Badlaav - 10 in Gujarati Moral Stories by bharat maru books and stories PDF | બદલાવ-10

Featured Books
Categories
Share

બદલાવ-10

બદલાવ -10
((આ તરફ અજય થોડીવાર પછી ઉભો રહ્યોં.અને રસ્તા માટે ચારેતરફ અવલોકન કરવા લાગ્યોં))
          
                અજય જે તરફથી બે દિવસ પહેલા આવ્યોં હતો એ રસ્તે અગળ વધ્યોં.ગાઢ વૃક્ષોનું જંગલ ફરી આવ્યું.મોટા ઘટાદાર વૃક્ષો વચ્ચે અજય આગળ વધ્યોં.પણ હવે દિશાભાન જાળવી રાખવું મુશ્કેલ હતું કારણકે બધી તરફ એક જ દ્રશ્ય દેખાતુ હતુ.એણે ઘડીયાલમાં જોયું તો ખબર પડી કે લગભગ કલાકથી એ ચાલતો જ રહ્યોં હતો.આખરે એક ઝાડ નીચે ઉભો રહ્યોં.થોડો આરામ કર્યોં.ત્યાં એની જમણી તરફ કંઇક સળવળાટ થયો.અજયે સાવધાન થઇ એ તરફ નજર રાખી.લગભગ ત્રીસ કે ચાલીસ ફુટની દુરી પર એક રીંછનું સાવ નાનુ બચ્ચુ દેખાયું.અજય એને રમતુ જોઇ રહ્યોં હતો.પણ ત્યાં તો એની પાછળ માદા રીંછ જે બચ્ચાની મા હતી એ આવી.એણે પણ અજયને જોઇ લીધો.એણે ગુસ્સાથી ઘુરરાટી કરી.અજય ક્ષણવારનો પણ વિલંબ કર્યાં વિના ભાગ્યોં.જીવ બચાવવા એ ઘણી મીનીટો સુધી ભાગતો રહ્યોં.શરીર તો સોમુનું હતુ એટલે એને દુર સુધી ભાગવામાં અનુકુળતા લાગી.ભાગતા ભાગતા જ એ પાછળ જોઇ લેતો.પણ એક જાડી વેલ પગમાં આવતા એ ઉછળીને પડયોં.માથુ પણ જમીનમાં અથડાયું.જયાંરે એણે માથુ ઉચકયું તો સામે એક સાધુ ઉભો હતો.અજયે જોયું તો એનો દેખાવ બીલકુલ અલગારીનાથ જેવો જ લાગ્યોં.પણ એના ચહેરા પર સોમ્યભાવ દેખાયોં.અને હાથમાં એક લાકડી હતી.સોમુએ એમના પગ તરફ જોયું તો જમણા પગમાં ગોઠણથી નીચે એક કપડું વીંટેલુ હતુ.અજયને હાથ પકડી એ સાધુએ  ઉભો કર્યોં અને શાંતિથી પુછયું
“અરે બેટા!! આ ભયાનક જંગલમાં એકલો? અને આમ ભાગતો કયાં જાય છે? રસ્તો ભટકી ગયો છે?”
અજયને થયું કદાચ આ પણ કોઇ તાંત્રીક જ છે.એ વિચાર કરવામાં રહ્યો અને એટલે જ મૌન રહ્યોં.પેલા સાધુ ફરી બોલ્યાં
“જો બેટા તું જે બાજુએથી આવે છે ત્યાં પોતાના બચ્ચા સાથે એક માદા રીંછ રહે છે.બચ્ચુ હજુ નાનુ છે એટલે બહું જ ગુસ્સાવાળી છે.જો આ થોડા દિવસ પહેલા મને ઘાયલ કર્યોં.હું પણ માંડ બચ્યોં” પોતાના પગમાં બાંધેલો પાટો બતાવી એ બોલ્યાં.અજયને એમની વાત પર થોડો વિશ્વાસ બેઠો એટલે મદદ માંગતા પુછયું
“મહારાજ, અહિંથી બહાર નીકળવું હોય તો કંઇ દિશામાં જવાનું?” 
