Check and Mate - 11 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | ચેક એન્ડ મેટ 11

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ચેક એન્ડ મેટ 11

ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની

Part:-11

લકી ગેસ્ટ હાઉસ માં પડેલી રેડ માં પકડાયેલ વ્યક્તિઓ માં ના એક બેરેક માં હાજર છ લોકો એકબીજા ના ભુતકાળ વિશે જણાવે છે. ડેવિડ એક પ્લાન બનાવે છે જે મુજબ બધાં પાંડીચેરી પહોંચે છે.. જ્યાં ડેવિડ એમને આકાશ સહાની નાં ઘર માં રોબરી ની રૂપરેખા જણાવે છે.. જે મુજબ ગોવિંદ ને આકાશ નાં ઘરે ડ્રાઈવરની જોબ માટે જોડાય છે અને આકાશનાં ઘર ની CCTV ફૂટેજ મોકલાવે છે.. ડેવિડ પોતાની પર નજર રાખનારા એક વ્યક્તિ ને નોટિસ કરે છે.. નફીસા અને ઓમ ડેવિડ નાં પ્લાન માં જોડાવા મુંબઈ જવા નીકળે છે.. ડેવિડ બાકીનાં લોકોને પુણે જવાનું કહે છે.. ડેવિડ દગ્ગુ નામનાં કોઈ વ્યક્તિ ને કોલ કરી કંઈક કામ સોંપે છે.. હવે વાંચો આગળ... !!

***

બીજાં દિવસે સવારે ઉઠીને સોનુ અને સુમિત પાંડીચેરી ની કેટલીક પોતાને ગમતી મનપસંદ જગ્યાએ ફરવા નીકળી પડે છે જ્યારે સોનાલી ફાર્મહાઉસ પર જ રોકાય છે.. સુમિત ને લાગે છે કે ગોવિંદ નાં વગર એને એકલીને ક્યાંય નીકળવું ગમતું નથી એટલે એ એને જોડે આવવાનો ફોર્સ નથી કરતો. દિવસભર ફર્યા પછી સાંજે એ લોકો પાછાં ફાર્મહાઉસ પહોંચી જાય છે. ડેવિડ એ ત્રણેય ની થોડી રોકડ રકમ અને પુણે જવાની ટ્રેઈન ની ટીકીટ આપીને એક ટેક્સી માં બેસાડી રવાના કરે છે અને એ પાછો કાર્લોસનાં ફાર્મહાઉસમાં આવીને સુઈ જાય છે.

હકીકતમાં ડેવિડ ગોઆ જતો નથી.. એનું હજુ એક કામ બાકી હોય છે જે પૂરું કર્યા વગર પાંડીચેરી થી જવું ડેવિડ ની ફિતરત માં નહોતું.. ડેવિડ માનતો કે મન માં આવેલું કે પોતે વિચારેલું કોઈપણ પ્રકારનું કામ અડધું કે અધૂરું મૂકવું ના જોઈએ.. એટલે ડેવિડે એક આયોજન નક્કી કર્યું હતું જે હવે અંજામ આપવાનું હતું.

ડેવિડ સવારે ઉઠ્યો અને ફ્રેશ થઈને કાર્લોસનાં રેસ્ટોરેન્ટ માં જવાનાં બદલે શહેર માં અહીં તહીં ઘુમતો રહયો.. બપોર સુધી એ આમ જ ફર્યો પછી એને પેલાં આગળની રાતવાળા નંબર વાળા તેલુગુ વ્યક્તિ ને કોલ કરી ને કંઈક કહ્યું અને પછી એક રેસ્ટોરેન્ટમાં જમવા ગયો. ડેવિડ જમીને બીચ ઉપર જઈને બેઠો જ્યાં હેવર્ડ 5000 બિયરનાં બે ટીન ખાલી કર્યાં બાદ ડેવિડ ઉભો થયો અને ટેક્સીમાં બેઠો.

