કે તેમના પરત આવવા પર ઉત્સાહની સીમા કેટલી હશે! લાખો લોકોએ ફ્લોરીડાના દ્વિપકલ્પને ઘેરી લીધો હતો શું તે લોકો આ ઉત્કૃષ્ટ સાહસિકોને મળવા તેમને ઘેરી વળશે નહીં? અજાણ્યા લોકોની ફોજ જે સમગ્ર વિશ્વમાંથી અમેરિકાના દરિયાકિનારે આવી પહોંચી હતી શું તે લોકો બાર્બીકેન, નિકોલ અને માઈકલ આરડનની એક ઝલક પામ્યા વગર ત્યાંથી જતા રહેશે? ના! જનતાનો ઉત્સાહી જુવાળ આ સાહસની મહાનતા પ્રત્યે જે રીતે ઉમટી પડ્યો હતો તેનો વ્યવસ્થિતપણે જવાબ આપવો જરૂરી હતો. પૃથ્વી પરના પ્રાણીઓ જેઓ ચન્દ્રના વાતાવરણમાં ગયા હતા અને અવકાશની તેમની આ અજાયબ સફર બાદ ધરતી પર પરત આવ્યા હતા તેમનું તો પૈગંબર એલિયાસના ધરતી પર આવવા જેવું જ સ્વાગત થવું જોઈએ. તેમને સહુથી પહેલા જોવા, પછી તેમને સાંભળવા આ વૈશ્વિક ઝંખના બની ગઈ હતી.

બાર્બીકેન, માઈકલ આરડન, નિકોલ અને ગન ક્લબના પ્રતિનિધિઓએ જરા પણ વાર કર્યા વગર બાલ્ટીમોર પરત થયા જ્યાં તેમનું અદભુત ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું. બાર્બીકેનની સફરની નોંધ લોકોમાં વહેંચવા માટે તૈયાર કરવામાં આવી. ન્યૂયોર્ક હેરાલ્ડે તેની હસ્તપ્રત એક અજાણી કિંમતે ખરીદી લીધી, જે કદાચ ખૂબ મોટી હશે. ખરેખર, જ્યારે ‘અ જર્ની ટૂ ધ મૂન’ પ્રકાશિત કરવામાં આવી ત્યારે આ અખબારનું વેચાણ પાંચ મિલિયન કોપી જેટલું થયું. મુસાફરોના ધરતી પર પરત આવ્યાના ત્રણ દિવસ બાદ તેમના પ્રવાસની નાનામાં નાની માહિતી ખબર પડી ગઈ. હવે આ અદભુત સાહસના નાયકોને જોવા સિવાય બીજું કશું જ બાકી ન હતું.

બાર્બીકેન અને તેમના મિત્રોની ચન્દ્રની આસપાસની સફરે ચન્દ્ર વિષેની ઘણી જૂની માન્યતાઓને બદલવાની ફરજ પાડી. આ પંડિતોએ ખાસ સંજોગોમાં બધું જ પોતાની નરી આંખે નિહાળ્યું હતું. તેમને ખબર હતી કે કઈ પદ્ધતિને નકારવાની છે અને કઈ પદ્ધતિને જાળવી રાખવાની છે જેથી ચન્દ્રની બનાવટ, તેનું મૂળરૂપ અને તેના વસવાટ અંગે સાચી માહિતી મળી રહે. તેનો ભૂતકાળ, તેનો વર્તમાન અને ભવિષ્ય અંગે છેલ્લા જાણવામાં આવેલા રહસ્યોને ભૂલી જવાના હતા. કોણ આ પ્રામાણિક નિરીક્ષકોની વાતો વિષે વાંધો ઉઠાવી શકવાનું હતું જેમણે ચોવીસ માઈલથી પણ ઓછા અંતરથી ટાયકોનો પર્વત જોયો હતો જે ચન્દ્રના પર્વત વિજ્ઞાનની સહુથી અજાયબ પદ્ધતિ હતી? આ પંડિતો જેમણે પ્લુટોના વર્તુળને ભેદીને દ્રશ્યો જોયા હોય તેમને કોઈ કેવી રીતે જવાબ આપી શકે? આ શુરવીરો જેમને તેમના સાહસ દરમ્યાન ચન્દ્રની અદ્રશ્ય બાજુ જોઈ હોય જેને આજ દિન સુધી કોઈએ નથી જોઈ તેમની વાત પર વાંધો કોણ ઉઠાવી શકવાનું છે? હવે તેમનો વારો હતો જે ચન્દ્ર વિજ્ઞાનની મર્યાદા બાંધે જેમ કુવીરે એક હાડપિંજરનું અધ્યયન કરીને કહ્યું હતું કે ચન્દ્ર પર પૃથ્વી પહેલા માનવ વસવાટ હતો. પરંતુ હવે ખબર પડી છે કે ચન્દ્ર એક એવી દુનિયા છે જ્યાં પહેલા પણ માનવ વસવાટ શક્ય ન હતો અને આજે પણ નથી.

