Badlaav - 11 in Gujarati Moral Stories by bharat maru books and stories PDF | બદલાવ-11

Featured Books
Categories
Share

બદલાવ-11

બદલાવ-11
(“કાલ...કપાલ...મહાકાલ.”
અજયને નરોતમની અંદર એક નવો બની રહેલો અઘોરી તાંત્રીક દેખાયો.એનું આ રૂપ જોઇ અજય પણ ગભરાયો.નરોતમ પાછો પેલી મોટી પથ્થરની શીલા પાછળ ગયો.ત્યાંથી અજયનો એક જાણીતો પણ દુખી અને આજીજી ભરેલા સુરમાં અવાજ આવ્યોં
“નરોતમભાઇ, મને માફ કરો....)

બદલાવ-11
            “નરોતમભાઇ, મને માફ કરો....મને અહિંથી જવા દો.તમે તો મારા વડિલ મિત્ર છુઓ.” એ જાણીતો અવાજ કોનો છે? હજુ અંદર કોણ છે? શું હજુ મારે ઘણુંબધુ જોવાનું છે? ઘણું દુખ ભોગવવાનું છે? કદાચ અહિંથી છટકયાં પહેલા અંતઘડી પણ આવી જશે? એવા અનેક વિચારે અજય જયાંરે ફરી અશાંત થયો તો એનું ધ્યાન આપમેળે પાણીમાં ગયું.જયાં પથ્થર ફેકયોં હતો ત્યાં સોનેરી ચાદર ફાટેલી દેખાઇ.પણ ધીમે ધીમે એ સંધાતી જતી હોય એમ ચળકાટ પોતાની જગ્યા લેવા માંડયો હતો.
            જો વિજ્ઞાન ને બાજુ પર મુકીએ તો કુદરત એનું કામ જાણે ‘ઓટો મોડ’ પર કરતી હોય એમ બધુ આપમેળે થઇ જાય છે.સુધરવું કે બગડવું એ તો આપણી દ્રષ્ટીએ દેખાય છે.કુદરતની મરજીથી જયાંરે આપણી મરજી વિપરીત હોય તો દુખ અને કયાંરેક કુદરતની મરજી સાથે આપણી મરજી આપમેળે જોડાઇ જાય તો આપણે સુખી.જો કુદરતની મરજી સાથે જ આપણી મરજીને જોડી દઇએ, આપણી મરજીને ‘મર્જ’ કરી દઇએ તો દુખની કોઇ તાકાત નથી કે દુખી કરી શકે.પણ શરત એટલી જ કે અહંકારને દુર કરવો ઘટે.કારણકે આમાં ઇચ્છા અહંકાર સાથે ચોંટેલી હોય છે.એટલે અહંકારને પણ કુદરતનાં ભરોસે છોડવો પડે, જેમ વૃક્ષ પરથી ખરતું સુકુ પર્ણ હવાનાં ભરોસે આગળ વધે એમ જાતને અન્યનાં ભરોસે છોડવી પડે.પહેલા અજય પોતે પોતાની જાતને વાસ્તવવાદી સમજતો.લોજીકથી જ ડગલા ભરતો.પણ એ અજય કયો? આ તો સોમુનું શરીર....અજયનું મન....સોમુનો જ અજાણ આત્મા....બધું વેરવિખેર!! જેને પોતે ‘હું’ માનતો એ તો અનેક સંયોજનોનો જોડ છે.જેમ કેટલા બધા તત્વો જોડાઇને પાણીનું રૂપ ધારણ કરે છે એમ.....આવા જ વિચારોએ અજયથી શિવલીંગ સામે બે હાથ જોડાઇ ગયા.અને સોમુનાં અવાજે ‘ॐ નમઃ શિવાય’ નો મંત્રોચાર ચાલુ થયો.પહાડી અવાજને લીધે પહાડ પરથી પડઘા પણ પરત થયા.એ સાંભળી નરોતમ દોડીને આવ્યોં.સોમુનાં શરીરને ખભેથી પકડી ઉભો કર્યોં અને ઢસડીને લઇ ગયો.અને અજય પણ એની સાથે ચાલતો થયો.
