Bhedi Tapu - Khand - 2 - 2 in Gujarati Adventure Stories by Jules Verne books and stories PDF | ભેદી ટાપુ - ખંડ બીજો - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ભેદી ટાપુ - ખંડ બીજો - 2

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(ર)

પેટી ક્યાંથી ?

9મી ઓકટોબરે હોડી તૈયાર થઈ ગઈ. ખલાસીઓ પોતાનું વચન પાળ્યું હતું. તેમાં ત્રણ બેઠકો હતી; બંને છેડે એક એક, અને એક વચમાં. હોડીની લંબાઈ 12 ફૂટ હતી; અને તેનું વજન આશરે 5 મણ જેટલું હતું.

હોડીને ગ્રેનાઈટ હાઉસ પાસેના દરિયા કિનારે લઈ ગયા. પછી તેને દરિયામાં તરતી કરી. ખલાસી કૂદીને તેમાં બેસી ગયો.

“ આ હોડીથી આપણે પ્રદક્ષિણા કરી શકીએ--” ખલાસી બોલ્યો.

“દુનિયાની?” સ્પિલેટે પૂછ્યું.

“ના, આ ટાપુની.” ખલાસીએ જવાબ આપ્યો.

બધા હોડીમાં બેસી ગયા. આજ તો હોડીની ચકાસણી કરવાનો બધાનો ઈરાદો હતો. આથી દક્ષિણ કિનારે જ્યાં મોટા ખડકો હતા ત્યાં સુધી જ જવાનો નિર્ણય કર્યો.

હોડી ઉપડી દરિયો શાંત હતો. નેબે અને હાર્બર્ટે હલેમાં હાથમાં લીધાં, અને ખલાસીએ સુકાન પકડ્યું. પહેલાં ખાડી પસાર કરી. હોડી પાણી ઉપર આસાનીથી સરકતી હતી. તેઓ કિનારાથી અર્ધો માઈલ જેટલે દૂર આવી પહોંચ્યા. અહીંથી ફ્રેન્કલીન પર્વત બરાબર જોઈ શકાતો હતો. આ સ્થળ મર્સી નદીથી ત્રણ માઈલ દૂર હતું.

પંજાના આકારની ભૂશિર સુધી કિનારે કિનારે ઝડપથી આગળ વધવાનું નક્કી થયું. બે જણા હલેસા મારતા હતા. તેથી હોડી ઝડપથી આગળ વધતી હતી. સ્પિલેટ પોતાની નોટબુકમાં પેન્સિલ વડે આ ટાપુનો નકશો દોરતો હતો. નેબ, હર્બર્ટ અને પેનક્રોફટ આડી અવળી વાતોમાં ગૂંથાયા હતા. કપ્તાન ઝીણવટથી કિનારો તપાસી રહ્યો હતો. તે કંઈ બોલતો ન હતો.

પોણા કલાકમાં હોડી ધારેલા સ્થળે પહોંચી ગઈ. પેનક્રોફટ પાછા વળવાની તૈયારી કરતો. હતો, હર્બર્ટ ઊભા થઈ ને એક કાળી વસ્તુ બતાવીને કહ્યું,

“ક્નારા પાસે પેલું કાળું કાળું શું દેખાય છે?”

બધાએ તે બાજુ જોયું. રેતીમાં કોઈ વહાણનો ભાંગેલો ભાગ હોય એવુ દૂરથી દેખાતું હતું.

“અરે! બેરલ છે, બેરલ!” ખલાસી બોલ્યો.

ખલાસીએ હોડી કાંઠા તરફ લીધી. બધા રેતીમાં નીચે કૂદી પડ્યા. નજીક જઈને જોયું તો પેનક્રોફટની વાત સાચી હતી. બે મોટા બંધ પીપ અર્ધાં રેતીમાં દટાયેલાં પડ્યાં હતાં. તે બંને પીપ સાથે એક મોટી પેટી દોરડાથી બાંધેલી જોઈ શકાતી હતી.

“જરૂર કોઈ વહાણ આ કાંઠે અથડાઈને ડૂબી ગયું હશે.”

હર્બર્ટે કહ્યું.

“પણ આ પેટીમાં શું છે?” પેનક્રોફટે બૂમ પાડી, “પેટી બંધ છે, અને તેને ઉઘાડવાનું કંઈ સાધન નથી. આ પથ્થરથી...”

