Once Upon a Time - 21 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 21

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 21

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ 21

મુંબઈના સાયન, માટુંગા, એન્ટોપ હિલ અને આજુબાજુના વિસ્તારોમાં વરદરાજન ઉર્ફે વર્દાભાઈની દાદાગીરી ચાલતી હતી. વરદરાજનની ધાક જમાવવામાં બડા રાજનનો પણ ફાળો હતો. બડા રાજન અને વરદરાજન વચ્ચે દોસ્તી બંધાઈ હતી. વરદરાજને સામે ચાલીને બડા રાજન સાથે દોસ્તી કરી હતી. બડા રાજન વરદરાજન પાસેથી સુપારી લઈને એના ‘કામ’ કરી આપતો હતો. બમ્બૈયા અંડરવર્લ્ડમાં વરદરાજન પ્રવેશ્યો એ સાથે તેનું કરીમલાલા સાથે ઘર્ષણ થયું હતું. હાજી મસ્તાને પોતાની પ્રવૃત્તિ ઓછી કરી દીધી હતી એ દરમિયાન અન્ડરવર્લ્ડમાં વરદરાજનનો સિતારો ચમકવાની શરૂઆત થઈ હતી. બમ્બૈયા અંડરવર્લ્ડમાં વર્ચસ્વ જમાવવા માટે વરદરાજન અને કરીમલાલા ગેંગ વચ્ચે ૧૯૮૦ની આજુબાજુના વર્ષોમાં ગળાકાપ ગેંગવોર જામી હતી. એ દરમિયાન હાજી મસ્તાન સાઈડ ટ્રેક પર જતો રહ્યો હતો. એને રાજકારણનો ચસકો લાગ્યો હતો. કરીમલાલા અને વરદરાજન હાજી મસ્તાનના હાથ નીચે તૈયાર થયા હતા અને હાજી મસ્તાનનું સ્થાન લેવા માટે બંને વચ્ચે બરાબર હોડ જામી હતી. ત્રીજી બાજુ દાઉદ પણ તેજીલા તોખારની જેમ આગળ વધી રહ્યો હતો. જો કે એ વખતે વરદરાજન દાઉદને બહુ ગણકારતો નહોતો એટલે દાઉદ સાથે એને સંઘર્ષમાં ઊતરવાનો વારો આવ્યો નહોતો. વળી, દુશ્મનનો દોસ્ત દુશ્મન એ ન્યાયે દાઉદને પણ વરદરાજન સાથે દુશ્મની કરવામાં રસ નહોતો.

બડા રાજનની હત્યા થઈ એ સાથે બાબુ રેશિમ અને રમા નાઈકના નામ બમ્બૈયા અંડરવર્લ્ડમાં આગળ આવ્યાં હતાં. બાબુ રેશિમ યુનિયન લીડર હતો અને એની ઓથમાં રમા નાઈક મજબૂત બની રહ્યો હતો. બાબુ રેશિમ મઝગાંવ ડોકમાં યુનિયન પ્રવૃત્તિઓ ચલાવતો હતો અને રમા નાઈક ભાયખલા રેલવે કોલોનીમાં મટકાનો અડ્ડો ચલાવતો હતો. બડા રાજનને વરદરાજન પાસેથી જે ‘કામ’ મળતું હતું એ કામ એ રમા નાઈક પાસે કરાવતો હતો. બડા રાજનની હત્યા પછી વરદરાજન રમા નાઈકને સીધું ‘કામ’ આપવા લાગ્યો અને ટૂંક સમયમાં ‘રમા નાઈક કંપની’ કરીમલાલા છાવણી (આલમઝેબ-સમદ ખાન) સામે ભીડાઈ ગઈ હતી અને એને કારણે દાઉદ ઈબ્રાહિમ સાથે રમા નાઈક અને બાબુ રેશિમની દોસ્તી થઈ. એ બધા પૂરા ઝનૂનથી સમદખાન અને આલમઝેબ સામે પડ્યા હતા અને અંડરવર્લ્ડમાં કરીમલાલા ગેંગની પડતીની શરૂઆત થઈ હતી.

