Check and Mate - 12 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | ચેક એન્ડ મેટ 12

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ચેક એન્ડ મેટ 12

ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની

Part:-12

ડેવિડ જે પ્લાન બનાવે છે એ મુજબ બધાં પાંડીચેરી પહોંચે છે.. જ્યાં ડેવિડ એમને આકાશ સહાની નાં ઘર માં રોબરી ની રૂપરેખા જણાવે છે. ગોવિંદ ડેવિડ નાં પ્લાન મુજબ આકાશનાં ઘરે ડ્રાયવર ની નોકરી માં જોડાઈને ત્યાંની cctv ફૂટેજ મોકલાવે છે પણ આકાશનાં રૂમ માં વધુ તપાસ માટે જ્યારે ગોવિંદ જાય છે ત્યારે કોઈક આવી જાય છે. ઓમ અને નફીસા પણ નામ બદલી મુંબઈ પહોંચે છે અને ત્યાં જઈ પોતાનો દેખાવ પણ બદલી લે છે.. સોનુ, સોનાલી અને સુમિત ને પુણે મોકલ્યાં પછી ડેવિડ પોતાનો પીછો કરતી વ્યક્તિ ને ખતમ કરવાનું કામ દગ્ગુ ને સોંપે છે જે માટે દગ્ગુ એનો પીછો કરતો કરતો એ જ્યાં રોકાયો હોય છે ત્યાંસુધી આવી પહોંચે છે.. હવે વાંચો આગળ... !!

***

ગોવિંદ હજુ આકાશ સહાનીનાં પર્સનલ રૂમમાં જઈને સેલ્ફ માં રહેલો છૂપો દરવાજો ખોલીને અંદર જોવે એ પહેલાં જ દરવાજાનું લોક કોઈ બહારથી ખોલતું હોય એવો અવાજ થતાં ગોવિંદનાં પગ ત્યાં જ ચોંટી ગયાં અને એનું દિલ પણ બમણાં વેગે ધડકવા લાગ્યું.. પોતાનાં અહીં પકડાતાં જ ડેવિડે બનાવેલાં પ્લાન નું અકાળે જ અવસાન થવાની નોબત આવી ગઈ હતી.

દરવાજો થોડો ખુલ્યો એવોજ ગોવિંદ બાથરૂમમાં છુપાવવા માટે જતો હતો ત્યાં જ બંગલામાં કામ કરતાં શ્યામજી નો અવાજ સંભળાયો..

"આકાશ ભાઈ.. ગુરુજી આવ્યાં છે.. બહાર ગાર્ડનમાં બેઠાં છે અને તમને બોલાવે છે.. "

શ્યામજીનાં આટલું કહેતાં જ ખોવાયેલો દરવાજો પાછો બંધ થઈ ગયો.. અને કોઈનાં પગલાં નો અવાજ પણ દૂર જતો જણાયો.. ગોવિંદ સમજી ગયો કે આકાશ વહેલો આવી ગયો હતો અને એજ દરવાજો ખોલી રહ્યો હતો પણ ત્યારે આ ગુરુજી નામની વ્યક્તિ એ અચાનક આવી ને એને બચાવી લીધો.. !

આકાશનાં જતાં ની સાથે જ ગોવિંદે પણ હળવેકથી દરવાજો ખોલ્યો અને એ બહાર નીકળી ગયો.. બહાર નીકળતાં જ ગોવિંદ ને જીવ માં જીવ આવ્યો હોય અનુભૂતિ થઈ. એની આ ભૂલ ડેવિડ નાં પ્લાન ની સાથે એ બધાનાં ભવિષ્યની પણ આહુતિ થઈ જાત એ ગોવિંદ ને સમજાઈ ગયું હતું.. હવે આગળ નું દરેક પગલું બહુ સાચવીને ભરવું પડશે એ નક્કી હતું.

"આ ગુરુજી આખરે કોણ છે.. અને એ અત્યારે અહીં કેમ.. ?" મનોમન આટલું બોલી એ ફરમહાઉસનાં ગાર્ડન તરફ આગળ વધ્યો.. ફાર્મહાઉસ ની મધ્ય માં બનાવેલો એ ગાર્ડન ખૂબ જ સુંદર હતો.. એમાં વિવિધ પ્રકારનાં રંગબેરંગી ફૂલો ની સજાવટ ની સાથે કલાત્મક આરસની મૂર્તિઓ પણ હતી.. ગાર્ડન ની મધ્યમાં એક મોટો હિંચકો હતો જ્યાં અત્યારે કોઈક બેઠું હતું.. અને આકાશ એની સામે ખુરશીમાં બેઠો હતો.

