Redlite Bunglow - 25 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૨૫

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

રેડલાઇટ બંગલો ૨૫

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૫

હેમંતભાઇ આજે ખુશ હતા. છેલ્લા ઘણા મહિનાથી વર્ષાબેનનો સાથ માણવાની ઇચ્છા અચાનક પૂરી થઇ ગઇ હતી. હેમંતભાઇને એમ હતું કે વર્ષાબેન સરળતાથી તેમને વશ થશે નહીં. પણ ખેતરમાં આગ લાગવાની ઘટનાએ વર્ષાબેનને ભાન ભૂલાવ્યું અને તે નજીક સરકતા જ ગયા. હેમંતભાઇ તો આવા મોકાની રાહમાં હતા. તેમણે વર્ષાબેનને એક જ સપ્તાહમાં એટલા પ્રભાવિત અને અહેસાનમંદ બનાવી દીધા હતા કે કોઇ અડચણ આવી નહીં. વર્ષાબેનના ગયા પછી હેમંતભાઇને ભીખુ યાદ આવ્યો. એના કારણે જ તે વર્ષાબેનને પામી શક્યો હતો. પોતાની બધી જ યોજનાઓ પર ભીખુએ એટલું સરસ કામ કર્યું હતું કે કોઇને શંકા જાય એમ ન હતી. હેમંતભાઇએ તરત જ મોબાઇલ હાથમાં લીધો અને ભીખુને ફોન કરી પોતાના ઘરે આવી જવાનું કહ્યું. પછી એના માટે નોટોની બે થોકડી બનાવી જુદા જુદા કવરમાં મૂકી તેની રાહ જોવા લાગ્યા.

હેમંતભાઇને હરેશભાઇ ઉપર ઘણા સમયથી દાઝ હતી. થોડા મહિના પહેલાં વર્ષાબેન તેમને ત્યાં આવ્યા ત્યારે તેમની આંખમાં વસી ગયા હતા. વર્ષાબેનના ભરાવદાર શરીરમાં તેમનું મન ભરાઇ ગયું હતું. પત્ની મરી ગયા પછી હેમંતભાઇ બીજી સ્ત્રીઓમાં રસ લેવા લાગ્યા હતા. તેમને કોઇ પોતાની છોકરી આપવા તૈયાર ન હતું. હેમંતભાઇ ખેતરે કામ પર આવતી સ્ત્રીઓને પૈસાની લાલચ આપી પોતાની ઇચ્છાપૂર્તિ કરી લેતા હતા. તેમનો ખાસ માણસ ભીખુ તેમને ઓળખી ગયો હતો. ભીખુ ગામની કે બાજુના કોઇ ગામની એકલી અને વિધવા સ્ત્રીઓની વ્યવવસ્થા તેમના માટે કરી આપતો હતો. હેમંતભાઇએ જ્યારથી વર્ષાબેનને જોયા ત્યારથી કોઇ સ્ત્રીમાં મન ચોંટતું ન હતું. આ ઉંમરે પણ ફૂલ જેવી કાયા ધરાવતા વર્ષાબેનને વશમાં કરવાનું કામ સરળ ન હતું. તેમના માટે સૌથી મોટો કાંટો હરેશભાઇ હતા. હરેશભાઇની હાક અને ધાક એવી હતી કે હેમંતભાઇની ઇચ્છા મનમાં ઘૂંટાયા કરતી હતી. એટલે એક દિવસ હરેશભાઇને પૂછી લીધું:"હરેશ, ગઇકાલે વર્ષા આવી હતી. તેની સાથે બધો હિસાબ કરી દીધો છે. પણ એક વાત પૂછવી હતી.... એનો વર સોમલાલ ક્યારે આવવાનો છે? હવે બધી જ જવાબદારી એના માથે જ છે..."

હરેશભાઇએ ટૂંકમાં જ કહી દીધું:"સોમલાલ આવશે જરૂર...મને વિશ્વાસ છે..."

"મને થયું કે વર્ષાએ બીજા લગ્ન કરી લેવા જોઇએ. આખી જિંદગી એકલા ક્યાં વેંઢારવી? તું કહેતો હોય તો આદમી બતાવું?"

હેમંતભાઇ બોલ્યા એમાં ઇશારો કોના તરફ હતો એ હરેશ સમજી ગયો. હેમંતભાઇની નજર વર્ષા પર બગડી છે એ સમજતાં હરેશને વાર ના લાગી.

