Veer Vatsala - 17 in Gujarati Love Stories by Raeesh Maniar books and stories PDF | વીર વત્સલા - 17

Featured Books
Categories
Share

વીર વત્સલા - 17

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 17

બળવાખોરોની માહિતી મેળવી વીરસિંહ પરત થયો. બીજા દિવસે સવારે એ ચંદનસિંહને મળ્યો. બન્ને ઘોડો લઈ નીકળ્યા.

વીરસિંહ અને ચંદનસિંહ રવાલ ચાલે ઘોડા ચલાવતાં, વાત કરતાં કરતાં શિવમંદિર તરફ જઈ રહ્યા હતા. ગઈકાલે વીરસિંહની પ્રેમિકા સાથેની પહેલી મુલાકાત ઉતાવળે પતી, એટલે આજે એણે નિરાંતે વાત કરવી હતી. ત્યાંના યુદ્ધની ઘણીબધી વાતો કરવી હતી. અને અહીં એમને પડેલી તકલીફોની વાત જાણવી હતી.

અત્યારે ચંદનસિંહે વીરસિંહને વત્સલા બાબતે પૂછવું હતું. લોકવાયકા વિશે જણાવવું હતું. પણ વીરસિંહે સીધી જુદી જ વાત છેડી.

“ધીંગાણું થવાનું!”

ક્યારે? ક્યાં?”

આજકાલમાં, માલવપુરમાં, સરદારસિંહ આજ્ઞા આપે પછી! તારે જોડાવું છે ટોળીમાં?”

એને ખ્યાલ હતો જ કે ચંદનસિંહ કામની તલાશમાં છે.

ચંદનસિંહે પૂછ્યું, “કોની સાથે લડવાનું છે?”

વીરસિંહ હસીને બોલ્યો, “દુશ્મન સાથે!”

પછી એણે ઉમેર્યું, “માલવપુરમાં દુર્જેયસિંહ સામે લડવા બળવાખોરો એકઠા થઈ રહ્યા છે, ઓછામાં ઓછા બાર તો હશે જ. એમને સફાયો કરવો એ હુકુમસિંહ જેવા કાયરનું ગજું નહીં. નવા બહાદુર સૈનિકો ભરતી કરવા પડશે. મેં સરદારસિંહને કહ્યું કે ચંદનસિંહને લઈ લઈએ સાથે! સરદારસિંહે તરત હા પાડી!”

“બળવાખોરો એટલે દિલિપસિંહના વફાદારો... નહીં? એમની સામે લડવાનું?” ચંદનસિંહે આંખ જરા ઝીણી કરી પૂછ્યું.

વીરસિંહને થયું કે પોતે ચંદનસિંહની રોજગારીનો વિચાર કરતો હતો અને ચંદનસિંહ વાતચીતને એવી દિશામાં લઈ જઈ રહ્યો હતો જે દિશામાં વિચારવાની વીરસિંહને ટેવ નહોતી!

“આપણે અંગ્રેજ રાજ તરફથી લડ્યા. કોની સામે લડવાનું, કેમ લડવાનું, એ વિચાર્યા વગર વફાદારીથી લડ્યા તો સોનામહોરો મળી અને હવે જમીન મળવાની છે! આ જ સિપાહીનું જીવન છે!”

ચંદનસિંહ વિચારમાં પડ્યો, થોડીવાર કંઈ બોલ્યો નહીં, પછી જે સૂઝ્યું એ બોલ્યો, “પણ દિલિપસિંહ આપણા ધણી હોય અને દુર્જેયસિંહ આપણો ધણી હોય એમાં તને કોઈ ફેર નો પડે?”

“મારો ધણી સરદારસિંહ છે! ધણી નહીં, સરદારસિંહ મારો જીવનદાતા છે, મારી તલવાર એના જ હુકમની તાબેદાર રહેશે અને જીવીશ ત્યાં સુધી મારો ધબકાર એની મરજીનો છડીદાર રહેશે.”

વીરસિંહના વાક્યોના ભારવાળી બે ક્ષણ વીતી. બન્ને ચૂપ થયા ત્યાં જ પાછળથી મારમાર આવતા ઘોડાની ખરીઓ સાંભળી બન્નેએ પાછળ જોયું. ઘોડેસવાર ખુદ સરદારસિંહ હતો.

“ક્યારનો તને શોધું છું! ચાલ જવાનું છે!” સરદારસિંહ ઉતાવળે બોલ્યો.

