વીર વત્સલા
નવલકથા
રઈશ મનીઆર
પ્રકરણ - 5
પંદર દિવસ પછી માણેકબાપુ જંગલમાં, ચંદ્રપુરથી બાર ગાઉ દૂર પથ્થરના ટીંબા પર બેસી વિચારતા હતા, નિવાસ બદલવાથી કેટલી બધી જૂની તફલીફો દૂર થઈ જતી હોય છે! થોડી નવી અગવડો આવે, જો કે!
ત્યાં કબૂતરો ઊડતાં, અહીં પોપટનો અવાજ હતો. ત્યાં કાકડીની વેલ, જારનાં ડૂંડાં અને ખીજડાનું ઝાડ હતું, અને માથે સૂરજ તપતો. અહીં આકાશને અડતાં નામ વગરનાં વૃક્ષો હતાં. કાકડીની વેલ રોપી હતી. થોડા દાણાંય જમીનમાં વેર્યાં હતાં, પણ પંદર દિવસમાં કેટલું ઊગે?
કુદરત ધીરજથી કામ કરે, માણસ તો ઉતાવળો, પંદર દિવસમાં વત્સલા અને માણેકબાપુએ મળીને એક મઢૂલી બનાવી દીધી. પહેલા તો આડા પડેલા અપૂજ શિવજીને ટેકો દઈ બેઠા કર્યા. અને માટીની દેરી બનાવી. પથ્થરો, માટી, ઘાસ, વાંસ, ડાળખાં, છોડાં અને પાંદડાંનો જરૂર પૂરતો ઉપયોગ કરી ચાર દિવાલો રચી, ઉપર છાપરું ટેકવ્યું. લીંપીને આંગણું બનાવ્યું. બચેલાં, શોભાનાં તાંબાના વાસણો વેચીને બે ભેંસ લઈ આવ્યા.
આ જગ્યા ચંદ્રપુર અને માલવપુરની વચ્ચે, ચંદ્રપુરથી બાર ગાઉ દૂર અને માલવપુરથી આઠ ગાઉ દૂર હતી. એ જ વેગમતી નદી પચાસ હાથ પાછળથી વહેતી. માલવપુરથી ચંદ્રપુર જતા મુખ્ય વગડાઉ રસ્તાથી સો હાથ અંદર આ મઢૂલી હતી, એટલે વટેમાર્ગુ અહીં સુધી પાણી પીવા નહોતા આવતાં. પણ નદીથી બગલાંઓ ઊડીને આવતાં. મઢૂલી પર પોરો ખાતાં. ધીમેધીમે જંગલથી મોર આવતાં થયાં. રડ્યુંખડ્યું હરણ માણસજાતને દૂરથી જોઈને ચાલ્યું જતું.
ચોમાસું ગયું અને દીવાળીના દિવસો હતા. ચોમેર જીવન ચહેકતું હતું અને માણેકબાપુ પથ્થરના ટીંબા પર બેસી વિચારતા હતા.
નદીકાંઠેથી પાણી ભરીને આવતી વત્સલા બોલી, “શું વિચારો છો બાપુ?”
“એમ વિચારું છું કે જ્યાં બેઠો છું ને એ ટીંબા નીચે કોઈ ગુપત ખજાનો છે!”
“હવે ખજાનો હોય તોય કંઈ ખોદવાનું નથી, પંદર દિવસમાં કુદરત સાથે જેટલી છેડછાડ કરવાની હતી એટલી કરી લીધી. હવે રહો આરામથી!”
“ખજાનો ખોદવો નથી. બસ, આ ટીંબા પર એ ખજાનાના માલિક થઈને બેસવું છે!”
“તો ઠીક!”
“પંદર દિવસ પહેલા મનમાં મરી જવા સિવાય કોઈ વિચાર નહોતો!”
“અને હવે?”
“મરી જવાનો વિચાર પોતે જ મરી ગયો! સો વરસનો થઈશ. તને જ નહીં, તારા દીકરાને પરણાવીને જઈશ!”