“તને તારી મુળ જગ્યા બતાવું, ચાલ.” એમ કહી નરોતમ અજયને ગુફાના પાછલા ભાગમાં શીલાની પાછળ લઇ ગયો.ત્યાંનું દ્રશ્ય જોઇ અજયની આંખો પહોળી થઇ ગઇ.
          એક દિવાલ તરફ વિભુતિનાથ પલાઠી વાળી બેઠા હતા.એની સામે જ હવનકુંડ હતો.સામે એકદમ અશક્ત હાલતમાં રોહિત, રૂપા અને એક અજાણી સ્ત્રી પણ બેઠી હતા.રૂપા થોડી દુર, એકલી હતી.રોહિત અને પેલી અજાણી સ્ત્રી નજીક બેઠા હતા.સોમુનું શરીર જોઇ રોહિત બોલ્યોં
“અરેરે...સોમુ તું અહિં?” એ અવાજ સાંભળી નીચુ જોઇ બેઠેલી રૂપાએ પણ જોયું અને એ પણ બોલી 
“સોમુભાઇ, તમે? અહિં કેમ કરતા પહોચ્યાં?”
મિત્ર અને પત્નિ બંનેને પોતાની સાથે મોતનાં મુખમાં જોઇ સોમુનાં મજબુત શરીરમાં અજય ઢીલો પડી ગયો.એનું મજબુત હૃદય પણ રૂપાને જોઇ વારેવારે ધબકાર ચુકી જતુ હતુ.એ એક લાંબા નિશાસા સાથે ફસડાઇને નીચે પડયોં.જાણે પોતાનું આખુ વિશ્વ અહિં અંત પામવા ભેગુ થયું!! હવે કંઇ કહેવા...કંઇ પુછવા નીકળતા શબ્દો કંઠમાં ડુમો થઇ અટવાયા.પેલી આગળની સુંદર ગુફાએ જે આનંદ આપ્યોં હતો એ આનંદ અહિં ઓગળી અને હવનકુંડની અગ્નિમાં ભસ્મિભુત થયો.એનો ધુમાડો આંખમાં લાગ્યોં હોય એમ આંખમાંથી આંસુ નીકળ્યાં પણ પાપણે અટકયાં.
“તો આ સોમુને તમે ઓળખો છો? કોણ છે એ?”
નરોતમે તરત જ સવાલ કર્યોં.

રૂપા તો મૌન રહી પણ રોહિત બોલી પડયોં
“નરોતમભાઇ, આ સોમુ અજયની બેંકમાં ચપરાસી છે.આ ઓરીસ્સાનો છે, અભણ પણ છે.આ અહિં એકલો તો નહિં જ આવ્યોં હોય.એની સાથે અજય પણ હશે જ.તમે તપાસ કરો અને મને અહિંથી છોડો.”