ટેક્સીમાં બેસતાં ની સાથે જ ડેવિડે બીચ પર પોતાનાંથી થોડે દુર બેઠેલાં એક શ્યામ રંગ નાં કદાવર દેહના માલિક એક વ્યક્તિ તરફ ત્રાંસી નજરે જોયું અને ઈશારાથી કંઈક કહ્યું.. આ એજ વ્યક્તિ હતો જેને ડેવિડ કોલ કરતો હતો.. એનું નામ દગ્ગુ હતું.. દગ્ગુ એક ક્રિમિનલ હતો જે પૈસા માટે કોઈને પણ ઠેકાણે પાડી દેતો. દગ્ગુ ને ખાલી તેલુગુ ભાષા જ આવડતી હતી.

ટેક્સીમાં બેઠાં પછી ડેવિડે ફરીથી દગ્ગુ ને કોલ કર્યો અને કહ્યું.. "અતાંડમ અંતમ સિયાન્ડી .. "મતલબ "એને ખતમ કરી દે.. "

"અલાગે"દગ્ગુ એ કહ્યું.. જેનો મતલબ થતો હતો.. ok

દગ્ગુ નાં ok નો અર્થ હતો હવે પોતાનું કહેલું કામ થઈ જ જવાનું છે એ પાકું હતું.. એટલે ડેવિડે નિશ્ચિન્ત થઈ તાત્કાલિક ગોઆ જવાનું નક્કી કર્યું અને કાર્લોસ ને મળીને થોડી જરૂરી વાતો કરી ડેવિડ ગોઆ જવા માટે નીકળી પડ્યો.

***

સોનુ,સોનાલી અને સુમિત જેવાં પાંડીચેરી થી પુણે જવા નીકળ્યાં એજ સમયે ઓમ અને નફીસા મુંબઈ પહોંચી ગયાં હતાં.. મુંબઈ જતાં ની સાથે જ ઓમ અને નફીસા એ રેલવે સ્ટેશન પર એકબીજા ને એક આલિંગન આપ્યું અને અલગ અલગ ટેક્સી કરી નીકળી પડ્યાં પોતપોતાની નવી મંજીલ તરફ.

ડેવિડે કહ્યા મુજબ ઓમ ને એક સસ્તી લોજ માં રહેવાનું હતું.. લોજ નું નામ હતું સપના લોજ.. અને ત્યાં એને પોતાનું નામ બદલીને રોજર કરી દેવાનું હતું.. ઓમે સપના લોજ માં પહોંચીને પોતાનું નકલી આઈડી આપ્યું જેમાં એનું નામ રોજર હતું.. અને પછી મેનેજરે આપેલાં રૂમ નંબર 18 માં ચેક ઇન કર્યું અને ડેવિડ ને મેસેજ કરી પોતે કયા રૂમમાં ઉતર્યો છે એની જાણકારી આપી દીધી.. !!

લોજ ખરેખર સસ્તી હતી એ એનાં રૂમ નું દ્રશ્ય જોઈ ઓમ સમજી ચુક્યો હતો.. રૂમ ની દીવાલો પરનું પેઈન્ટ ઉખડી ગયું હતું ત્યાં અશ્લીલ પિક્ચર લગાવીને એને છુપાવવાનો વ્યર્થ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.. એ સિવાય રૂમ માં ખૂબ ધીરેથી ફરતો પંખો અને લોખંડ નો પલંગ હતો.. ડેવિડે પોતાને આ લોજમાં જ કેમ ઉતરવાનું કહ્યું એ ઓમ ને સમજાતું નહોતું.. ટોયલેટ એકંદરે થોડું સાફ હતું એટલે ઓમ ને થોડી રાહત થઈ.

