Once Upon a Time - 17 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 17

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 17

 

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ 17

દાઉદ આણિ મંડળી આલમઝેબને આંતરીને શબ્બીરના ખૂનનો બદલો લે એ અગાઉ નૅશનલ હાઈવે પર હોન્ડા કારે ખૂબ ઝડપે એક વળાંક લીધો ત્યારે લાગેલા આંચકાને કારણે રિવોલ્વરના ટ્રિગર પર આંગળી મૂકીને ફાયરિંગ કરવા માટે સજ્જ થયેલા હાજી ઈસ્માઈલની આંગળી ટ્રિગર ઉપર દબાઈ ગઈ. હાજી ઈસ્માઈલ કંઈ સમજે એ પહેલા એની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી કારમાં બેઠેલા રતીશ પઠાણના શરીરમાં ખૂંપી ગઈ હતી.

દાઉદને આલમઝેબનું મોત વેંત છેટું દેખાતું હતું. ત્યાં હાજી ઈસ્માઈલની બેવકૂફીને કારણે આખો પ્લાન ઊંધો વળી ગયો. દાઉદે હાજી ઈસ્માઈલને ગાળ ચોપડાવી. પણ બીજી જ પળે તેણે આલમઝેબને ખતમ કરવાનું ‘મિશન’ પડતું મુકીને ઘવાયેલા રતીશ પઠાણને સારવાર અપાવવા માટે હોન્ડા કાર વડોદરાની મહારાજા સયાજીરાવ હોસ્પિટલ તરફ દોડાવી મૂકી. વળી એક વાર નસીબે આલમઝેબને સાથ આપ્યો હતો અને દાઉદ હાથ ઘસતો રહી ગયો હતો.આલમઝેબને ઉપર પહોંચાડવાની એની યોજના ઊંધી વળી ગઈ હતી અને ઉપરથી આ આફત આવી પડી હતી. જોકે હજી તો આફતની શરૂઆત હતી. આફતો હંમેશાં બટૅલિયનમાં આવતી હોય છે એ વાત દાઉદને થોડા કલાકોમાં જ સમજાઈ જવાની હતી!

***

વડોદરાના તરવરિયા ડૅપ્યુટી પોલીસ કમિશનર પી.કે. દત્તા પોતાની ઑફિસમાં સાથી ઑફિસર્સ સાથે કોઈ મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા એ વખતે તેમના ફોનની ઘંટડી રણકી ઉઠી.

દત્તાએ રિસિવર ઊંચકીને કાને માંડ્યું. સામે છેડેથી સંભળાયેલી વાતથી દત્તાના ચહેરા પર ચમક આવી ગઈ. રિસિવર મૂકી બીજી જ પળે એમણે એક પોલીસ ટીમ તૈયાર કરી અને તેઓ મહારાજા સયાજીરાવ હોસ્પિટલ તરફ ધસી ગયા.

એ પછી થોડી મિનિટો બાદ દાઉદ અને તેના સાથીદારો વડોદરા પોલીસની હિરાસતમાં હતા!

***

દાઉદ અને એના સાથીદારોને વડોદરા પોલીસે લોકઅપમાં ધકેલી દીધા હોવાના સમાચાર જાણીને આલમઝેબ ટેસમાં આવી ગયો હતો. દાઉદે પોતાને ખતમ કરવા કારસો ઘડ્યો હતો એની ખબર પણ એને પડી ગઈ હતી. આલમઝેબે અબ્દુલ લતીફની મદદથી ગુજરાતમાં પોતાનું નેટવર્ક બરાબર જમાવી દીધું હતું. અમદાવાદના ઘણા પોલીસ અધિકારીઓ સાથે તેની દોસ્તી થઈ ગઈ હતી.

અમદાવાદના એક પોલીસ સ્ટેશનને તો આલમઝેબ દર મહિને એક લાખ રૂપિયા હપ્તો પહોંચાડતો હતો. આ દરમિયાન દાઉદને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. દાઉદને સાબરમતી જેલમાં જ પતાવી દેવાનો વિચાર આલમઝેબે કર્યો હતો, પણ તે એ વિચાર અમલમાં મૂકી શક્યો નહોતો. મુમ્બૈયા અંડરવર્લ્ડના બે સરદાર અમદાવાદમાં અટવાઈ પડ્યા હતા. દાઉદને ગુજરાત પોલીસે સાબરમતી જેલમાં ધકેલી દીધો હતો અને આલમઝેબ મુંબઈ પોલીસ અને દાઉદ ગેંગના ડરથી અમદાવાદ રહી પડ્યો હતો.

મુમ્બૈયા અંડરવર્લ્ડની લડાઈ ગુજરાતમાં શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ મુંબઈમાંય ગેંગવોરનું નવું ચેપ્ટર ખૂલી રહ્યું હતું.

