Ran Ma khilyu Gulab - 23 in Gujarati Short Stories by Sharad Thaker books and stories PDF | રણમાં ખીલ્યું ગુલાબ - 23

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

રણમાં ખીલ્યું ગુલાબ - 23

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(23)

“શ્રીમાન લેખકશ્રી, મારી ઉંમર ત્યારે સતર વર્ષની હતી અને તેની માત્ર બાર જ વર્ષની. સમાજના રીવાજ મુજબ મારી બાર વર્ષની ઉંમરે જ વિવાહની વાત નક્કી કરી દેવામાં આવી હતી. તે જમાનામાં વિવાહ થાય એટલે લગ્નની વાત પાક્કી જ થઇ ગઇ. કહેવાય. ગમે તે કારણ હોય, પણ વિવાહ ફોક થાય જ નહીં. હું મેટ્રીક પાસ અને એ....”

ઉપરનો પત્ર લખનાર જૂના ખેડા જીલ્લાના પ્રખ્યાત યાત્રાધામમાં રહેતા એક વયોવૃધ્ધ સજ્જનનો છે. એમનો પરિવાર અનેક દાયકાઓથી ગુજરાતમાં મશહૂર છે. એમની એક વાનગી દેશ-પરદેશમાં ઘરે ઘરે બ્રાન્ડ નેઇમ બનીને પહોંચી ગઇ છે. ફરસાણની દુનિયામાં એમની આ વાનગીનો જોટો નથી. આ વૃધ્ધ સજ્જને આપણે બલ્લુકાકાના નામથી ઓળખીશું.

બલ્લુકાકા યુવાનીમાં મોજીલા મસ્તીભર્યા બળવંતભાઇ હતા. ધમધમતો ધંધો હતો એટલે ત્રણ-ત્રણ પેઢીઓથી ઘરમાં શ્રીમંતાઇ હતી. પણ પિતાને અચાનક ક્ષય રોગ લાગુ પડ્યો અને સમુહકુટુંબમાં નિર્ણય લેવાયો: “ બળવંતને હવે પરણાવી દેવો જોઇએ.”

બલ્લુકાકાનો પત્ર લાંબો છે પણ રસપ્રદ છે. એમની ભાષાશુધ્ધિ, લાઘવ અને શબ્દ-પસંદગી ધ્યાનકર્ષક છે. વાંચનારના મનમાં સહજ રીતે પ્રશ્ન જાગે કે આજથી લગભગ આઠેક દાયકા પહેલાં જન્મેલા આ વૃધ્ધનું લખાણ આટલું સુવાચ્ય કેમ હશે?

જવાબમાં એમના પત્રમાંથી જ જડી આવે છે: “અમારા ઘરમાં પહેલેથી જ સાહિત્યનું વાતાવરણ હતું. વાંચનની અભિરૂચી મને મારા પિતાશ્રી તરફથી વારસામાં મળી હતી. અમે પિતાશ્રીને કાકા કહેતા હતા. તેઓ ધંધામાં અતિ શ્રમ કરીને ધરે આવે અને પછી મોડી રાત સુધી પુસ્તકો વાંચતા હતા. તેમના હાથમાં શરદબાબુ, જુલે વર્નના ‘એંશી દિવસમા પૃથ્વીની મુસાફરી’ચંદ્ર પર ચઢાઇ, એન્ડ્ર કાર્નેગીનુ જીવન ચરિત્ર વિગેરે પુસ્તકો જોવા મળતાં હતા. તે જમાનામાં વીજળીનું આગમન હજુ થયું ન હતું. જમાનો ફાનસના પ્રકાશનો હતો. પિતાશ્રી મોડી રાતે એકલા પથારીમાં આડા પડીને વાંચતા હોય અને ફાનસમાં કેરોસીન ઓછું થાય તો સહેજ પાણી ઉમેરીને વાંચવાનું ચાલુ રાખતા.” પત્રનું લખાણ આપણને એકવીસમી સદિમાંથી ઉપાડીને વીસમી સદિના બીજા-ત્રીજા દશકમાં લઇ જાય છે. તત્કાલીન ભારતવર્ષના સમાજ જીવનનુ ચિત્ર દર્શાવે છે. ખાધે-પૂધે સુથી, સામુહિક પરિવારોમાં કેવી રીતે લગ્ન જેવી મહત્વની બાબતમાં કેવા નિર્ણયો લેવામાં આવતા હતા એનો ચિતાર રચી આપે છે.