ગોવિંદે નજીક જઈને જોયું તો એ વ્યક્તિ ની આજુબાજુ બે બ્લેક કમાન્ડો પણ ભરી બંદૂકે હાજર હતાં. એ વ્યક્તિ જ ગુરુજી હોય એવું ગોવિંદ સમજી ગયો એટલે એનો ચહેરો જોવા એ થોડો આગળ વધ્યો.. અને નજીક જઈને ત્યાં રહેલાં વૃક્ષો ની આડશમાંથી એ વ્યક્તિનો ચહેરો જોતાં ગોવિંદ નું મગજ અત્યારે ચકરાવે ચડી. આ ગુરુજી એટલે બીજું કોઈ નહીં પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી યોગેન્દ્ર ગુરુ.

યોગેન્દ્ર ગુરુ અત્યારે નેતાઓ પહેરે એવાં ખાદી નાં કુર્તા માં સજ્જ હતાં.. ઉંમર અત્યારે પંચાવન ની આસપાસ હોવાં છતાં યોગેન્દ્ર ગુરુ એ પોતાની જાત ને ઘણી એવી ચુસ્ત અને તંદુરસ્ત રાખી હતી.. વર્ષો ની મહેનત પછી એમને રાજનીતિમાં જ્યાં છે એ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.. અને આગામી ચૂંટણીમાં એમનો પક્ષ એમને મુખ્યમંત્રી પદ નાં ઉમેડવારમાં ઉભો રાખવાનો હતો એવી અટકળો ચાલુ હતી.

યોગેન્દ્ર ગુરુ અને આકાશને શું સંબંધ હતો એ વિશે ગોવિંદ ને કંઈપણ ખબર નહોતી પડતી.. કેમકે આકાશ એક બિઝનેસમેન હતો પણ કોઈ રાજનૈતિક બેકગ્રાઉન્ડ ધરાવતી વ્યક્તિનું અહીં આકાશનાં ફાર્મહાઉસ પર હાજર હોવું ગોવિંદ ને થોડું વિચિત્ર લાગ્યું.. નક્કી કંઈક તો મોટી વાત જરૂર હોવી જોઈએ એમ વિચારી આકાશ અને યોગેન્દ્ર ગુરુ વચ્ચે ની વાત સાંભળવા ગોવિંદે કાન સરવા કર્યાં.

"જો આકાશ હવે તારાં અને દીકરી નીલમ નાં લગ્ન જલ્દી નક્કી કરી લઈએ એવી મારી ઈચ્છા છે.. કેમકે આવતાં વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી હું આવતાં વર્ષે ફ્રી નહીં હોઉં.. "યોગેન્દ્ર ગુરુ એ કહ્યું.

"આપની જ્યારે ઈચ્છા હોય ત્યારે હું તૈયાર છું.. ગુરુજી.. "આકાશે નતમસ્તક થઈને કહ્યું.. આકાશ નું યોગેન્દ્ર ગુરુ તરફનું વર્તન જોઈ એવું લાગતું કે એ યોગેન્દ્ર ગુરુ ની ખૂબ કદર કરે છે.

"પેલાં બંડલ તો ટાઈમે આવી જાય છે ને.. ?"ગુરુજી એ પૂછ્યું.

"હા આવી જાય છે.. અને એ બધાં અત્યારે સેફ છે.. "આકાશે કહ્યું.

"જો સાંભળ બીજી વાત.. આજથી બાર દિવસ પછી પેલું પેકેટ આવી જશે.. એટલે તારે એને સાચવીને રાખવું પડશે.. બસ એક અઠવાડિયું એને સાચવવાનું છે.. સમજી ગયો ને.. "ગુરુજી એ આકાશનાં કાન ની નજીક પોતાનું મોં લઈ જઈને હળવેકથી કહ્યું.

