Chardham Yatra - 1 Haridwar in Gujarati Travel stories by Suresh Trivedi books and stories PDF | ચારધામ યાત્રા (૧) હરદ્વાર

Featured Books
Categories
Share

ચારધામ યાત્રા (૧) હરદ્વાર

(ચારધામ યાત્રા – ૧)

હરદ્વાર

દરેક ધર્મમાં ધાર્મિક સ્થળોની જાત્રા (યાત્રા) કરવાની પ્રથા હોય છે, પરંતુ હિંદુ ધર્મમાં જાત્રાનું આગવું મહત્વ છે. વળી હિંદુ ધર્મમાં જાત્રાના પ્રકારો અને જાત્રાનાં સ્થળોનું વૈવિધ્ય પણ અન્ય તમામ ધર્મ કરતાં ઘણું વધારે છે. એટલે લોકો પોતાની શક્તિ અને ભક્તિ મુજબ નજીકના કે દૂરના, સરળ કે કઠીન માર્ગ પર, વાહન દ્વારા કે પગે ચાલીને, અરે દંડવત પ્રણામની સ્થિતિમાં કે પછી આળોટતા જઈને પણ પોતાના ઈષ્ટદેવના સ્થાનક પર શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.

આ બધી જ યાત્રાઓમાં સૌથી વધુ કઠીન યાત્રા કઈ? મારી દ્રષ્ટીએ આબોહવાની વિષમતા, સ્થળનું અંતર, પહોંચવાના માર્ગની દુર્ગમતા, યાત્રાળુની શારીરિક, માનસિક અને આર્થીક ક્ષમતાઓની જરૂરિયાતો અને સરકારી મંજૂરીઓ મેળવવાની વિકટતાને ધ્યાનમાં રાખીને, હાલના સમયની સૌથી કઠીન યાત્રા કૈલાશ-માનસરોવરની યાત્રા ગણી શકાય. તે પછી બીજા નંબરની કઠીન યાત્રા અમરનાથની યાત્રા ગણાય. આ લીસ્ટમાં નાની ચારધામ યાત્રાનો નંબર ત્રીજો આવે.

આ યાત્રાને નાની ચારધામ યાત્રા કેમ કહી, તે પહેલાં જાણી લઈએ.

આપણા દેશની ચારે દિશાઓના છેવાડે આવેલ ચાર મોટાં ધાર્મિક સ્થળ હિંદુ ધર્મનાં ચાર મોટાં ધામ ગણાય છે: ઉત્તર દિશામાં બદ્રીનાથ, દક્ષિણ દિશામાં રામેશ્વર, પૂર્વ દિશામાં જગન્નાથપૂરી અને પશ્ચિમ દિશામાં દ્વારકા. આ ચાર ધાર્મિક સ્થળોની યાત્રા ચારધામ યાત્રા તરીકે ઓળખાય છે. આ યાત્રા થકી બદ્રીનાથમાં ભગવાન વિષ્ણુ, રામેશ્વરમાં ભગવાન રામ દ્વારા સ્થાપિત મહાદેવ અને જગન્નાથપૂરી તથા દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ, એમ હિંદુ ધર્મના મોટા ઇષ્ટદેવોનાં દર્શન થઇ જતાં હોવાથી આ ચારધામ યાત્રાનું હિંદુ ધર્મમાં ખાસ મહત્વ છે. વળી આ યાત્રા કરવાથી આખો દેશ ફરી વળ્યા હોવાનું અનુભવાય છે, તેથી દરેક હિંદુ જીવનમાં એક વાર તો આ ચારધામની યાત્રા કરવી જ કરવી એવું સ્વપ્ન સેવતો હોય છે. એક અન્ય મત મુજબ ચારધામમાં ઉત્તર દિશામાં બદ્રીનાથને બદલે બનારસમાં આવેલ કાશી વિશ્વનાથનો અને પશ્ચિમ દિશામાં દ્વારકાને બદલે સોમનાથ મહાદેવનો પણ સમાવેશ કરવામાં આવે છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં હિમાલયની ભવ્ય પર્વતમાળાની ગોદમાં આવેલ ચાર મોટાં ધાર્મિક સ્થળ, ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ પણ એટલાં બધાં જાણીતાં અને લોકપ્રિય બની ગયા છે કે આ ચાર સ્થળોની જાત્રા પણ ચારધામ યાત્રા તરીકે જ ઓળખાય છે. બંને યાત્રાઓ વચ્ચે ભેદ રાખવા માટે હિમાલયનાં આ ચાર ધામની જાત્રા નાની ચારધામ યાત્રા કહેવાય છે.

હિમાલયનાં આ ચાર ધામનો મહિમા કાકાસાહેબ કાલેલકરે સુંદર રીતે વ્યક્ત કર્યો છે:

“આ ચાર ધામમાં બદ્રીનાથમાં તેમનો વૈભવ આકર્ષે છે, જયારે કેદારનાથમાં મુખ્યત્વે વૈરાગ્ય જડે છે. યમુનોત્રીની ભવ્યતા આપણા હૃદયમાં કાયમને માટે સ્થાન કરી લે છે અને ગંગોત્રી તો પોતાની પવિત્રતામાં જ આપણને સાવ ડુબાડી દે છે.”