“પિતાશ્રીને ક્ષય રોગ લાગુ પડ્યો. એટલે એમણે ઇચ્છા વ્યક્ત કરી કે એમની હયાતિમાં જ મારા લગ્ન કરી દેવા જોઇએ. મારા કાકાનો હુકમ થયો- ‘બલ્લુ, તારે પરણવાનું છે; હા-નાનો સવાલ જ પેદા થતો નથી.’ આ મુળજીકાકા પણ જબરા હતા. એમને વ્યાયામ અને કસરતોમાં વિશેષ અભિરૂચી હતી. મજબૂત બાંધો, વિશાળ આંખો, પડછંદ શરીર. તે સમય અનુસાર અમારું સમગ્ર કુટુંબ રાષ્ટ્રીય રંગે રંગાયેલું હતું. મુળજીકાકા તો ‘42ની હિંદ છોડો’ ચળવળમાં ભાગ લઇને છ મહિનાની જેલ પણ કાપી આવ્યા હતા. આવું અમારા ઘરનું વાતાવરણ હતું.”

તે સમયે હિંદુસ્તાનના લગભગ તમામ ઘરોમાં આવું જ વાતાવરણ હતું. પરંપરાગત, રૂઢિચૂસ્ત, વડીલોનું વચન ઉથાપાય જ નહીં, લગ્ન જેવા અત્યંત મહત્વપૂર્ણ વિષયમાં પણ છોકરા કે છોકરીને પૂછવાનું જ નહીં વગેરે વગેરે. જવલ્લે જ હજારોમાંથી એકાદ યુવાન બંડ પોકારતો હશે.

કિશોર બળવંતમાં આવું બંડ પોકારવાની ન તો હામ હતી, ન ઇચ્છા હતી.

લગ્ન લેવાયા. ત્યાં સુધી વર-કન્યા ક્યારેય મળ્યા પણ ન હતા. એકબીજાને જોવાનો કે વાતચીત કરવાનો તો સવાલ જ પેદા થતો ન હતો. આજના ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનના યુગ માટે આ ઘટના હાસ્યાસ્પદ લાગે. ડેટીંગ કરવું, સાથે ફિલ્મો જોવી, કલાકોના કલાક સુધી એકબીજાની આંખોમાં આંખો પરોવીને બેસી રહેવું, દુનિયાભરના વિષયોની ચર્ચા કરવી, વરસાદમાં ભીંજાવું, કોઇ ઝાડ નીચે ઊભા રહીને થરથરવું, અમેરિકન મકાઇ ભૂટ્ટા ખાવા, વરાળ નીકળતી ચાયનાં ઘૂંટ માણવા અને પછી, હા પછી જો યોગ્ય લાગે તો જ પરણવું. આવું બધું તે સમયે ન હતું.

બળવંતભાઇ વરરાજાના વેશમાં લગ્નના માંડવામાં બિરાજેલા હતા અને ગોર મહારાજે બૂમ પાડી, “કન્યા પધરાવો, સાવધાન !”

બળવંતભાઇએ તીરછી નજરે જોયું તો મામાનો હાથ પકડી ‘બાલિકા બધું’ પધારી રહી હતી.

બાર વર્ષની બાળા કેવી લાગી શકે?! સુંદર, નમણો ચહેરો, નિદોર્ષ, નમેલું મુખ, ઉજળો વાન ધીમાં ડગ ભરતી ચાલ. સફેદ રેશ્મી પાનેતરથી વિંટાયેલી કોઇ પરી જાણે ચાલી આવતી હતી! થોડીક લજ્જા, થોડીક અણસમજ અને ઘણો બધો થાક એનાં ગભરુ ચહેરા પર વાંચી શકાતો હતો. એની બહેનપણીઓ લગ્નગીતો ગાઇ રહી હતી અને એ પોતે એમાં ભાગ લઇ શકતી ન હતી એના જ કારણે કદાચ એનું મોં જરાક ચિડાયેલું લાગતુ હતું.

વરરાજાએ એક અછડતી નજર ફંકીને પોતાની જીવનસંગિનીને જોઇ લીધી. પછી નજર ફેરવી લીધી. ફેરવી લેવી જ પડે કારણ કે જો ટીકી-ટીકીને એને જોયા કરે તો ત્યાં ઉપસ્થિત સેંકડો સગાંવહાલાઓમાં ટીકાને પાત્ર ઠરે.