કરીમલાલાની જેમ વરદરાજન મુદલિયારે પણ ઘાંઘાવાંઘા થઈ જવાનો વારો આવ્યો હતો. વરદરાજનના ઈલાકામાં ડૅપ્યુટી કમિશનર તરીકે વાય.સી. પવાર નામના તેજતર્રાર પોલીસ ઑફિસરની નિમણૂક થઈ હતી અને એમણે વરદરાજનને નરમ ઘેંસ જેવો બનાવી દીધો હતો. એ દરમિયાન મુંબઈના પોલીસ કમિશનરપદે એક્સ્ટ્રા ઓર્ડિનરી ઈમેજ ધરાવતા પોલીસ ઑફિસર જુલિયો રિબેરો નિમાયા હતાં. એમણે ગુંડાગીરી ડામવા માટે મુંબઈના પોલીસ ઑફિસર્સને છૂટો દોર આપ્યો હતો, પણ અંડરવર્લ્ડની ગેંગવોર ટોપ ગિયરમાં હતી. એ સમયમાં રમા નાઈક અને બાબુ રેશિમની છત્રછાયામાં અરુણ ગુલાબ ગવળી નામનો એક યુવાન અંડરવર્લ્ડમાં સ્ટાર તરીકે આગળ આવી રહ્યો હતો.

મુંબઈની ગેંગવોરના પડઘા ગુજરાતમાં પડવાના શરૂ થયા પછી ગુજરાતમાં દાઉદને મદદ કરનારા દાણચોરો પર આલમઝેબ ત્રાટક્યો હતો. આલમઝેબ દાઉદને શારીરિક રીતે તો ખતમ કરી શક્યો નહોતો. એટલે એણે એનું નેટવર્ક તોડી પાડવા પ્રયાસ આદર્યા હતાં. દાઉદે ગુજરાતમાં લલ્લુ જોગી અને ઉમર બક્ષી જેવા રીઢા સ્મગલરો સાથે દોસ્તી બાંધીને ગુજરાતના દરિયાકિનારે સ્મગલિંગનો ગોરખધંધો શરૂ કરી દીધો હતો. દાઉદને ફટકો મારવા માટે આલમઝેબે ઉમર બક્ષીને અવ્વલ મંઝીલે પહોંચાડી દીધો હતો. ઉમર બક્ષીના મર્ડર બાદ ગુજરાત પોલીસે આલમઝેબની ધરપકડ કરી હતી. એ પછી આલમઝેબ જેલમાંથી બહાર આવ્યો ત્યારે સમદે એને કહેવડાવ્યું હતું કે હવે તો ખરાખરીનો જંગ મુંબઈમાં જ ખેલી નાખીએ. સમદની વાત માનીને આલમઝેબ મુંબઈ પાછો આવી ગયો હતો.

આલમઝેબ મુંબઈ આવ્યો એટલે સમદ સાથે મળીને એણે દાઉદ સામે નવેસરથી મોરચો ખેલ્યો હતો. સમદ હિંમતવાન માફિયા સરદાર હતો. દાઉદ સામે ખુલ્લંખુલ્લા મેદાને પડ્યા પછી સમદે 24 સપ્ટેમ્બર, 1984ના દિવસે દાઉદના ગઢ પાકમોડિયા સ્ટ્રીટમાં જઈને દાઉદના ઘર પર હુમલો કર્યો. એ હુમલામાં દાઉદના નાના ભાઈ ઈકબાલને ગોળી વાગી. જો કે ઈકબાલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો એટલે એ બચી ગયો હતો, પણ એ હુમલામાં ઈકબાલનો દોસ્ત શાહિદ હસન માર્યો ગયો હતો.

સમદે પાકમોડિયા સ્ટ્રીટમાં ઘૂસીને ઈકબાલ પર કરેલા હુમલાને કારણે દાઉદ ઓર ઉશ્કેરાયો હતો. એનું તમામ ધ્યાન આલમઝેબ પરથી હટીને સમદ પર કેન્દ્રિત થયું હતું. ડૉન કરીમલાલાના ભત્રીજા એવા 28 વર્ષીય સમદે દાઉદની ઊંઘ હરામ કરી નાખી હતી. અત્યાર સુધી કરીમલાલાની ધાકને કારણે દાઉદે સમદ સામે સીધી દુશ્મની વહોરી નહોતી. પણ હવે તેણે મરું કે મારું એવા ઝનૂનથી સમદ સામે બદલો લેવાનો નિર્ણય કર્યો હતો.