અગવડો તો ઘણી હતી. મઢૂલીની આગળ ચોખ્ખી કરીને તૈયાર કરેલી જમીનમાં શાક ઊગતાં થયાં, ત્યાં સુધી જંગલના નામ વગરના કંદ અને ભાજી ભાવતાં થઈ ગયા. અઠવાડિયે એકવાર અનાજપાણી લેવા માણેકબાપુને આઠ ગાઉ દૂર માલવપુરની હાટમાં જવું પડતું. દિવસભર હાટમાં ઓસડિયાં અને મધ વેચાય તો જ સાંજટાણે અનાજ ખરીદી શકાય. માણેકબાપુ ઓસડિયાં વેચે ત્યારે વત્સલાએ તો મઢૂલીની આસપાસના છોડ-વેલા સાચવવા વગડે જ રહેવું પડે. ગણેશને રમાડવાનું બહુ મન હોય, પણ ચંદ્રપુર ગામ જવાનું લગભગ બંધ થયું. માણેકબાપુ અને વત્સલા જંગલમાં દિવસભર મહેનત કરી પરસેવો પાડી થાકેલા હોય, રોટલા ભેગા થઈ આડા પડે ત્યારે રાતનો શીતળ પવન બન્નેને તરત સૂવાડી દેતો. સૂતાં પહેલા બાપુ એમનું દેશી ઉપનિષદ સંભળાવતા, “ઓછી ખપતોથી જીવનાર અને નાની ખુશીથી રીઝનારનો વખત આરામથી પસાર થતો હોય છે.” થાકેલી વત્સલા જાગતી હોય ત્યાં સુધી હોંકારા ભણતી. પછી સપનાં જોવા લાગતી, વીરસિંહના આગમનનાં..!
*
વીરસિંહ વગર વત્સલાની બીજી દીવાળીય આવી અને ગઈ. વગડામાં બીજી દીવાળીએ દીવડાને નામે આંગણે આગિયા જ બેઠા. થોડે દૂર હરણાંની આંખો જ ચમકી. વગડાનું જીવન સદીઓ સુધી શાંત હોય, પણ માણસના જીવનમાં શાંતિનો એક મર્યાદિત સમયગાળો હોય છે. એ સમયગાળા દરમ્યાન બધું માણસની યોજના પ્રમાણે ચાલે. નવે ગ્રહો અને દશે દિશાઓ તહેનાતમાં હોય એવું લાગે. પણ એ સમયગાળો પતે પછી નાનું કે મોટું તોફાન આવતું હોય છે. વિસર્જનના અધિપતિ શિવજી ખુદ તાંડવ કરે ત્યારે વિઘ્નહર્તાય રક્ષા ન કરે! આવું માણેકબાપા કહેતા.
વત્સલા અને માણેકબાપુના જીવનમાં આ શાંતિનો ગાળો એક વરસ ચાલ્યો.
*
એ દિવસે માણેક બાપુ સવારથી માલવપુર હાટમાં બેઠા હતા, પણ આજે મધ કે ઓસડિયા ખરીદવામાં કોઈને રસ નહોતો. એનું એક કારણ હતું.
*
છ મહિના પહેલા સૂરજબાપુ પાછા થયા ત્યારે કોઈ અશાંતિ કે ખટપટ નહોતી. ત્યાં સૂરજગઢમાં સૂરજબાપુનું પંચોતેર વરસની ઉમરે અવસાન થાય એ ઘટનાની વળી આ બે એકલા રહેતાં વનવગડાનાં મનેખડાં પર શું અસર પડે? ન જ પડવી જોઈએ.
સૂરજબાપુના તેર દિવસના શોક પછી અષાઢની પૂનમે મોટા કુંવરનો રાજ્યાભિષેક થવાનો હતો. એ માટેના નિમંત્રણો આજુબાજુના રજવાડામાં મોકલાઈ ગયા. દિલીપસિંહે કંપની એજન્ટનેય નોતર્યા, પણ ભેગાભેગા કહી દીધું કે હવે વિશ્વયુદ્ધ માટે હવે અમારા રજવાડાના સિપાહીઓ ક્યાંય નહીં જાય! અને યુદ્ધ માટે રાજની તિજોરીમાંથી ફાળોય નહીં મળે!
રાજ્યાભિષેકના પાંચ દિવસ બાકી હતા, ત્યારે જ નાના કુંવર દુર્જેયસિંહે ભરસભામાં દિલીપસિંહનો વિરોધ કર્યો હતો, “અંગ્રેજ માંઈબાપની કૃપા વગર રાજ સલામત નહીં રહે, આ સુખ સાહ્યબી ચાલ્યા જશે! હાથ ઘસતાં રહી જશો!”
દિલીપસિંહે ત્યારે કહ્યું, “રાજ પરજાની સુખાકારી માટે છે! આપણી સુખસાહ્યબી માટે નથી!”
“અમારા શોખ અને સુખસાહ્યબી તમારા કરતાં જુદાં છે એનું શું?” દુર્જેયસિંહ નફ્ફટ થઈને બોલ્યો!
“કયા શોખ પૂરા કરવા છે તારે રાજના પૈસે?” દિલીપસિંહની અંદરનો મોટોભાઈ જાગી ઊઠ્યો. પિતા વૃદ્ધ થાય કે પાછા થાય ત્યારે મોટાભાઈ પિતાની જેમ બોલે.