આ તરફ નફીસા જ્યાં ઉતરી એ હોટલ ડ્રિમલેન્ડ ગાર્ડન મુંબઈ ની મોંઘી હોટલોમાં સુમાર હતી.. નફીસા ક્યારેય આવી હોટલમાં રોકાઈ નહોતી એટલે એની આંખો તો હોટલ ની વૈભવતા જોઈ ચકળવકળ થઈ ગઈ પણ એને પોતાનાં ચહેરા પર એવો કોઈ ભાવ આવવા ના દીધો.. અહીં નફીસા ઉતરી હતી અદિતિ વર્માનાં નામે જે એનાં નકલી આઈડી મુજબ એક N. R. I હતી.. નફીસા એ રૂમ નંબર 1021 માં ચેક ઈન કર્યું.

નફીસા જેવી પોતાનાં રૂમમાં દાખલ થઈ એવું જ એનું ધ્યાન હોટલ ની ગેલેરીમાં ગયું જ્યાંથી મુંબઈ નો દરિયા કિનારો સાફ દેખાતો હતો.. વિશાળ હોલ અને ભવ્ય બેડરૂમ ધરાવતો આ રૂમ થોડાં દિવસ માટે એનું ઘર બનવાનો હતો.. આ રૂમ માં એક કિંગ સાઈઝ બેડ ની સાથે જરૂરિયાત ની બધી વસ્તુઓ હતી.. આટલી બધી સુવિધા હોવા છતાં નફીસા ને કંઈક ખૂટતું હોય એવું લાગતું હતું.. એ હતો ઓમ નો સાથ.

ઓમ પણ આખી રાત મચ્છરો જોડે લડવાની તૈયારી કરી કછુઆ છાપ અગરબત્તી સળગાવી નફિસનાં હસીન સપનાં જોતો સુઈ ગયો.. નફીસા ની સાથે પસાર કરેલો સમય અને નફીસા સાથેનાં પોતાનાં સુંદર ભવિષ્ય ની કલ્પના કરીને એ નિરાંતે સુઈ ગયો.. ઓમ વિશે વિચારતાં વિચારતાં નફીસા ને પણ ઊંઘ આવી ગઈ.

બીજાં દિવસે સવારે ઉઠતાં ની સાથે ઓમે નફીસા ને ગુડ મોર્નિંગ નો whatsup મેસેજ કર્યો અને એક જગ્યાએ આવી જવા કહ્યું.. નફીસા એ પણ પોતે એકાદ કલાક માં ત્યાં પહોંચી જશે એવી ઓમ ને જણાવ્યું.

ફ્રેશ થઈને ઓમે સપના લોજ જોડેથી એક ટેક્સી કરી અને નીકળી પડ્યો જુહુ માં આવેલ સ્ટાઈલ એન્ડ શાઈન બ્યુટીપાર્લર ની તરફ.. આ બ્યુટીપાર્લર ફેમસ હેર સ્ટાઈલિસ્ટ જોય લોબો ચલાવતો હતો.. ઓમ નાં ત્યાં પહોંચતા જ નફીસા પણ ત્યાં થોડીજ વારમાં આવી પહોંચી.. બંને એ એકબીજા તરફ જોયું પણ એકબીજાને ના ઓળખતા હોય એમ વર્તન કર્યું.

નફીસા એ થોડી બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી પોતાનાં હેર કટ કરાવી એકદમ નાના કરી દીધાં.. અને સાથે સાથે એને થોડાં બ્લીચ કરાવી ને નવો શેડ પણ આપી દીધો.. આંખો માં પણ બ્લુ કલર નાં લેન્સ ધારણ કરી ને પોતાની જાતને એકદમ નોંખી બનાવી દીધી.

જ્યારે ઓમે પણ પોતાનાં માથાનાં વાળ કરલી કરાવી દીધાં અને દાઢી પણ ફ્રેન્ચ કટ કરાવી ને બાકીનો ચહેરો ક્લીન શેવ કરી દીધો.. ત્યારબાદ પોતાનાં ગળા અને હાથ પર થોડાં ટેટુ પણ ચિતરાવ્યાં.. આ ટેટુ પરમીનેન્ટ નહોતાં.. ત્યાંથી નીકળી બંને પાછાં પોતપતાની હોટલે પાછાં આવી ગયાં.. અને આગળ નું પ્લાનિંગ વિચારવા લાગ્યાં.