“તું ચીંતા ન કર.મારે પણ આબુ જવાનું છે.જો આ જડીબુટ્ટી જંગલમાંથી એકઠી કરી ત્યાં નખી લેક પર વહેચું છું.તું મારી સાથે આવી શકે છે.” એ સાધુ અજયને ભરોસો આપતા બોલ્યાં.અને લાકડીનાં ટેકે લંગાડાતા ચાલતા થયા.અજયે બે ક્ષણ વિચાર કર્યોં.પણ આ લંગડાતા અને દેશી ઓસડીયા વહેચીને ગુજરાન ચલાવતા બાવાથી ડરવાની જરૂર ન લાગી એટલે એ પણ ચાલતો થયો.રસ્તામાં અજયને પુછયું
“તારું નામ શું છે, બેટા?”
“અઅઅ....સોમુ.” અજયને થયું આ શરીર જ મારી ઓળખાણ છે તો આ શરીરનું જ નામ આપું.
“વાહ સરસ.તો સોમુ, જંગલમાં શું કામે આવેલો?” લંગડાતી ચાલે ચાલતા સાધુએ પુછયું.
“મહારાજ, હું તો જંગલનાં ફોટા લેવા આવેલો.હું ફોટોગ્રાફર છું.પણ અહિં ભટકી ગયો.મારો કેમેરો પણ કયાંક પડી ગયો.” અજયે ખોટું બોલવામાં જ સાર સમજયોં.
“અચ્છા...અચ્છા.પણ આ જંગલ બહું જ ખતરનાક છે.હું તો સન્યાસી બાવો, મારું કોઇ કંઇ બગાડી ન શકે.તમે ભટકતા સંસારી.તમારો ઉપયોગ કરી મારી નાંખે એવા ઘણાં તાંત્રીકો અહિં રહે છે.એટલે ઝડપથી અહિંથી બહાર નીકળવું સારું.” 
                બંને વાતો કરતા એક લાંબા ઢોળાવમાં નીચે ઉતરતા હતા.ઢાળ પુરો થયા પછી એક નદી આવી.એમાં ધીમા પ્રવાહે ચોખ્ખુ પાણી વહી રહ્યું હતુ.પગની પાની ડુબી એટલા  પાણીમાંથી બંને પસાર થયા.બપોરનો સમય હતો એટલે પાણી બહું ઠંડુ ન લાગ્યું.
                આ તરફ અજયનાં શરીરમાં રહેલો સોમુ અલગારીનાથની ગુફામાં અંદર બેઠો.એકલો હોવાથી થોડો ભયભીત પણ હતો.જો હવે અલગારીનાથ આવી જાય તો અજય વિશે પુછશે અને પોતે શું કહેશે એ વિચારે સોમુ માનસીક તાણ અનુભવતો બેઠો હતો.હાથમાં બાંધેલી કાંડા ઘડિયાલમાં જોયું.બપોરનાં 12.00 વાગ્યાં હતા.એ બબડયોં ‘હજુ તો બાર જ વાગ્યાં છે.અલગારીનાથ તો રાત્રે પાછા આવશે.એ પહેલા અજયભાઇ મદદ લઇને આવી જાય તો સારું.’ 
           અજય ચારે તરફ નજર કરી અમુક નિશાનીઓ યાદ રાખીને ચાલતો હતો.ધીમે ધીમે ફરી મેદાન વિસ્તાર આવ્યોં.જે ગોઠણ સુધી ઉગેલા ઘાસથી ભરેલો હતો.થોડા આગળ વધ્યાં પછી એક પગદંડી આવી એટલે અજયને હાશકારો થયો.જાણે નવજીવનની સુંદર પગદંડી.પેલા સાધુ લંગડાતા ચાલતા હતા એટલે એમની ગતિ ધીમી હતી.અજયને થયું હવે એમની આગળ નીકળી જાવ.આ પગદંડી તો મને કોઇ મુખ્ય માર્ગ સુધી પહોંચાડશે જ ને.પણ જયાંરે પેલા સાધુએ પગદંડી છોડી ફરી જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું ત્યાંરે એ બોલવા મજબુર થયો
“મહારાજ, આ પગદંડી તો આમ જાય છે.આપણે કેમ આ ડાબી તરફ ફંટાયા?”
“બેટા, એ પગદંડી તો લાકડા માટે આવતા કઠીયારાઓની છે.એ ફરી જંગલમાં લઇ જશે.મારા પર ભરોસો રાખ.હમણાં તને મુખ્યમાર્ગે પહોચાડી દઉં છું.બસ હવે પંદર મીનીટ.”