મોટી ચારધામ યાત્રામાં બદ્રીનાથ સિવાયનાં ત્રણ ધામ તો મેદાની વિસ્તારમાં હોવાથી ત્યાં પહોંચવાનું ઘણું જ સરળ અને સગવડતાભર્યું છે, પરંતુ નાની ચારધામ યાત્રાનાં ચારેય સ્થળો હિમાલયનાં ઉત્તુંગ શિખરો પર આવેલાં હોવાથી સુધી ત્યાં સુધી પહોંચવા માટે દુર્ગમ પહાડો, ઊંડી ખીણો, ઝડપથી વહેતી નદીઓ અને ઝરણાં, તીવ્ર ચઢાણ, ગમે ત્યારે પહાડોમાંથી ધસી આવતી શીલાઓ, યાંત્રિક વાહન જઈ ના શકે તેવા કાચા, તૂટેલા, પથરાળ અને ઉબડખાબડ રસ્તા, અચાનક અત્યંત ઠંડી, ભયંકર બરફ કે અનારાધાર વરસાદ આવી પડે તેવી આબોહવા, શ્વાસ લેવામાં તકલીફ થાય એટલી પાતળી હવા, વિગેરે અનેક વિષમ પ્રતિકુળતાઓનો સામનો કરવો પડે છે. આથી નાની ચારધામ યાત્રા અત્યંત કઠીન યાત્રા ગણાય છે. પરંતુ યાત્રા જેટલી કઠીન, એટલું તેનું મહત્વ વધારે, એ ન્યાયે આવી યાત્રા કરવાનું મન વધારે થાય.

--*--

અત્યાર સુધીમાં અમે ઘણી યાત્રાઓ અને પ્રવાસ કરેલ છે અને કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી દાર્જિલિંગ સુધીનાં અનેક સ્થળોની સફર ખેડેલ છે. પરંતુ નાની ચારધામ યાત્રા હજુ સુધી કરેલ નહોતી, એટલે મનમાં તીવ્ર ઈચ્છા રમ્યા કરતી કે એકવાર ચારધામ યાત્રા તો કરવી જ છે. પરંતુ આ યાત્રા ઘણી કઠીન છે, તેમ ઘણા લોકોનો અભિપ્રાય હોવાથી જવું કે નહિ તેવી દ્વિધા મનમાં રહ્યા કરતી. વળી ૨૦૧૩માં કેદારનાથમાં ભારે વરસાદથી મોટી દુર્ઘટના સર્જાઈ, ત્યારે હજારો યાત્રાળુઓ તથા સ્થાનિક લોકો ભેખડો ધસી પડતાં દટાઈ ગયા હતા અને પુરના પાણીમાં તણાઈ ગયા હતા. એ દુર્ઘટનાની યાદ પણ તાજી હોવાથી મનમાં થોડો ઉચાટ રહે તે સ્વાભાવિક હતું. ખાસ કરીને જયારે અમે બંને પતિ-પત્ની ૬૦ વર્ષ વટાવીને સિનીયર સિટિઝન્સ બની ગયા હતા, ત્યારે અમારાથી આ કઠીન યાત્રા સફળતાથી થશે કે નહિ, તેવા સવાલ મનમાં ઉઠી રહ્યા હતા.

વળી આ યાત્રામાં જઈ આવેલ કેટલાક લોકોએ તો “આવી યાત્રા તો જીંદગીમાં એક જ વાર થાય; એક વાર જઈ આવ્યા પછી બીજી વાર જવાનું મન ના થાય એવી ખતરનાક યાત્રા છે; એવા ભયંકર રસ્તા છે કે બસ હમણાંજ ખીણમાં પડી જશે તેવો ડર સતત લાગ્યા કરતો હતો; છેક સુધી પહોંચ્યા પછી પણ દર્શન ના થયાં; ઘોડા રસ્તાની ખીણ તરફની સાવ કિનારી પર ચાલે એટલે બહુ ડર લાગે; અમારી સાથેના ઘણા લોકો બીમાર પડી ગયા;” એવા અનેક અભિપ્રાય આપ્યા. એટલે અમારી દ્વિધામાં વધારો થયો.

પરંતુ કેટલાક મિત્રોએ “આ યાત્રા એટલી અઘરી નથી; અમે તો ત્રણ કે ચાર વખત કેદારનાથ જઈ આવ્યા છીએ; બદરીનાથમાં સાત દિવસ રોકાઈને ભાગવત સપ્તાહ સાંભળી છે; અમને તો ત્યાં એટલું સારું લાગ્યું કે પાછું ઘેર આવવાનું ગમતું નહોતું;” એવો પોઝીટીવ ફીડબેક પણ આપ્યો. છેવટે માર્ચ ૨૦૧૮માં અમે જાતે જ નિર્ણય કર્યો કે યાત્રામાં તો જવું જ, પરંતુ એક સાથે ચારેય ધામ જવાને બદલે પહેલાં ફક્ત બે ધામ એટલે કે બદરીનાથ અને કેદારનાથની જ યાત્રા કરવી.

--*--

આ ચારેય ધામ હિમાલયનાં ઊંચાં શિખરો ઉપર આવેલ હોવાથી શિયાળામાં સંપૂર્ણપણે બરફની ચાદરથી ઢંકાઈ જાય છે અને માત્ર ઉનાળા દરમ્યાન છ મહિના માટે ખૂલ્લાં રહે છે. દર વર્ષે અખાત્રીજ (વૈશાખ સુદ ત્રીજ)ના દિવસે આ ધામનાં કપાટ (દ્વાર) ખૂલે છે અને આસો મહિનામાં દિવાળીના સમયે આ મંદિરો બંધ કરીને સમગ્ર વિસ્તાર ખાલી કરી દેવામાં આવે છે. ટૂંકમાં ચારધામ યાત્રા દર વર્ષે અખાત્રીજથી દિવાળી (લગભગ એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બર) સુધીના સમય દરમ્યાન જ થઇ શકે છે.