***

હવે વાત કરીએ આકાશ સહાનીનાં ફાર્મહાઉસ પર ડ્રાઈવર તરીકે નોકરી કરી રહેલાં ગોવિંદે શું કર્યું એની.. ગોવિંદ અત્યાર સુધી ફાર્મહાઉસમાં લાગેલાં દરેક CCTV કેમેરા ને નોટિસ કરી એની ડ્રોઈંગ કરી ડેવિડ ને મોકલાવી ચુક્યો હતો.. જેમાં સ્ટોરેજ કેબિન પણ હતું જ્યાં આ બધી CCTV ફૂટેજ સ્ટોર થતી હતી અને જ્યાંથી એનું મોનીટરીંગ થતું જે આકાશ સહાની ગમે ત્યારે જોઈ શકતો.

હવે આકાશ ની રૂમ માં ખુફિયા દરવાજો ક્યાં હતો એની કોઈપણ રીતે તપાસ કરવાની હતી. આકાશનાં રૂમ ની ચાવી આકાશની જોડે જ રહેતી એટલે સૌપ્રથમ તો એ ચાવી ની ડુપ્લીકેટ બનાવવાનું કામ કરવાનું હતું.. એકદિવસ આકાશ ઓફિસમાં જવા માટે જેવો ગાડીમાં બેઠો એવુંજ એને યાદ આવ્યું કે એને રૂમ તો લોક કર્યો પણ એની ચાવી દરવાજામાંથી નિકાળવાનું રહી ગયું. યાદ આવતાં જ એને ગોવિંદ ને કહ્યું.

"જલ્દી જઈને મારાં રૂમ નાં દરવાજામાં ભરાવેલી ચાવી લેતો આવ.. "

આકાશ સહાની ની વાત સાંભળતાં જ ગોવિંદ ગાડીમાંથી ઉતર્યો અને ફટાફટ આકાશ નાં રૂમ નાં દરવાજામાંથી ચાવી કાઢી અને એ ચાવી લઈને ટોઇલેટમાં ઘૂસ્યો.. ત્યાં જઈ એને હેન્ડ વૉશ માટે રાખવામાં આવેલા સાબુમાં ચાવી ની છાપ પાડી દીધી અને પછી એ સાબુ વોશરૂમ માં જ છુપાવીને આકાશ ની જોડે પાછો આવી ગયો અને ચાવી આકાશ ને સુપ્રત કરી દીધી.

સાંજે આવીને ગોવિંદ પાછો વોશરૂમમાં ગયો અને ત્યાં છુપાવેલો સાબુ પોતાનાં ખિસ્સામાં મૂકી પોતાનાં ઘરે જવા નીકળી પડ્યો.. બીજાં દિવસે એને એ સાબુ પર પડેલી છાપમાંથી એક બીજી ચાવી બનાવડાવી દીધી.

ગોવિંદ હવે એ તક ની રાહ માં હતો જ્યારે કોઈ હોય નહીં ફાર્મહાઉસ ની બિલ્ડીંગમાં અને એ પોતે પણ એ દિવસે આકાશ સહાની સાથે ના ગયો હોય. અને આવો મોકો એને ઓમ અને નફીસાનાં મુંબઈ આવ્યાં ના બીજા દિવસે મળી ગયો. એ દિવસ આકાશ કામ નાં સિલસીલા માં ફાર્મહાઉસ પરથી નીકળ્યો પણ એ પોતાની ઓડી કાર લઈને જાતે જ ગયો હોવાથી ગોવિંદ ઘરે જ હતો. ગોવિંદે નક્કી કરી લીધું હતું કે કોઈપણ રીતે આકાશનાં રૂમ માં એન્ટ્રી કરીને લોકર ક્યાં છુપાવ્યું છે એ શોધી કાઢવું.