ગોવિંદ ને ગુરુજીનાં બધાં શબ્દો સ્પષ્ટ ના સંભળાયા પણ એ કોઈ પેકેટ ની વાત કરતાં હતાં એ ગોવિંદે સાંભળ્યું.. વધુ સમય ત્યાં ઉભું રહેવું ઉચિત ના લાગતાં ગોવિંદ ત્યાંથી નીકળી ગયો... !!

થોડી જરૂરી વાતો કર્યાં બાદ આકાશ ની રજા લઈ ગુરુજી એ જવાની અનુમતિ માંગી.. આકાશ યોગેન્દ્ર ગુરુ ને એમની કાર સુધી મુકવા ગયો.. અને સસ્મિત એમને વિદાય આપી પાછો ગાર્ડનમાં આવી હિંચકા ઉપર બેઠો.. થોડો સમય એમજ બેસી રહ્યાં બાદ આકાશે પોતાનો મોબાઈલ ફોન હાથમાં લીધો અને કોઈક ને કોલ કર્યો.

"આકાશ સહાની વાત કરું.. "સામેવાળા વ્યક્તિ એ કોલ રિસીવ કરતાં જ આકાશ બોલ્યો.

"અરે માલિક બોલો.. શું કામ પડ્યું.. ?"સામેથી અવાજ આવ્યો.

"મેં તને પેલાં પેકેટ વિશે કહ્યું હતું ને એ બાર દિવસ પછી આવવાનું છે.. તો તારે આગળ શું કરવાનું છે એતો તને ખબર છે ને.. "આકાશે એનાં આગવા ટોન માં પૂછ્યું.

"હા માલિક.. મને બધું ખબર છે.. તમારું બધું કામ થઈ જશે.. તમતમારે ચિંતા ના કરશો.. "સામે વાત કરનાર વ્યક્તિ બોલી.

"સારું.. હવે તું મને કોલ ના કરતો.. મારે કામ હશે તો તને સામેથી કરીશ.. "એટલું કહી આકાશે કોલ કટ કરી દીધો.. અત્યારે આકાશનાં ચહેરા પર એક ચમક હતી અને સાથે હતી એક ખંધી મુસ્કાન.. !!

***

દગ્ગુ અત્યારે ડેવિડ નો પીછો કરતી વ્યક્તિનો પીછો કરતો કરતો ગુલમહોર હોટલમાં એ વ્યક્તિ જ્યાં રોકાયો હતો ત્યાં સુધી આવી પહોંચ્યો હતો.. ગોવિંદે હમણાં જ જે રૂમનો દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો હતો ત્યાં જઈને એનો દરવાજો નોક કર્યો.

દરવાજો નોક કરતાં જ જે વ્યક્તિ ડેવિડ નો પીછો કરી રહી હતી એને આવીને દરવાજો ખોલ્યો અને દગ્ગુ ની તરફ જોઈને કહ્યું.

"શું કામ છે ભાઈ તારે.. ?"

દગ્ગુ ને એ શું બોલ્યો એ તો ખબર ના પડી પણ દગ્ગુ એટલું સમજી ગયો હતો કે આ વ્યક્તિ હું કેમ અહીં આવ્યો એવું પૂછે છે.. કેમકે એની જગ્યાએ કોઈપણ હોય એ આવું જ પૂછે.

"રૂમ સર્વિસ.. "દગ્ગુ એ મનમાં આવ્યું એ કહી દીધું.

"નો.. મારે જરૂર નથી રૂમ સર્વિસ ની.. "એ વ્યક્તિ આટલું કહી દરવાજો બંધ કરવા જતી જ હતી ત્યાં દગ્ગુ એ પોતાનાં ભારેખમ શરીર ને દરવાજા સાથે અથડાવ્યું અને એનાં કારણે પેલો અંદરવાળો વ્યક્તિ ઉછળીને દૂર જમીન પર પડ્યો.

દગ્ગુ એ રૂમ માં ઘુસતા ની સાથે રૂમ નો દરવાજો બંધ કર્યો અને પેલી વ્યક્તિ ઉપર તૂટી પડ્યો.. દગ્ગુ એ પહેલાં જ પોતાનાં હાથનાં ત્રણ ચાર મુક્કા એ વ્યક્તિ ની છાતી ઉપર મારી એને બેવડ વાળી દીધો.. ત્યારબાદ એક જોરદાર મુક્કો એનાં મોં પર મારીને એનાં મોંઢેથી લોહી કાઢી નાંખ્યું.. દગ્ગુ નાં સમગ્ર દેહનો ભાર અત્યારે એ વ્યક્તિ પર હતો એટલે એનું સહેજ પણ ખિસકવું અશક્ય હતું.