રૂપા અધવચ્ચે જ બોલી પડી
“નહિં સોમુભાઇ, તમે અજય વિશે આ લોકોને કોઇ માહિતી ન આપતા.આ લોકો એને પણ મારી નાંખશે.આ મારો ભાઇ તો કસાઇ છે....નિષ્ઠુર છે.પણ મારા પતિને હું મરવા નહિં દઉં.મારા પતિ જ મારી જીંદગી છે.” અજય તો સોમુ બની બધુ સાંભળતો જ રહ્યોં.અજયે પોતાની જાત પર કાબુ રાખ્યોં.જો નરોતમને આ શરીર બદલાવનો  જરા પણ ખ્યાલ આવી જાય તો બધાનાં જીવ જાય એ વિચારે એ ચુપ જ રહ્યોં.પણ નરોતમ એક હાસ્ય વેરી બોલ્યોં
“અરે મારી બહેન,તું કેમ સમજતી નથી? લોક કલ્યાણ...સમાજકલ્યાણનાં કાર્યોં કરવા હું મારા સૌથી પ્રિય વ્યકિતઓની પણ આહુતિ આપવા તૈયાર છું.મને તમારા થકી લાંબુ જીવન મળશે એટલે પછી હું મારી ચમત્કારીક શકિતઓથી લોકોનાં દુખ દુર કરીશ.એમાં તમારી આત્માઓને પણ શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થશે.” નરોતમે આટલું બોલી અજય તરફ નજર કરી.અજયને એની આંખોમાં આ વિચીત્ર મહત્વકાંક્ષા દેખાઇ.એની આ જીદે એની આંખોમાં લાલ રંગ છલકાવ્યોં હતો.અજયે થોડી ક્ષણ એ આંખો જોયા કરી તો નરોતમ ફરી બોલ્યોં
“જો....આંખોમાં લોહી દેખાય છેને? સતત બે રાત્રીથી એ જાગે છે.આ હવનકુંડનાં ધુમાડાઓ સહન કરે છે.કંઇક નાના-મોટા પ્રાણીઓનાં રકતરંજીત માથાઓ જુએ છે.એટલે લાલ દેખાઇ છે.” 

              અજયે નજર ફેરવી.વિભુતિનાથ આંખો બંધ કરી મંત્રજાપ કરતા હતા.એની બાજુમાં નીચે કેટલાક પક્ષીઓનાં માથા કપાયેલા અને લોહીથી ખરડાયેલા મૃતદેહ પડયા હતા.બે-ત્રણ સસલા અને એના જેવા દેખાતા પ્રાણીઓ કોઇ નશાની હાલતમાં હોય એમ મરવા વાંકે જીવતા પડયા હતા.એક માનવ ખોપડી વિભુતિનાથનાં હાથમાં હતી.એક બીજી કાળા કપડાથી ઢાંકેલી પડી હતી.એનાથી થોડે દુર એક મોટો ફરસો(બંને તરફ ધાર વાળો) પડયો હતો.એની બાજુમાં બે ચળકતી અને તીક્ષ્ણ ધારવાળી તલવાર પડી હતી.તલવારને જોઇને ખ્યાલ આવ્યોં કે એ નવી જ હતી.કદાચ નરોતમ એને લઇ આવ્યોં હોય.ફરસો તો જાણે વર્ષો જુનો હોય એવું લાગતુ હતુ.હવનકુંડની બાજુમાં લાલ,પીળા અને સફેદ રંગોથી કંઇક અજાણ્યાં આકારો દોરેલા હતા.ત્રણ મોટા ગોળ કુંડાળા કરેલા હતા.એક કુંડાળામાં રોહિત બેઠો હતો.એક માં રૂપા બેઠી હતી.પેલી અજાણી સ્ત્રી એમ જ કુંડાળા બહાર હતી.ચારે તરફથી વિચીત્ર ગંધ આવતી હતી.જાણે કોઇ પ્રાણીસંગ્રહાલયમાં આવી ગયો હોય એવી માંસની તીવ્ર ગંધ અજયને અનુભવાઇ.વિભુતિનાથની બાજુમાં નીચે એક મૃગચર્મનું આશન પાથરેલું હતુ જે કદાચ નરોતમનું સ્થાન હોય એવું લાગ્યું.અજય થોડો સ્વસ્થ થઇ રોહિત અને રૂપાની વચ્ચે ખાલી જગ્યાંએ બેઠો.