બપોરે જમીને જ્યારે બધાં સુઈ ગયાં એટલે ગોવિંદ હળવેકથી બંગલો ની અંદર પ્રવેશ્યો.. અત્યારે એનાં હાથમાં એક પાણી ની ખાલી બોટલ હતી.. આ બોટલ એને એટલાં માટે જોડે રાખી હતી કે કોઈ જોઈ જાય અથવા પોતે CCTV કેમેરા માં રેકોર્ડ થઈ જાય તો કહેતાં ફાવે કે એ પાણી ભરવા માટે અંદર પ્રવેશ્યો હતો. ગોવિંદ ને ખબર હતી કે CCTV કેમેરા નો પાવર ક્યાંથી કટ આઉટ થાય એટલે સૌપ્રથમ એને ગ્રાઉન્ડ ફ્લોરનાં CCTV કેમેરા માટે ની લાઈન ને બંધ કરી દીધી.

ત્યારબાદ ગોવિંદ ધીરેથી આકાશનાં રૂમ તરફ ચાલી નીકળ્યો.. એને ધ્રુજતાં હૈયે આકાશનો રૂમ ખોલ્યો અને એ અંદર પ્રવેશ્યો.. પ્રવેશતાંની સાથે જ ગોવિંદે આકાશનો રૂમ નો દરવાજો અંદરથી લોક કર્યો અને પછી આકાશ એ બધી બેગો ક્યાં રાખતો એ રસ્તો શોધવાનું શરૂ કર્યું.

ગોવિંદ જેવો આકાશની રૂમ ની અંદર એજ સમયે આકાશ ની કાર ફાર્મહાઉસ માં એન્ટર થઈ.. આકાશ નું ઓચિંતું આગમન ગોવિંદ ની જાણ બહાર હતું.. એને તો એમ હતું કે આકાશ રોજની જેમ સાંજે જ પાછો આવશે પણ આકાશ કોઈ કારણોસર આજે વહેલો આવી ગયો હતો.

આકાશનાં આગમન થી અજાણ ગોવિંદ એનાં રૂમ ને ફંફોસી રહ્યો હતો.. રૂમ ની દરેક દીવાલો પર એને પોતાનો હાથ અથડાવી જોયો.. પણ એને એવો કોઈ રસ્તો કે લોકર છુપાવવાની જગ્યા મળી નહીં.. ફ્લોર પરની ચટ્ટાઈ પણ ગોવિંદે ઊંચી કરીને જોઈ લીધું પણ ત્યાં પણ એનાં હાથે નિષ્ફળતા જ લાગી.. બાથરૂમ,ટોયલેટ,બેડરૂમ બધું ચેક કરી લીધાં પછી પણ ગોવિંદ ની દરેક કોશિશ અસફળ રહી.

"કોઈક તો એવી જગ્યા છે જ્યાં એ બધી બેગો છુપાવાય છે.. પણ ક્યાં હશે એ જગ્યા.. "મનોમન ગોવિંદ બોલ્યો.. અચાનક એને એક અંગ્રેજી મુવી માં જોયેલું દ્રશ્ય યાદ આવતાં એ ઉભો થયો અને આકાશનાં કપડાં ની સેલ્ફ ખોલી.

આ તરફ આકાશ ગાડીમાંથી ઉતરી ફાર્મહાઉસ ની બિલ્ડીંગ માં પ્રવેશી ચુક્યો હતો.. અને પોતાનાં રૂમ તરફ આગળ વધી રહ્યો હતો.. ગોવિંદે આકાશનાં સેલ્ફ માં એનાં બધાં કપડાં ખસેડી પોતાનો હાથ સેલ્ફનાં પાછળનાં ભાગે અથડાવી ત્યાં કોઈ છુપી જગ્યા છે કે નહીં એની તપાસ કરતો હતો.. અચાનક.. ઠક ઠક.. અવાજ આવતાં ની સાથે ગોવિંદ ને લાગ્યું કે અહીં કોઈ જગ્યા જરૂર છે.. એ ખસેડવા જ જતો હતો ત્યાં એને રુમ નો દરવાજો ખુલવાનો અવાજ કાને પડ્યો અને ક્ષણભર માટે એનાં હૃદય ની ગતિ ત્યાં જ અટકી ગઈ.. !!!