બલ્લુકાકાએ પત્રમાં લખ્યું છે: “ અમારી સૂહાગરાતનું વર્ણન લખવું છે, પણ ફરી કોઇ વાર....”

નો પ્રોબેલેમ, કાકા. કોઇના શયનખંડમાં ડોકિયું કરવામાં મને પણ રસ નથી. ભલે એ ખાનગી રહે. સત્ય કરતાં કલ્પના વધુ તેજ હોય છે!

પ્રભાવતી પિયરમાં હતી, ત્યારે બળવંતભાઇએ એને એક પ્રેમપત્ર લખી મોકલ્યો હતો. બાલિકાબધુ સાવ અંગુઠાછાપ ન હતી; એ લખી-વાંચી શકતી હતી. બળવંતભાઇએ હૃદયમાંથી ઊઠતા આવેગો, અરમાનો અને અપેક્ષાઓનો આખે આખો અરબી સમંદર એમાં ઠાલવી દીધો હતો. એમણે શ્રીકૃષ્ણ પર લખાયેલો રૂકમિણીનો પત્ર વાંચલો હતો. એની જ અસર તળે અહીં શ્રીકૃષ્ણે એમની રૂકમિણીને પ્રેમપત્ર લખી મોકલ્યો હતો. એમને ઇંતેઝાર હતો પ્રત્યુતરનો, પણ એ ક્યારેય મળ્યો જ નહીં.

જ્યારે પત્ની પાછી ઘરે આવી ત્યારે પતિએ ઊઘરાણી કરી, “ મારા પત્રનો જવાબ કેમ ન આપ્યો?”

પ્રભાવતીનો જવાબ મોટી મોટી શિક્ષિત, અર્વાચિન વિદૂષી મહિલાઓને ઝાંખી પાડી જાય તેવો હતો, “મને એવા લેટર-બેટરમાં રસ નથી; મારે તો તમને વાંચવા છે.”

આજે એ વાક્યને યાદ કરીને (પ્રભાવતી તો હવે આ દુનિયામાં નથી, પણ.....) બલ્લુકાકા બબડી લે છે: “તારી ભલી થાય! તું તો જબરી નીકળી!” પણ એ સમયે તો આ જવાબ સાંભળીને યુવાન પતિને અતિશય ગુસ્સો આવી ગયો હતો. હે ભગવાન! મારા જેવા ભણેલા માણસના નસીબમાં આવી અબૂધ સ્ત્રી શા માટે ઠોકી બેસાડી?!

એ દિવસથી બળવંતભાઇએ પત્નીની સાથે અબોલા લઇ લીધા. વાતચીત કરવાનું સદંતર બંધ. આવડા મોટા પરિવારમાં બધાંની ઉપસ્થિતિમાં એક કાચી વયની પત્ની જ્યારે પતિની આવી અવહેલના ઝીલતી હશે ત્યારે તેનાં મન ઉપર શું વિતતું હશે? ગુજરાતી પાંચ ચોપડી સુધી ભણેલી, નવી પરણેલી, નવાં વાતાવરણમાં આવેલી, જેણે ક્યારેય બહારની દુનિયા જોઇ ન હતી એવી એક કૂમળી પરણેતર ચૂપચાપ આ હધું સહી રહી.

બલ્લુકાકા પત્રમાં લખે છે, “ રાત્રે શયનખંડમાં પણ હું એની સાથે વાત ન કરતો. શરીર તો પોતાનો ધર્મ બજાવે જ. પણ એ સિવાય બીજો કોઇ જ સંબંધ નહીં. તેણે કોઇ દિવસ એના પિયરમાં મારા વિષે ફરિયાદ ન કરી. પ્રભાવતી સહનશિલતાની જીવતી-જાગતી દેવી હતી.”

અંતે એમના દામ્પત્યમાં એક નવાં જીવનો ઉમેરો થયો. પ્રભાવતી પ્રસૂતિ માટે પિયરમાં ગયા. પુત્રને જન્મ આપ્યો. હવે જ બળવંતભાઇની આંખો ઊઘડી. એમને પારવાર અફસોસ થયો. જે સ્ત્રીએ એમનું પડખું સેવ્યું, પાંચ-પાંચ વર્ષના સિતમો સહ્યાં, ક્યારેય ફરિયાદ ન કરી, ઘરકામ સાચવ્યું, સાસરીપક્ષના થોકબંધ સ્વજનોને સાચાવ્યા અને હવે કારમી પ્રસૂતિપીડા વેઠીને સંતાનની ભેટ આપી! આવી સહનશિલતા કાં તો ઘરતી માતામાં જોવા મળે, કાં ભારતીય પત્નીમા! સ્વ. રાવજી પટેલે લખ્યું છે તેમ આવો પતિ બીજું શું કરી શકે! પત્નીનાં સ્તનો વચ્ચે માથું મૂકીને રડી પડે! પોતાની શરમને આંસુજળ વડે ધોઇને પશ્ચાતાપ કરી લે! બળવંતભાઇએ પણ આવું જ કર્યું.