આ વિસ્તારમાં જૂન મહિનામાં વરસાદ શરુ થઇ જાય છે, એટલે જૂનથી ઓગસ્ટ સુધીના સમયમાં યાત્રા વધુ કઠીન બની જાય છે. માટે પહેલી વાર જતા હોય તેમણે મે મહિનામાં યાત્રા કરી લેવી હિતાવહ છે. જો કે મે મહિનો વેકેશનનો મહિનો હોવાથી યાત્રાળુઓનો ધસારો ખૂબ હોય છે. તેથી રેલ્વેનું રિઝર્વેશન ના મળે, રહેવાની જગ્યાઓ ભરાઈ જાય, દર્શન માટે લાંબી લાઈનો થાય, વિગેરે તકલીફોનો સામનો કરવો પડે છે. એટલે જો ભીડભાડ સિવાય એકદમ શાંતિથી પ્રવાસ અને દર્શન કરવાં હોય તો સપ્ટેમ્બરથી ઓક્ટોબરનો સમય શ્રેષ્ઠ ગણાય છે.

અમે પહેલી વાર આ યાત્રા માટે જતા હોવાથી મે મહિનામાં જ જવું તેમ નક્કી કર્યું, જેથી વરસાદનું વિઘ્ન ના નડે. પ્રવાસ આયોજનની ઝંઝટ કરવી ના પડે તે માટે પેકેજ ટૂરમાં જવાનું વિચાર્યું.

પેકેજ ટૂરના કેટલાક ફાયદા હોય છે:

૧) અનુભવી ટૂર ઓપરેટર આપણો પ્રવાસ સરળ અને આરામદાયક બનાવે છે. આપણે રસ્તો નક્કી કરવાથી માંડીને હોટેલ નક્કી કરવા સુધીની અનેક માથાકૂટમાંથી બચી જઈએ છીએ.

૨) ટ્રેન-બસનું રિઝર્વેશન, પાર્કિંગની જગ્યા શોધવાની ઝંઝટ, અજાણી જગ્યાએ ભાવતાલ કરવા, ગાઈડ શોધવો, જોવા લાયક સ્થળો વિષે માહિતી એકઠી કરવી વિગેરે પ્રશ્નોનો સામનો કરવો પડતો નથી.

૩) દરરોજ મનગમતું ગુજરાતી ભોજન મળી જવાથી પ્રવાસમાં જમવા માટે દરરોજ સારી રેસ્ટોરન્ટ શોધવામાં સમય બગાડવો પડતો નથી.

૪) આપણા વિસ્તારના જ લોકોની કંપની મળી જવાથી પ્રવાસમાં મઝા આવે છે અને તકલીફના સમયે સહયાત્રીઓ મદદરૂપ થાય છે.

પેકેજ ટૂરના કેટલાક ગેરફાયદા પણ છે:

૧) પેકેજ ટૂર મોંઘી હોય છે. જો તમને પ્રવાસના મેનેજમેન્ટનો થોડો અનુભવ હોય તો પેકેજ ટૂર કરતાં ૭૦% ભાવમાં તેવી જ ટૂર કરી શકો છો.

૨) પેકેજ ટૂર ફિક્ષ રૂટ અને ફિક્ષ સમય મુજબ ચાલતી હોવાથી કોઈ નવું સ્થળ જોવાનું કે આપણી પસંદગીના સ્થળે વધુ સમય ફાળવવાનું શક્ય બનતું નથી.

૩) દરેક સ્થળની લોકલ વાનગીઓનો આસ્વાદ માણવાનું ચૂકી જવાય છે.

--*--

અમે સગવડ અને આરામ માટે પેકેજ ટૂરમાં જવાનું વિચાર્યું હતું. પરંતુ અમદાવાદના મોટાભાગના ટૂર ઓપરેટર ચારધામ યાત્રાનું પેકેજ જ આપે છે, ફક્ત બે ધામ જવા માટે કોઈ પેકેજ ટૂર હતી જ નહિ. એટલે ના છૂટકે અમે જાતે જ ટૂર આયોજન કરવું એવું નક્કી કર્યું.

આટલું નક્કી થયા પછી જે મિત્રો આ પ્રવાસમાં આવવા ઈચ્છતા હતા, તે બધાને જાણ કરી કે ખરેખર કોણ આવવાનું છે તેની જાણ કરો, જેથી રેલ્વે રિઝર્વેશન કરી શકાય. પરંતુ બધાનો ચોક્કસ જવાબ આવતાં આવતાં ૧ મહિનો લાગી ગયો. છેવટે છઠ્ઠી એપ્રિલ ૨૦૧૮ના રોજ એટલું ફાઈનલ થયું કે હું, મારાં પત્ની કપીલાબેન, મારા નાના ભાઈ રમેશભાઈ અને નાનાં બેન રંજનબેન એમ ૬૧ થી ૬૫ વર્ષ ઉંમરના ચાર વ્યક્તિઓ આ પ્રવાસમાં જોડાશે.

આટલું નક્કી થયા પછી પહેલું કામ કર્યું રેલ્વે રિઝર્વેશન કરવાનું. ઓનલાઈન તપાસ કરી તો ખબર પડી કે અમદાવાદથી ડાયરેક્ટ હરદ્વાર માટે ઉપડતી ટ્રેનમાં તો રિઝર્વેશન ફુલ્લ થઇ ગયું છે. અમદાવાદથી દિલ્હી સુધી જવા માટે પણ ફક્ત રાજધાની ટ્રેનમાંજ રિઝર્વેશન મળતું હતું, કારણકે રાજધાની સહુથી મોંઘી ટ્રેન છે. આમ પ્રવાસ નક્કી કરવામાં મોડા પડ્યા હોવાથી રિઝર્વેશન ના મળવાના પ્રશ્નો થયા. એટલે આ પ્રવાસ કરવા માંગતા દરેક મિત્રોને મારી સલાહ છે કે ઓછામાં ઓછા બે મહિના પહેલાં પ્રવાસની તારીખો નક્કી કરી ટ્રેનનું રિઝર્વેશન અવશ્ય કરાવી લેવું.

