Bhedi Tapu - 20 in Gujarati Adventure Stories by Jules Verne books and stories PDF | ભેદી ટાપુ - 20

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ભેદી ટાપુ - 20

ઘઉંનો એક દાણો

જૂન મહિનામાં શિયાળો બેસી ગયો અહીં શિયાળામાં વરસાદ અને કરા પડતા હતા. ગ્રેનાઈટ હાઉસના રહેવાસીઓને હવે આ નિવાસની સાચી કિંમત સમજાઈ. ગમે તેવા હવામાન સામે અહીં રક્ષણ મળતું હતું. ગુફામાં રહેતા હોત તો આવા આકરા શિયાળામાં મુશ્કેલી પડત, અને ભરતી વખતે દરિયાનાં પાણી ગુફામાં ઘૂસી જાત. આથી જૂનું રહેઠાણ છોડી દીધું તે સારું થયું. આખા જૂન મહિના દરમિયાન તેમણે કેટલીક યોજનાઓ પાર પાડવાનું નક્કી કર્યું.

જે જુદી-જુદી યોજનાઓ નક્કી કરી; તેમાં શિકાર, માછલાં પકડવાં, વગેરેનો સમાવેશ થતો હતો. પેનક્રોફટે જુદી જુદી જાતનાં પક્ષીઓ પકડવા માટે એક જાળ બનાવી. એમાં એને ઘણી સફળતા મળી. નેબે પોતનો સમય અથાણાં બનાવવામાં અને માંસને લાંબો સમય સંઘરી રખાય એ જાતની વ્યવસ્થા કરવામાં ગાળ્યો. આથી, ખાવાપીવાનો પૂરવઠો ચાલુ રહ્યો.

કપડાં બનાવવાનો પ્રશ્ર ગંભીરતાથી ચર્ચવામાં આવ્યો. આ લોકો પાસે બલૂનમાંથી નીચે પડતી વખતે જે કપડાં પહેર્યાં હતાં. એ જ કપડાં ઉપરા આધાર હતો. આ કપડાં ગરમ અને મજબૂત હતાં. એ હજી ક્યાંયથી ફટ્યાં ન હતા; પણ હવે નવા કપડાં બનાવવાની જરૂર હતી. આકરા શિયાળામાં જો બહાર નીકળવું પડે તો આ કપડાંથી ઠંડી સામે રક્ષણ મળે તેમ ન હતું.

આ અંગે હાર્ડિંગનો દોષ હતો. તેણે જરૂરિયાતનો અગ્રતાક્રમ નક્કી કર્યો હતો. પહેલાં રહેઠાણની વ્યવસ્થા જરૂરી હતી. પછી ખોરાકનો સંગ્રહ જરૂરી હતો. આ બે કામ કરી રહ્યાં, ત્યાં શિયાળો બેસી ગયો એટલે નવાં કપડાં બનાવવાનો પ્રશ્ર હાથ પર લઈ શકાયો નહીં. આ શિયાળો તો નવાં કપડાં વિના જ ચલાવી લેવું પડે તેમ હતું. જ્યારે સારી ઋતુ આવશે, ત્યારે તેઓ પર્વત પર જઈને ઘેટાંનો શિકાર કરશે અને તેનાં ઊનમાંથી ગરમ કપડાં બનાવશે.

“લાકડાંનો પૂરવઠો ખૂબ છે એટલે આપણને અહીં ઠંડી નહીં લાગે” પેનક્રેફટે કહ્યું

“કપ્તાન તમે કહેતા હતા કે આ ટાપુમાં સ્પેન જેટલી ઠંડી પડશે. પણ અહીં કંઈ ભારે ઠંડી પડતી નથી.” સ્પિલેટે કહ્યું.

“હા, એ ખરું” ઈજનેર જવાબ આપ્યો. “કોઈ વાર સ્પેનમાં ભારે ઠંડી પડે છે અને બરફ જામી જાય છે. અહીં પણ એકાદ વાર એવું બને તો નવાઈ નહીં પણ આ ટાપુ છે, અને સમુદ્રની વચ્ચે આવેલો છે એટલે ઠંડીનું પ્રમાણ મધ્યમ રહેશે.”

“એમ કેમ?” હાર્બટે પૂછ્યું.

 “જમીનની લહેર અને દરિયાની લહેર વિશે તમે ભૂગોળમાં વાંચ્યું હશે. દરિયો ઉનાળાની ગરમી સાચવી રાખે છે, અને શિયાળામાં ઠંડી પડે ત્યારે ધીરે ધીરે બહાર કાઢે છે. આથી દરિયાની નજીકના પ્રદેશમાં ઉનાળામાં ઓછી ગરમી અને શિયાળામાં ઓછી ટાઢ પડે છે.”