"અરે ભાઇ, વર જીવતો જાગતો છે ત્યાં સુધી વર્ષા બીજા આદમીનો વિચાર કરે એવી નથી... " કહીને હરેશભાઇએ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. અને ત્યારથી હરેશભાઇએ વર્ષાબેનનું હેમંતભાઇને ત્યાં જવાનું ઓછું કરી દીધું હતું. હેમંતભાઇને પણ ખ્યાલ આવી ગયો કે હરેશ જ તેને પોતાની નજરથી દૂર કરી રહ્યો છે. એટલે હેમંતભાઇએ પહેલું કામ હરેશભાઇને વચ્ચેથી હટાવવાનું વિચાર્યું. અને એ કામ ભીખુને સોંપ્યું. ત્યારે તાકીદ કરી કે હરેશને મારી નાખવાનો નથી. માણસ મરી જાય તો વધારે ઉહાપોહ થાય. એને એવો બેસાડી દેવાનો કે ખબર જ ના પડે. ભીખુ એમનો ઇશારો સમજી ગયો હતો. તેણે હરેશભાઇની હિલચાલ પર એક અઠવાડિયા સુધી નજર રાખી. અને એક દિવસ શહેરમાંથી મિત્રની બુલેટ લાવીને હરેશભાઇની બુલેટને અકસ્માત કર્યો. હેમંતભાઇ ઇચ્છતા હતા એમ જ એ અકસ્માત ગણાયો અને હરેશભાઇ ઘરે બેસી ગયા. હવે વર્ષાબેનને મજબૂર કરવાના હતા. હરેશભાઇ ઘાયલ હોવાથી તેમની મદદ કરવાને બહાને ઘરે બોલાવવા લાગ્યા. પછી ભીખુને કહી ખેતરમાં આગ લગાવડાવી. અને બધું જ તેમની યોજના પ્રમાણે થયું. બલ્કે જલદી થયું. વર્ષાબેન એટલા જલદી તેમની શરણમાં આવી ગયા કે હેમંતભાઇને તો આ એક સપના જેવું લાગ્યું. તે ઘરના આંગણે ઠંડા પવનમાં હીંચકામાં ઝૂલતા વર્ષાબેન સાથેની એ પળોને યાદ કરી રહ્યા.

હેમંતભાઇ વર્ષાબેન વિશે વિચારતા બેઠા હતા ત્યાં જ ભીખુ આવી પહોંચ્યો.

"આવો આવો ભીખુલાલ!"

"વાહ! શું વાત છે! આજે લાલ કહીને આવકાર આપી રહ્યા છો! તમારા ચહેરા પરની લાલી જોવા જેવી છે હોં! લાગે છે કે આનંદનો ગુલાલ ઉડ્યો છે!" હંમેશા ભીખુના નામે બોલાવતા હેમંતભાઇને ખુશ જોઇ ભીખુને એ વાતનો ખ્યાલ આવી ગયો કે તેમની ઇચ્છા પૂરી થઇ ગઇ છે.

"આજે તો તને પણ ખુશ કરી દેવો છે! લે આ તારા બંને કામના..." કહી હેમંતભાઇએ ભીખુને રૂપિયાની નોટો ભરેલા બે કવર હાથમાં આપી દીધા.

"આભાર હેમંતભાઇ..." ભીખુને તો આજે લોટરી લાગ્યા જેવું થયું હતું.

"પણ સાંભળ, આ વાતની ખબર કોઇને થવી ના જોઇએ..."

"હેમંતભાઇ, આજ સુધી કોઇ વાત બહાર ગઇ છે...?"

"એટલે જ તો તને મારા અંગત કામ સોંપું છું... પણ આ વર્ષા મને પાગલ કરી ગઇ છે. ફરી મળ્યા કરે એવું કંઇક કરતા રહેવું પડશે!"

"તમે ચિંતા ના કરો. તમતમારે મજા કરતા રહેજો!" કહી ભીખુ નવું વિચારવા લાગ્યો.

***

અર્પિતાએ રચનાને તેના ગ્રાહક માટે ઊંઘની ગોળીને બદલે વાયગ્રાની ગોળી આપી હતી. અને એટલે ગ્રાહકે રચનાને થકવી દીધી હતી. રચનાની આ હાલત માટે અર્પિતાને દયા આવી રહી હતી. રાજીબહેન સામેની લડતમાં રચનાનો ઉપયોગ કર્યા વગર છૂટકો ન હતો. આ બધું રચનાના ભવિષ્ય માટે પણ હતું. અર્પિતા હવે અફસોસ કરીને સમય બગાડવાને બદલે આગળનું વિચારવા લાગી. આવતીકાલે કોલેજક્વીન સ્પર્ધા હતી. તે બધી રીતે તૈયાર હતી. આજે રચનાને બદલે વીણાને નચાવવાની હતી.