“ક્યાં માલવપુર?” વીરસિંહને થયું કે ધીંગાણાની ઘડી આવી પહોંચી.

“ના, સૂરજગઢ દરબારમાં!” સરદારસિંહે જવાબ આપ્યો.

“ચંદનસિંહને લઈ લઈએ? એ હવે આપણી ટોળીમાંથી લડશે!

વીરસિંહે ચંદનસિંહને પૂછ્યું, “લડશે ને?” ચંદનસિંહે ઉતાવળે જવાબ આપવો નહોતો. એ ખમચાઈને ઊભો રહ્યો.

સરદારસિંહે ચંદનસિંહને ઉપરથી નીચે સુધી જોયો. સરદારસિંહ અભણ હતો પણ શરીરની ભાષા વાંચવાની કુનેહ હતી એનામાં.

ભોળો વીરસિંહ દોસ્તની ભલામણ કરતાં બોલ્યો, “બહાદુર છે! મારી હારે મોટી લડાઈ લડીને આવ્યો છે!”

સરદારસિંહ હસીને બોલ્યો, “આજે લડવા નથી જવાનું! આજે તો દુર્જેયસિંહને મળી કાલની માહિતી આપવાની છે. એમાં આનું કામ નહીં.”

ચંદનસિંહને પણ રસ હતો નહીં દુર્જેયસિંહને મળવામાં! એણે પોતાનો ઘોડો શિવમંદિર તરફ ભગાવી મૂક્યો. વીણા સાથેની બીજી મુકાલાતમાં હજુ ઘણી વાતો એણે કહેવાની હતી, ઘણી સાંભળવાની હતી.

વીરસિંહે બૂમ પાડીને?કાનમાં( સરદાર વય્સલાને ઓળ્ખે) કહ્યું, “વત્સલાને કહેજે, સાંજે આવીશ.”

બન્ને જૂના મિત્રો છૂટા પડ્યા. નવા બનેલા મિત્રો દુર્જેયસિંહના દરબારમાં પહોંચી ગયા.

*

દુર્જેયસિંહની સવાર મોડી પડતી. એની રાહ જોતાં જોતાં સરદારસિંહ થોડો બહાવરો થયો હોય એમ લાગ્યું.

વીરસિંહે કારણ પૂછ્યું.

સરદારસિંહે કહ્યું, “બળવાખોરોને વહેલી મોડી ગંધ આવી જશે કે આપણને એમની બાતમી મળી ગઈ છે.

“હા, ગામમાં એમનાય ખબરી તો હશે જ.”

“એ લોકો સાવચેત થાય એ પહેલા એમનો ખાતમો બોલાવવો જરૂરી છે! અને બાળકના સગડ પણ ત્યાંથી જ મળશે.”

વીરસિંહ પણ એ જ મતનો હતો. એ બોલ્યો, “તો આજે માલવપુર જ ત્રાટકવું હતું ને?”

સરદારસિંહ હસ્યો, “એ ખરું, પણ જેને માટે લડીએ છીએ એને જાણ તો કરવી પડે ને!”

વીરસિંહે હકારમાં ડોકું ધુણાવ્યું એટલે સરદારસિંહ બોલ્યો, “આજે જ દુર્જેયસિંહ પાસે સરપાવની આગોતરી ખાતરી પણ મેળવી લઉં અને પેલા નપાવટ ઉધમસિંહે વશરામ કોળીને મારવાને બદલે એને જીવતો છોડ્યો છે, એ વાત પણ એના કાને નાખી દઉં!”

*

એ સમયે ચંદનસિંહ વીણા સાથે વાત કરી રહ્યો હતો. આજે બન્ને નદીના વહેળામાં બેઠા હતા. વીણાના મનમાં વત્સલાએ કાલે કરેલી વાત ઉથલપાથલ મચાવી રહી હતી. અને ચંદનસિંહે પણ આવતાની સાથે પહેલો સવાલ એ જ પૂછ્યો.

“વત્સલાના ખોળામાં જે બાળક છે એ શાહુકારના દીકરાનું છે?

વીણાએ, એને ખબર હતી એ બધી વાત કરી. અને વાત પૂરી કરતાં કહ્યું, “વીરસિંહને ખબર પડશે તો એ શાહુકારના દીકરાના કટકેકટકા કરી નાખશે.”

