પારદર્શી-2
ગઇકાલે બનેલી ઘટનાનાં આઘાતમાંથી સમ્યક લગભગ બહાર આવી ગયો.સારી જીવનસંગીની જો નસીબમાં હોય તો માણસ બહારનાં ગમે તેવા આઘાતમાંથી ઝડપથી નીકળી જાય છે.સમ્યક હવે પોતાના કામે લાગી ગયો.પોતાના બાળકો સાથે....પત્નિ સાથે થોડા દિવસમાં જ પોતાનાં પપ્પાનાં દુઃખને અને ક્ષણિક ગુમ થવાની એ ઘટનાને એ ભુલી ગયો.ફેકટરીમાં પણ બધુ જ બરાબર ચાલતુ હતુ.પણ એનાં મનમાં એક ગાંઠ પડી ગયેલી કે પોતાની ચેમ્બરમાં કયાંરેય એકાંતમાં અને નવરાશમાં ન બેસવું.એટલે એ પોતાની ફેકટરી અને પોતાની ઓફીસમાં વ્યસ્ત જ રહેતો.કંઇ કામ ન હોય તો ઓફીસની બહાર નીકળી જતો.
આમને આમ દસ દિવસ વિતી ગયા.એકવાર ફરી સમ્યક પોતાની ચેમ્બરમાં નિરાંતે બેઠો હતો.વધારે એકાંતથી બચવા માટે એણે મોહિનીને બોલાવી.મોહિની આવી,ખુરશી પર શાંતિથી બેઠી પણ એનાં ચહેરા પરની અશાંતિ સમ્યકે વાંચી.એટલે એ બોલ્યોં
“કેમ? કંઇ તકલીફ છે મોહિની?”
“હા સર.થોડી પરેશાન છું.”
“તો હું છું ને તારી પરેશાની દુર કરવા માટે...બોલ?”
“સર, આ ટોની સારો માણસ નથી.”
“પણ એ તો હજુ નાનો છે.સારા માણસ બનવાનું શીખી જશે.”
“ના સર.એ નાનો નથી.એની મારા તરફની દ્રષ્ટી મને ખરાબ લાગે છે.” મોહિનીએ કહ્યું ત્યાંરે સમ્યક થોડું હસ્યોં અને બોલ્યોં
“હાશ!! તો મારી નજર ખરાબ નથી.”
પણ મોહિની હજુ ગંભીર મુદ્રામાં જ બોલી
“એની હરકતો મને ઘણીવાર ગંદી લાગે છે.વધારે તો હું શું કહું? પણ મને એની સાથે કામ કરવાનું નહિં ફાવે.”
“ઠીક છે.હું એની સાથે વાત કરી લઇશ.બહું થશે તો એને નોકરી પરથી દુર કરીશ.પણ તું ‘ટેન્શન’ ન લઇશ.તારા ખુશનુમા સ્વભાવની અને તારા કામની અહિં આ ફેકટરીમાં જરૂર છે.હું એની સાથે વાત કરીશ.” મોહિની ઉભી થઇ તો સમ્યક ફરી બોલ્યોં “એક કામ કર.ટોનીને થોડીવાર પછી મારી ચેમ્બરમાં મોકલી આપ.”
સમ્યકે મોહિનીને આશ્વાસન આપીને મોકલી આપી.પણ ટોની વિશે વિચારવા લાગ્યોં.ટોનીને નોકરી પર રાખ્યોં એ વાતને હજુ તો એક જ મહિનો થયેલો.ટોની એક પચ્ચીસ વર્ષનો તરવરીયો યુવાન.સુરતમાં એ એકલો જ રહેતો.એક મહિનામાં એણે બે સારી અને સફળ ડિઝાઇન તૈયાર કરી આપેલી.જેનાથી સમ્યકને પણ સારો ફાયદો થયેલો.પણ મોહિની એક સારી ડિઝાઇનર સાથે એક સારી મિત્ર પણ હતી.મોહિનીને તકલીફ થાય એ પણ ન ચાલે.પણ ટોનીને સીધેસીધુ તો કહેવાય જ નહિં.એને થોડો શાનમાં,ઇશારાથી સમજાવવો પડશે.એવા અનેક વિચારોએ સમ્યકને વ્યસ્ત રાખ્યોં.એ ટોની વિશેનાં વિચારો ત્યાંરે જ અટકયા જયાંરે ટોની સમ્યકની ચેમ્બરનાં દરવાજે આવીને બોલ્યોં “આવું સર?”