દગ્ગુ એ પોતાનાં મજબૂત હાથની પકડ વડે એ વ્યક્તિ નું ગળું દબાવી દીધું.. દગ્ગુ ની આ હરકતથી એ વ્યક્તિની આંખેથી અંધારું આવી ગયું. મોત સામે દેખાઈ રહ્યું હતું એવામાં નીચે પડેલાં એ વ્યક્તિનાં હાથમાં પાણી નો જગ આવી ગયો.. આ જગ જ્યારે દગ્ગુ નો ધક્કો વાગવાથી એ ટેબલ ને અથડાયો ત્યારે પડી ગયો હતો.. જગ હાથમાં આવતાં જ એ વ્યક્તિએ એ જગને બળપૂર્વક દગ્ગુનાં મોં પર ફટકારી દીધો.

અચાનક થયેલાં ઘા એ દગ્ગુનું મોં ચીરી દીધું અને એમાંથી લોહી નીકળવા લાગ્યું.. દગ્ગુ એ પોતાનાં ચહેરા પર નો ઘા જોવા હાથને એ વ્યક્તિનાં ગળા પરથી લઈ લીધો અને પોતાનાં ચહેરા પર જ્યાં વાગ્યું હતું ત્યાં રાખી દીધો.

આ પળનો લાભ લઈને એ વ્યક્તિ એ દગ્ગુ ને પેટમાં એક જોરદાર લાત મારી ભોંયભેગો કરી દીધો.. માર ની કળ વળી અને દગ્ગુ ઉભો થયો તો એને જોયું કે પેલી વ્યક્તિ એની તરફ ગન તાકીને ઉભી હતી. દગ્ગુનો હાથ હજુપણ એનાં પેટ પર હતો.

"હાથ ઉપર કર.. "એ વ્યક્તિ એ દગ્ગુ ની તરફ જોઈને કહ્યું.. પણ દગ્ગુ ને એની કહેવાયેલી વાત ખબર નથી પડી એવું સમજતાં એ વ્યક્તિ ફરીથી બોલ્યો..

"RAISE YOUR HAND.. "એની વાત સાંભળતાં જ દગ્ગુ એ પોતાનાં હાથ ઉપરની તરફ કરી દીધાં.. શિકારી ખુદ યહાં શિકાર હો ગયાં.. જેવો ઘાટ અત્યારે ઘડાયો હતો.

દગ્ગુ નાં ચહેરા પરથી હજુ લોહી નીકળી રહ્યું હતું.. એને ત્યાં હજુપણ બળતરા થઈ રહી હતી.. એ વ્યક્તિનાં હાથમાં રહેલી ગન જોઈએ દગ્ગુ એ અત્યાર પૂરતી શરણાગતિ સ્વીકારી લેવામાં જ પોતાની ભલાઈ હોવાનું સમજી એ વ્યક્તિનાં કહ્યા મુજબ પોતાનાં બંને હાથ ઉપર કરી લીધાં.

"Now turn back.. "દગ્ગુ તરફ ચિલ્લાઈને એ વ્યક્તિ બોલી.. એની વાત માન્યા સિવાય બીજો કોઈ છૂટકો ના હોવાથી દગ્ગુ એની તરફ પીઠ રહે એમ ઊંધો ફરીને ઉભો રહ્યો.

"Very good.. "એ વ્યક્તિ આટલું બોલી અને કંઈક શોધવા માટે પોતાનાં બેડ ની તરફ ગઈ.. દગ્ગુ એ પોતાની સામે રહેલાં મિરર માં એ વ્યક્તિ ની આ કામગીરી જોતાંજ પોતાનાં મગજ ને સુપરફાસ્ટ ટ્રેઈન ની માફક દોડાવ્યું.