જવાબમાં દુર્જેયસિંહ ન બોલવાના શબ્દો બોલ્યો, “તમે તો ભમચારી છો! લગનના વીસ વરસ સુધી ઓલાદ વગર રહ્યા! પણ અમારે તો રાણીવાસ ભરેલો જોઈએ..”
દુર્જેયસિંહની જીભ મોટા કુંવરના નિ:સંતાનપણા સુધી ગઈ એટલે દિલીપસિંહના વફાદારોએ તલવારો ખેંચી. અચાનક સભામાં ખણખણાટ વ્યાપી ગયો. બચાવનારી તલવારો કરતાં મારનારી વધુ હતી, એ જોઈ, સમય વરતી, દુર્જેયસિંહને ભાગવું પડ્યું. તોય એ હાકોટા-પડકારા કરતો ભાગ્યો. ભાગીને એણે વઢવાણ નજીક પોતાના સાસરામાં શરણ લીધું. સૂરજગઢના એકેએક ગ્રામવાસીએ રાહતનો શ્વાસ લીધો. દુર્જેયસિંહના થોડા મળતિયાઓ સિવાય સહુ ખુશ હતા.
પછી તો તરત વાવડ એવા આવ્યા કે ખુશી બેવડાઈ ગઈ. એક તરફ રૈયતપ્રેમી રાજવીનો અભિષેક થયો હતો અને બીજી તરફ રાણી તેજલબાને લગનના વીસ વરસ પછી સારા દિવસો જતા હતા. દૂધનાં દાઝેલાં છાશ ફૂંકીને પીએ. તેજલબાએ ત્રણ મહિના રાહ જોયા પછી ખુશીના સમાચાર જાહેર કર્યા.
દિલીપસિંહે અંગ્રેજ રાજ સાથે અસહકારનું વલણ ચાલુ રાખ્યું એટલે કંપની એજંટે બીજો વ્યૂહ અજમાવ્યો. એમણે દુર્જેયસિંહને મદદ કરવાની ખાતરી આપીને દિલીપસિંહ સામે લડવા તૈયાર કર્યો. ગઢ છોડ્યાના છ મહિના પછી દુર્જેયસિંહે પોતાના સસરાના ગામના, વઢવાણના સિપાહીઓ અને એજન્ટના મોકલેલા સૈનિકો ભેગા કરી સેના બનાવી. અને આ બળવાખોર સેના રાતોરાત સૂરજગઢ પર ત્રાટકી. દિલીપસિંહનું સૈન્ય ઊંઘતું ઝડપાયું. રાતે જ ગઢને બધી તરફથી ઘેરી લેવાયો. દીવાન, કારભારી સહુ વખત વરતીને ફૂટી ગયા. માત્ર થોડા વફાદારો ગઢ સાચવતાં રહ્યા. વફાદારોની સૂચનાથી દિલીપસિંહ શયનખંડમાં તેજલબાને પડખે રહ્યા. અડધા પ્રહરમાં જ એવી રમત ચાલી કે સવાર સુધી તો સત્તાપલટાની નોબત આવી ગઈ.
એક તરફ બળવાખોર સૈનિકોએ ગઢ પર કબજો જમાવી દીધો. અને દુર્જેયસિંહે ગઢમાં પ્રવેશી દિલીપસિંહના શયનકક્ષની આસપાસ ઘેરો કર્યો. ભડભાંખળું થતાં જ દિલીપસિંહનો વફાદાર સેવક વશરામ કોળી શયનખંડની બારીમાંથી પ્રવેશ્યો, ત્યાં તો દરવાજો ધણધણ્યો.
પોતાની લોહીપ્યાસી તલવાર લઈ દુર્જેયસિંહ દિલીપસિંહ અને તેજલબાના શયનકક્ષની બહાર સાંકળ ખખડાવી રહ્યો હતો.
“કાયર! દરવાજો ખોલ! નહીં તો તોડાવી નાખીશ!”
દિલીપસિંહ પોતાની તલવાર લઈને દરવાજો ખોલવા સજ્જ થયા, એટલે તેજલબાએ કહ્યું, “તમને આપણા થનાર બાળકના સોગંદ છે!”
“તો શું કરું? તેજલબા! સાચા રજપૂત માટે લડીને જીવ દેવા સિવાય કોઈ બીજો રસ્તો ન હોય!”
“અત્યારે નહીં, સારો સમય આવે ત્યારે લડજો!” તેજલબાએ કહ્યું. ગુણવાન પત્નીએ અણીને ટાંકણે યોગ્ય વાક્ય કહ્યું.
ત્યાં સુધી વફાદાર સેવક વશરામ કોળીએ સૂરજગઢમાંથી નદી તરફ ખૂલતું છૂપું ભોયરું ખોલી નાખ્યું.