અજય ન છુટકે એમની પાછળ ચાલતો ગયો.થોડે દુર ફરી એક ટેકરી આવી.ત્યાં ઉભા રહી સાધુએ કહ્યું
“જો ધ્યાનથી સાંભળ.આ ટેકરી પછી સીધો આબુ જવાનો મુખ્ય માર્ગ છે.હમણા વાહનનો અવાજ આવશે.”
અજય સાંભળવા માટે મૌન રહ્યો.તો થોડીવારે દુરથી વાહનનાં હોર્ન નો અવાજ સંભળાયો.જેમ વાદળોનો ગળગળાટ સાંભળી મોર થનગનાટ કરવા લાગે એમ હોર્નનો અવાજ સાંભળી અજયની અંદર થનગનાટ થયો.એ ખુશ થઇ ઝડપથી એ ટેકરી ચડવા લાગ્યોં ત્યાં પેલા બાવાએ રોક્યોં.
“બેટા, અહિંથી નહિં જઇ શકાય.બીજી તરફ ત્યાં સીધો જ ઠોળાવ છે.આ ટેકરીની ડાબી તરફથી જવાશે.પેલુ દુર એક વૃક્ષ દેખાય છે ત્યાંથી જમણી તરફ વળીશ ત્યાંરે એક ઝુપડું આવશે.એની બાજુએથી નીકળી જા.એ રસ્તો સારો છે.અજય તો દોડયોં.પેલો બાવો પાછળ રહી ગયો.ખરેખર એક ઝુપડું આવ્યું.એક મોટી પથ્થરની શીલાને અડીને એક લાકડા અને પાંદડાનું બનેલું ઝુપડું દેખાયું.એની પાસેથી પસાર થયો ત્યાંરે પવનનો એક સુસવાટો આવ્યોં.અંદરથી કોઇક માણસનાં કણસાટનો અવાજ આવ્યોં.અજય ઉભો રહ્યોં.ઝુપડીમાં અંદર તો અંધારું દેખાયું.પાછળ જોયું તો પેલા સાધુ પણ ન દેખાયા.અંદરથી ફરી અવાજ આવ્યોં
“બચાવો....એ મને કોઇ બચાવો.” અજયને આ અવાજ જાણીતો લાગ્યોં.પણ અવાજ બહું અંદરથી આવતો હોય એવું લાગ્યું.અજય સામે ફરી સવાલોનાં ઠગ ખડકાયા. ‘અંદર કોણ છે? આ ફરી અલગારીનાથની ચાલ તો નથીને? કે અંદર ખરેખર કોઇ ફસાયું છે?પેલો બાવો કયાં ગયો?’ વિચાર કરવામાં એના પગ ત્યાં જ થંભી ગયા.પછી ઝુપડીનાં દરવાજા સુધી ગયો.અંદર જોયું તો ઝુપડી તો ખાલી હતી.પણ અંદરથી બીજે છેડે હળવો પ્રકાશ આવતો હતો.આ ઝુપડી અંદરથી કોઇ ગુફા સાથે જોડાયેલી લાગી.એટલામાં એના ખભે પાછળથી કોઇએ હાથ મુકયોં.એ જબકી ગયો.પાછળ પેલો બાવો આવીને ઉભો હતો.
“શું જુએ છે બેટા?”
“બાબા, અંદરથી કોઇનો અવાજ આવે છે.”