એ વ્યક્તિ એ પોતાની બેડ પર નાં ઓશીકા નીચેથી એક હથકડી કાઢી અને એને લઈને દગ્ગુ તરફ આગળ વધ્યો. એનાં એક હાથમાં રિવોલ્વર હજુ એ પકડાયેલી હતી પણ હવે એનું નિશાન દગ્ગુ પર નહોતું.. જેવો એ વ્યક્તિ દગ્ગુની નજીક આવી ગયો અને એમની વચ્ચેનું અંતર માત્ર દસેક ડગલાં રહ્યું ત્યારે દગ્ગુ એ એક ચાલાકી બતાવી અને પોતાની પીઠ અને શર્ટ વચ્ચે છુપાવી રાખેલી મોટી છરી કાઢી એનો ઘા પેલી વ્યક્તિ પર કરી દીધો.

એક તો દગ્ગુ ની હાથ નું બળ અને છરી ની ધારદાર બનાવટ નાં લીધે એ છરી સીધી પેલી વ્યક્તિ નાં રિવોલ્વર વાળા હાથનાં ખભે ખુંપી ગઈ અને રિવોલ્વર એનાં હાથમાંથી છટકીને નીચે ફર્શ પર પડી ગઈ.. એકાએક થયેલો આ હુમલો એ વ્યક્તિ ની સમજ બહારનો હતો એટલે એ આ હુમલાથી ચોંકી ઉઠ્યો.

હાથ પર ખુંપી ગયેલી છરી એને બહાર ખેંચી અને રિવોલ્વર તરફ નજર કરી અને રિવોલ્વર લેવા એ તરફ આગળ વધ્યો પણ દગ્ગુ આ વખતે વધુ ચાલક નીકળ્યો અને દોડીને પોતાનું માથું જોરથી એ વ્યક્તિનાં પેટ ઉપર અથડાવ્યું.. દગ્ગુનાં ભારેખમ શરીર નો ઝાટકો લાગતાં જ એ માણસ ગડથોલિયા ખાઈને હેઠે પડી ગયો.. આ જ સમયે દગ્ગુ એ તીવ્રતા થી નીચે પડેલી પોતાની છરી હાથમાં લઈ લીધી અને એ વ્યક્તિનાં પેટ માં ઘુસેડી દીધી.

દગ્ગુ એ છરી ઘુસેડતી વખતે પોતાનો એક હાથ જોરથી પેલી વ્યક્તિનાં મોંઢા પર મૂકી રાખ્યો જેથી એની ચીસ નો અવાજ ના નીકળે.. ચાર પાંચ વાર ઉપરાછપરી છરી દગ્ગુ એ એ વ્યક્તિનાં પેટમાં હુલાવી દીધી અને એને મોત ને ઘાટ ઉતારી દીધો.. એ વ્યક્તિ મરી ગયો છે એની પાકી ખાતરી થઈ ગયાં બાદ દગ્ગુ ઉભો થયો અને પછી લોહી નીતરતો પોતાનો ચહેરો વૉશબીસીનનાં પાણી વડે સાફ કર્યો.

મોં લૂછીને સાફ કર્યા બાદ દગ્ગુ એ ડેવિડ નો નંબર ડાયલ કર્યો અને કહ્યું..

"નેનુ અ માનીસીની કમપેસ્તુનાનું"

જેનો મતલબ હતો 'મેં એ માણસ ને મારી નાંખ્યો.. 'દગ્ગુ એ કહેલી વાત એટલે ભીંત ઉપર ભાલો.. એટલે ડેવિડે પણ એને કાર્લોસ ને ત્યાંથી નક્કી કરેલી રકમ લઈ જવાનું કહી દીધું.

બસ આટલું કહી દગ્ગુ એ એ વ્યક્તિ ની બોડી ઉઠાવી બાથરૂમમાં રાખી દીધી અને રૂમ ને વ્યવસ્થિત સાફ કરી.. પોતાની ફિંગર પ્રિન્ટ નાં અને લોહીનાં નિશાન મિટાવ્યા સાથે એ વ્યક્તિની રિવોલ્વર ને પણ પેન્ટમાં છુપાવી રૂમમાંથી બહાર નીકળી ગયો.. હોટલ ની બહાર આવતાં જ એ સીધો કાર્લોસ ને ત્યાં ગયો.