રચનાને આરામ કરવાનું કહી અર્પિતા પોતાના રૂમ પર આવીને આવતીકાલની યોજનાને મનમાં અંતિમ ઓપ આપવા લાગી. અર્પિતાએ કોઇને ફોન કરીને કહ્યું:"કાલની તૈયારી બરાબર છે ને?..અને હા આપેલું વચન ભૂલવાનું નથી..."

સામેથી જે જવાબ આવ્યો એનાથી અર્પિતા ખુશ થઇ ગઇ.

અર્પિતા બેઠી હતી ત્યારે વીણા આવી. તે બરાબર તૈયાર થઇને આવી હતી.

"વાહ! તું તો હીરોઇન જેવી લાગે છે. તારે તો હીરોઇન બનવાની જરૂર હતી." અર્પિતા વીણાને પહેલી વખત એક નવા જ રૂપમાં જોઇ રહી હતી. રોજ એક કામવાળીના વેશમાં જોયેલી વીણા અને આજે સ્કર્ટ અને ટોપમાં ઊભેલી વીણા અલગ જ લાગતી હતી.

અર્પિતાના વખાણથી વીણા ખુશ થઇ ગઇ પણ તેના ચહેરા પર અફસોસની એક રેખા વીજરેખાની જેમ ચમકી ગઇ એ અર્પિતાની કાતિલ નજરની બહાર ના રહ્યું. અર્પિતાને વીણાએ થોડા સમય પહેલાં કહેલા શબ્દો યાદ આવી ગયા. "બેન, હું પણ મારી સુંદરતાને લીધે જ અહીં આવી હતી. પણ રસોઇ અને કામકાજમાં હોશિયાર હતી એટલે એમની સહાયક જેવી બની ગઇ."

અર્પિતાને થયું કે બધી છોકરીઓને તેમની સુંદરતા જ તેમને આ નરકમાં ખેંચી લાવે છે. રાજીબહેન વર્ષોથી છોકરીઓને ફસાવી રહ્યા છે. હવે રાજીબહેનને એવી ફસાવીશ કે તેણે જાતે બધાંને આ બંધનમાંથી મુક્ત કરવા પડશે. એ સમય હવે બહુ જલદી આવશે. અર્પિતાને થયું કે મોકો છે તો વીણાની કહાની જાણી લેવી જોઇએ. તેની પાસેથી રાજીબહેન વિશેની કોઇ મહત્વની બાતમી મળી શકે છે.

"બેન! તમે ક્યાં ખોવાઇ ગયા?" વીણાએ અર્પિતાને કલ્પનાવિહાર કરતી જોઇ એટલે હાથ મૂકી હલબલાવી.

અર્પિતાએ પોતાને સંભાળી લીધી:"વીણા, હું વિચારતી હતી કે તારી આ સુંદરતા આજે જ જોવા મળી એટલે નવાઇ પામી છું. દસ વર્ષ પહેલાં તે પ્રયત્ન કર્યો હોત તો નક્કી આજે ટોપની હીરોઇન બની ગઇ હોત..."

"બેન તમે પણ! હવે મજાક છોડો આપણે ડાન્સની પ્રેક્ટિસ કરવાની છે એ યાદ છે ને?"

"હા, પેલી ટીચર આવે ત્યાં સુધી બેસવું તો પડશે ને! તું કયા ગામની એ તો કહે?" અર્પિતાએ તેની પાસેથી વાત કઢાવવાનું શરૂ કર્યું.

"હું તો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામની છું. સ્કૂલમાં ભણતી હતી ત્યારે એક દિવસ રીસેસમાં એક બહેન મળ્યા. એમણે એવા સપનાં બતાવ્યા કે અહીં આવી ગઇ. એ બહુ લાંબી વાત છે."

"પણ તું પહેલાંથી જ કામવાળી તરીકે છે?"

"ના-ના. મને ટીવી સિરિયલમાં કામ અપાવવાની લાલચ આપીને લાવવામાં આવી હતી. પછી એક એવા કેદખાનામાં નાખી દીધી જ્યાં શરીરથી અભિનય કરવાનો ન હતો....આખું શરીર સોંપવાનું હતું..." બોલતાં બોલતાં વીણાનો અવાજ રડમસ થઇ ગયો.

"મતલબ કે અમારી જેમ ગ્રાહક સંતોષવાના હતા?"