“એ તો મારો ભાઇ છે.એ બિમાર છે.ચાલ તારે અંદર આવવું હોય તો....પછી હું તને મુખ્ય રસ્તા સુધી મુકી જઇશ.” અજયને અનેક સવાલો છતા ભરોસો બેઠો.એ અંદર જવા તૈયાર થયો.ઝુપડી તો અંદરથી અંધકારમય હતી.પણ અંદરથી એક ગુફાનો સાંકડો રસ્તો હતો.જેનો આછો પ્રકાશ ઝુપડામાં દેખાતો હતો.લગભગ ગોઠણીયે વળી બંને આગળ વધ્યાં.આગળ ઉજાસ વધતો ગયો.આખરે ચારેબાજુથી પર્વતીય દિવાલ અને ઉપરનાં ભાગે ખુલ્લા આકાશ વાળી મોટી જગ્યા દેખાઇ.એ જગ્યા લગભગ પચાસ ફુટ પહોળી અને દોઢસો ફુટ લાંબી પણ થોડી વળાંકવાળી હતી.ચારે તરફ કાળા પથ્થરની શીલાઓ અને એના પર લટકતા અમુક વૃક્ષોનાં જાડા મુળીયા દેખાતા હતા.અમુક ભાગેથી પાણી ટપકતું હતુ.જે નીચે ગુફામાં એક જગ્યાએ એકઠું થઇ નાના કુંડ જેવું બન્યું હતુ.એ કુંડની એક તરફ બહું જુનું લાગતુ એક નાનકડું શિવલીંગ સ્થાપીત હતુ.પાણીની સપાટી સોનેરી રંગની જાયથી ચમકતી હતી જાણે સોનાની આછી ચાદર ઢાંકેલી હોય.ચારે તરફની શીલાઓ દિવાલોનું કામ કરતી ઉભી હતી.અમુક જગ્યાએ માટીનો ભાગ હતો એમાં બ્રાહ્મી અને બીજી નાની નાની વનસ્પતિઓ ઉગેલી હતી.અમુક કદી ન જોયેલા ફુલોનાં છોડ પણ હતા.આ દ્રશ્યાવલી ગુફાને અદભુત રીતે સુશોભિત કરતી હતી.આ ઉપરથી ખુલ્લી અને મેદાન જેવી ગુફામાં વચ્ચે એક મોટી પથ્થરની શીલા પડી હતી.જે લગભગ દસ ફુટ ઉંચી અને વીસ ફુટ પહોળી હતી.એ શીલાની પાછળથી ફરી કોઇ માણસનાં દુખથી કણસવાનો અવાજ આવ્યોં.અજયે સુંદર ગુફાથી નજર હટાવી પેલા સાધુ તરફ જોયું તો એના હાથમાં લાકડી ન હતી.પગમાં જોયું તો બાંધેલો પાટો પણ ગાયબ હતો.ચારે તરફ ભીની માટી,સુગંધીત પુષ્પો અને પથ્થર પરથી ટપકતા શીલાજીતની સુવાસ વચ્ચે અજયને કંઇક ષડયંત્રમાં ફસાયાની ગંધ પણ આવી.એ ગભરાયો એટલે પુછયું
“મહારાજ આપના પગનો પાટો?”
એક જોરદાર અટ્ટાહાસ્ય સાથે એ બોલ્યાં
“આ મારું ઘર છે.અહિં આવીને મારા બધા દુખ છુટી જાય છે.”
અજયે તરત જ બીજો સવાલ કર્યોં
“તમારો ભાઇ કયાં છે?”
“હા મારો ભાઇ પેલી શીલા પાછળ છે.” એટલુ બોલી એ આગળ વધ્યાં અને બુમ પાડી
“ભાઇ...ઓ ભાઇ...નરોતમ.જો હું તારા માટે સામગ્રી લઇ આવ્યોં.” 
             નરોતમનું નામ સાંભળીને અજયને ખ્યાલ આવી ગયો કે પોતે એક જગ્યાએથી છટકી બીજા મોટા ચોકઠામાં પુરાયો છે.પણ આ બાવો તો પેલા અલગારીનાથથી પણ ખતરનાક નીકળ્યોં.નાટક કરી ફસાવી દીધો.પણ આ ગુફા તો ખાલી દેખાય છે.એવા અનેક વિચારો ગતિમાન થઇ અજયનાં મસ્તિકમાંથી પસાર થયા.ત્યાં તો પેલી ગુફાની વચ્ચે સ્થીત મોટી શીલા પાછળથી નરોતમ પ્રગટ થયો.નરોતમને જોઇને અજયને એવું લાગ્યું જાણે ગુફાની બધી સુંદરતા અને સુવાસ ગાયબ થઇ ગઇ,એની જગ્યા નરોતમનાં શરીરમાંથી આવતી દુર્ગંધે લીધી.એ નજીક આવ્યોં એ પહેલા તીવ્ર અને વીચલીત કરતી વાસ આવી.એણે પેલા બાવાને સાષ્ટાંગ પ્રણામ કર્યાં.સોમુનાં શરીર તરફ જોયું.એના જમણા હાથની હથેળી પોતાના હાથમાં લઇ બોલ્યોં
“સદગુરૂ વિભુતીનાથ, આપે યોગ્ય માનવી પસંદ કર્યોં.આના હાથમાં જીવનરેખા ખુબ લાંબી છે.આપની કૃપા મારા પર હંમેસા રાખજો, પ્રભુ.”