***

પંડિચેરીમાં બીચ પર બેસેલાં ડેવિડ ની પાછળ પાછળ એનો પીછો કરતો વ્યક્તિ પણ આવી પહોંચ્યો હતો.. ડેવિડ ને ખબર હતી કે આ વ્યક્તિ પોતાની પાછળ જરૂર આવવાનો એટલે એને દગ્ગુ ને એ વ્યક્તિ ને ખતમ કરવાનું કામ સોંપી દીધું હતું. જેનાં અનુસંધાનમાં દગ્ગુ પણ ત્યાં બીચ પર જ હાજર હતો.

ડેવિડે ઇશારાથી જતાં જતાં દગ્ગુ ને ઈશારો કરી એ વ્યક્તિ બતાવી દીધો હતો અને પછી મેસેજ કરી એ વ્યક્તિ ને ખતમ કરવાનું કામ પણ દગ્ગુ ને કહી દીધું હતું.. આ કામ માટે દગ્ગુ ને પાંચ લાખ રૂપિયા આપવાનું પણ ડેવિડે કહી દીધું હતું.. અને પૈસા માટે તો દગ્ગુ સગા બાપને મારી દે તો એ વ્યક્તિનું મોત હવે નજીક હતું એ ડેવિડ ને ખબર હતી.

ડેવિડ કાર્લોસનાં ફાર્મહાઉસ પર જવા માટે જેવો ટેક્સીમાં બેઠો એવોજ ડેવિડ નો પીછો કરનાર એ વ્યક્તિ એ કોઈકને કોલ લગાવ્યો અને કંઈક કહ્યું.. ત્યારબાદ એ પણ એક ટેક્સી કરી ત્યાંથી નીકળી પડ્યો.. જેવો એ વ્યક્તિ ત્યાંથી નીકળ્યો એવો જ દગ્ગુ પણ પોતાની બુલેટ પર સવાર થઈને એની પાછળ પાછળ નીકળી પડ્યો.. એ વ્યક્તિ ની ટેક્સી હોટલ ગુલમહોર આગળ રોકાઈ અને એ ટેક્સી વાળા ને ભાડું ચૂકવી નીચે ઉતર્યો અને હોટલ ની અંદર ની તરફ પ્રવેશ્યો.. દગ્ગુ પણ એની ટેક્સી થી સેફ ડિસ્ટન્સ રાખી છેક એની હોટલ સુધી પહોંચી ચુક્યો હતો.

હોટલમાં પ્રવેશતાં ની સાથે જ એને મેનેજર જોડેથી પોતાનાં રૂમ ની ચાવી લીધી અને લિફ્ટમાં બેસી ગયો.. દગ્ગુ એ જોયું કે એ વ્યક્તિ એ લિફ્ટનું પાંચમા ફ્લોર નું બટન દબાવ્યું એટલે એને પણ બાજુની લિફ્ટ માં બેસી એજ ફ્લોર નું બટન દબાવ્યું.. દગ્ગુ એ વ્યક્તિ થી અમુક સેકંડો પાછળ રહી ગયો હતો.