એમ બોલીને ખલાસીએ એક મોટો પથ્થર ઉપાડ્યો અને જેવો તે પેટીને મારવા જાય છે, ત્યાં ઈજનેરે તેનો હાથ પકડી લીધો.

“પેનક્રોફ્ટ,” કપ્તાન બોલ્યો, “ તમે એક કલાક ધીરજ નહીં રાખી શકો? પથ્થરથી પેટી અને તેની અંદરનો સામાન ભાંગી જશે. ગ્રેનાઈટ હાઉસમાં લઈ જઈને આપણે તેને ખોલીશું. પેટી પીપ સાથે બાંધેલી છે, એટલે તરતી તરતી આપણી સાથે આવશે.”

ઈજનેરની સલાહ યોગ્ય હતી. બંને પીપની સાથે એક દોરડું બાંધી તેનો બીજો છેડો હોડી સાથે બાંધી દીધો.

પણ આ પેટી આવી ક્યાંથી? આ એક મહત્વનો સવાલ હતો. સાયરસ હાર્ડિંગે અને તેના સાથીઓએ કિનારાની ઝીણવટથી તપાસ કરી અને કિનારાની આજુબાજુ લગભગ 100 પગલાં દૂર સુધી જઈ આવ્યા. બીજી કોઈ વસ્તુ કે ભાંગેલો વહાણનાં પાટિયાં કે એવું કશું ક્યાંય જોવા ન મળ્યું. હાર્બર્ટ અને નેબ એક ઊંચા ખડક પર ચડ્યા અને સમુદ્રમાં જોયું, ક્યાંય ભાંગેલું વહાણ કે દરિયામાં તરતું વહાણ જોવા ન મળ્યું.

જો કે, વહાણ ભાંગ્યું હોય એવી શંકા તો રહેતી જ હતી. આ પ્રસંગને બંદૂકની ગોળીના પ્રસંગ સાથે કોઈ સંબંધ હશે? કદાચ અજાણ્યા માણસો ટાપુના બીજા ભાગ ઉપર ઊતર્યા હોય? કદાચ તેઓ હજી રોકાયા હોય, પણ તેઓ મલાયાના ચાંચિયા તો નહોતા જ; કારણ કે, પેટી અમેરિકાની કે યુરોપની બનાવટની હતી.

બધા હોડી પાસે પાછા ફર્યા. પેટી ઓકના લાકડાની મજબૂત બનાવટની હતી. તેને પાણી ન લાગે તે માટે તેની ચારે બાજુ મીણનું કપડું વીંટાળ્યું હતું. બંને મોટાં પીપ પણ મજબૂત રીતે બંધ કરેલાં હતાં. બંને પીપ ખાલી હતાં. આ પેટી થોડા સમય પહેલાં જ આ કિનારા ઉપર આવી હોવી જોઈએ. પેટીમાં રહેલો સામાન પલળ્યો નહીં હોય.

બધા હોડીમાં બેસી ગયા. હોડીની પાછળ બંને પીપ અને પેટી ખેંચાતા આવતાં હતાં. પેટી એટલી વજનદાર હતી કે બંને પીપ તેને માંડ માંડ તરતી રાખી શક્તાં હતા.

દોઢ કલાકમાં તેઓ ગ્રેનાઈટ હાઉસની સામે દરિયા કિનારે આવી પહોંચ્યા. હોડીને અને પેટીને કિનારે ખેંચી આણવામાં આવી. નેબ ગ્રેનાઈટ હાઉસમાં જઈને છીણી, હથોડી, વાંસલો વગેરે સાધનો લઈને પાછો આવ્યો. પેનક્રોફટે પેટીને તથા બંને પીપને બાંધેલી દોરડાની ગાંઠ જોઈ જાહેર કર્યું કે, વહાણના ખલાસી સિવાય બીજો કોઈ આવી ગાંઠ બાંધી શકે નહીં.

ખલાસીએ બંને પીપને પેટીથી જુદાં પાડ્યાં. બંને સારી સ્થિતિમાં હતા. અને અહીં કામમાં લાગે એવાં હતાં. ફરશીથી તાળાં તોડી નાંખવામાં આવ્યાં. પેટીનું ઢાંકણું ઉઘાડ્યું. અંદર બીજું મીણનું કપડું બધી વસ્તુઓ પર વીંટાળેલું હતું. વસ્તુઓને ભેજ ન લાગે તે માટે આમ કરવામાં આવ્યું હતું.