છેવટે અમે રાજધાની ટ્રેનનું તા. ૦૮.૦૫.૨૦૧૮નું અમદાવાદથી દિલ્હીનું અને તા. ૧૯.૦૫.૨૦૧૮નું દિલ્હીથી અમદાવાદનું રિઝર્વેશન કરાવી લીધું. સામાન્ય રીતે બે ધામ જવા માટે હરદ્વારથી પાંચ દિવસનો સમય લાગે છે. એમાં અમદાવાદથી હરદ્વારના આવવા-જવાના ચાર દિવસ ઉમેરીએ તો કુલ નવ દિવસમાં પ્રવાસ પૂરો થઇ શકે. પરંતુ વરસાદ કે બરફ પડવાની સ્થિતિમાં દર્શન માટે બે-ચાર દિવસ વધુ પણ લાગી શકે એ ધ્યાનમાં રાખીને અમે ત્રણ દિવસ વધારાના ગણીને કુલ ૧૨ દિવસનો પ્રોગ્રામ બનાવ્યો. દિલ્હીથી હરદ્વાર જવા માટે બસની સારી સગવડ મળી રહે છે, એટલે આગળનો પ્રવાસ હરદ્વાર પહોંચીને ફાઈનલ કરવાનું વિચાર્યું.

અમારો અંદાજીત પ્રવાસ કાર્યક્રમ આ મુજબ હતો:

પ્રવાસની તારીખો નક્કી થઇ એટલે શરુ થઈ પ્રવાસ માટેની તૈયારીઓ.

સૌ પ્રથમ તો હિમાલયની ઠંડીનો સામનો કરવા માટે દરેક જણાએ બબ્બે સ્વેટર અને ગરમ ટોપીઓ, થર્મલ ઇનરવેર, શાલ, વુલન હાથમોજાં, બુટમોજાં, ગોગલ્સ, કેપ, વિગેરે લીધાં. વરસાદ સામે રક્ષણ માટે છત્રી તો આ વિસ્તારમાં ભારે પવનને લીધે કામ આવતી નથી. એટલે અનુભવીઓએ સલાહ આપેલી કે ત્યાં પ્લાસ્ટીકના ડિસ્પોઝેબલ રેઇનકોટ મળે છે તે લઇ લેવા, જે વરસાદ અને બરફ બંને સંજોગોમાં કામ આવે છે. જો કે અમારે રેઇનકોટ લેવાની જરૂર પડી જ નહિ.

ઉંચાઈ પર પાતળી હવા હોવાને લીધે ઘણાને શ્વાસ ચડે છે, જે કપૂર સુંઘવાથી બેસી જાય છે. એટલે કપૂરની ગોળીઓનાં પેકેટ લીધાં. જરૂરી દવાઓ જેવી કે તાવ માટે પેરાસીટામોલ, ઉલટી માટે એવોમીન, ઝાડા માટે તથા પેટની ગરબડ માટેની દવાઓ, સ્નાયુના દુખાવા માટેની ટ્યુબ, વિકસ, વેસેલિન, બેન્ડેજ, વિગેરે લીધી. તાળું, દોરી, કાતર, ચપ્પુ, બેટરી, સાબુ, જેવી જરૂરી ચીજો યાદ કરી કરીને લીધી. કેમેરા અને મોબાઈલ તેમનાં ચાર્જર સાથે લીધાં. જરૂરી રોકડ રકમ ઉપરાંત ક્રેડિટ –ડેબીટ કાર્ડ પણ લીધાં.

પ્રવાસના બે દિવસ પહેલાં નાસ્તા માટેની વાનગીઓ પેક કરવા માંડી. ઠંડી સામે રક્ષણ માટે સુંઠની લાડુડી બનાવી. ગળી વસ્તુ તરીકે મોહનથાળ, સુખડી, સિંગપાક અને ચીક્કી લીધાં. તીખી વસ્તુ તરીકે મસાલા પૂરી, બે જાતના ખાખરા, ફરશી પૂરી, ચવાણું, સેવ, ગાંઠિયા, સિંગ-ચણા વિગેરે લીધાં. એટલે એક મોટો થેલો તો નાસ્તાની આઈટમનો જ ભરાયો. અતિ ઉત્સાહમાં જરૂર કરતાં વધુ નાસ્તો સાથે લીધો હતો, એટલે ત્રીજા ભાગનો નાસ્તો તો પાછો જ આવ્યો, અને ૧૨ દિવસ સુધી આ વજનદાર થેલો ઊંચકીને ફર્યા, તે નફામાં! એટલે અનુભવના આધારે સલાહ છે કે પ્રવાસમાં ઘણો નાસ્તો સાથે લેવાની કોઈ જરૂર નથી. અત્યારના જમાનામાં દરેક જગ્યાએ બધું મળી જ રહે છે!

આ બધી તૈયારીઓ થતી હતી તે દરમ્યાન સગાંવ્હાલાં અને મિત્રમંડળમાંથી ફોન આવ્યા જ કરતા હતા અને પ્રવાસમાં શું સાથે લેવું અને શું ધ્યાન રાખવું તેની સલાહ મળ્યા જ કરતી હતી. પાંચ વર્ષ પહેલાંની કેદારનાથની દુર્ઘટના પછી આ બધાંને ચિંતા થાય તે પણ સ્વાભાવિક હતું, એટલે પ્રવાસમાં ખૂબ સાવધાની અને સાવચેતી રાખવાનું બધાએ ભલામણ કરી હતી.

એમાં વળી અમારે નીકળવાના દિવસે જ ટીવીમાં સમાચાર જોયા કે વરસાદ અને બરફના તોફાનને લીધે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. એટલે અમે તો મનોમન નક્કી કરીને જ નીકળ્યા કે ભગવાન કેદારનાથની ઈચ્છા હશે તેમ થશે, આપણે ચિંતા કર્યા સિવાય ગીતાના ઉપદેશ મુજબ પ્રવાસ શરુ કરવાનું કાર્ય કરવું અને દર્શનનું ફળ મળશે કે નહિ તે ભગવાન પર છોડી દેવું.