                 રૂપાને પેટ ભરીને નીરખવાની ઇચ્છા અજયે દબાવી.પ્રેમનો છલકાતો ભાવ દબાવ્યોં.થોડું અંતર જાળવી વહેતા પ્રેમની પાળ બાંધી.રોહિત તરફ મુખ કરી એ બેઠો. રૂપા સાથે કોઇ ખાસ સબંધ ન હોય એવું બતાવવું એને બધા માટે હિતાવહ લાગ્યું.ભારે હૃદયે રોહિતને પુછયું
“રોહિતભાઇ, મને સમજાવો....આ બધુ શું થઇ રહ્યું છે?”
“તારે બચવું હોય, અહિંથી જીવતા જવું હોય તો અજયને અહિં હાજર કર.તો આપણે બંને બચી જઇશું.” રોહિત ફરી અજયનો રાગ ગાવા લાગ્યોં.
“અજયભાઇ આવે તો શું થશે?” અજયે સોમુનાં અવાજ થકી પુછયું.
રોહિતે ધીમા અવાજે અને નરોતમ ન સાંભળે એમ કહ્યું
“આ નરોતમને એવા દંપતિની જરૂર છે જેમાં ઉપરવાળાએ બંને પતિ-પત્નિની ઉંમર લાંબી આપી હોય.હસ્તરેખા જોઇને આ લોકો નકકી કરે છે.આ મારી પ્રેમિકા છે.એનું નામ પણ રૂપા જ છે.પણ એની ઉંમર ટુંકી છે એમ એ લોકોએ જોયું.મારી ઉંમર પણ મધ્યમ છે, લાંબી નથી.આ અજયની રૂપા સાથે કોઇ પુરુષ પણ જોઇએ જેની ઉંમર એના હાથમાં લાંબી હોય.અજયની ઉંમર ખુબ લાંબી છે.પણ એટલામાં તું આવ્યોં, હવે આ લોકો આપણા ચારેયને બલીએ ચડાવશે, તો જ એમનો ઉંમરનો સરવાળો વધારે થાય.જો અજય આવી જાય તો આપણે ત્રણેય બચી જઇએ.” રૂપાએ પણ આ બધુ સાંભળ્યું.પણ એને તો અજય બચી જાય તો સારું એ એક જ ફીકર હતી.
                             એની આ ચીંતા ફરી બહાર નીકળી
“સોમુભાઇ, અજય બે દિવસ પહેલા જ મને મળ્યાં હતા.શું તમે એની સાથે હતા? અજય સલામત તો છેને?” રૂપાની એક આંખ જે અજય તરફ હતી એમાં આંસુનું એક ટીપુ ગાલમાં અટકયું.બીજી તરફ જે બાજુ નરોતમ હતો એ આંખ ખબર નહિં કેમ પણ શુષ્ક જ રહી.કદાચ એ તરફની આંખ ભાઇની સામે રોઇને,આજીજી કરીને થાકી હતી અને હવે કઠોર બની હતી.નરોતમને આવી વાતચીતમાં રસ નહોતો, એ તો બસ વિધી અને પરીણામની જ રાહ જોતો હતો.એટલે જ એનું આ ધીમા અવાજે થતા સંવાદ તરફ કોઇ ધ્યાન ન હતુ.એનો ફાયદો લઇને અજયે રૂપા તરફ જોયું.અને ખુબ નિયંત્રણ રાખવા છતા બોલી ગયો
“રૂપા, તું ચીંતા ન કર.અજય સલામત છે.અને જયાં સુધી હું અહિં જીવતો છું ત્યાં સુધી એ અહિં નહિં આવે.તને અહિંથી સલામત બહાર કાઢવાની મારી જવાબદારી છે.આંસુ લુંછી નાખ.દુખી ન થા.” રોહિતને અને રૂપાને બંનેને એકસાથે અચરજ થયું.આ શું? સોમુ આટલા હકકથી કેમ વાત કરે છે? એ અચરજ જયાંરે બંનેની આંખોમાં અજયે જોયું તો એ પણ મુંજાયો.અજયે હવે નકકી કર્યું સોમુ બનીને જ રહેવું.એટલે જ કદાચ એ પોતાના એટલેકે સોમુનાં શરીર તરફ અને કપડા તરફ જોવા લાગ્યોં.પછી નીચુ માથુ કરીને બેસી રહ્યોં.રોહિતને આવી ભયાનક પરીસ્થીતીમાં પણ સોમુનાં આવા વર્તનથી હસવું આવ્યું.