“ઠંડીની વાત જવા દો.” પેનક્રોફટે કહ્યું. “પણ એક વાત તો નક્કી છે, શિયાળામાં હવે દિવસો ટૂંકા થશે અને રાત લાંબી થશે. એટલે મીણબત્તીની કંઈક વ્યવસ્થા કરવી પડે.”

“એ તો સાવ સહેલું છે” હાર્ડિંગે જવાબ આપ્યો.

“આવતી કાલે,” કપ્તાને જવાબ આપ્યો. “પાછો સીલનો શિકાર કરી લાવો.”

“હા.”

કપ્તાન પાસે ચૂનો અને સલ્ફ્યુરિક તેજાબ તો હતા જ જરૂર હતી માત્ર ચરબીની. સીલની ચરબી મળી જતાં મીણબત્તી સહેલાઈથી બની શકે એમ હતી.

આજે 4થી જૂનનો દિવસ હતો. ખ્રિસ્તીઓ માટે આજે ‘વ્હીટ સન્ડે’નો તહેવાર હતો. આથી તેમણે રજા પાડવાનું અને ખાણીપાણીની મિજબાની ઉડાવવાનું નક્કી કર્યું. બધું કામ બંધ રાખીને તેમણે આજે ભેગા મળીને પ્રાર્થના કરી. તેમણે પ્રભુ પાસે કંઈ માગણી ન કરી પ્રભુનો આભાર માન્યો.

બીજે દિવસે 5મી જૂને હવામાન થોડું બદલાયું. તેઓ નાના ટાપુ તરફ ગયા. અત્યારે ઓટ હતી એટલે ત્યાં પહોંચી ગયા. ભવિષ્યમાં તેમણે આ કામ એક હોડી બનાવવાનું નક્કી કર્યું. હોડી દ્વારા દરિયાની આ ખાડી પણ ઓળંગી શકાય અને મર્સી નદીમાં પણ પ્રવાસ થઈ શકે.

સીલ તો ઘણી હતી. તેમણે અણીદાર ભાલાથી અડધો ડઝન સીલનો શિકાર કર્યો. નેબ અને પેનક્રોફટે તેમની ચામડી ઊતરડી નાખી, અને ચરબી જુદી પાડી. ચામડીમાંથી જોડા બનાવવાનું નક્કી કર્યું હતું. આ બધી સામગ્રી તેઓ ગ્રેનાઈટ હાઉસમાં લાવ્યા. તેમાં શિકારને અંતે તેમને 300 રતલ ચરબી મળી. એમાંથી તેઓ મીણબત્તી બનાવવાના હતા.

મીણબત્તી બનાવવાનું સાવ સહેલું હતું. પહેલાં સલ્ફ્યુરિક તેજાબની મદદથી ચરબીમાંથી ગ્લિસરિન જુંદું પાડ્યું. પછી તેમાંથી ઓલેઈન મોર્ગેરિન અને સ્ટીએરિન નામનાં તત્વો ઉકળતા પાણીની મદદથી જુદાં પાડ્યાં. પછી એમાંથી ઓલેઈનને અલગ પાડ્યું; અને બાકી જે તત્વો રહ્યાં તેમાંથી ચૂનાની મદદથી મીણબત્તીઓ બનાવવા માંડી.

ચોવીસ કલાકમાં આ કામ પૂરું થયું. તેમાં મૂકવાની દોરાની વાટને બદલે તેમણે વનસ્પતિના રેષાઓનો ઉપયોગ કર્યો. આ મીણબત્તીઓ સફેદ અને ચમકતી ન બની એટલું જ. બાકી બળવામાં તે ખૂબ સરસ હતી.

આ મહિનામાં ગ્રેનાઈટ હાઉસની અંદર કામનો કોઈ પાર ન હતા. તેમણે પોતાનાં સાધનોમાં સુધારો કર્યો અને બીજાં કેટલાંક નવા બનાવ્યાં. અન્ય સાધનોમાં તેમણે એક કાતર બનાવી. તેના દ્વારા તેમણે વાળ કાપ્યા અને ખૂબ વધી ગયેલી દાઢી કાપી. હર્બર્ટને દાઢી ઊગતી ન હતી. નેબને બહુ થોડી ઊગતી હતી. પણ તેમના સાથીઓને જંગલની જેમ દાઢી ઊગી નીકળી હતી. કાતરની મદદથી એ જંગલ સફ થયું.