અમારી ટ્રેનનો અમદાવાદથી ઉપડવાનો સમય સાંજે ૫.૪૦ નો હતો, એટલે અમે ૪.૦૦ વાગે ઘેરથી નીકળવાનું નક્કી કર્યું હતું. અમે ચાર વ્યક્તિઓ તથા આઠ દાગીના સામાનના હતા, એટલે મોટી ટેક્ષી મંગાવવાનું નક્કી કર્યું. તે મુજબ ઓનલાઈન ‘ઓલા’ ટેક્ષી મંગાવી. લગભગ ૨૦ મીનીટના સમય બાદ ટેક્ષી આવી, પણ ડ્રાઈવરે તો અમારો સામાન જોઇને કહી દીધું કે તેની ટેક્ષીની ડેકીમાં ગેસનું સીલીન્ડર હોવાથી આટલો સામાન આવી શકશે નહિ. ના છૂટકે તે ટેક્ષી કેન્સલ કરી બીજી ટેક્ષી માટે ઓનલાઈન પ્રયત્ન કરવા માંડ્યો. બે-ત્રણ ટેક્ષી અવેલેબલ હતી, પરંતુ બધાને ફોન પર પૂછ્યું તો તે બધી ટેક્ષી ગેસ પર જ ચાલતી હતી એટલે અમારે કામ આવે તેમ નહોતી. પણ આ બધી માથાકુટમાં બીજો ૨૦ મીનીટનો સમય ગયો.

પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેવા આ અનુભવથી ખ્યાલ આવ્યો કે અમદાવાદ શહેરમાં મોટાભાગની ટેક્ષી ગેસ પર ચાલે છે અને ગેસ સીલીન્ડર ખૂબ જગ્યા રોકતું હોવાથી ડીકીમાં વધુ સામાન સમાતો નથી. વળી શહેરની ટેક્ષીઓ સામાન માટે કેરીયર પણ રાખતી નથી. એટલે સામાન વધારે હોય તો પહેલેથી સાવચેતી રાખીને યોગ્ય પગલાં લેવાં જોઈએ. જો કે અમે ટ્રેનના સમયનું માર્જિન પહેલેથી વધુ રાખેલ હતું, એટલે ચિંતાનું કોઈ કારણ નહોતું.

છેવટે ઓનલાઈન બે રિક્ષા મંગાવીને અમે સમયસર અમદાવાદ સ્ટેશન પહોંચી ગયા. ત્યાં બે કુલી કરીને બધો સામાન ટ્રેનમાં મુકાવી દીધો અને પછી અમદાવાદની પ્રાઈમ ગણાતી, શ્રેષ્ઠ સગવડો ધરાવતી અને સૌથી ઝડપી ટ્રેન “રાજધાની” માં આરામથી બેઠા.

પોતાની પ્રતિષ્ઠા મુજબ ટ્રેન એકદમ સમયસર ઉપડી અને બીજે દિવસે સમયસર સવારે ૭.૩૦ વાગે ન્યુ દિલ્હી રેલ્વે સ્ટેશન પહોંચી પણ ગઈ. મુસાફરી એકદમ કમ્ફર્ટેબલ અને આનંદદાયક રહી. ટ્રેનના કેટરિંગ સ્ટાફ દ્વારા મિનરલ વોટર, જ્યુસ, સ્નેક્સ, સૂપ, ડીનર, આઈસ્ક્રીમ વિગેરે આવે જ જતું હતું. છેવટે સવારે ચા અને બિસ્કીટ પણ મળ્યાં. એમાં ને એમાં ક્યારે દિલ્હી આવી ગયું તે ખબર પણ ના પડી.

દિલ્હી પહોંચીને તપાસ કરી તો સ્ટેશન સામેથી જ હરદ્વાર માટે લકઝરી બસ ઉપડે છે, તેમ જાણવા મળ્યું. એ મુજબ અમે સામે આવેલ ટ્રાવેલ કંપનીની ઓફિસમાં પહોંચ્યા.

ટ્રાવેલ કંપનીનો સંચાલક કુશળ માર્કેટિંગ મેનેજર હતો, એટલે તેણે અમારી પેસેન્જર સંખ્યા અને પ્રવાસની જરૂરિયાતો જાણીને અમને દિલ્હીથી જ ડિઝાયર એસી ટેક્ષી દ્વારા બે ધામ દર્શન કરીને પરત દિલ્હી આવવાનું પેકેજ ઓફર કર્યું. આ ઓફર સારી લાગવાથી અમે ભાવતાલ કરીને બે રાત્રી હરદ્વાર, ચાર રાત્રી બે ધામ માટે અને એક રાત્રી દિલ્હી રોકાણ (કુલ સાત રાત્રી હોટલ રોકાણ) તથા એક દિવસ દિલ્હી સાઈટ સીન સાથે રૂ.૫૬૦૦૦, એટલે કે વ્યક્તિ દીઠ રૂ.૧૪૦૦૦નું પેકેજ ફાઈનલ કર્યું. તેમાં એસી ટેક્ષીમાં આવવા-જવાનું ભાડું અને હોટેલ રોકાણનો સમાવેશ થતો હતો, પરંતુ બ્રેકફાસ્ટ કે જમવાની વ્યવસ્થા અમારે જાતે કરવાની હતી.