પોતાના સહુથી નામાંકિત સભ્ય અને તેમના બે મિત્રોના પરત આવવાની ઉજવણી કરવા ગન ક્લબે એક ભોજન સમારંભ ગોઠવવાનું નક્કી કર્યું, પરંતુ આ ભોજન સમારંભ આ સાહસિકોના કાર્યના મૂલ્ય જેટલો અને અમેરિકન લોકોના ગર્વ જેટલો ભવ્ય હોવો જરૂરી હતો અને આ પરિસ્થિતિ જ એવી હતી કે જે મુજબ આ સમારંભમાં સમગ્ર દેશ સામેલ થાય.

રાજ્યના તમામ રેલમાર્ગોને એકબીજા સાથે જોડવામાં આવ્યા, દરેક પ્લેટફોર્મ પર એક જ પ્રકારના ધ્વજ અને સુશોભન સામગ્રીથી શણગારવામાં આવ્યા અને અહીં એક સરખા ટેબલો ગોઠવવામાં આવ્યા અને દરેક ટેબલ પર એક સરખી રસોઈ પીરસવામાં આવી. ઇલેક્ટ્રિક ઘડિયાળો દ્વારા ભારે જહેમત બાદ નક્કી કરવામાં આવેલા ખાસ કલાકોમાં લોકોને ભોજન સમારંભના ટેબલો પર પોતાનું સ્થાન લેવાનું કહેવામાં આવ્યું. પંચમીથી નવમી જાન્યુઆરી એમ ચાર દિવસ સુધી અમેરિકાથી આવતી દરેક ટ્રેન અહીં થોભી અને દરેક માર્ગ ખુલ્લા રાખવામાં આવ્યા. એન્જીનોને તેની મહત્તમ ગતિએ દોડાવવામાં આવ્યા અને સમગ્ર અમેરિકાના રેલમાર્ગો પર ચાર દિવસ સુધી લોકોને મુસાફરી કરવાનો હક્ક મળ્યો.

ખાસ ટ્રેનના એન્જીન પર ગન ક્લબના સેક્રેટરી માનનીય જે ટી મેટ્સનના કહેવાથી ડ્રાઈવર ઉપરાંત બે સાથીઓ મુકવામાં આવ્યા. એક ખાસ ડબ્બો પ્રમુખ બાર્બીકેન, કર્નલ નિકોલ અને માઈકલ આરડન માટે આરક્ષિત રાખવામાં આવ્યો. ડ્રાઈવર દ્વારા જેવી વ્હિસલ મારવામાં આવી કે હર્ષોલ્લાસ અને અમેરિકન ભાષામાં થયેલા સુત્રોચ્ચાર બાદ ટ્રેન બાલ્ટીમોરના પ્લેફોર્મથી નીકળી. તે દર કલાકના એકસો સાઈઠ માઈલની ઝડપે ચાલી રહી હતી. પરંતુ શું આ ગતિને કોલમ્બિયાડમાંથી મુસાફરીએ નીકળેલા ત્રણ મુસાફરોની ગતિ સાથે સરખાવી શકાય ખરી?