ડેવિડ સાથે થયેલી ડિલ મુજબની રકમ કાર્લોસ જોડેથી મળી ગયાં બાદ દગ્ગુ થોડાં દિવસ માટે અંડરગ્રાઉન્ડ થઈ જવાનો હતો એ નક્કી જ હતું... આમ પણ બીજાં ત્રણ ચાર મહિના આરામથી નીકળી જાય એટલી રકમ તો દગ્ગુ જોડે આવી ગઈ હતી.. !!

પોતાનો પીછો કોણ કરી રહ્યું હતું એની હકીકત જાણ્યાં વગર ડેવિડે દગ્ગુ જોડે એ વ્યક્તિનો ખાત્મો તો કરાવી દીધો.. પણ આ વસ્તુ ભવિષ્યમાં એને નડતરરૂપ બની જાય તો નવાઈ નહીં.. !!

***

પુણે માં પહોંચેલા સોનુ,સોનાલી અને સુમિત ની વિનાયકનાં ઘરે સારી એવી ખાતીરદારી થઈ રહી હતી.. વિનાયક ની પત્ની સુરભીનાં હાથનું એકદમ દેશી મહારાષ્ટ્રીયન જમવાનું જમીને તો એમનો અંતરાત્મા પણ તૃપ્ત થઈ ગયો હતો.. !!

ડેવિડે બનાવેલાં પ્લાન મુજબ હવે એ લોકો એ છેક છેલ્લે પોતાનો ભાગ ભજવવાનો હતો એટલે અત્યાર પૂરતો તો એમને આરામ કરવામાં અને પુણે સીટીનાં દર્શન કરવામાંજ સમય પસાર કરવાનો હતો એ નક્કી હતું.

બીજા દિવસે સવારે નાસ્તો કરી એ ત્રણેય નીકળી પડ્યાં પુણે ની પ્રખ્યાત જગ્યાઓ જેવી કે ઓકામાયા ફ્રેન્ડશીપ ગાર્ડન,ચતુરશ્રીંગી મંદિર, દર્શન મ્યુઝિયમ, પાતાળેશ્વર મંદિર,શનિવાર વાડા જોવા નીકળી પડ્યાં.. ઓકામાયા ગાર્ડન ની સુંદરતા અને એમાં રહેલી વિવિધતા જોઈ બધાં અભિભૂત થઈ ગયાં... સોનુ એ તો ત્યાં જાણે ફોટોશૂટ કરાવતી હોય એમ લગભગ સો જેટલી ફોટો ક્લિક કરી લીધી.

આ સિવાય શનિવારવાડા નો પેશ્વા બાજીરાઓ વખત નો ૧૮ મી સદી નો ઈતિહાસ જોઈ એમને આપણાં ઐતિહાસિક વારસા પર ગર્વ થયો.. કાલે બીજાં સ્થળો ની મુલાકાત લેવાનું નક્કી કરી એ બધાં સાંજે પાછાં વિનાયકનાં ઘરે આવ્યાં.. અને આવીને ગરમાગરમ મિસલ પાઉં ખાઈને સુઈ ગયાં.. આખા દિવસ નો થાક અને ભરપેટ જમવાના લીધે એ બધાં પર નિંદ્રાદેવી એ તરત પોતાનો કબજો લઈ લીધો.

***

ડેવિડ પણ અત્યારે ગોઆ પહોંચી ગયો હતો.. અને દગ્ગુ એ પોતાનું કામ યોગ્ય રીતે પૂરું કરી લીધેલું છે એવો કોલ આવ્યાં પછી આરામ ફરમાવી રહ્યો હતો.. !!

ડેવિડ રાતે બીચ ઉપર બેઠો બેઠો ગોઆ ની પ્રખ્યાત ફેનીનાં ઘૂંટ પી રહ્યો હતો ત્યારે ગોવિંદ નો કોલ આવતાં એને નવાઈ લાગી.. નક્કી કંઈક મોટી વાત હશે એમ વિચારી ડેવિડે કોલ ઉપાડ્યો..

"હેલ્લો.. સુલતાન.. એક ખુશખબર છે.. "ગોવિંદનાં અવાજમાં ખુશી સાફ વર્તાતી હતી.

"બોલ ભાઈ સત્યધર.. બહુ ખુશ જણાય છે.. "ડેવિડ અને ગોવિંદ બંને અત્યારે પોતાનું સાચું નામ બોલવાને બદલે નક્કી કર્યાં મુજબ એકબીજાને ખોટાં નામે બોલાવી રહ્યાં હતાં.