“હા ટોની, અંદર આવ.હું તારા વિશે જ વિચારતો હતો.” સમ્યક બોલ્યોં ત્યાં સુધીમાં ટોનીએ પોતાનું લેપટોપ સમ્યકનાં ટેબલ પર ગોઠવ્યું.અને અંદર કંઇક બતાવતા એ બોલ્યોં “જુઓ સર, આ નવી ડિઝાઇન સાડી પર બહું જ સરસ લાગશે.હજુ થોડું કામ બાકી છે તો પણ તમને તો ખ્યાલ આવી જ જશે.” સમ્યકે એ ડિઝાઇન જોઇ.ખરેખર કંઇક અલગ પણ મનમોહક ડિઝાઇન હતી.હવે ટોનીનાં વખાણ કરવા કે મોહિનીની ફરીયાદ કરવી એ અસમંજસમાં એ થોડીવાર મૌન રહ્યોં.એટલે ટોની બોલ્યોં “સર, આમાં કંઇ સુધારો કરવાનો હોય તો જણાવો.”
“ના ટોની.આ ડિઝાઇન આમ જ રહેવા દે.સારી છે.મોહિની પાસેથી તું ઝડપથી શીખી ગયો.મોહિની એક સારા ઘરની છોકરી અને વહું છે.એને કોઇ તકલીફ ન આવે એ ધ્યાન રાખજે.એ કહે એટલું જ તારે કરવાનું.” સમ્યકને મોકો મળ્યોં એટલે ગોળમાં લપેટી ટોનીનાં ગળે ગોળી ઉતારવાનો પ્રયત્ન કર્યોં.
“હા સર.હું ઓફીસનાં કામ માટે મોહિની કહેશે એટલું જ કરીશ.પણ બીજા....” ટોનીને ચેમ્બરનો દરવાજો ખુલવાનો અવાજ આવતા એ અધુરી વાતે અટકયોં.મોહિની અંદર આવી અને થોડે દુર ઉભી રહી.ટોની ઉભો થઇ બહાર નીકળી ગયો.મોહિની ખુરશી પર બેસીને તરત જ બોલી “સર, તમે આ ટોનીની વાતમાં ન આવતા.એ ખુબ ચબરાક છે.એ ગમે તેમ કરીને છટકી જશે.”
“અરે મોહિની, એવું કંઇ નથી.તું શાંત રહે.નહિંતર તારા કામ પર અસર થશે.હું છું ને?” સમ્યકે બંને વચ્ચે સંતુલન જાળવી રાખવા પ્રયત્ન કર્યોં.પણ એના મનની સ્થિતી થોડી ડામાડોળ થઇ ગઇ.ટોનીની અધુરી વાતમાં પુરક બને એવાં અનેક અલગ અલગ વિચારો એણે કરી લીધા.આખરે કંટાળીને બાજુમાં આવેલી ‘કોન્સફરંસ ચેમ્બર’ માં જઇને બેઠો.આ ચેમ્બરમાં એણે લાંબા સોફા મુકાવેલા.એટલે અહિં આરામ પણ કરી શકાય.એટલે જ અહિં કેમેરો પણ મુકેલો ન હતો.સોફા પર સમ્યક આરામની મુદ્રામાં બેઠો.
થોડીવાર પછી વિચારો શાંત થતા સમ્યકે આંખ બંધ કરી.એ ફરી આત્યંતિક વિશ્રામની અવસ્થામાં આવી ગયો.આંખો ખોલી તો ફરી એનાં પપ્પા રમેશભાઇ સામેના સોફા પર બેસી મંદ મંદ હસતા હતા.આ વખતે સમ્યકે થોડી હિંમત રાખી.પણ એના હૃદયના ધબકારા તીવ્ર ગતિમાં હતા.એણે ઘણીવાર આંખ ખોલ બંધ કરી.પણ એના પપ્પા તો સામે જ દેખાઇ રહ્યાં.સમ્યકનો ગભરાટ જોઇ એના પપ્પા શાંત સ્વરે બોલ્યાં “બેટા, મને ખાત્રી હતી જ કે તું મારા સુધી, મારી અવસ્થાએ જરૂર પહોંચીશ.”