થોડીવાર સોમુનાં ચહેરા તરફ જોઇ નરોતમ ફરી બોલ્યોં
“શું નામ છે તારું? તને કયાંક જોયો હોય એવું લાગે છે.આ ચહેરો પરીચીત છે.”
              સોમુનાં શરીરમાં અજયને સુરક્ષા પણ લાગી અને ગભરાટ પણ થયો.અજયને આ શરીરમાં પોતાની ઓળખ છુપી રહી એની સુરક્ષા લાગી અને નરોતમ હવે આ શરીરનો ઉપયોગ કરવાનો છે એ વાતે  ગભરાટ અનુભવાયો.છતા આ બંને સ્થીતીમાંથી પાર થઇ એ બોલ્યોં
“મારું નામ સોમુ છે.તમે કોણ?મને અહિં આ મહારાજ શું કામ લઇ આવ્યાં? મારી પસંદગી કયા કામ માટે કરી છે?” જયાંરથી અજય રૂપાને પરણ્યોં ત્યાંરથી સતત સવાલોમાં જ અટવાયેલા અજયે પુછયું.
નરોતમે અને પેલા વિભુતિનાથે એકસાથે જ ખંધુ હાસ્ય વેર્યું.વિભુતિનાથ તો અંદર જયાં પેલી મોટી શીલા હતી એ તરફ ચાલતા થયા.નરોતમ સોમુનાં ચહેરે યાદ કરવા માટે જોતો રહ્યોં.પણ અજયને કંઇ ન સુઝતા એ પાછો ભાગયોં.એ ભાગતો હતો ત્યાંરે નરોતમનો મોટેથી હસવાનો અવાજ પણ સંભળાયો.અજય ઝુપડાનાં દરવાજે પહોચ્યોં ત્યાંરે ફરી એજ બંધન અને એજ પગનો દુખાવો.એ તરત જ  સમજી ગયો કે અહિં પણ અજ્ઞાત શકિતઓનો પહેરો ગોઠવેલો છે.અને એટલે જ એ ઝુપડીમાં બેસી રહ્યોં.થોડીવારે નરોતમ આવ્યોં અને બોલ્યોં
“તું પણ હવે અહિંથી પાછો નહિં જઇ શકે.અહિં ભૈરવોનો ચોકી-પહેરો છે.વધારે કોશીષ કરીશ તો મોતને ઘાટ ઉતરીશ.એટલે સમજદાર બનીને અંદર આવ.હું તને ઓળખી ગયો.તું તો મારી હોટલ પર જમવાનું પાર્સલ લેવા આવેલો.તે તો બે જણનું જમવાનું બંધાવેલું.એ બીજો વ્યકિત કોણ છે?”
“બીજુ કોઇ નથી મારી સાથે.હું એકલો જ બે જણનું ખાઇ લઉં છું.પણ મને શું કામ પકડયો છે?” અજયે પુછયું.
“તું અંદર ગુફામાં આવ એટલે બધી વાત કરીશ.અંદર હજુ ઘણુ જોવાનું છે તારે.બહારનું દ્રશ્ય તો તું જોઇ નહિં શકે હવે.” એટલુ બોલી નરોતમ બિંદાસ થઇ અંદર ગયો.અજય પણ હવે કોઇ રસ્તો ન હોવાથી અંદર ગયો.
ફરી પેલી સોનેરી ચળકતી પાણીની સપાટી તરફ ધ્યાન ગયું.કુતુહલથી એક પથ્થર ઉપાડી પાણીમાં ફેકયોં.ગોળ ગોળ વમળો લહેરાવા લાગ્યાં.અજયની નજરે એક વમળનો પીછો કર્યોં.એ વમળ શિવલીંગ સાથે અથડાઇને ચુરચુર થઇ ગયું.અજયનાં વિચારોની પ્રક્રીયા પણ આમ જ ચુરચુર થઇને તુટી અને શાંત થઇ.જાણે સંમોહનથી ધ્યાન લાગ્યું.મનમાં ઉપર રહેલી વિચારોની સપાટી તુટી એટલે અંદર પડેલી સ્મૃતિઓએ ધકકો માર્યોં.રૂપાએ ઘરનાં મંદિરમાં મુકેલું શિવલીંગ યાદ આવ્યું.જે અહિં સામે સ્થાપિત શિવલીંગ જેવા  જ આકારનું હતુ.એ અચાનક એક વૃક્ષનું મોટું પાંદડુ તોડી લાવ્યોં.એનું વાટકી જેવું પાત્ર બનાવી એમાં દિવાલેથી ટપકતું પાણી જીલ્યું.ટપ....ટપ અવાજે અસ્થાઇ પાત્ર ભર્યું.અને એ શુદ્ધ જળથી શિવલીંગ પર અભિષેક કર્યોં.પછી ત્યાં જ બેસી ગયો.ત્યાં નરોતમ ફરી આવ્યોં.અજયને સોમુનાં શરીરમાં જગાડતા બોલ્યોં
“તું તો ગળામાં હરેકૃષ્ણની કંઠી ધારણ કરે છે.અને વળી આ શિવજીની પુજા અર્ચના? કંઇ સમજાયું નહિં.”