“સોમુ, માનસીક તાણમાં હોઇએ એટલે આવું જ થાય.” રોહિત બોલ્યોં.
“અહિં ‘લાઇફ’ જોખમમાં છે અને તને હસવું આવે છે? રોહિત, તું કદિ ‘સીરીયસ’ જ ના થયો.એટલે જ આપણે આજે અહિં છેલ્લી ઘડીઓ ‘કાઉન્ટ’ કરીએ છીએ.” પેલી અજાણી સ્ત્રી જયાંરે આવું બોલી તો અજય ભયથી કંપી ગયો.એકદમ રૂપા જેવો જ અવાજ.અને લગ્નનાં પહેલા છ મહિના ઝઘડામાં સાંભળેલો એજ લહેકો, જે રીતે રૂપા વાત કરતી હતી.અજયે એને ફરી નીરખી તો બંને  હાથમાં એજ એક એક સોનાની બંગડી.થોડું સમજી ગયો અને બાકીનું સમજવા રોહિતને પુછયું
“રોહિતભાઇ, આ મેડમ કોણ છે?”
“જો સોમુ....તને કહ્યું તો ખરું,આ મારી પ્રેમિકા છે.એનું નામ પણ રૂપા જ છે.આ અજયની પત્નિ રૂપા અને મારી રૂપા કોલેજની ફ્રેન્ડસ્ છે.અજયની રૂપા નરમ છે.મારી રૂપા બહું ‘સ્ટ્રોંગ’ છે.” રોહિતને અધવચ્ચે જ અટકાવી અજયે પુછયું
“સ્ટ્રોંગ એટલે શું? હું તો અભણ છું.મને સરખુ સમજાવો.” અજય હવે અંદરથી પણ સોમુનું રૂપ ધારણ કરવાની કોશીષ કરી રહ્યોં હતો.
“સ્ટ્રોંગ એટલે કડક.સ્વભાવે અને શરીરે પણ ગરમ.ટુંકમાં બધી વાતે તેજ.બધી વાતે ગરમ.શાનમાં સમજી જા.” રોહિતે એટલુ બોલી એની પ્રેમિકા તરફ જોઇ માદક હાસ્ય વેર્યું.
“હા બરાબર.પણ રોહિતભાઇ તમે આ નરોતમનાં ચકકરમાં કેમ આવી ગયા?” અજયે પુછયું.
“આ નરોતમ સાથે મારે બે વર્ષથી દોસ્તી છે.અજયથી મે આ વાત છુપાવી છે.નરોતમ આ બંને રૂપાને એક બીજાનાં શરીરમાં દાખલ કરી શકે છે.આ વિભુતિનાથ પાસે એની વિધી કરાવે છે.મે પણ કુતુહલતાવશ એને કહ્યું હતુ કે અજયની રૂપાની અંદર મારી પ્રેમિકાને લઇ આવ.હું એક મહિનો સુરત રહેવાનો હતો તો મને થયું હું અજયની રૂપાનાં શરીરમાં મારી રૂપાને મળતો રહીશ.મે આ વાત મજાકમાં લીધી.મને શું ખબર કે નરોતમ આ વાતનો ફાયદો ઉઠાવી અહિં બધાને ભેગા કરશે.અને મારી નાંખવાનો પ્લાન કરશે.એટલે જ મે તારા દ્વારા અજયને ડરાવતો ફોન પણ કરાવ્યોં હતો.પણ જયાંરે હું સુરત હતો ત્યાંરે મને નરોતમનાં આ કાવતરાની ખબર પડી એટલે મે અજયને ચેતવ્યોં પણ હતો.” રોહિતે સોમુને બધી ચોખવટ કરી.હવે છેલ્લે કંઇ ન છુપાવવામાં જ રોહિતે સાર સમજયોં.