અમદાવાદના ટૂર ઓપરેટર્સ ચાર ધામ યાત્રાનું ૧૧ રાત્રીનું પેકેજ (દિલ્હીથી દિલ્હી સુધીનું) વ્યક્તિ દીઠ ૩૦ થી ૩૫ હજાર (જમવા સાથે) આપે છે. તેની સરખામણીમાં સાત રાત્રીના ૧૪ હજારના આ પેકેજમાં જમવાનો ખર્ચ ઉમેરીએ, તો પણ આશરે ૧૭ હજાર થાય. એટલે અમદાવાદની પેકેજ ટૂર કરતાં આ ઓફર અમને સારી અને સસ્તી લાગી, એટલે સ્વીકારી લીધી.

જોકે દિલ્હીના ઠગની વાતો સાંભળેલી, એટલે ટૂરમાં મળનારી સગવડો વિષે મનમાં થોડી આશંકા હતી. પરંતુ અમારી ટૂર પ્રોફેશનલી મેનેજ થઇ અને અમને પ્રવાસ દરમ્યાન ટૂર ઓપરેટર અને ટેક્ષી ડ્રાઈવરનો સંપૂર્ણ સાથ-સહકાર મળ્યો, જેથી અમે પૂરા પ્રવાસ દરમ્યાન બરાબર એન્જોય કર્યું.

હરદ્વાર પહોંચીને બે ધામના પેકેજ વિષે પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો કે અમારા દિલ્હીના પેકેજ કરતાં પણ ઓછા ખર્ચમાં પેકેજ મળતું હતું. તો સ્વતંત્ર રીતે જનારા યાત્રાળુઓને સલાહ છે કે હરદ્વારથી પેકેજ લેવું વધુ સારું અને સસ્તું પડશે.

પેકેજ ફાઈનલ થયા પછી ટૂર ઓપરેટરે અમને હોટલમાં બે રૂમ ફ્રેશ થવા માટે આપી. બે કલાક પછી અમે ટેક્ષીમાં હરદ્વાર જવા રવાના થયા. દિલ્હીથી હરદ્વાર ૨૩૦ કિમી છે, પરંતુ ત્યાં પહોંચવામાં ૬ થી ૭ કલાક જેટલો સમય લાગી જાય છે. એટલે અમે સાંજે પાંચ વાગે હરદ્વાર પહોંચ્યા.

--*--

હરદ્વાર એક હજાર ફૂટની ઉંચાઈ પર હિમાલયની તળેટીમાં ગંગા નદીના કિનારે વસેલું રમણીય શહેર છે. હર એટલે મહાદેવ અને હરદ્વાર એટલે મહાદેવ સુધી પહોંચવા માટેનું દ્વાર. આ શહેર હરિદ્વાર તરીકે પણ ઓળખાય છે, હરિ એટલે વિષ્ણુ અને હરિદ્વાર એટલે વિષ્ણુ ભગવાન સુધી પહોંચવા માટેનું દ્વાર. હરદ્વાર ચારધામ યાત્રા માટેનું મુખ્ય પ્રવેશદ્વાર પણ છે.

૧૨ ચો. કિમીના ઘેરાવામાં વિસ્તરેલું આ શહેર ૩ લાખની વસ્તી ધરાવે છે, પરંતુ દરરોજ હજારો યાત્રાળુઓ અહીં ગંગાસ્નાન કરવા, પિતૃઓનાં અસ્થિ વિસર્જનની વિધિ કરવા અને આ વિસ્તારનાં ધાર્મિક સ્થળોની જાત્રા કરવા માટે આવે છે. એટલે સિઝનમાં બેએક લાખ જેવી વસ્તી તો યાત્રાળુઓની જ થઇ જતી જ હશે. હરદ્વાર ઉત્તરાખંડ રાજ્યનું બીજું સૌથી મોટું શહેર છે.

હરદ્વારમાં શ્રાવણ મહિનામાં અને અધિક મહિનામાં ગંગાસ્નાન કરવાનો અનોખો મહિમા છે. તદુપરાંત દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં કાવડ યાત્રા શરુ થાય છે, ત્યારે દેશભરમાંથી લાખો લોકો કેસરી વસ્ત્રો પહેરીને હરદ્વાર પહોંચી જાય છે અને કાવડમાં ગંગાજળ લઇ જઈને પોતાના માનેલા શિવલિંગ પર ચડાવીને ધન્યતા અનુભવે છે.

ગંગા નદી ૨૫૩ કિમી સુધી પહાડી વિસ્તારમાં વહીને અહીંથી મેદાની વિસ્તારમાં પ્રવેશે છે અને ગંગા નદીના મૂળ ગંગોત્રી સુધી જવા માટેની યાત્રા પણ અહીંથી શરુ થાય છે, એટલે આ શહેર ગંગાદ્વાર તરીકે પણ ઓળખાય છે. મહર્ષિ કપિલનો આશ્રમ અહીં હતો, એટલે આ શહેરનું પૌરાણિક નામ કપિલસ્થાન છે. વળી એક બીજું પૌરાણિક નામ માયાપુરી પણ છે. મહાભારતમાં પણ ગંગાદ્વાર અને કનખલનો ઉલ્લેખ છે.

પુરાણોમાં સાત પવિત્ર શહેર “સપ્તપૂરી”નો ઉલ્લેખ છે, તેમાં હરદ્વારનો સમાવેશ થાય છે. મોક્ષનું ફળ આપનારાં આ શહેરો છે: અયોધ્યા, મથુરા, કાશી, ગંગાદ્વાર, અવંતિકા, દ્વારિકા અને કાંચી.