કરવત બનાવવામાં ખૂબ મુશ્કેલ પડી. પણ અંતે એ જેવી તેવી પણ બની ખરી. એને વાપરવામાં ખૂબ જ બળનો ઉપયોગ કરવો પડતો હતો. તેની મદદથી લાકડાં વહેરીને તેમણે ટેબલ-ખુરશી, કબાટ, પલંગ અને અભેરાઈ બનાવી. રસોડામાં લાકડાની અભેરાઈ ઉપર વાસણો ગોઠવી દેવામાં આવ્યાં.

સુથારીકામ અહીં પૂરું થતું ન હતું. ધડાકાથી જે ધોધ બન્યો હતો ેના પર પુલ બાંધવાની જરૂર હતી એક બીજો પુલ સરોવરના ઉચ્ચ પ્રદેશમાં જવા માટે બનાવવો પડે તેમ હતો. ગ્રેનાઈટ હાઉસમાંથી બેટની ઉત્તર દિશા તરફ જવાનો માર્ગ ધોધને લીધે બંધ થઈ ગયો હતો. વળી, નીચે દરિયાકિનારે ધોધને લીધે નદી વહેતી થઈ ગઈ હતી. તેથી બે પુલ બનાવવાનું નક્કી થયું. આમાં કોઈ ખાસ કારીગીરી જરૂરી ન હતી. ઝાડના 20 થી 25 ફૂટ લાંબા જાડા અને પહોળાં બે થડ કાપીને મૂકવાનાં હતાં. ખલાસો અને નેબ બે થડ કાપી લાવ્યાં. એના ડાળીડાંખરાં સાફ કરવામાં આવ્યાં. આમાં કેટલાક દિવસ લાગી ગયા. પછી એ લાકડાં પુલ તરીકે ગોઠવી દીધા.

નેબ અને ખલાસીને આનાથી ઘણો ફાયદો થયો. છીપલાંઓ નજીકમાંથી મળવા લાગ્યાં. તેમણે એક હાથેથી ખેંચી શકાય એવું ગાડા જેવું સાધન બનાવ્યું હતું. તેમાં હજારો શંખલાઓ અને છીપમાછલીઓ ભરીને તેઓ ગ્રેનાઈટ હાઉસ પાસે લાવ્યા. અને ત્યાં નજીકમાં જ તેનો ઉછેર શરૂ કર્યો.

આ પાંચે જણાએ થોડા સમયમાં પોતાની લગભગ બધી જરૂરિયાત ઉત્પન્ન કરી લીધી હતી. માંસનો કોઈ તૂટો ન હતો. શાકભાજી પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહેતાં હતા. મેપલ નામના ઝાડમાંથી તેમણે ખાંડ પણ બનાવી હતી. એક જાતના છોડમાંથી તેઓ ચા જેવું પીણું પણ બનાવી લેતા હતા. રસોઈમાં નાખવા માટે મીઠું પણ મળી રહેતું હતું. પણ રોટી બનાવવા માટે ઘઉંની જરૂર હતી.

સેગો નામના વૃક્ષમાંથી રોટી પણ બની શકે એમ હતી. પણ હજી સુધી આ કિંમતી વૃક્ષ જડ્યું ન હતું. પણ કુદરત તેમની વહારે આવી હાર્ડિંગ તેની ગમે તેટલી બુદ્ધિથી કે કુશળતાથી એ વસ્તુ બનાવી શકે તેમ ન હતો. હર્બર્ટે એક દિવસે તેની જાકિટના ખિસ્સામાંથી એ વસ્તુ કાઢી.

એક દિવસ જોરદાર વરસાદ પડતો હતો. બધા ગ્રેનાઈટ હાઉસમાં મોટા ખંડમાં બેઠા હતા. એકાએક હર્બર્ટે બૂમ પાડી.

“જુઓ કપ્તાન, ઘઉંનો દાણો!”

ખરેખર તેના હાથમાં ઘઉંનો એક દાણો હતો. ખિસ્સામા કંઈ શોધતાં તેને અચાનક હાથમાં આવી ગયો હતો તે રીચમન્ડમાં હતો. ત્યારે કબૂતરોને દાણા નાખતો હતો તે વખતનો આ દાણો તેના ખિસ્સામાં પડ્યો રહ્યો હશે.

“ઘઉંનો દાણો?” કપ્તાને પૂછ્યું.

“હા કપ્તાન પણ એકમાત્ર એક જ દાણો છે.”

“આ એક દાણામાંથી શું થાય?” ખલાસીએ પૂછ્યું.

“તેમાંથી આપણે રોટી બનાવીશું.” હાર્ડિંગે ઉત્તર આપ્યો.

“આ એક દાણાથી તો કીડીનું પેટ પણ ન ભરાય.” ખલાસી બોલ્યો. “તો પછી રોટી શી રીત બને?”