આમ તેઓ એક નગરથી બીજા નગર ઘૂમ્યા, માર્ગ પર તમામ જનતાને ટેબલ પર જોઈ જે તેમને સલામ કરી રહી હતી અને તેમની વીરતાની પ્રશંસા કરી રહી હતી! તેઓ આ રીતે દેશનો સમગ્ર પૂર્વ ભાગ ફરી વળ્યા જેમાં પેન્સીલવેનિયા, કનેક્ટીકટ, મેસેચ્યુસેટ્સ, વર્મોન્ટ, મેઈન અને ન્યૂ હેમ્પશાયર હતા, તો ઉત્તર પશ્ચિમમાં ન્યૂયોર્ક, ઓહાયો, મિશિગન અને વિસ્કોન્સીન હતા, દક્ષિણ તરફ પરત ફતા ઈલીનોઈ, મિઝુરી, આર્કેન્સોલ, ટેક્સાસ અને લુઈઝીયાના ગયા; દક્ષિણપૂર્વમાં અલાબામા અને ફ્લોરીડા ગયા ઉપર જતા જ્યોર્જીયા અને કેરોલીનાઝ ગયા, કેન્દ્રમાં ટેનેસી, કેન્ટકી, વર્જીનીયા અને ઇન્ડિયાના ગયા અને વોશિંગ્ટન સ્ટેશન છોડ્યા બાદ તેઓ ફરીથી બાલ્ટીમોરમાં પ્રવેશ્યા, અને ચાર દિવસ સુધી સમગ્ર અમેરિકામાં લોકો એક વિશાળ ભોજન સમારંભમાં સામેલ થયા જેમાં તેમણે એક સરખા હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે તેમને સલામ કરી. એક રીતે જોવા જઈએ તો આ ત્રણ શુરવીરોનું દૈવીકરણ યથાર્થ હતું, તેમને પરીકથાઓમાં પણ યોગ્ય સ્થાન આપી શકાય તેવું હતું.

અને હવે આ પ્રયાસ બાદ, જે મુસાફરીની બાબતે અભૂતપૂર્વ હતો, શું તેનાથી કોઈ વ્યવહારુ પરિણામ નીકળી આવ્યું ખરું? શું ચન્દ્ર સાથે સીધો સંપર્ક ક્યારેય સ્થાપિત થઇ શકશે? શું તેઓ ક્યારેય સૂર્યમંડળની મુસાફરી કરી શકવા સક્ષમ બનશે? શું તેઓ એક ગ્રહથી બીજા ગ્રહ એટલેકે જ્યુપિટરથી મર્ક્યુરી અને થોડા સમય બાદ એક સિતારાથી બીજા સિતારા પર મુસાફરી કરી શકશે? શું આ મુસાફરી આપણને એ સૂર્યોની મુલાકાત લેવામાં સમર્થ બનાવી શકશે જે વાતાવરણમાં તરી રહ્યા છે?

આ પ્રકારના પ્રશ્નોના કોઈ ઉત્તર હોતા નથી. પરંતુ એન્ગલો-સેક્સન જાતિની હિંમતપૂર્ણ ચતુરાઈને જોતા, જો અમુક અમેરિકનો પ્રમુખ બાર્બીકેનના પ્રયાસનો જરા સરખો ઉપયોગ કરશે તો તેમાં કોઈને પણ નવાઈ લાગવી જોઈએ નહીં.

મુસાફરોના પરત થયા બાદ થોડા સમય પછી નેશનલ કંપની ઓફ ઇન્ટરસ્ટેલરી કમ્યુનિકેશન દ્વારા જનતા માટે એક ખાસ લાભ જાહેર કરવામાં આવો જેમાં સો મિલિયન ડોલર્સની મૂડીને દસ કરોડ શેર્સમાં વહેંચી દઈને એક એક હજાર ડોલર્સના એક લાખ શેર્સ બનાવીને જનતામાં વહેંચવામાં આવ્યા. પ્રમુખ બાર્બીકેન, ઉપપ્રમુખ, કેપ્ટન નિકોલ, સેક્રેટરી જે ટી મેટ્સન અને માઈકલ આરડનને તેના ડિરેક્ટર બનાવવામાં આવ્યા.

અને આ વ્યાપારમાં પહેલેથી જ સાવચેતી રાખવાના અમેરિકન સ્વભાવ હેઠળ કરવામાં આવ્યું હતું અને તેમાં નિષ્ફળતાને ધ્યાનમાં રાખતા માનનીય હેરી ટ્રોલોપ જેઓ જજ કમિશનર હતા અને ફ્રાન્સીસ ડ્રેટન જેઓ મેજીસ્ટ્રેટ હતા તેમને અગાઉથી જ ડિરેક્ટર બનાવી દેવામાં આવ્યા હતા!

સંપૂર્ણ