“મને પણ આ બધું નથી સમજાતું....તમે લોકો શું કરો છો? અહિં બીજુ કોણ કોણ છે?” અજયે કહ્યું.
“તો સાંભળ.મને તારો કોઇ ડર નથી એટલે ચોખવટથી કહું.....કુદરતે કે ઉપરવાળાએ દરેકને એક ચોકકસ ઉંમર આપેલી છે.કારણકે કુદરત દરેક માનવી પાસે કંઇક ને કંઇક કામ કરાવવા માગે છે.મે મારી જાતે ઘણી ચમત્કારીક વિદ્યાઓ મેળવી છે.જેના દ્વારા હું ઘણા લોકોને મદદ કરી શકું.”
“કોને મદદ કરી શકો? તમારા સગા સબંધીઓને? તમારી આજુબાજુવાળાને? એ તો બધાની ફરજ હોય છે.એ તો બધા કરતા જ હોયને!!” અજયે નરોતમનાં મોઢે વાત કઢાવવા પુછયું.
“ના, હું સ્વાર્થી નથી.મારે તો દરેકનાં સબંધીઓને મદદ કરવી છે.દરેક માનવને સહાયતા કરવી છે.એમના દુખ દુર કરવા છે.મારા સગાઓનું તો મારે, મારા માટે બલીદાન લેવાનું છે.લોક કલ્યાણ માટે મારે મારા પોતાનાઓનું બલીદાન આપવાનું છે.” નરોતમ બિન્દાસ બોલ્યોં.
“બલીદાન  શું કામ આપવું પડે?”
“જો....કુદરતે મને ખુબ ઓછી ઉંમર આપી છે.આ વિભુતિનાથ મારા ગુરુ છે.એમના કહેવા પ્રમાણે મારી ઉંમર ખુબ ઓછી છે.હવે થોડા દિવસો જ બાકી રહ્યાં છે.મારી બધી વિદ્યાઓ આમને આમ પડી રહેશે.મારા ગુરુએ બાંહેધરી લીધી છે કે કોઇ એક નિ:સંતાન દંપતિનું બલીદાન આપું તો એ બંનેની ઉંમર મને મળી શકે.હાલ હું બેતાલીસ વર્ષનો છું.આ વિધી થયા પછી હું લગભગ બસો વર્ષ સુધી જીવી શકું.પછી હું લોકસેવા કરીશ.”
“તો તમે મને શું કામ પકડયોં છે? હું તો તમને ઓળખતો પણ નથી.હું તો અહિં આબુમાં ફરવા આવેલો.” અજયે સોમુ બનીને જ વાત કરી.
“તારા સવાલનો જવાબ પણ મળી જશે.અત્યાંરે આનાથી વધારે વાતચીત વ્યાજબી નથી.” આટલું બોલી નરોતમ ઉભો થયો અને મોટા અવાજે બોલ્યોં
“કાલ...કપાલ...મહાકાલ.”
અજયને નરોતમની અંદર એક નવો બની રહેલો અઘોરી તાંત્રીક દેખાયો.એનું આ રૂપ જોઇ અજય પણ ગભરાયો.નરોતમ પાછો પેલી મોટી પથ્થરની શીલા પાછળ ગયો.ત્યાંથી અજયનો એક જાણીતો પણ દુખી અને આજીજી ભરેલા સુરમાં અવાજ આવ્યોં
“નરોતમભાઇ, મને માફ કરો....”
          ક્રમશ:
--- ભરત મારૂ