ચંદનસિંહે પણ ગામના લોકો પાસે થોડી ખરીખોટી વાતો તો સાંભળી જ હતી. વધારાની માહિતી આપતાં એણે કહ્યું, “મહિના પહેલા જ શાહુકારનો દીકરો તો દૂર દેશાવર ઝામ્બિયા નીકળી ગયો. વેપાર માટે.”

વીણાએ કોઈ પ્રકારનો હાશકારો અનુભવ્યો. ખૂનામરકી ટળે, એનાથી સહુ વધુ હાશ સ્ત્રીઓને થાય. એ બોલી, “હવે ગઈ ગુજરી ભૂલીને વીરસિંહ વત્સલાને સ્વીકારી લે તો સારું.”

કંઈ વિચારી ડોકું ધુણાવતો ચંદનસિંહ બોલ્યો, “હું સમજાવીશ, વીરસિંહને! કે આ આખી વાતમાં વત્સલાનો કોઈ વાંક નથી.”

“અને બાળકનો કંઈ વાંકગનો?” વીણા ધીરેથી બોલી.

“એનો ય વાંકગનો કોઈ નહીં, તો ય, વત્સલાએ બાળક બીજા કોઈને આપી દેવું પડે. જે પાપી પાપ કરીને દેશ છોડીને ભાગી ગયો હોય, એના બાળકને ઘરમાં રાખી ઉછેરવું, એ તો કોઈ કાયરનાં કામ, વીરના નહીં!” ચંદનસિંહ એની સૂઝ પ્રમાણે બોલી ગયો.

*

ત્યાં દુર્જેયસિંહ મળવા બોલાવે એની રાહ જોતાં વીરસિંહ બહાર ડેલીમાં સરદારસિંહ સાથે બેઠો હતો. સરદારસિંહ કરતાં એની બેચેની બમણી હતી. ફરજને નામે વત્સલા સાથેની પહેલી મુલાકાત કંઈ ખાસ વાત થયા વગર સમેટી લેવી પડી હતી. અને બીજી મુલાકાત પણ ઠેલાઈ રહી હતી.

આખરે રાહ જોઈજોઈ, દુર્જેયસિંહના દરબારમાં સહુ સામસામે બેઠા ત્યારે બપોર થવામાં હતી. અડધીપડધી વાત સાંભળીને જ દુર્જેયસિંહે કહ્યું, “શક્ય જ નથી, વશરામ કોળીની હત્યા ઉધમસિંહે જ કરી હતી. ઉધમસિંહ ભૂલ ન કરે!”

ઉધમસિંહ પરનો દુર્જેયસિંહનો ખોટો ભરોસો જોઈને સરદારસિંહ ગિન્નાયો. દુર્જેયસિંહ પોતાની સેના ઉપરાંત સરદારસિંહની અને ઉધમસિંહની, બન્નેની ટોળી પર આધારિત હતો. બન્ને સરપાવની આશામાં કામ કરતાં. બન્ને વચ્ચે તીવ્ર હરીફાઈ હતી. દિલિપસિંહ અને તેજલબાનો નિકાલ સરદારસિંહે કર્યો તો તેજલબાના ભાઈ સગરામસિંહ અને દિલિપસિંહના વિશ્વાસુ વશરામ કોળીની હત્યા કર્યાનું કહીને ઉધમસિંહે પણ મોટો સરપાવ લીધો હતો.

સરદારસિંહ ગુસ્સો દબાવી બને તેટલી નમ્રતા ધારણ કરીને બોલ્યો, “દરબારને ઘણી ખમ્મા! ઉધમસિંહ પણ આપનો સેવક છે, આપને એનામાં વિશ્વાસ છે, પણ આ વીરસિંહ નરી આંખે જોઈને આવ્યો છે કે વશરામ કોળી જીવે છે!”

હા, બાપુ, એ જીવે છે અને એ બળવાખોરોની સેના એકઠી કરી રહ્યો છે.” વીરસિંહના અવાજનો રણકો એવો હતો કે કોઈપણ એની વાત ધ્યાન દઈ સાંભળે.

સરદારસિંહે ઉમેર્યું, “એ સહુના માથાં વધેરી તમારા ચરણે મૂકીશું ત્યારે તો માનશો ને? મામલો ટેઢો છે, બાપુ!

સ્થિતિ સમજવાને બદલે દુર્જેયસિંહે હુંકાર કર્યો, “એ મૂએલા વશરામ કોળીની કે એના કોઈ મળતિયાની મને કોઈ ચિંતા નથી. દરબારો કોળીથી ડરે તો ધરતી રસાતાળ જાય!”