દરવાજો તૂટે એ પહેલા પેટમાં ભવિષ્યનો ભાર ઉઠાવી લડખડતાં તેજલબાને દોરીને દિલીપસિંહ ભોંયરા વાટે અદૃશ્ય થઈ ગયા.
દુર્જેયસિંહે દરવાજો તોડ્યો. એ સહેજ મોડો પડ્યો. તોય એણે તલવારો વીંઝીને માણસ વગરના શયનખંડને ખેદાન મેદાન કરી નાખ્યો.
સત્તાપલટો થઈ ગયો. દિલીપસિંહને ભાગેડુ જાહેર કરાયા.
બે અઠવાડિયા વીત્યાં. દિલિપસિંહનો કોઈ પતો ન હતો. કોઈ કહેતું કે દિલિપસિંહે વખ ઘોળ્યું. કોઈ કહેતું દિલિપસિંહ પોતાના સાસરે માલવપુર છુપાણા છે.
*
એ દિવસે માણેકબાપુ સવારથી માલવપુર હાટમાં બેઠા હતા, પણ આજે મધ કે ઓસડિયા ખરીદવામાં કોઈને રસ નહોતો. કેમ કે સવારે હાટમાં લોકોનો મેળો જામે એ પહેલા તો માલવપુર ગામમાં ઢોલીઓ ફરી વળ્યા હતા!
“સાંભળો સાંભળો સાંભળો
માલવપુરના વીરલાઓ સાંભળો
રાજવી દુર્જેયસિંહનું ફરમાન સાંભળો..
કંપની બહાદુર સાથે બેવફાઈ કરનાર મોટા કુંવર દિલિપસિંહ રાજ છોડીને ભાગી ગયા છે,
એમને રાજના દુશ્મન ઘોષિત કરવામાં આવે છે
એમને કોઈપણ પ્રકારે સાથ આપનારને દેહદંડ આપવામાં આવશે
એ રાજદ્રોહી દિલીપસિંહનું અને તેજલબાનું માથું વાઢી લાવનાર બહાદુરને સો વીઘાનો ગરાસ આપવામાં આવશે..
રાજવી દુર્જેયસિંહ અમર રહો!”
ચકચાર મચી ગઈ. લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ. પણ બીજી તરફ સો વીઘાની લાલચમાં સાંજ સુધી સિપાહીઓ ટોળી-ટુકડી બનાવી દિલીપસિંહને ઝબ્બે કરવા નીકળી પડ્યા હતા. જીવ બચાવવા ગઢમાંથી નદી તરફ ભાગેલા દિલીપસિંહ અને રાજવહુ તેજલબા સૂરજગઢ કે ચંદ્રપુરમાં ક્યાંય મળ્યા નહીં. એટલે ખુલ્લી તલવારો સાથે બીજા રજવાડાના ભાડૂતી સિપાહીઓ આસપાસનાં ગામોની ધૂળ રગદોળી રહ્યા હતા.
દિલીપસિંહના સગડ મેળવવા માટે તલવારોના ઝાટકે રસ્તાની બન્ને તરફની ઝાડીઓ વધેરાઈ રહી હતી. માબેનોની લાજશરમ નેવે મૂકીને આયાતી સૈનિકો ઘરોમાં ઘૂસીઘૂસીને દિલીપસિંહ અને તેજલબાને શોધી રહ્યા હતા.
દિવસભર માણેકબાપુ જોઈ રહ્યા હતા કે કેટલાય લોકોની જરૂરિયાત અને જીવાદોરી સમાન હાટને એક પછી એક ઘોડેસવારોની ટુકડીઓ ધમરોળી રહી હતી. ગભરાટ અને અફરાતફરીના વાતાવરણમાં પહેલા લોકો ઘરભેગા થયા, પછી દુકાનદારોએ દુકાન-પાથરણાં સંકેલ્યાં.
સાંજટાણે મધ કે ઓસડિયા વેચ્યા વગર પથારો સંકેલીને વગડે પાછા ફરી રહેલા માણેકબાપુને ગાંધીએ આગ્રહ કરીને અનાજની પોટલી બાંધી આપી. “ઉધારી જલદી જ ચૂકવી દઈશ!” એમ કહી પરસેવો લૂછતાં માણેકબાપુએ વગડાનો રસ્તો લીધો. આઠ ગાઉ ચાલતાં એમને ખ્યાલ આવ્યો કે મહેનતના કાવડિયાથી ખરીદેલી અનાજની પોટલીનો ભાર હોતો નથી પણ માથે ઉપકાર કે ઉધારનો ભાર હોય તો આઠ ગાઉ એંસી ગાઉ જેવા લાગે.
***