પણ એ પછી એમની જિંદગી ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ હતી એમાંથી ટેકનિકલર બની રહી.

બળવંતભાઇ પત્ની વગર એક ક્ષણ પણ જીવી ન શકે એવું વાતાવરણ બની ગયું. એ લખે છે, “હું અબોલાનો બદલો ધોધમાર પ્રેમ અને વહાલ વરસાવીને આપી રહ્યો હતો. પાંચ-પાંચ વર્ષના દુકાળ પછી ધોધમાર પ્રેમવર્ષા દ્વારા એને ભીંજવી રહ્યો હતો. બે દીકરા અને ત્રણ દીકરીઓનો હું બાપ બન્યો એની તો મને ખુશી છે જ, પણ વધુ આનંદ એ વાતનો છે કે પ્રભાવતી જેવી સુલક્ષણા સ્ત્રીનો હું સારો પતિ પુરવાર થિ શક્યો.”

હવે પ્રભાવતી આ જગતમાં નથી. બલ્લુકાકા પાસે પત્નીનાં સ્મરણો છે. અને અનુભવમાંથી લાધેલી પાકી સમજ છે કે પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ એ પોથીમાંના રીંગણા જેવો નથી હોતો. કોઇ લેખક કે કવિ એને પોતાની કલમમાંથી ઊતારી ન શકે. આ પ્રેમ તો જીવવો પડે છે, જાણવો પડે છે અને અનુભવવો પડે છે. સંસારની ડગર ખૂબ જ અઘરી છે, એના પર ચાલવામાં કંઇકના છોતરાં ઊડી ગયા છે. સંઘર્ષનો આકરો તાપ જ્યારે આગ બનીને વરસે છે ત્યારે વિશ્વની તમામ પ્રેમકથાઓ અને શાયરીઓનું ઝાકળ ઊડી જતું હોય છે. માત્ર નિખાલસ હૈયાં, ખૂલ્લું મન અને પ્રેમથી છલોછલ પાત્રો જ સાથ નિભાવી શકે છે.

બળવંતકાકા પત્રના અંતમાં આજના સમાજ માટે એક સવાલ રમતો મૂકે છે: “ સદિઓથી ચાલ્યા આવતા રિવાજ મુજબ, એક-બીજાનું મોં જોયા વગર પરણી બેઠેલા કરોડો યુવાનો-યુવતીઓ જિંદગીમાં એક પણ વાર ઝગડ્યા વગર, પ્રેમની બાહ્ય અભિવ્યક્તિ કર્યા વગર જીવન નિભાવતા રહ્યા તે બધા શું ખોટા હતા? આજના કહેવાતા મુક્ત મોર્ડન જમાનામાં વર્ષો સુધી એકબીજાની સાથે ડેટીંગ કર્યા પછી પરણીને બે જ મહિનાની અંદર ડિવોર્સ લેતા યુવાન-યુવતીઓ સાચાં? કે એમે સાચા હતા?

આજના સમાજશાસ્ત્રીઓ સાચા છે? કે આપણો સમાજ?”

પત્રના છેલ્લા શબ્દો આંખમાંથી રેલાયેલા ખારા પાણી વડે ચેરાયેલા છે: “ મારો જવાબ છે કે આપણો જૂનો સમાજ સાચો હતો. એની વ્યવસ્થા સાચી હતી. અમારું સફળ લગ્નજીવન એનો મજબૂત પુરાવો છે. પ્રભાવતી તો મને છોડીને શ્રીકૃષ્ણની સેવામાં ગૌલોક સિધાવી ગઇ. નવ વર્ષ વીતી ગયા. પણ હજુ આજેય, આ લખું છું ત્યારે પણ એની યાદમાં હું આસું વહાવી રહ્યો છું.”

પત્ર વાંચીને હું વિચારમાં પડી ગયો છું.

--------