"હા.. આજે આકાશનાં રૂમ માં જે જગ્યાએ લોકર રાખ્યું છે એ જગ્યા મને મળી ગઈ છે.. "ગોવિંદે કહ્યું.

"ખૂબ સરસ.. તે તો ભાઈ ધાર્યા કરતાં પણ વધુ સરળતાથી બધું પૂરું પાડ્યું.. "ડેવિડે વખાણ કરતાં કહ્યું.

"એક બીજી વાત પણ છે.. જે મને થોડી સમજાઈ થોડી ના સમજાઈ.. "ગોવિંદ બોલ્યો.

"ભાઈ સમજાય એવું બોલ.. "ડેવિડે કહ્યું.

"આજે મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી યોગેન્દ્ર ગુરુ આવ્યાં હતાં આકાશનાં ફાર્મહાઉસ ઉપર.. માર્કેટમાં જે વાત અફવા તરીકે ઉડે છે એ સાચી છે.. મતલબ કે યોગેન્દ્ર ગુરુ પોતાની દીકરી નિલમનાં લગ્ન આકાશ સાથે કરવા માંગે છે.. "ગોવિંદ બોલ્યો.

"અરે એતો આજે નહીં તો કાલે બહાર આવવાનું જ હતું.. બસ આટલું કે બીજું કંઈ કહ્યું.. ગુરુજી એ.. ?"ડેવિડે પૂછ્યું.

"એમની વાતો પરથી એવું લાગે છે કે આકાશનાં ઘરે જે કેશ ની બેગો આવે છે એ યોગેન્દ્ર ગુરુ જ મોકલાવે છે.. અને એ બાર દિવસ પછી કોઈ પેકેટ મોકલવાના છે એવું પણ કહ્યું.. પણ મને કંઈ સમજાયું નહીં.. "ગોવિંદે કહ્યું.

"સારું.. એતો જોયું જશે.. બસ તું હવે ધ્યાન રાખજે અને વધુ પડતી ચાલાકી કે નકામી હરકત ના કરતો જેથી આકાશની નજરે ચડી જાય.. "સલાહ આપતાં ડેવિડ બોલ્યો.

"સારું.. "આટલું કહી ગોવિંદે કોલ કટ કરી દીધો.

ગોવિંદ નો કોલ મુકતાં જ ડેવિડ ફરી પાછો કંઈક ઊંડા વિચારોમાં સરી પડ્યો અને પછી જોરજોરથી હસવા લાગ્યો.. ખબર નહીં ડેવિડ ને શું થઈ ગયું હતું.. !!

ડેવિડે પોતાનો મોબાઈલ પાછો હાથમાં લીધો અને ઓમ અને નફીસા ને મેસેજ કર્યો..

"કાલ થી તમારું કામ ચાલુ કરી દો.. "મેસેજ કરી ડેવિડે ફોન સ્વીચ ઓફ કર્યો અને પછી એ ત્યાં બીચ ની માટીમાં જ સુઈ ગયો. આ દરિયાકિનારા ની માટી ડેવિડ ને ફાઈવસ્ટાર હોટલ ની સુંવાળી સેજ કરતાં પણ વધુ આનંદદાયક લાગતી હતી.. આખરે એ દરિયાનો છોરુ હતો.. !!

***

વધુ આવતાં અંકમાં..

દગ્ગુ એ કોને ખતમ કર્યો હતો.. ?? યોગેન્દ્ર ગુરુ કયા પેકેટ ની વાત કરી રહ્યાં હતાં.. ? ઓમ અને નફીસા એ પોતાનો લૂક ચેન્જ કેમ કર્યો હતો અને હવે આગળ એમનું કામ શું હતું.. ? ડેવિડ નો પ્લાન સફળ બનશે કે નહીં.. ? જાણવા વાંચતાં રહો ચેક એન્ડ મેટ નો નવો ભાગ આવતાં સપ્તાહે.

આ નોવેલ અંગેનો આપનો અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.. એ સિવાય માતૃભારતી પર વાંચો મારી અન્ય નોવેલ બેકફૂટ પંચ અને ડેવિલ એક શૈતાન ને.. !!

-જતીન. આર. પટેલ