હર્બર્ટ આ દાણાને નકામો સમજી ફેંકી દેવાની તૈયારીમાં હતો. પણ કપ્તાને તેના હાથમાંથી દાણો લઈને જોયો. દાણો સારી સ્થિતિમાં હતો કપ્તાને ખલાસીને પૂછ્યું,

“પેનક્રોફટ, એક દાણામાંથી ઘઉંની કેટલી ઊંબીઓ થાય?”

“એક.” ખલાસીએ જવાબ આપ્યો.

“ના, દસ.” કપ્તાને ક્હ્યું. “એક ઊંબીમાં કેટલા દાણા થાય?”

એંસી; એટલે દસ ઊંબીમાંથી આઠસો ઘઉંના દાણા નીકળે. આપણે આ આઠસો દાણાને ફરીવારા ખેતરમાં વાવીએ તો તેમાંથી છ લાખ અને ચાલીસ હજાર દાણા ઊગે. હવે આ દાણાઓને જો ફરીવાર વાવીએ તો તેમાંથી એકાવન કરોડ અને વીસ લાખ દાણા ઊગે. આ દાણાને ચોથીવાર વાવીએ તો કેટલા દાણા? ચાર લાખ કરોડ દાણા થાય.

હાર્ડિંગના સાથીઓ, ચૂપચાપ આ વાત સાંભળી રહ્યાં. આ સંખ્યાથી તેમને ખૂબ જ આશ્વર્ય થયું. આમ છતાં, એ આંકડો બરાબર હતો.

“હા, મિત્રો,” કપ્તાને આગળ ચલાવ્યું. “આ ગુણાંકમાં ઘઉંના દાણા ઊગે છે. એક પાકમાં એકમાંથી આઠસો દાણા થાય છે. પણ તમાકુના બીમાંથી તો એકમાંથી બત્રીસ હજાર દાણા એક મોસમમાં ઊગે છે. જો તમાકુના છોડનો નાશ ન થાય તો થોડાં વર્ષોમાં ેક છોડ આખી પૃથ્વીને ઢાંકી દે.”

પણ ઈજનેરનું પ્રવચન પૂરું થયું ન હતું.

“અને પેનક્રોફ્ટ,” કપ્તાને આગળ ચલાવ્યું. “તમે જાણો છો કે, ચાર લાખ કરોડ ઘઉંના દાણામાંથી કેટલા કોઠળા ભરાય? તમને જાણીને નવાઈ લાગશે કે તેમાંથી ત્રીસ લાખ કોઠળા ભરાય.”

“ત્રીસ લાખ?” પેનક્રોફ્ટે પૂછ્યું.

“હા, ત્રીસ લાખ.”

“ચાર વર્ષમાં?”

“હા ચાર વર્ષમાં.”કપ્તાને જવાબ આપ્યો. “અને કદાચ બે જ વર્ષમાં. આ ટાપુ ઉપર આપણે વર્ષમાં બે પાક લઈ શકીએ.”

પેનક્રોફ્ટે પોતાની ટેવ મુજબ આનંદની ચિચિયારી પાડી.

“તો હાર્બર્ટ,” કપ્તાને કહ્યું, “તે અતિ મહત્વની શોધ કરી છે. હવે આપણે આ ઘઉંનો દાણો વાવી દઈએ.”

તે દિવસે 20મી જૂન હતી. ઘઉં વાવવાનો અનુકૂળ સમય હતો. પહેલાં તો એ ઘઉંને કૂંડામાં વાવવાનું વિચાર્યું. પણ વધારે વિચાર કરતાં તેને જમીનમાં વાવવાનો નિર્ણય થયો. ખૂબ કાળજીથી દાણો વાવવાનું નક્કી કર્યું. તેઓ સરોવરના ઉચ્ચપ્રદેશમાં ગયા. ત્યાં એક સરસ સ્થળ પસંદ કર્યું. તેને ત્રિકમ વડે ખોદી આસપાસ વાડ બનાવી અને વચ્ચે ભીની જમીનમાં ઘઉંના દાણાને વાવ્યો.

કોઈ મોટા મહેલનો પાયો નાખવામાં આવતો હોય એવી લાગણી પાંચેયને થઈ. પેનક્રોફ્ટને એક જ દિવાસળી સળગાવતી વખતે જે ચિંતા થઈ હતી તે યાદ આવી. આ વખતે વાત વધારે ગંભીર હતી. અગ્નિ તો એક કે બીજી રીતે જરૂર સળગાવી શકાય; પણ જો આ દાણો નાશ પામે તો માણસની શક્તિ નથી કે ઘઉંનો બીજો દાણો તે ઉત્પન્ન કરી શકે.

***