Once Upon a Time - 12 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 12

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 12

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ 12

‘દાઉદ ઈબ્રાહિમના ભાઈ શબ્બીરને હની ટ્રૅપમાં ફસાવીને કમોતે મરાવનારી એ યુવતી શબ્બીર કાસકર માટે ચિત્રા નામની પ્રેમિકા હતી પણ વાસ્તવમાં એ દાઉદ-શબ્બીરના કટ્ટર દુશ્મન અમીરજાદાની પ્રેમિકા નંદા હતી! શબ્બીરને ડેથ ટ્રેપમાં ફસાવવા માટે અમીરજાદાએ પોતાની પ્રેમિકાનો ઉપયોગ કર્યો હતો. શબ્બીરને મોહજાળમાં ફસાવીને અમીરજાદા, આલમઝેબ અને સમદનો શિકાર બનાવવાનું કામ એને સોંપાયું હતું અને એ કામગીરી એણે બખૂબી નિભાવી હતી.’

અંડરવર્લ્ડની રોમાંચક અને ઘાતક પ્રણયકથા કહીને પપ્પુ ટકલાએ વિરામ લીધો. બ્લેક લેબલ વ્હીસ્કીનો ઘૂંટ ભરીને નવી ફાઈવફાઈવફાઈવ સળગાવતા એણે અંડરવર્લ્ડની લોહિયાળ કથા આગળ ધપાવી:

‘શબ્બીરના અણધાર્યા કમોતથી દાઉદ, અને તેના ભાઈઓ પર જાણે વીજળી ત્રાટકી હતી. મોટાભાઈના કમોતથી એ બધા થોડા દિવસ માટે તો સૂનમૂન થઇ ગયા હતા. પણ આ ઘટનાની કળ વળી એટલે શબ્બીરના ખૂનનો બદલો લેવા તે બધા તલપાપડ બન્યા. એમની નસોમાં લોહીની બદલાની ભાવનાનું ઝેર પણ તેજ ગતિએ દોડવા માંડ્યું હતું....’

કાસકર બંધુઓએ શબ્બીરની હત્યાનો બદલો લેવા શું કર્યું એ જાણવા માટે અમે આતુર બની ગયા હતા, પરંતુ પપ્પુ ટકલાએ કહ્યું, ‘આગળ શું બન્યું એ વાત કરું એ પહેલા શબ્બીરની હત્યામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અબ્દુલ સમદ ખાન એટલે કે સમદ ખાન વિશે જાણી લેવાનું તમારે માટે જરૂરી છે.’

પછી અમારા જવાબની રાહ જોયા વિના જ કાબેલ કથાકારની અદાથી સમદના જીવનનાં પાસાં અમારી સામે મૂકવાનું એણે શરૂ કરી દીધું.

***

ફાકડું અંગ્રેજી બોલી જાણતો સમદ ખાન હેન્ડસમ યુવાન અને શોખીન જીવ હતો. તે અંડરવર્લ્ડમાં બીજા બધાથી અલગ તરી આવતો હતો. છોકરીઓને પાણી-પાણી કરી દેવામાં પાવરધો સમદ જેટલો ક્રૂર હતો એટલો જ છેલબટાઉ પણ હતો. શબ્બીરની હત્યામાં આરોપ હેઠળ અમીરજાદાની સાથે સમદની પણ ધરપકડ થઈ હતી. સમદને પોલીસ લોકઅપ અને જેલ પોતાના બીજા ઘર જેવા લાગતા હતા. આર્થર જેલ તો જાણે તેના સત્તાવાર નિવાસ્થાન સમી હતી. ઘર જેવા જ એશોઆરામથી એ મુંબઈની આર્થર રોડ જેલમાં રહેતો હતો. પોતાની તમામ પ્રવૃત્તિઓ એ આર્થર રોડ જેલમાં બેઠા બેઠા ચલાવી શકતો હતો. આર્થર રોડ જેલમાં ફરજ બજાવતા હવાલદારથી માંડીને જેલર સુધીના માણસોને એણે સાધી લીધા હતા. સમદ ખાનનો પડ્યો બોલ આર્થર રોડ જેલમાં ઝીલાતો હતો. આર્થર રોડ જેલમાં એ કંઈ પણ કરી શકતો હતો.

સમદ ખાનની સામે ચાલી રહેલા એક મર્ડર કેસમાં સાક્ષી બનેલા ગુલામ હુસેન કાશ્મીરી નામના એક વેપારીને આર્થર રોડ જેલમાં હાજર થવાનો આદેશ સમદે આપ્યો હતો. સૈયદ મોહસીન બુરહાની નામના કૉલેજીયન યુવાન દ્વારા એણે ગુલામ હુસેન કાશ્મીરી અને એના પુત્ર નાસીરને જેલમાં બોલાવ્યા હતા. કોર્ટના સમન્સને અવગણી શકાય, પણ સમદ તરફથી ‘સમન્સ’ ફાટે એટલે એની સામે હાજર થવું જ પડે એવી એની ધાક હતી. ગુલામ હુસેન કાશ્મીરી આર્થર રોડ જેલમાં સમદની સામે ગયો ત્યારે એના મનમાં એમ હશે કે બહુ બહુ તો સમદ મને ડરાવશે, ધમકાવશે. જેલમાં તો એ બીજું શું કરી લેશે? પણ આર્થર રોડ જેલમાં સમદનો જે દબદબો એની એને કલ્પના પણ નહોતી!