***

‘કાલિયા તારદેવ માર્કેટ મેં આયા હૈ.’

દાઉદના ભાઈ અનીસને તેનો એક સાથીદાર ઉત્તેજિત અવાજમાં ફોન પર કહી રહ્યો હતો.

‘કબ?’ અનીસે પૂછ્યું.

‘અભી અભી.’ સાથીદારે કહ્યું.

‘અકેલા હૈ યા કોઈ સાથ મેં હૈ?’ અનીસે આગળ પૂછ્યું.

‘અકેલા હી હૈ.’ સાથીદારે કહ્યું.

‘ઠીક હૈ, તુમ ઉધર હી ધ્યાન રખો, હમ પહુંચ રહે હૈ.’ અનીસે કહ્યું.

***

‘મુંબઈની તારદેવ એરકંડિશન્ડ માર્કેટને એક ડઝન જેટલા ગુંડાઓએ ઘેરી લીધી હતી. મહમ્મદ કાલિયા બહાર નીકળે એ પહેલા જ તેને તેના એક પરિચિત દુકાનદારે દોડીને ચેતવી દીધો. કાલિયા પહેલા માળે એક ઑફિસમાં બેઠો હતો. અનીસ અને તેના સાથીદારો તેના સુધી પહોંચે એ પહેલાં તે લોખંડનું શટર બંધ કરીને અંદર પુરાઈ ગયો. તે થરથર કાંપી રહ્યો હતો...’

પપ્પુ ટકલાએ ફાઈવફાઈવફાઈવ સળગાવવા અને બ્લેક લેબલનો નવો પૅગ બનાવવા માટે નાનકડો બેક લીધો. તેણે બ્લેક લેબલનો મોટો ઘૂંટ ગળા નીચે ઉતાર્યો અને ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ લીધો. પછી જાણે અમને રિવિઝન કરાવતો હોય એમ એણે પૂછ્યું, ‘મહમ્મદ કાલિયા કોણ હતો એ યાદ છે ને?’

અમે કશું બોલીએ એ અગાઉ જ અમારા જવાબની રાહ જોયા વગર જ એણે વાત આગળ ધપાવી: ‘મહમ્મદ કાલિયાને એના મહેનતાણાને મુદ્દે દાઉદ સાથે વાંકું પડ્યું હતું અને એ અમીરજાદા કેમ્પમાં જતો રહ્યો હતો. દાઉદના મોટા ભાઈ શબ્બીરને પ્રભાદેવી પેટ્રોલ પંપ બહાર ઢાળી દેવામાં મહમ્મદ કાલિયાની મહત્ત્વની ભૂમિકા હતી. દાઉદ મહમ્મદ કાલિયા પર વેર વાળવા પણ આતુર હતો, પરંતુ કાલિયા એની ઝપટમાં આવે એ અગાઉ આલમઝેબને પતાવવા જતાં દાઉદ ગુજરાતમાં જેલના સળિયા ગણતો થઈ ગયો હતો. જો કે મુંબઈમાં મહમ્મદ કાલિયા તારદેવ એરકંડિશન્ડ માર્કેટમાં તેના પિતાની ઑફિસે ગયો હોવાની જાણ દાઉદના નાનાભાઈ અનીસને થઈ હતી અને અનીસ ડઝનબંધ ગુંડાઓને લઈને તારદેવ એરકંડિશન્ડ માર્કેટ પહોંચી ગયો હતો. એણે તારદેવ એરકંડિશન્ડ માર્કેટને ઘેરો ઘાલ્યો હતો. મહમ્મદ કાલિયાને એક દુકાનદારે ચેતવ્યો હતો, પણ ત્યાં સુધીમાં તો તેના માટે બહાર જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. કાલિયા પોતાના પિતાની દુકાનમાં ભરાઈ ગયો હતો. કાલિયાને પતાવી દેવા આવેલા દાઉદ ગેંગના ગુંડાઓએ તેના પિતાની દુકાનના બંધ શટર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

મોત ભાળી ગયેલા કાલિયાએ પોલીસને ફોન કર્યો હતો. થોડીવારમાં પોલીસ આવી ચડી અને કાલિયાને પતાવવાનો દાઉદ ગેંગનો પ્લાન ચોપટ થઈ ગયો. પોલીસ આવી એટલે દાઉદના ગુંડાઓ રફુચક્કર થઈ ગયા. વળતી પળે મહમ્મદ કાલિયા પણ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

દાઉદે ગુજરાતમાં આલમઝેબને પતાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને મુંબઈમાં મહમ્મદ કાલિયા દાઉદના પીઠ્ઠુઓના સકંજામાં ઘેરાઈને મરતા મરતા બચ્યો એ સમાચારથી જેલમાં પુરાયેલા અમીરજાદા અને સમદ સાવચેત થઈ ગયા હતા. બંનેએ આલમઝેબને મેસેજ મોકલાવ્યો કે દાઉદ જીવતો રહેશે તો આપણે એનાથી બચી નહીં શકીએ. જો કે આલમઝેબ પણ દાઉદને ખત્મ કરવાની વેતરણમાં જ પડ્યો હતો. દાઉદને સાબરમતી જેલમાં જ ખતમ કરવાનું કામ અઘરું હતું એટલે આલમઝેબે અબ્દુલ લતીફની મદદથી બીજી યોજના બનાવી.

