હવે દન ધીમે-ધીમે આથમી રહ્યો હતો. ક્યાંક હળવું અજવાળું આંખોમાં ઝળહળી રહ્યું હતુ ! ત્યાંજ રાજુ ચિંકાર દારૂ ઢીંચીને પગ વાટે આવી રહ્યો હતો, જાણે તે આખી વાટ માપતો હોય તેમ આમતેમ લથડીયા ખાઈ રહ્યો હતો.
સોમો ટૂંકું ફાટેલું ખમીજ અને મેલી ધોતી પહેરીને ખાટલે નિરાંતે બેસીને બીડીના ઠૂંઠા જોર જોરથી ફુંકી રહ્યો હતો, જે બાકી રહ્યો હોય તે કસ ખેંચી ખેંચી ધુમાડાના વાદળ કાઢતો !
ત્યાંજ રાજુને આવતો જોઈને સોમો બોલ્યો " અલ્યા રાજુ ક્યાં દારૂ પીધો ?
" લખમણની ભઠ્ઠીએ ઘણો ચોખ્ખો મળે એ પણ દેશી મહુડી નો "
" શું વાત કરે છે એ પણ ચોખ્ખો દારૂ ? "
તું હાલ જ જઈને પઇને આવ, નહીંતર પેલા શહેરવાળા વેચવા માટે લઈ જશે ? "
હાહરું ( સારુ ) મારું બૈરું દુકાને હોદો ( કરિયાણું ) લેવા ગયું ને એ અાવે ત્યારે હું પણ શરીરનો થાક ઉતારવા માટે મોડી રાતે બે લોટી મહુડીનો દારૂ પીતો આવું ને.. "
જો..જો.. સોમા ભંઈ ભાભી તને દારૂ પીવા જતા જોઈ ન જાય, નહીંતર આખા ગામમાં તારી ખબર અંતર નો ઢંઢેરો પિટશે ? "
" વાત તો તારી સો ઘણી હાચી ને !
પછી રાજુ પોતાના ઘર તરફ જવા પગ પાથરીને હાલતો થયો , પણ ઘર નજીક જોઈને રાજુ પોતાને ટ્ટટાર રાખીને હેડવાનો પ્રયત્ન કરે છે કારણ કે દારૂ પીધો હોય એ ખબર ઘરે ન પડી જાય એટલે એ ઢોંગ કરે છે !
રાજુ ને એટલો પીધેલો જોઇને તેની માઁ બોલી " તારો ધણી ફરીથી દારૂ પીને આવ્યો ને "
( રાજુને પત્ની એ કહ્યું ) " માં એમને ઘણા હમજાવ્યા કે જીવવું હોય તો આ દારૂ પીવાનું છોડી દે ' પણ એ ક્યાં માને છે ? મને પિયરમાં કહેતા કે આ દારૂડિયાને છોડી દે, તારી જિંદગી ઘણી લાંબી પડી. કોઈ સારો બીજો મુરતીયો તને અવશ્ય મળી જશે ! પણ મારું મન ન માન્યું ...?
" કેમ વહુ ..? "
" તમને તો માઁ હારી રીતે ખબર ને , મારો કાળજાનો ટુકડો કાળુ હજી તો પોણા ત્રણેક વરસનો થયો ને , તે પણ સારી તે પા.. પા.. પગલી મુકીને આગણે હેડવાનું શીખી શક્યો નહિ, હમણાં જ તેને આમ રજળતો તરસોડી જવાનું એક માઁ નું કાળજું જરા ન માને ? "
સાસુ એ વહુ ને ધીમેથી કહ્યું " તારા પિયરવાળા તને બીજુ સાસરું કરવાના કહેતા હોય તો તારે અવશ્ય બીજુ સાસરું કરી લેવું પડતું ? એમાં જ તારી ભલાઈ રહેલી ને..! "
સાસુ ની વાત સાંભળીને વહુ એ કહ્યું " આ માઁ નું મન એટલું પાષાણ નથી કે પોતાના વહાલ સોયા પુત્રને નજર સામે તડપતો તરછોડી ને બીજા દાપત્ય સુખના કપડાં પહેરી લે.."
" હજી તો હું જીવું છું ? ત્યાં સુધી કાળુ ને એક રાજકુમાર જેમ લાલન, પાલન કરીશ ? તેને જરા પણ આંખોથી દૂર ન જવા દઉં એમ સાસુ એ વહુને કહ્યું "
" તમારી વાત સો ઘણી હાસી પણ આ જીવનની ઢળતી સંધ્યા વેળાએ અચાનક શું થઈ જાય ? તે કોને ખબર છે ઉપરવાળા સિવાય..! કદાચ તમે રાજુ ને બીજી બૈરી ગળે પહેરાવી દો, તોપણ કાળુ ને સગી માઁ જેવા પ્રેમ તો ન જ મળે ? કારણ કે ' પારકી માઁ પારકી જ કહેવાય ' તે શું જાણે લોહી નો સંબંધ સિવાય... મમતા નો મીઠો સ્વાદ ? "
તું કેમ ભૂલે છે ? હજી તો કાળુ ના પિતા જીવે છે , તે પોતાના છોરાને હારા સંસકારો આપીને ઉછેર કરશે અને એક બાપની જવાબદારી પણ હારી રીતે નિભાવશે ? હવે માઁ તમે રહેવા દો ! કાળુ એક નંબરનો દારૂડિયો એ ક્યાં માને તારી વાત, એ તો બસ અલગ-અલગ દારૂની ભઠ્ઠીએ જઈને દારૂ ગાળે ( બનાવવો ) અને પીવે એજ એનું રોજનું કામ થઈ ગયું , જાણે ડીલરની નોકરી કરતો હોય એમ પોતાને માને ..! "
" વહુ તું.. એટલી બધી ચિંતા ન કર તારો ધણી સમય સથવારે અવશ્ય સુધરી જશે ? આપણે કાલે જ માતાજી પાસે સોગંધ લેવડાવા લઈને જશું ? કદાચ એ માતાજીના ડરથી દારૂ પીવાનું છોડી દે ! આમ સાસુ વહુને વારંવાર હ્રદયથી ' દિલાસો ' આપતી "
બીજી તરફ રાજુ ને વધારે પડતો દારૂ નો નશો ચઢી જવાથી. સાંજે ખાધા વગર જ ખાટલે પડીને સૂઈ ગયો !
---- શેખર ખરાડી ઈડરિયા