“પણ પપ્પા, તમે ખરેખર છો? કે આ મારું સ્વપ્ન છે?” આટલું પુછી સમ્યક જરા સાવધાન અવસ્થામાં બેઠો.
“જો બેટા, શાંત રહેજે.શાંત રહીશ તો જ મારી સાથે વાત શકય બનશે.આ તારું કોઇ સ્વપ્ન નથી.હું તને આખી વાત સમજાવું છું.” રમેશભાઇ આટલું બોલ્યાં ત્યાં દરવાજા પર કોઇએ ઠકઠક કર્યું.સમ્યક ઉભો થયો, દરવાજા તરફ જતો હતો ત્યાં એના પપ્પા ફરી બોલ્યાં “ઉભો રહે સમ્યક.અત્યાંરે તું અદ્રશ્ય છે.બહારની દુનિયા તને નહિં જોઇ શકે.જો તું દરવાજો ખોલીશ તો બહાર જે કોઇ હશે એ ગભરાઇ જશે.આ અદ્રશ્ય અવસ્થા કોઇને ડરાવવા માટે નથી.”
સમ્યક ફરી સોફા પર બેઠો.અને બોલ્યોં “પપ્પા, તમે ખરેખર જીવતા છો? હું કેમ અદ્રશ્ય છું? તમે કંઇ દુનિયામાં છુઓ? મને કંઇ સમજાતું નથી.મારું મગજ કામ કરતું બંધ થઇ ગયું છે.મને જલદી બધી વાત કરો.”
પણ રમેશભાઇ કંઇક કહેતા કહેતા જ અદ્રશ્ય થયા.એના છેલ્લા શબ્દો પણ એજ હતા કે “શાંત શાંત...” પણ સમ્યક તો કેમ શાંત રહે? આ આખી ઘટના એની સમજણથી પર હતી.પણ દરવાજા પર ઠકઠક અવાજ હજુ ચાલુ જ હતો.એ ડરતા ડરતા દરવાજા સુધી માંડ પહોંચ્યોં.ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યોં.સામે ટોની ઉભો હતો.સમ્યકનાં મનમાં એક જ સવાલ હતો કે ટોની મને જોઇ શકે છે કે નહિં? એટલે એ થોડી ક્ષણ ટોનીની સામે જ જોઇ ઉભો રહ્યોં.પણ ત્યાં તો ટોની બોલ્યોં “સોરી સર, તમને ‘ડિસ્ટર્બ’ કર્યાં.પણ તમારી સાથે એકલા વાત કરવી છે.”
સમ્યકને મનમાં હાશકારો થયો કે હું દ્રશ્યમાન છું એટલે એણે ટોનીને અંદર બેસવા જણાવ્યું.
“સર, મારી વાત અધુરી રહી ગઇ હતી.મોહિની અમુક વાર મારી સાથે વિચીત્ર વર્તન કરે છે.શારીરીક રીતે મારી ખુબ નજીક આવી જાય છે.એણે સ્ત્રી તરીકે એક મર્યાદામાં રહેવું જોઇએ.આ વાત તમને એટલા માટે કહું છું કે કાલ સવારે કંઇ ઘટના બને તો મારો કંઇ વાંક ન ગણાય.મે મારો પક્ષ તમારી સામે રજુ કરી દીધો.હવે તમે જ નજર રાખજો.”
ટોની તો બોલીને જતો રહ્યોં.સમ્યકની મુંજવણ વધી ગઇ.કોણ સાચુ? કોણ ખોટું? ઓફીસમાં ખટરાગ ઉભો થયો છે જે કામ પર અસર કરશે.કોઇ એક ને છુટાં કરવાથી બીજાની દાદાગીરી પણ વધી શકે.બંનેને છુટાં કરવા જેટલી મોટી બાબત પણ હજુ સુધી ઉભી નથી થઇ.એટલે આગળ કોઇ મોટી ઘટના બને એની રાહ જોવી? આવા મનોમંથનમાં ફરી ટોનીએ આવી ખલેલ પહોંચાડી.