***

અમદુલ સમદ રહીમ ખાનને પહેલી નજરે જોતાં કોઈ કલ્પના પણ ન કરી શકે કે ફાંકડું અંગ્રેજી બોલતો એ સોફિસ્ટિકેટેડ યુવાન માફિયા સરદાર હશે, પણ અંડરવર્લ્ડના ડોન તરીકે પંકાયેલા કરીમલાલાનો વારસો સમદ બરાબર સંભાળી લીધો હતો. હિન્દી ફિલ્મોમાં ભાઈલોગ જે પ્રકારના અડ્ડામાં ભરાઈને બેસી રહે એવી જિંદગી સમદ નહોતો જીવતો. સમદની લાઈફસ્ટાઈલ ફિલ્મના હીરો જેવી હતી. સાંજ પડ્યે એ મુંબઈની ફાઈવસ્ટાર હોટલોમાં જોવા મળતો. એમાંય મુંબઈના બાંદરા ઉપનગરના બેન્ડ સ્ટેન્ડ વિસ્તારમાં દરિયાકિનારે આવેલી ફાઈવસ્ટાર હોટેલ ‘સી-રોક’ એની માનીતી હોટેલ હતી. કૉલેજ અધૂરી છોડીને ખંડણી ઉઘરાવવાના અને સુપારી લેવાના ધંધામાં વળગી ગયેલો સમદ અનેક વાર પોલીસ લોકઅપ અને આર્થર રોડ જેલનો મુલાકાતી બની ચૂક્યો હતો. પોલીસનો એને ડર નહોતો રહ્યો.

પણ અમદાવાદના વેપારી જયલાલ અને પરમાનંદ ભાટિયાએ કરીમલાલા સામે ખંડણી ઉઘરાવવાની ફરિયાદ નોંધાવી ત્યારે કરીમલાલાની ધરપકડ થઈ એથી કરીમલાલાની સાથે સમદ પણ ચોંકી ગયો હતો. એને પહેલી વાર પોલીસ એન્કાઉન્ટરનો ડર લાગ્યો હતો. કરીમલાલાની ધરપકડ થઈ એ જ દિવસે એ સામે ચાલીને પોલીસના શરણે ગયો એ પછી થોડા દિવસમાં મેટ્રોપોલિટન કોર્ટે એને જામીન પર છોડી મૂક્યો.

પરંતુ, થોડા દિવસોમાં જ મુંબઈના પોલીસ કમિશનર જુલિયો રિબેરોએ સમદને નેશનલ સિક્યુરિટી એક્ટ (એનએસએ) હેઠળ જેલમાં મુકાવી દીધો હતો. સમદ જેલમાં ગયો પણ પછી પોલીસ એન્કાઉન્ટરનો ભય ટળતાં એણે એનએસએ રિવ્યુ બોર્ડમાં અરજી કરી હતી અને એણે જેલમાં બે મહિના કાઢ્યા ત્યાં એનએસએ રિવ્યુ બોર્ડે એને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. બીજી બાજુ પોતાની ધરપકડથી ડઘાઈ ગયેલા કરીમલાલાએ વળી એક વાર સમદને ખૂનખરાબાના રસ્તેથી પાછો વાળવાની કોશિશ કરી હતી અને કરીમલાલાને ફરી એક વાર સમદને સમજાવવામાં નિષ્ફળતા મળી હતી. હોજમાં પડેલી વાંદરીના નાક સુધી પાણી આવે ત્યારે એ પોતાના બચ્ચાનો પાણીમાં ઘા કરીને હોજના કાંઠે ચડી જાય એ રીતે કરીમલાલાએ સમદ સાથે પોતાને કંઈ લેવાદેવા નથી એવી જાહેરાત પણ એક અખબારમાં આપી દીધી!

કરીમલાલા ધીમે ધીમે અંડરવર્લ્ડ સાથે છેડો ફાડવા તરફ આગળ વધી રહ્યો હતો અને બીજી બાજુ એનો ભત્રીજો અંડરવર્લ્ડના કળણમાં ઊંડે ઊંડે ખૂંપવા માટે આગળ વધી રહ્યો હતો.

***

નવી સિગારેટ સળગાવીને ટકલાએ મુંબૈયા અંડરવર્લ્ડનો ઈતિહાસ આગળ ધપાવ્યો, ‘4 ઓક્ટોબર 1984ની વહેલી સવારે મુંબઈના પોલીસ કમિશનર જુલિયો રિબેરો, ડૉન કરીમલાલા અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના ફિલ્મ અભિનેતા દિલીપકુમારના ફોનની રિંગ લગભગ એકસાથે જ રણકી ઊઠી હતી અને રિસીવર હાથમાં લેતાવેંત એ ત્રણેયની ઊંઘ ઊડી ગઈ હતી!’

(ક્રમશ:)