***

સમદે ગુલામ હુસેન કાશ્મીરીને ગંદી ગાળો સાથે ‘આવકાર્યો ‘હતો. ગુલામ હુસેન એના દીકરા નાસીરનો હાથ પકડીને ગુનેગારની જેમ સમદ સામે ઊભો હતો. સમદ ગોળ તકિયાને અઢેલીને કોઈ મોટા સામ્રાજ્યના શહેનશાહની જેમ ગાદલા ઉપર બેઠો હતો. ખૂણામાં શરાબની બોટલ્સ, ઈમ્પોર્ટેડ સિગારેટનાં ખોખાં, આઈસ બોક્સ એને સામેની ભીંત પાસે ગોઠવેલા ટેલીવિઝન અને વીસીઆર જોઈને ગુલામ હુસેન થથરી ગયો હતો અને સમજાઈ ગયું હતું કે સમદ માટે જેલ નથી, પણ એનો અડ્ડો છે.

આર્થર રોડ જેલમાં સમદની પોતાની ‘કોર્ટ’ ચાલતી હતી અને ત્યાં ‘આરોપી’ ને પોતાની બાજુ રજૂ કરવાનો અધિકાર નહોતો. સમદ ખાને એને આરોપી ઠરાવી દીધો. અને સમદની અદાલતમાં દેર નહીં અંધેર જ અંધેર હતું.

સમદે જેલમાં કેદીઓની હજામત માટે આવતા વાળંદને બોલાવ્યો. સમદના આદેશથી ગુલામ હુસેન અને એના પુત્ર પર વાળંદનો અસ્ત્રો ફરી વળ્યો. ગુલામ હુસેન જેલની બહાર નીકળ્યો ત્યારે એની અડધી મૂછ ગાયબ હતી, એના નેણના વાળ અદ્રશ્ય થઇ ગયા હતા અને બાપ-દીકરાના વાળ આડેધડ કપાઈ ગયા હતા. બાપ-દીકરો જે જીપ લઈને આર્થર રોડ જેલ સુધી આવ્યા હતા એ પણ એમની પાસેથી ઝૂંટવાઈ ગઈ હતી. પાછળથી આ મુદ્દે મુંબઈની કોર્ટે આર્થર રોડ જેલના સત્તાધીશોની આકરી ઝાટકણી પણ કાઢી હતી.

ગુલામ હુસેન કાશ્મીરી સાથે સમદે કરેલું વર્તન તો એની ક્રૂરતાનું નાનામાં નાનું ઉદાહરણ હતું. એની અડફેટે ચડનારા માણસો પર સમદ બિલકુલ દયા રાખતો નહોતો. એક વાર મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ ‘સી-રોક’માં એણે દિલ્હીની ‘ટેક્સમેકો’ કંપનીના એક્ઝિક્યુટિવ એસ.કે. જૈન પર ટોર્ચર કરીને એના એવા બેહાલ કર્યા હતા કે એ બિચારો એક્ઝિક્યુટિવ તરફડીને મરી ગયો હતો. જોકે પછી સમદ ખાનને ખબર પડી હતી કે એણે જેના માટે સુપારી લીધી હતી એ આ માણસ નહીં પણ રણધીર જૈન નામનો બીજો જ માણસ હતો, પરંતુ એવી ‘નાની-મોટી’ ભૂલનો સમદને કોઈ અફસોસ થયો નહોતો!

***

સમદ ખાન આર્થર રોડ જેલમાં હતો ત્યારે એક દિવસ આર્થર રોડ જેલના જેલર સાથે એ જેલના પરિસરમાં લટાર મારી રહ્યો હતો એ વખતે એણે જેલમાં વિઝીટર્સ રૂમમાંથી એક અત્યંત સુંદર કેદી યુવતીને બે મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા કેદીઓના વોર્ડ તરફ જતી જોઈ. સમદે અચંબાભર્યા સ્વરમાં જેલરને પૂછ્યું, ‘જોશીસા’બ, ઈસ સુખે પ્રદેશ મેં ઐસી ખૂબસૂરત ચીડિયા કહાં સે આ ગઈ?’

‘યે ચીડિયા સિર્ફ ખૂબસૂરત નહીં હૈ, ખાનસાહબ...’ જેલરે સમદની સામે આંખ મીચકારતાં કહ્યું.

જેલર આગળ બોલવા જતો હતો, પણ અધીરા બની ગયેલા સમદે એનું વાક્ય પૂરું થાય એ પહેલા જ સવાલ કર્યો, ‘ઈસ ચીડિયા કો કબ લાતે હો હમારે પિંજરે મેં?’

સમદ અને એ યુવતી એકબીજાને ઓળખતા પણ નહોતા, પણ એ યુવતી થોડા જ દિવસો પછી સમદ માટે જીવનું જોખમ ઉઠાવીને મુંબઈ પોલીસનું નાક ધરમૂળથી કાપી લેવાની હતી એની કલ્પના એ વખતે સમદને કે જેલરને કે તે યુવતીને પોતાને પણ નહોતી!

(ક્રમશ:)