“સર, આમ તો હું વિચારું છું કે મોહિનીનો કોઇ વાંક નથી.” ટોનીએ કહ્યું.
“હઅઅઅ...પણ કેમ?” સમ્યકે જાણે કંઇક વિચારતા જ પુછી લીધું.
“જુઓ સર, એનો પતિ પણ નોકરી કરે છે.એની પાસે મોહિની માટે સમય નથી.હવે એક સ્ત્રી હુંફ માટે શું કરે?” ટોનીએ જયાંરે પોતાની આવી બુદ્ધિ દોડાવી તો સમ્યકનાં ચહેરે ગુસ્સો ઉતરી આવ્યોં.જે શબ્દોમાં પણ સરી ગયો
“સટ અપ...તારે આ બાબતમાં તારી બુદ્ધિ દોડાવવાની જરૂર નથી.તું ફકત તારું કામ કર..... ‘યુ કેન ગો નાવ.’....” બોસનાં ગુસ્સાથી અપમાનીત ટોની ચાલ્યોં ગયો.
બપોરનાં 2.00 વાગ્યાં છતા સમ્યકને ભુખ લાગી ન હતી.એ જાણે માનસીક તાણની ચરમસીમા અનુભવતો હોય એમ વર્તમાન ભુલી ગયો.એક તો પોતાની સાથે બનતી વિચીત્ર ઘટના અને ઉપરથી ઓફીસમાં આવી પડેલી આ સમસ્યા.અત્યાંર સુધી સળસળાટ અને સરળ રહેલી એનાં જીવનની કહાણી આજે એક અજાણ્યાં રસ્તે અટવાઇ ગઇ હોય એવી મનોદશામાં એ બીજી એક કલાક ત્યાં જ બેઠો રહ્યોં.આખરે પોતે એકલો હવે સહન નહિં કરી શકે એવો ખ્યાલ મનમાં આવ્યોં એટલે સીધો જ ઘર તરફ રવાના થયો.આટલા વર્ષ ફકત ધંધો અને પરીવારમાં જ રચ્યોપચ્યો રહેવાથી કોઇ એનો ખાસ મિત્ર પણ ન હતો.કે જેની પાસે પોતાની તમામ હૈયાવરાળ ઠાલવી શકે.મનથી એકદમ નજીક માત્ર એની પત્નિ દિશા હતી.એને આખી વાત કહીને એની ચીંતા વધારવી પણ યોગ્ય ન લાગી.બીજા નંબરે મોહિની નજીક હતી.પણ હવે તો મોહિની વિશે પણ ટોનીએ થોડી શંકા જગાવી.અને આટલી ગહન વાત તો એને પણ કેમ કરવી? આખરે ઘરે જઇ દિશાને બધુ જણાવી દઉં એવા વિચારે ઘર આવી ગયું.
બપોરનાં 3.30 વાગ્યાં હતા અને ઉનાળાનો તાપ એનાં છેલ્લા દિવસો બહું તીવ્રતાથી પસાર કરતો હતો.હવે ધરતી પરની તમામ સજીવ અને નિર્જીવ વસ્તુઓ ચોમાસા માટે જાણે પોકાર કરતી હોય એમ દયામણી લાગતી હતી.શહેરનાં રસ્તાઓ અને સમ્યકનો બંગલો આવેલો છે એ સોસાયટીમાં પણ બધુ નિર્જન દેખાતુ હતુ.પણ હવે માત્ર થોડા દિવસ જ ગરમી બાકી છે.જુન મહિનાનું પહેલું અઠવાડીયું તો વીતી ગયું હતું.ચોમાસાની ઠંડક હવે શરૂ થવાની તૈયારીમાં જ હતી.પણ સમ્યકનાં મનમાં તો જાણે ધોમધખતો તાપ હવે શરૂ થયો.