વિશ્વનો સૌથી મોટો મેળો, કુંભમેળો જે ચાર પવિત્ર શહેરોમાં ભરાય છે, તેમાં પણ હરદ્વારનો સમાવેશ થાય છે. અન્ય ત્રણ શહેરો છે: ઉજ્જૈન, નાસિક અને પ્રયાગ. સમુદ્રમંથન વખતે નીકળેલું અમૃત દાનવો છીનવી ના લે, એટલા માટે દેવોએ અમૃત ભરેલો કુંભ આઠ વર્ષ સુધી સ્વર્ગમાં અને ચાર વર્ષ સુધી આ શહેરોમાં છુપાવી રાખેલ. આ ચાર શહેરોમાં અમૃતના છાંટા પડ્યા હોવાથી, દર ત્રણ વર્ષે વારાફરતી દરેક શહેરમાં કુંભમેળો ભરાય છે. અર્થાત દરેક શહેરમાં ૧૨ વર્ષે કુંભમેળો ભરાય છે.

--*--

ગંગા આપણા દેશની સૌથી મોટી નદી હોવાની સાથે સૌથી પવિત્ર નદી પણ છે. બંધ બોટલમાં ભરી રાખેલું ગંગાનું પાણી વર્ષો સુધી બગડતું નથી કે નથી તેમાંથી કોઈ વાસ આવતી. દેશના લાખો લોકો પૂજા કરતી વખતે પાણીમાં એક ચમચી પવિત્ર ગંગાજળ નાખીને આ પાણીથી પૂજા કરીને ધન્યતા અનુભવે છે. વળી વ્યક્તિના અંતિમ સમયે પણ તેના મોઢામાં પવિત્ર ગંગાજળ મૂકીને તે વ્યક્તિના આત્માના મોક્ષ માટેની ભાવના કરવામાં આવે છે.

ગંગા ભારતીય સંસ્કૃતિની દિવ્ય ધરોહર છે. ૨૫૧૦ કિમી લંબાઈ ધરાવતી ગંગાનદીનું સમગ્ર ઉત્તર ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન છે. કાકાસાહેબ કાલેલકરે હિમાલય અને ગંગાનો મહિમા ગાતાં લખ્યું છે કે “હિમાલયે કશું પણ ના કર્યું હોત અને ફક્ત ગંગાને જન્મ આપ્યો હોત, તો પણ ભારત હિમાલયનું ઋણ ચૂકવી ના શકે એવો ઉપકાર કર્યો ગણાત.”

હિમાલયના ઉત્તુંગ પહાડોમાંથી આવેલ ગંગોત્રી હિમનદીના સ્ત્રોતમાંથી ગૌમુખ દ્વારા ઝરણા રૂપે નીકળતી આ નદી શરૂઆતમાં ભાગીરથી તરીકે ઓળખાય છે. આગળ જતાં દેવપ્રયાગ પાસે અલકનંદા નદીને મળ્યા પછી તે ગંગા તરીકે ઓળખાય છે. પર્વતાળ પ્રદેશમાં અલ્લડ યુવતીની જેમ ઉછળતી કુદતી ગંગા હરદ્વારથી મેદાની વિસ્તારમાં પ્રવેશીને ઠરેલ ગૃહિણીની જેમ શાંત રીતે વહેવા માંડે છે.

ગંગા નદીમાં પિતૃઓનાં અસ્થિ વિસર્જનની વિધિ કરવાની પ્રથા હજારો વર્ષથી ચાલી આવે છે અને દરેક હિન્દુની ખ્વાહિશ હોય છે કે મૃત્યુ પછી પોતાનાં અસ્થિ ગંગા નદીમાં વહાવવામાં આવે. આ પ્રથા શા માટે શરુ થઇ તેની પાછળ પણ એક રસપ્રદ પૌરાણિક કથા છે.

સતયુગમાં અયોધ્યામાં ઇક્ષ્વાકુ વંશમાં સગર નામનો એક મહાપ્રતાપી રાજા થઇ ગયો, જે ભગવાન રામનો પૂર્વજ થાય. સગરને સાઠ હજાર મહાબળવાન પુત્રો હતા. રાજા સગરના અશ્વમેઘ ઘોડાને કપિલમુનિના આશ્રમમાં બાંધેલો જોઇને આ સાઠ હજાર પુત્રોએ કપિલમુની પર હુમલો કર્યો. પરંતુ કપિલમુનીએ પોતાના તપોબળથી આ તમામને બાળીને ભસ્મ કરી દીધા.

તે પછી આ વંશના વારસોએ ઘણું તપ કરીને પોતાના પૂર્વજોની સદગતી માટે પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ સફળ થયા નહિ. છેવટે સગરના પ્રપૌત્ર ભગીરથે પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગા નદીને સ્વર્ગમાંથી ધરતી પર ઉતારવા વર્ષો સુધી આકરું તપ કર્યું. અંતે પ્રસન્ન થયેલ ગંગામૈયાને મહાદેવની કૃપાથી ધરતી પર ઉતારીને પોતાના પૂર્વજોની ભસ્મ પરથી વહાવી. ગંગામૈયાના પવિત્ર સ્પર્શથી ભગીરથના પૂર્વજો પાપમૂક્ત થઇને સ્વર્ગે સિધાવ્યા. તે પછી હિંદુ ધર્મના લોકોમાં પિતૃઓનાં અસ્થિ-વિસર્જનની વિધિ ગંગાનદીમાં કરીને તેમને સદગતી અપાવવાની પ્રથા શરુ થઇ.

રાજા ભગીરથે ગંગા નદીને ધરતી પર ઉતારવા એટલો મોટો પુરુષાર્થ કરેલ હતો કે આજે પણ કોઈ અત્યંત પરિશ્રમ કરીને સફળતા મેળવે, તો તેને ‘ભગીરથ પ્રયત્ન’ કહેવામાં આવે છે. દેવતાઓના આશીર્વાદ મુજબ ગંગા નદી પણ રાજા ભગીરથની પુત્રી તરીકે ‘ભાગીરથી’ નામથી ઓળખાઈ.

--*--

અમે હરદ્વાર હોટલમાં ફ્રેશ થઈને બહાર નીકળ્યા અને સાંજે સાત વાગે હરકી પૈડી પહોંચ્યા.