દુર્જેયસિંહનું વલણ જોઈ સરદારસિંહ નિરાશ થયો.

વીરસિંહ બોલ્યો, “બાપુ આપની વાત સો ટચ સોનાની, પણ ધારો કે, ઉધમસિંહે વશરામ કોળીને ભૂલથી કે જાણીજોઈને જીવતો છોડ્યો હોય તો?”

“તો એને સજા થશે. એની ચામડી ઉતારી લઈશ.”

હવે સરદારસિંહની આંખ ચમકી, “મારી બધી તાકાત લગાવી દઉં એ બળવાખોરોને ઝબ્બે કરવા પાછળ! અને જીવ દઈનેય આપનું રાજ સલામત કરું!”

વીરસિંહ એ જોવા મથી રહ્યો કે સરદારસિંહની આંખમાં શહીદીની ભાવના હતી કે ઈનામની બાંહેધરીની આશા હતી?

દુર્જેયસિંહ બાજુની તાસકમાંથી પ્યાલો ઉઠાવતાં બોલ્યો, “પણ તમને મેં સોંપ્યું છે એ કામ પણ ભૂલવાનું નથી. ટીડો જોશી જ્યારથી કહી ગયો છે કે સૂરજગઢ દરબારને સૂર્યવંશના બાળકથી ઘાત છે ત્યારથી..”

રાજાનો વિશ્વાસુ સેવક ચમનસિંહ બોલ્યો, “દિલિપસિંહનો વારસ બચશે અને મોટો થશે અને એક દિવસ એ યમદૂત બનીને આવશે, એવા સપના આવે છે બાપુને! એને કારણે એમની નિંદર હરામ થઈ ગઈ છે!”

ત્યાં સુધીમાં દુર્જેયસિંહ સવારસવારમાં બીજો પ્યાલો ગટગટાવી ચૂક્યો હતો, “ગોલકીના! દુર્જેયસિંહ એક બાળકના કારણે પરેશાન રહેશે?”

બીજા પ્યાલાની અસર થતાં જ દુર્જેયસિંહને તુક્કો સૂઝ્યો અને એ તુક્કો રુક્કો બનીને એની જીભથી બહાર આવ્યો, “સરદારસિંહ, સૂરજગઢ દરબારનું ફરમાન છે કે ગયા માગસર માસમાં જન્મેલા બધા બાળકોની તપાસ કરવી. અને એમાંથી સિસોદિયા સૂર્યવંશના બાળકને શોધી કાઢવું!”

સરદારસિંહ સહેજ અકળામણ સાથે બોલ્યો, “એ બાળકના માથા પર એવો થપ્પો તો ન હોય ને, કે એ સિસોદિયા સૂર્યવંશનું છે! માગસરમાં જન્મેલા તો સો બાળકો હશે પંથકમાં!”

“એ હું ન જાણું! એકને મારો, દસને રહેંસો કે સોને વધેરો! પણ સૂરજગઢના ધણીને માથેથી ઘાત દૂર કરો!”

હવે બળવાખોરો સામે લડવું કે એક બાળક શોધવું, એની ગડમથલ સાથે બન્ને નીકળ્યા.

“પાકી બાતમી છે કે દુશ્મન સેના એકઠી કરી રહ્યો છે એની ચિંતા નથી અને એક બાળક જે ક્યાં છે, કેવું છે, છે કે નહીં, એય ખબર નથી એને રહેંસી નાખવું છે!” અકળાયેલો વીરસિંહ બોલ્યો.

“આપણે સિપાહીઓએ કરવું તો એ જ પડે જે અન્નદાતા ઈચ્છે!” સરદારસિંહ બોલ્યો.

કંટાળેલા વીરસિંહે કહ્યું, “સરદારસિંહ, રજા આપો તો ઘડીભરમાં બીજું એક કામ પતાવી લઉં!”

સરદારસિંહને પણ વિચારવા માટે સમય જોઈતો હતો. બન્ને છૂટા પડ્યા.

મને ખબર છે, બીજું કામ કયું છે! શિવમંદિરે જાય છે ને?” સરદારસિંહ હસતાંહસતાં બોલ્યો.

વીરસિંહને ખ્યાલ આવી ગયો કે પોતે નથી કહ્યું, તોય સરદારસિંહ ઘણું જાણે છે.

***