દિશાને વાત કરતા કહ્યું કે આજે મને ફરી પપ્પા દેખાયા.મે એમને સવાલો કર્યાં પણ એ કશું બોલતા બોલતા જ ફરી અદ્રશ્ય થયા.સમ્યકની વાત અને એનો ગભરાટ જોઇ દિશાને પણ અજુગતુ લાગ્યું કે આવું શકય હોય? પણ સમ્યકની વાત પર ભરોસો રાખવો પડે તેમ હતો.છતા દિશાએ પોતે હિંમત રાખી કહ્યું
“ડિયર, પપ્પા આપણને છોડીને ગયા એજ કપડા અને એજ ઉંમરે એ સ્થિર છે.મતલબ કયાં તો એમની આત્મા અતૃપ્ત છે.અથવા એ પરમશાંત છે અને તમને ફકત ખુશીથી મળવા આવ્યાં હોય.”
“ના દિશા, એમનું શરીર જોઇને મને ખાત્રી છે કે એમનું મૃત્યું નથી થયું.પણ એ કંઇ અવસ્થાની વાત કરતા હતા એ અધુરી રહી ગઇ.”
દિશા પાસે હંમેસા સમ્યક અને બાળકોની દરેક સમસ્યાનાં સમાધાન હોય જ છે.પણ આજે એની પાસે કોઇ સમાધાન ન હતુ એનો અફસોસ એના ચહેરે અને એના મૌનમાં જણાતો હતો.
સમ્યક ફરી બોલ્યોં “ હવે તો પપ્પાનો ફરીવાર સંપર્ક થાય તો રહસ્ય ખુલે....ખુબ પરેશાન થઇ ગયો છું.” થોડીવાર બંને મૌન રહ્યાં.સમ્યકે દિશાનાં ખોળામાં માથુ રાખી દીધું.દિશા પણ સમ્યકનાં માથામાં હાથ ફેરવવા લાગી.એટલે નાના બાળકની જેમ સમ્યક બોલ્યોં “ડિયર, ભુખ લાગી છે.મે કશું ખાધુ નથી.”
“ઓહો!!ચાલો હું બનાવી આપું.તમે ચીંતા ન કરો.આપણે કોઇ સારા જયોતિષ કે ગુરુની સલાહ લઇશું.એક કામ કરીએ, આપણે બે-ત્રણ દિવસ કોઇ જગ્યાએ ફરવા જતા રહીએ.” એકસાથે ઘણીબધી સાંત્વના આપવા માટે દિશા હંમેસા તત્પર રહેતી.
સમ્યકને જમવાનું આપતી વખતે દિશાને કંઇક યાદ આવ્યું એટલે એ બોલી “તમને યાદ છે? આપણે આ બંગલામાં રહેવા આવ્યાં ત્યાંરે તમે મને એક બેગ આપેલી, અને કહેલું કે આમાં પપ્પાનો ખાસ સામાન છે.એ બેગમાં કદાચ કંઇક મળી આવે?” સમ્યકે થોડીવાર કોળીયો ચાવવાનું બંધ કર્યું.કંઇક યાદ કર્યું.ફરી જમવાનું ચાલુ રાખતા બોલ્યોં “એમાં તો મે વર્ષો પહેલા પણ તપાસી લીધુ છે.પપ્પાને વાંચનનો શોખ હતો.એમના પુસ્તકો હજુ આપણે એક આખો કબાટ ભરી સાચવેલા જ છેને.અને એ બેગમાં એમને સૌથી વધારે ગમેલા પુસ્તકો છે.એ પણ કંઇક બીજી ભાષામાં છે.”
“તો સમ્યક, ફરી કદાચ એમાં કંઇક જાણવા મળશે.તમને એ બેગ લઇ આપું છું.” આટલું બોલી એ દોડતી ગઇ.એક સુટકેશ લઇને આવી.સમ્યકે પણ બેગ જોઇ જલદી જમવાનું પતાવ્યું.બેગ ખોલી જોયું.બધી વસ્તુઓ એક પછી એક જોઇ લીધી જે એણે અગાઉ પણ જોયેલી જ હતી.એમાં રહેલી ચોપડીઓ જોઇ દિશાએ કહયું “આ તિબેટની ભાષામાં લખેલા પુસ્તકો છે.”