“આ પેટીમાંથી જે નીકળશે, તે આપણે એના અસલી માલિકને સોપી દઈશું.” કપ્તાન બોલ્યો.

“અને જો અસલી માલિક નહીં મળે તો પછી એ બધી વસ્તુઓ આપણે રાખીશું.” ખલાસીએ કહ્યું.

મીણીયા કપડાંને તોડી નાખવામાં આવ્યું અને પેટીમાંની અસંખ્ય વસ્તુઓ દેખાવા લાગી. આ વસ્તુઓમાં અનેક પ્રકારની સામગ્રી હતી. રેતીમાં એક પછી એક વસ્તુઓ કાઢીને મૂકવામાં આવતી હતી. દરેક ચીજ વખતે બધા આનંદની ચિચિયારી પાડતા હતા. હર્બર્ટ તાલીઓ પાડતો હતો અને નેબ નાચતો હતો. તેમાં પુસ્તકો હતાં, એ જોઈને હર્બર્ટના આનંદનો પાર ન રહ્યો અને રાંધવાનાં વાસણો જોઈને નેબ ખૂબ ખુશ થયો.

ટૂંકમાં બધાને સંતોષ થાય તેવી સામગ્રી આમાં હતી. પેટીમાં સાધનો, હથિયારો, કપડાં, ચોપડી વગેરે અનેક વસ્તુઓ હતી. ઉજ્જડ ટાપુ ઉપર જરૂરી બને એવી દરેક ચીજ આ પેટીમાંથી મળી આવી. સ્પિલેટે પોતાની નોંધપોથીમાં તેની સંપૂર્ણ યાદી બનાવી જે નીચે પ્રમાણે છેઃ-

(1) સાધનોઃ- 3 જુદી જુદી જાતની ધારવાળાં ચપ્પુ, 2 કઠિયારાને કામ લાગે એવી કુહાડી; 2 સુથારના વાંસલા, 3 કરવતો, 2 શારડી, 6 ફરશી, 2 ફાનસ, 3 હથોડા, 3 ડ્રીલ, 10 ખીલાની અને સ્ક્રૂની કોથળીઓ, 2 પેટી કપડાં સાંધવાની સોય, 10 સીવવાના દોરાના દડા.

(2) હથિયારોઃ- 2 ઘોડાવાળી બંદૂકો, 2 કારતૂસવાળી બંદૂકો, 5 મોટી છરી, 2 પચીસ શેર બંદૂકનો દારૂ ભરેલા ડબ્બાઓ, 12 કારતુસની પેટી, 4 ખંજર.

(3) યંત્રોઃ- 1 સેક્સટંટ, 1 દૂરબીન., 1 મોટું દૂરબીન, 1 ભૂમિતિના સાધનોની પેટી, 1 હોકાયંત્ર, 1 ફેરનહીટ થર્મોમિટર, 1 બેરોમિટર, 1 કેમેરો તથા તેને લગતા સાધનોની પેટી.

(4) કપડાં - 2 ડઝન ઊન જેવા કપડના બનાવેલાં ખમીશ, 3 ડઝન મોજાં.

(5) વાસણોઃ- 1 લોઢાનો ઘડો, 6 પિત્તળની કડાઈ, 3 લોઢાની રકાબીઓ, 10 ધાતુની થાળીઓ, 2 કીટલી, 1 પ્રાઈમસ, 6 છરીકાંટાની જોડી.

(6) ચોપડીઓઃ- 1 બાઈબલ, 1 નકશાપોથી, 1 અંગ્રેજી શબ્દકોષ, 1 રૂઢિપ્રયોગોનો શબ્દકોષ, 1 વનસ્પતિ તથા પ્રાણીશાસ્ત્રનો જ્ઞાનકોષ, 6 ભાગમાં રીમ કોરા કાગળ, 2 કોરી નોટબુકો.