જેવી દગ્ગુ ની લિફ્ટ પાંચમા માળે ઉભી રહી અને લિફ્ટ નો દરવાજો ખુલ્યો એવોજ ડેવિડ એમાંથી બહાર નીકળ્યો અને એ ફ્લોર ઉપર ઉતરી આમથી તેમ નજર ઘુમાવવા લાગ્યો.. ડાબી તરફ નો છેલ્લો રૂમ નો દરવાજો હમણાં જ બંધ થવાનો અવાજ દગ્ગુ ને કાને પડ્યો એટલે એ સમજી ગયો કે ડેવિડ નો પીછો કરનાર એ વ્યક્તિ ચોક્કસ એ રૂમમાં જ પ્રવેશ્યો હશે.

"અતાનુ ગાડીલો ઉંનાડાની નેનું ભાવીસતુનાનુ"આટલું બોલી દગ્ગુ જે રૂમ નો દરવાજો હમણાં બંધ થયો હતો એ તરફ આગળ વધ્યો.. એનાં તેલુગુમાં બોલાયેલા શબ્દોનો અર્થ થતો હતો.. 'નક્કી પેલો આ રૂમ માં જ ગયો હશે.. "

***

પાંડીચેરી થી નીકળી સોનુ,સોનાલી અને સુમિત પુણે પહોંચ્યા.. જ્યાં વિનાયક સુરમે નામનો વ્યક્તિ એમની રાહ જોઈને ઉભો હતો.. વિનાયક અને ડેવિડ સ્કૂલ ટાઈમમાં જોડે અભ્યાસ કરતાં હતાં.. ડેવિડે એને કહી દીધું હતું કે મારાં ત્રણ ફ્રેન્ડ ત્યાં પુણે એક કામથી આવે છે તો થોડાંક દિવસ એમની રહેવાની અને જમવાની સગવડ કરી દેજે.

વિનાયક નો નંબર ડેવિડે સુમિત ને આપ્યો હતો એટલે સુમિતે પુણે ઉતરતાં જ વિનાયક ને કોલ કર્યો એટલે એ સુમિત ની કહેલી જગ્યાએ બે મિનિટમાં જ આવી ગયો.. એ ત્રણ ને લઈને વિનાયક પોતાનાં ઘરે ગયો જ્યાં ત્રણેય ને પોતાનાં ઘર ના ઉપર નાં માળે ઉતારો આપ્યો.

રાતે જમવાનું પતાવીને થોડી વાતો કર્યા બાદ સુમિત,સોનુ અને સોનાલી પોતપોતાનાં રૂમ માં ચાલ્યાં ગયાં અને દિવસભર ની લાંબી યાત્રા ને લીધે થાકીને સુઈ ગયાં.

જીંદગી ની બીસાત પર પાથરેલા આ મહોરાં પોતપોતાની રીતે ચાલ ચાલી રહ્યાં હતાં.. પણ કયુ પ્યાદુ કોની વિરુદ્ધ માં અને કેવી રીતે ચાલ ચાલતું હતું એતો એને જ ખબર હતી કે જે વજીર હતો.. !!

વધુ આવતાં ભાગમાં..

દગ્ગુ એ વ્યક્તિ ને કઈ રીતે ખતમ કરશે?.. ગોવિંદ ને આકાશ સહાની પોતાનાં રૂમ માં જોઈ જશે.. ? ઓમ અને નફીસા એ કેમ પોતાનો વેશ બદલ્યો હતો.. ?ડેવિડ નાં પ્લાન નું આગળનું પગલું શુ હતું.. ? આ સાત લોકો ની ટુકડી પોતાની રોબરી ને સફળતાપૂર્વક પાર પાડી શકશે કે નહીં.. ?જાણવા વાંચો ચેક એન્ડ મેટ નો નવો ભાગ આવતાં સપ્તાહે.

આ નોવેલ અંગે જો તમને કોઈ કલ્યુ મળે કે તમારો કોઈ અભિપ્રાય હોય તો મારાં whatsup નંબર 8733097096 પર આપવા વિનંતી.

મારી અન્ય નોવેલ ડેવિલ અને બેકફૂટ પંચ પણ તમે માતૃભારતી પર વાંચી શકો છો.

-જતીન. આર. પટેલ