“આમાં અજયભાઇનો શું ગુનો? એમણે તો છ મહિના તમારી રૂપાને સહન કરી.પછી એમની પત્નિને પ્રેમ કર્યોં.સતત મુંજવણમાં જ રહ્યાં.” સોમુએ પુછયું.
“અજયનો એટલો જ ગુનો કે એ નરોતમનો બનેવી છે અને મારો મિત્ર છે.મારી ફકત મોજ-મજા માટે મે આ બંને રૂપાનાં શરીર બદલવા નરોતમને કહ્યું હતુ.એમાં નરોતમે ચાલાકીથી પોતાનો સ્વાર્થ સાધી લીધો.આપણે એક ક્રુર માણસનાં ચકકરમાં ફસાયા.પણ હું જયાંરે સુરત ગયો ત્યાંરે જ રૂપા એનાં મુળ શરીરમાં પાછી આવી.એનું કારણ નરોતમને પણ નથી સમજાયું.એ માટે એણે જરૂરતથી વધારે પ્રયત્નો કર્યાં એટલે એ ગંભિર રીતે  બિમાર પડી ગયો હતો.” આ છેલ્લા બે વાકયો નરોતમ પણ સાંભળી ગયો.એ ઉભો થયો, હવનકુંડમાં પોતાના જમણા હાથે કંઇક ઘા કર્યોં.ચારે તરફ ધુમાડાનાં ગોટા ઉડયા.બધાની આંખોમાં બળતરા થવા લાગી.પછી વિભુતિનાથ તરફ જઇ એમને નમસ્કાર કર્યાં અને બોલ્યોં
“પ્રભુ, બસ આવતીકાલ સવાર સુધી બધુ પાર ઉતરી જાય એવી કૃપા રાખજો.આપના બંને ભૈરવ અને પીશાચોને ખડે પગે રાખજો.આ એકેય બલી છટકી ન જાય એ માટે એક પીશાચ મને વશમાં કરવા આપો.આપ તો હમણા સાધના કરવા જશો એટલે.....” નરોતમ અધુરી વાતે અટકયોં.વિભુતિનાથે આંખ ખોલી અને નરોતમથી માંડીને બધા તરફ વારાફરતે નજર કરી.એમની નજર સોમુનાં શરીરે અટકી અને બોલ્યાં
“યાદ રાખજે નરોતમ, આ અજાણ્યાંની બલી સૌથી છેલ્લે સવારનાં પહેલા પહેલા પ્રહરમાં આપવાની છે.આનું શરીર ખુબ માંસલ છે.એનું માંસ બધા ભૈરવોને ખુશ કરી દેશે.” અજયને જાણે પોતાનું શરીર ચીરાતું હોય એવી કંપારી છુટી.એ કંપનથી પોતાના પર કરેલો કાબુ છુટયોં.એ ગુસ્સાથી ઘેરાઇ ગયો અને પોતાના સ્થાને ઉભો થઇ બોલ્યોં
“તમને મહાકાલ નહિં છોડે....આ ખુની ખેલ તમને પણ ભરખી જશે.”
નરોતમને પણ ગુસ્સો આવ્યોં.એણે સોમુને બે-ચાર ગાળો આપી.અજય સોમુનાં શરીરમાં પોતાને બળવાન સમજવા લાગ્યોં હતો એટલે જ એ નરોતમ તરફ હુમલો કરવા ધસી ગયો.એમાં એના ખીસ્સામાંથી પાકીટ ઉછળીને રોહિતની બાજુમાં પડયું.
                 ક્રમશઃ
            --ભરત મારૂ