‘વેદ’ના આધુનિક સંદેશ
વેદ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ છે. જયારે દુનિયાના અન્ય ભાગોના લોકો જંગલવાસીનું જીવન ગુજારતા હતા, ત્યારે આપણા પ્રાચીન ઋષિઓએ અધ્યાત્મ અને તત્વજ્ઞાન, કૌટુંબિક અને સામાજિક નિયમો, ધર્મ અને રાજકીય સિદ્ધાંતો, ઈતિહાસ અને વિજ્ઞાનની વાતો જેવા અનેકવિધ વિષયોનું અદભૂત અને તલસ્પર્શી જ્ઞાન ધરાવતા આ ગ્રંથો રચ્યા હતા. એટલું જ નહીં, પણ જયારે માનવસંસ્કૃતિ વિકાસનું પ્રથમ સોપાન પણ ચડી નહોતી, ત્યારે રચાયેલા આ ગ્રંથોમાં અત્યારના આધુનિક સમયમાં પણ પ્રસ્તુત હોય અને વિશ્વના તમામ જીવોને ઉપયોગી થાય તેવા અનેક સંદેશ અને ઉપદેશ છે. તો હવે આપણે જોઈએ કે વેદને આધુનિક નજરે.
૧) વિશ્વમાનવ:
ઋગ્વેદના આઠમા મંડળમાં એક શક્તિશાળી અને ઉદાત્ત ભાવનાવાળો શબ્દ આપેલો છે, વિશ્વમાનવ.
यस्य ते विश्वमानुष: I (ઋ. ૮.૪૫.૪૨).
અત્યારે વિશ્વના બધા લોકો જાતી, ભાષા, પંથ, ધર્મ અને દેશ જેવા અનેક વાડાઓમાં વહેંચાઈને નબળા અને દુઃખી થઇ રહ્યા છે, પરંતુ આપણા પ્રાચીન ઋષિઓએ હજારો વર્ષો પહેલાં ‘વિશ્વમાનવ’ની કલ્પના કરી હતી. સમગ્ર વિશ્વના લોકો એકબીજા સાથે લડી મરવાને બદલે ‘વિશ્વમાનવ’ તરીકે સંગઠિત થઈને એકબીજાને ઉપયોગી થાય તેવી ઉદાત્ત ભાવના ત્રિશોક: નામના ઋષિએ ઋગ્વેદમાં રજૂ કરી છે. જો આમ ખરેખર બન્યું હોત અથવા બની શકે તો વિશ્વશાંતિ માટે અત્યારે જે અથાગ પ્રયત્નો કર્યા પછી પણ શાંતિ સ્થાપિત થતી નથી, તે મહાપ્રશ્નમાંથી ક્યારનોય છૂટકારો મળી ગયો હોત. આમ વેદની સંસ્કૃતિમાં વિશ્વબંધુત્વની ભાવના પ્રગટ થાય છે, જે પાછળથી પ્રચલિત થયેલ ‘વસુધૈવ કુટુંબકમ્’ ની ભાવનાનું બીજ છે.
આ સંદર્ભમાં ઋગ્વેદનો આ મંત્ર પણ અગત્યનો સંદેશ આપે છે:
पुमान् पुमांसं परिपातु विश्वत: I (ઋ. ૬.૭૫.૧૪)
અર્થ: મનુષ્યે મનુષ્યની રક્ષા દુનિયાભરમાં બધી રીતે કરવી જોઈએ.
જો દુનિયાનો દરેક મનુષ્ય બીજા બધા મનુષ્યોની રક્ષા કરવા માંડે, તો શું થાય? વિશ્વશાંતિ સ્થપાઈ જાય કે નહીં. આમ ઋગ્વેદમાં ગર્ભિત રીતે વિશ્વશાંતિનો સંદેશ આપેલો છે.
૨) સ્વરાજ્ય:
ઋગ્વેદના પાંચમા મંડળમાં અત્રિ ઋષિએ શબ્દ આપ્યો: स्वराज्य: (ઋ. ૫.૬૬.૬). પૂરો મંત્ર આ મુજબ છે:
व्यचिष्ठे बहुपाय्ये यतेमहि स्वराज्ये I
અર્થ: આપણે અત્યંત વ્યાપક અને જ્યાં બહુસંખ્યા અન્યના રક્ષણ માટે જાગૃત હોય તેવું સ્વરાજ્ય મેળવીએ.
આઝાદીના લડાઈમાં મહાત્મા ગાંધીજીએ સ્વરાજ મેળવવા જંગ છેડ્યો હતો અને લોકમાન્ય તિલકે દેશભરમાં નારો ગજવ્યો હતો કે “સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે.” આ સ્વરાજ શબ્દની પરિકલ્પના અત્રિ ઋષિએ હજારો વર્ષ પહેલાં કરી હતી. સ્વરાજનો અર્થ છે પોતાનું ખુદનું પોતાના ઉપર રાજ્ય.