હરકી પૈડી હરદ્વારનું જોવાલાયક મુખ્ય સ્થળ છે. ભગવાન વિષ્ણુએ એક પથ્થર પર પોતાનાં પગલાંની છાપ કરી હતી. આ પથ્થર જે જગ્યાએ છે, તે જગ્યા હરકી પૈડી તરીકે ઓળખાય છે. હરકી પૈડી મેઈન સ્ટેશન રોડ પર રેલ્વે સ્ટેશનથી ૨.૫ કિમી દૂર આવેલ છે. ગંગાને કિનારે આવેલ આ સ્થળ ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને દિવસ દરમ્યાન થતી અસ્થિ વિસર્જનની વિધિ માટે અને દરરોજ સાંજે થતી ગંગામૈયાની આરતી માટે જગપ્રસિદ્ધ છે. અહીં ગંગાજીનું મુખ્ય મંદિર ઉપરાંત નાનાં મોટાં અનેક મંદિરો આવેલ છે.

અહીંના પ્રખ્યાત અસ્થિ વિસર્જન ઘાટ પર દિવસ દરમ્યાન ભારતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ પોતાના દિવંગત પીતૃઓનાં અસ્થિ લઈને આવે છે અને અહીંના કર્મકાંડી પુરોહિતો દ્વારા ધાર્મિક પૂજા અર્ચના અને પીંડદાન કરાવીને પરંપરાગત રીતે ગંગામૈયામાં અસ્થિ વિસર્જન કરે છે. આ ઘાટમાં સ્નાન કરવાનો પણ ઘણો મહિમા છે.

સાંજની આરતીના દર્શન માટે હજારો લોકો પાંચ વાગ્યાથી જ ઘાટના બંને કિનારે મોખાની જગ્યા શોધીને બેસી જાય છે. ઘાટ પર પુરોહિતો તથા વેપારીઓ દ્વારા બેઠકના ઓટલા બનાવેલ છે, જે સાંજે આરતી દરમ્યાન લોકોને બેસવા માટે ભાડે આપવામાં આવે છે. જે લોકો નીચે બેસી શકતા ના હોય, તેઓ ઓટલા પર વ્યક્તિ દીઠ રૂ.૧૦૦ આપીને બેસે છે.

સુર્યાસ્ત સમયે પરંપરાગત વેશભૂષામાં સજ્જ ૧૧ પુરોહિતો દ્વારા યજમાનોને લગભગ અડધો કલાક સુધી ગંગાપૂજન કરાવવામાં આવે છે. તે પછી યજમાન દ્વારા નાની આરતી થાય છે. પછી બધા પુરોહિતો મોટી આરતી કરે છે, જે લગભગ અડધો કલાક ચાલે છે. સમીસાંજના અંધકાર વચ્ચે બે ફૂટ લાંબી જ્વાળાઓ ધરાવતી અનેક આરતીઓ હવામાં ઘુમતી હોય, લાઉડસ્પીકર પર મંત્રો અને આરતીનું ગાયન થતું હોય અને હજારો લોકો એકસાથે હાથ ઊંચાં કરીને ગંગામૈયાનો જયજયકાર બોલાવતા હોય તે દ્રશ્ય ખરેખર અવિસ્મરણીય બની જાય છે. તે પછી લોકો પાનના પડિયામાં હજારો દીવાઓ પ્રગટાવીને ગંગામાં વહેતા મૂકતા હોય, તે દ્રશ્ય પણ જોવાલાયક બની જાય છે.

હરદ્વાર શહેરમાં આવનજાવન માટે મુખ્યત્વે ત્રણ જાતનાં વાહન ઉપલબ્ધ છે:

૧) ૧૦ પેસેન્જરની ક્ષમતાની છકડો રિક્ષા

૨) ૪ પેસેન્જરની ક્ષમતાની ઈ રિક્ષા

૩) ૨ પેસેન્જરની ક્ષમતાની પેડલ રિક્ષા

આ બધાં વાહન શેરીંગ ધોરણે ચાલે છે અને વ્યક્તિ દીઠ રૂ.૧૦ થી ૨૦ જેટલી મામુલી રકમમાં તમારા ગંતવ્ય સ્થાન પર પહોંચાડે છે. એટલી બધી મોટી સંખ્યામાં આ વાહનો ઉપલબ્ધ છે કે સ્ટેશન રોડ પર તો ગમે તે સ્થળે અને સમયે તમને બે ચાર ખાલી વાહનો દેખાય ને દેખાય.

સ્ટેશન રોડ પર હરકી પૈડી એક કિમી દુર રહે, ત્યાંથી વાહનો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ પેડલ રિક્ષા જઈ શકે છે. બીજાં વાહનો અન્ય રસ્તા મારફત હરકી પૈડીની સામે નદીના બીજા કિનારે લઇ જાય છે, જ્યાંથી ચાલીને પાછું હરકી પૈડી આવવું પડે છે. એટલે હરકી પૈડી જવું હોય તો પેડલ રિક્ષામાં જવું વધારે સગવડભર્યું છે.

--*--

હરકી પૈડીમાં આરતીનાં દર્શન કરીને અમે બજારમાં ફર્યા, જમ્યા અને રાત્રે પાછા હોટલ પર આવ્યા. બીજા દિવસે સવારે નાસ્તો કર્યા પછી સવારે નવ વાગે અમે ભગવાન કેદારનાથની જય બોલીને ગૌરીકુંડ જવા રવાના થયા અને અમારી ખરી યાત્રા હવે શરુ થઇ.

આ લેખમાળાનો બીજો ભાગ “ચાર ધામ યાત્રા -૨) કેદારનાથ” ટૂંક સમયમાં અહી મૂકાશે. પ્લીઝ, થોડી રાહ જોજો....