***

૧૯૮૩ની બીજી ઓગસ્ટે દાઉદ અને એણે સાથીદારોને પોલીસ વડોદરા કોર્ટમાં હાજર કરવા લઈ જશે એવી માહિતી આલમઝેબને મળી અને એણે લતીફની મદદથી અમદાવાદ શાહઆલમ એરિયામાં દાઉદને ખતમ કરી દેવાની યોજના ઘડી.

પોલીસ ટીમ દાઉદ અને એના સાથીદારોને વડોદરાથી પાછો લાવી રહી હતી ત્યારે શાહઆલમ એરિયામાં આલમઝેબની ટોળીએ એમના પર હુમલો કર્યો. એ હુમલામાં દાઉદ તો બચી ગયો પણ અબ્દુલ અકબર અને રતીશ પઠાણ ઘવાયા.

***

થોડા સમય બાદ દાઉદ જેલમાંથી બહાર આવ્યો ત્યારે એણે મુંબઈ જઈને સૌ પ્રથમ કામ મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં દાદા તરીકે પંકાઈ ગયેલા બડા રાજનને મળવાનું કર્યું. રાજનની ચેમ્બુર વિસ્તારમાં ફેં ફાટતી હતી. સુપારી કિલર તરીકે એણે નામ કાઢ્યું હતું. એ સમય દરમિયાન મુંબઈમાં સુપારી લઈને માણસોને મારી નાખવાનો દોર શરૂ થઇ ગયો હતો. દાઉદે બડા રાજનની મદદ માગી. આલમઝેબ, અમીરજાદા અને સમદ સામે દાઉદનો પનો ટૂંકો પડતો હતો. એ જોઈને બડા રાજને દાઉદ પાસેથી સુપારી પેટે તગડી રકમ માગી. અમીરજાદાનું કાસળ કાઢી નાખવા માટે દાઉદે બડા રાજનને પાંચ લાખ રૂપિયાની સુપારી આપી.

એ વખતે અમીરજાદા જેલમાં હતો. એને મારવા માટે બડા રાજને સુપારી લીધી એટલે એનું દિમાગ અમીરનું આયખું ટૂંકાવવાની પાછળ દોડવા લાગ્યું હતું...’

વળી એકવાર નાનકડો બ્રેક લેવા માટે પપ્પુ ટકલાએ વાત અટકાવી. હોઠના ખૂણેથી સિગારેટનો કશ ખેંચીને પછી વર્તુળાકારે ધુમાડો મોંમાંથી કાઢ્યા પછી એણે નાટ્યાત્મક ઢબે અંડરવર્લ્ડકથા આગળ ધપાવી.

***

‘જજ સા’બ એક કત્લ કે લિયે દો બાર સજા નહીં હો સકતી, આપ ઈસી કોર્ટ મેં ઈસી આદમી કી કત્લ કે જુર્મ મેં મુઝે સજા સુના ચૂકે હૈ, અબ દૂસરી બાર આપ મુઝે ઈસી કત્લ કે જુર્મ મેં સજા નહીં સુના સકતે. સુના આપને...’

વીસીઆર પર ‘અંધા કાનૂન’ પિક્ચર ચાલી રહ્યું હતું. અને અમિતાભ અને રજનીકાંતનો ચાહક બડા રાજન રસપૂર્વક જોઈ રહ્યો હતો.

કોર્ટમાં અમરીશ પુરીના પાત્રનું ખૂન કરીને ખુન્નસપૂર્વક ડાયલોગ બોલી રહેલા અમિતાભની એક્ટિંગથી એ ખુશ થઈ રહ્યો હતો ત્યાં અચાનક એના દિમાગમાં ઝટકો આવ્યો.

તેણે કેસેટ રીવાઈન્ડ કરી અને નવેસરથી એ દૃશ્ય જોવા માંડ્યું. અમિતાભ કોર્ટમાં જ અમરીશનું ખૂન કરીને જજ સામે વળ્યો એ દ્રશ્ય ચાર-પાંચ વાર રિવાઈણ્દ કરીને જોયા પછી એણે વીસીઆર ઑફ કરી દીધું.

એના દિમાગમાં હિન્દી ફિલ્મને ટક્કર મારે એવી ખતરનાક યોજના ઘડાઈ ગઈ હતી!

(ક્રમશ:)