“આટલા સાધનો એકી સાથે મૂકનાર આ પેટીનો માલિક ખરેખર વ્યવહારુ માણસ હોવો જોઈએ.” સ્પિલેટે પેટી ખાલી કરીને ક્હ્યુઃ “સાધનો; હથિયારો, યંત્રો, કપડાં, વાસણો, પુસ્તકો- કંઈ બાકી નથી. તેણે વહાણ ભાંગશે એવી અગાઉથી કલ્પના કરીને બધી સામગ્રી આ પેટીમાં મૂકી છે.”

“ખરેખર કંઈ બાકી નથી.” હાર્ડિંગ વિચારપૂર્વક ધીમેથી બોલ્યો.

“આ પેટી કોઈ ચાંચિયાની તો ન જ હોય?” હર્બર્ટે કહ્યું.

“પુસ્તકોમાં કે સાધનોમાં બનાવનાર કંપનીનું નામ નથી?”

સ્પિલેટે પૂછ્યું.

બધા સાધનો ઝીણવટથી તપાસ્યાં; ખાસ કરીને પુસ્તકો, હથિયારો અને સાધનો, સામાન્ય નિયમ એવો છે કે બનાવનાર પોતાની કંપનીનું નામ અને દેશનું નામ પોતે બનાવેલી વસ્તુ ઉપર લખે. અહીં એકેય વસ્તુમાં દેશનું કે કંપનીનું નામ ન હતું.

બધી વસ્તુઓ નવી હતી. પુસ્તકોમાં પણ પ્રકાશકનું નામ કે પ્રકાશનની તારીખ છાપવામાં આવી ન હતી.

પેટી ગમે ત્યાંથી આવી હોય, લીંકન ટાપુના રહેનારા માટે એ કિંમતી ખજાનારૂપી હતી. અત્યાર સુધી તેમણે ભારે મહેનત કરીને બધું બનાવ્યું હતુ. કુદરતે તેમની મહેનતનો બદલો આ રીતે વાળ્યો હતો. તેઓ ખરેખર ઈશ્વરના આભારી હતા.

એક પેનક્રોફ્ટને અસંતોષ હતો. પેટી ખાલી થઈ ગયા પછી તે ધીમેથી બોલ્યોઃ

“આમાં એક વસ્તુની ખામી છે!”

“કંઈ વસ્તુની?” નેબે પૂછ્યું.

“અર્ધો શેર તમાકુની.” ખલાસીએ જવાબ આપ્યો,“જો એ હોત તો મારે બીજું કંઈ જોઈતું ન હતું.”

ખલાસીની વાત પર બધા હસી પડ્યાં.

આ પેટી મળ્યા પછી આખો ટાપુ તપાસી જોવાનું જરૂરી બન્યું. આવતીકાલે સવારે નાસ્તો કરીને નીકળી પડવું એવું નક્કી થયું. જો વહાણ ભાંગવાથી કોઈ માણસો આ ટાપુ પર આવી પડ્યા હોય તો તેને મદદરૂપ થવાની પહેલી ફરજ હતી.

બધી વસ્તુઓ ગ્રેનાઈટ હાઉસમાં પહોંચાડી દીધી; અને વ્યવસ્થિત રીતે ગોઠવી દીધી.

આજે 29મી ઓકટોબર ને રવિવાર હતો. સૂતાં પહેલાં હર્બર્ટે ઈજનેરને બાઈબલમાંથી કંઈક વાંચવાનું સૂચન કર્યું.

ઈજનેરે બાઈબલ હાથમાં લીધુ, અને તે જેવો એને ખોલવા જાયે છે, ત્યાં ખલાસીએ તેને રોક્યો, અને કહ્યું,

“કપ્તાન હું વહેમમાં માનું છું, ગમે ત્યાંથી ઉઘાડો અને જ્યાં તમારી નજર પડે ત્યાંથી વાંચો. આપણે જોવું છે કે, એ આપણી પરિસ્થિતિને લાગુ પડે છે કે નહીં.”

કપ્તાન હાર્ડિંગ હસ્યો અને તેણે જ્યાં નિશાની મૂકેલી હતી ત્યાંથી બાઈબલ ઉઘાડ્યું.

તેની નજર સાતમાં પ્રકરણની 8મી કડી પર પડી. ત્યાં પેન્સિલથી ક્રોસ ચીતરેલો હતો. આ સંત મેથ્યુની ગાથા હતી.તે લખાણ આ પ્રમાણે હતું.

“જે માગે છે, તેને મળે છે; જે શોધે છે, તેને જડે છે.”

***