પણ સમ્યક તો મૌન રહી બધુ ફંફોસવા લાગ્યોં.કદાચ કંઇ ‘હિન્ટ’ મળી આવે.ચાર પાંચ પુસ્તકો જે પાતળા હતા એના પાનાઓ તપાસી લીધા.એ બહું જ જુના હતા.જર્જરીત થઇ ગયેલા હતા.પણ એમાંથી એને કંઇ માહિતી ન મળી.એક જાડું પુસ્તક હવે બાકી રહ્યું.એનાં પણ બધા પાના ઉલ્ટાવ્યાં.તો એને થોડી નવાઇ લાગી.એમાં આગળનાં અમુક જ પાના પર અક્ષરો છાપેલા હતા.પછી બધા પાના કોરા હતા.નિરાશ થયેલા સમ્યકે બેગનો ખુણેખુણો તપાસ્યોં.કંઇ ન મળ્યું.સમજાય એવું કે સમજાય એવી કોઇ પણ ભાષામાં કશું હાથ ન લાગ્યું.પણ દિશાએ મોબાઇલ ફોનથી શોધી કાઢ્યું કે આ પુસ્તકોનાં નામ ‘અધ્યાત્મ જગતનાં ગુઢ રહસ્યો’, ‘અમની દશા’, ‘આકાશ જેવી દુનિયા’, ‘તમે પણ શુન્ય’ જેવા હતા.
“ઓહો! તો પપ્પા તિબેટનાં કોઇ ધાર્મિક મઠ સાથે જોડાયેલા હતા.એટલે જ એ વખતો વખત ત્યાં ચાલ્યાં જતા હશે.તો પણ આ તો પ્રાથમિક માહિતી છે.” થોડા વિચારો કરી સમ્યક ફરી બોલ્યોં “ આ તિબેટની કોઇ વિદ્યા થકી પપ્પા હજુ જીવતા હોય એવી સંભાવના છે.”
પણ દિશા માટે આ વાત અશકય જેવી હતી.સમ્યકને પણ જો અનુભવ થયો ન હોત તો માનવું મુશ્કેલ હતુ.પણ એણે તો પોતાની જાતને અદ્રશ્ય થતા જોયો હતો.પણ આ બે વખતની ઘટનાએ એના મનમાં સવાલોનાં શુળ ઉત્પન્ન કર્યાં હતા.એ દરદને શાંત કરવા બધા જવાબો શોધવા જરૂરી હતા.
દિશા કંઇક કામ માટે રસોડામાં ગઇ.તો કંઇક મળી આવે એ વિચારે સમ્યક ફરી પેલું પ્રમાણમાં જાડું પુસ્તક તપાસવા લાગ્યોં.પાછળનો મોટો ભાગ કોરો જ હતો.અચાનક વચ્ચેનાં પાનામાં એનાં પપ્પાનાં અક્ષર દેખાયા.એમાં ગુજરાતીમાં બે પાના લખેલા હતા.એ વાકયો કંઇક આવા હતા ‘છે મનમાં વિચારોનો શ્વાસ.એ શ્વાસને ધીમે ધીમે બંધ કરી નાંખવો.અસ્તિત્વ એનું ન રહે.ત્યાંરે શરીરનું કાર્ય બંધ રાખી,પ્રવાહી એ પંદર દિવસનું પીવું.જે શુન્ય બનવામાં સહાય કરે.શુન્ય બને અંદર જો કોઇ....બહાર માટે શુન્ય એ શકય બને.’ આ ગુઢ વાકયો વાંચી સમ્યક ચકરાવે ચડયોં.બીજા પાને લખેલું હતું ‘હવે હું કાયમી સ્થિર શુન્ય બનવા જઇ રહ્યોં છું.મારી આ દુનિયા સાથે મારે હવે સબંધો નહિં રહે.પણ કયાંરેક કોઇ આવશે મને શોધવા તો હું મળીશ.હું રાહ જોઇશ.’
સમ્યકને એક રોમાંચ અને ભયની લાગણીએ ધ્રુજાવી નાંખ્યોં.છતા એણે આ બે પાનાનો પોતાના મોબાઇલ ફોનમાં ફોટો પાડી લીધો.પણ આ વાકયો અને આ વાત દિશાથી છુપાવી.અને એ બેગ ફરી બંધ કરી માળીયા પર ચડાવી દીધી.
ક્રમશઃ
--ભરત મારૂ