"એવું જ...પણ હું રસોઇ સારી બનાવતી હતી એટલે આ કેદમાંથી જલદી છૂટી ગઇ...." વીણાના ચહેરા પર તે વેશ્યાની વેઠમાંથી છૂટી ગઇ તેનો હાશકારો અર્પિતા જોઇ રહી.

"રાજીબહેન તારું સારું ધ્યાન રાખે છે..." અર્પિતાએ તેને માપી જોઇ.

"ધ્યાન એટલે શું? પગાર સારો આપે. બાકી કામ તો બહુ લે છે. જરાવાર નવરી પડવા દેતા નથી."

"રાજીબહેનને શું ભાવે છે?" અર્પિતાએ પૂછી લીધું

વીણાએ રાજીબહેનને ભાવતી વાનગીઓના નામ આપી દીધા. અર્પિતાએ વાતવાતમાં રાજીબહેન વિશે ઘણી અંગત રસની માહિતી પણ વીણા પાસેથી ઓકાવી લીધી.

થોડીવાર પછી કોઇના દાદર ચડવાનો અવાજ આવ્યો. અર્પિતાએ જોયું તો ડાન્સ ટીચર આવી હતી. તે અને વીણા તેની સાથે રચનાની રૂમ પર પહોંચ્યા.

અર્પિતાએ જોયું કે રચના થોડી સ્વસ્થ થઇ હતી.

"રચના, થોડીવાર ડાન્સ કરી લઇએ."

"હા, બહુ વાર નહીં થાય." કહી રચનાએ થોડો પ્રયત્ન કર્યો પણ થાક અને કળતરને લીધે તે બરાબર નાચી શકી નહીં.

"રચના, કોઇ તકલીફ છે?" ડાન્સ ટીચરે નવાઇથી પૂછ્યું.

અર્પિતાએ બાજી સંભાળી લીધી:"ના બેન, આજે એનું મન લાગતું નથી. તેને પરિવારની યાદ આવી ગઇ એટલે બેચેન છે. તમે ત્યાં સુધી વીણાને પણ થોડું શીખવાડો."

ડાન્સ ટીચરે વીણાને થોડું શીખવ્યું. વીણાનો ઉત્સાહ જોઇ એ ખુશ થયા. "વીણા, તું તો લટકાઝટકા સારા કરી જાણે છે..."

અર્પિતા વિચારતી હતી કે ઝટકા તો તે રાજીબહેનને એવા આપવાની છે કે એમ થશે કે આના કરતાં તો વીજપ્રવાહના ઝટકા સારા હોય.

રચના આજે ઉત્સાહથી રસ બતાવી રહી ન હતી એટલે ડાન્સ ટીચર અકળાઇ. "રચના, આજે તાલીમનો છેલ્લો દિવસ છે. તારે એક વખત તો પરફેક્ટ ડાન્સ કરવો જ પડશે."

"બેન, એ પછી કરી લેશે. હું જોઇ લઇશ. તમે ચિંતા ના કરો." અર્પિતાએ રચના માટે ખાતરી આપી.

"ના, એ ના ચાલે. મારે ફાઇનલ રીપોર્ટ આજે રાજીબહેનને આપવાનો છે. હું હમણાં જ જઇને કહું છું કે રચના અને અર્પિતા સહયોગ આપી રહી નથી..." કહી ડાન્સ ટીચર ઊભી થઇ રૂમ બહાર નીકળી.

અર્પિતા અને રચના ચોંકી ગઇ. અર્પિતાને થયું કે રાજીબહેનને ખબર પડશે કે રચના કાલે ગ્રાહક સંતોષવા ગઇ હતી એટલે આજે તૈયારી નથી કરી શકતી તો તેની ખેર રહેશે નહીં. અર્પિતાને સમજાતું ન હતું કે ડાન્સ ટીચરને કેવી રીતે રોકવી? જો તે રાજીબહેન પાસે પહોંચી ગઇ તો તેમને શંકા થશે. અને પોતાની કોલેજક્વીનની આખી યોજના પર પાણી ફરી વળશે. આટલા દિવસોની મહેનત એળે જશે.

અર્પિતા વિચારતી રહી અને ડાન્સ ટીચર દાદરો ઊતરી ગઇ.

***

શું રાજીબહેનને અર્પિતા અને રચના ઉપર પણ શંકા જશે? ભીખુ હેમંતભાઇને વર્ષાનો સાથ મળી રહે એ માટે શું ચાલ ચાલશે? હરેશભાઇને હેમંતભાઇ પર શંકા જવાનું શું કારણ હતું? એ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.