૩) પ્રકૃતિ મહત્તા:
અત્યારે આપણે એટલા ભયંકર પ્રદુષણયુગમાં જીવી રહ્યા છીએ કે દરેક સમજદાર વ્યક્તિ પર્યાવરણના રક્ષણ અંગે ચિંતિત છે. ત્યારે આપણા દુરંદેશી ઋષિઓએ હજારો વર્ષ પહેલાં ભૂમિ અને પ્રકૃતિ પ્રત્યે અનેરો પ્રેમ વ્યક્ત કરેલો છે. વેદોમાં ભૂમિ, સૂર્ય, વર્ષા, પર્વતો, નદીઓ, વૃક્ષો, ઉષા, ચાંદની જેવાં પ્રકૃતિનાં બધાં અંગોની ભરપૂર પ્રસંશા અને પ્રાર્થના કરતા હજારો મંત્ર જોવા મળે છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, જળ, અને વાયુ જેવાં પ્રકૃતિનાં અંગોને દેવસ્વરૂપ ગણીને આદર આપેલ છે. ધરતી, નદી અને ગાયને માતાનો દરજ્જો આપેલ છે. પ્રકૃતિનાં દરેક તત્વોને ઈશ્વરનો અંશ ગણવાથી આપોઆપ તેના પ્રત્યે આદર પ્રગટ થવાથી તેનું સંરક્ષણ થાય છે. આમ પર્યાવરણના રક્ષણની ચિંતા અને આયોજન આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલાં કરેલું છે.
૪) અહિંસા:
મહાત્મા ગાંધીજીએ અહિંસાનો સંદેશ ફેલાવ્યો છે, તેનાં મૂળ પણ વેદમાં છે. અહિંસાની મહત્તા સૂચવતો આ મંત્ર જુઓ:
अक्षैर मा दिव्य: कृषिमित कृषस्व, वित्तें रमस्व बहु मन्यमान: I (ઋ. ૧૦.૩૪.૧૩).
અર્થ: ધન્ય આ પુણ્યભૂમિ ! તેણે આપણને હિંસાની જરૂરીયાતમાંથી છુટકારો અપાવ્યો.
જંગલવાસી મનુષ્ય માંસાહાર કરીને જીવન ગુજારતો હતો, પરંતુ જ્યારથી તે ખેતી કરતાં શીખ્યો, ત્યારથી તેણે ખોરાક માટે પશુપંખીઓની હત્યા બંધ કરી. આ માટે ભૂમિ અને ખેતી પ્રત્યે આભાર પ્રગટ કરતો અને અહિંસાની તરફેણ કરતો આ સંદેશ છે.
૫) સ્ત્રી ગૌરવ:
વેદકાલીન યુગમાં સ્ત્રીઓને વેદાભ્યાસનો અધિકાર હતો, એટલું જ નહીં, વેદોના દ્રષ્ટા તરીકે પણ અનેક ઋષિકાઓ (મહિલા ઋષીઓ) છે. તે યુગમાં સ્ત્રીઓને પૂર્ણ સ્વતંત્રતા હતી અને તેમને સમાજમાં ઊંચું અને આદરભર્યું સ્થાન આપવામાં આવતું. તે સમયે સ્ત્રીઓ ગુરુકુળમાં અભ્યાસ કરવા પણ જતી, જેને લીધે મૈત્રીયી અને ગાર્ગી જેવી અનેક વિદુષી સ્ત્રીઓ આપણને ઉપલબ્ધ થઇ. ઋગ્વેદમાં સ્ત્રીઓ કુશળ યોધ્ધાઓ હતી તેવા ઉલ્લેખો છે, તેમજ સ્ત્રીઓ યજ્ઞના ઋત્વિજનું કાર્ય કરતી હતી તેવા ઉલ્લેખ પણ છે.
વૈદિક સાહિત્યમાં સ્ત્રીઓની માતા તરીકે તો એટલી પ્રસંશા કરવામાં આવી છે કે વાત ના પૂછો. જુઓ આ મંત્રો:
मातृदेवो भव: पितृदेवो भव: आचार्यदेवो भव: I
त्वमेव माता च पिता त्वमेव I
मातृमान पितृमान आचार्यमान ब्रुयात I
અહીં દરેક મંત્રમાં માતાને સૌ પ્રથમ સ્થાન આપીને તેનું ગૌરવ કરેલ છે.
वस्या इन्द्रासी में पितृ:..... माता च मे छद्यथ: समा वसो I (ઋ. ૮.૧.૬)
અર્થ: હે ઇન્દ્ર, તું અમારા પિતા કરતાં ચઢિયાતો છે.... તું અને મારી માતા, બંને સમાન છો.
અહીં માતાને પિતાથી આગળનું અને પરમેશ્વરની સમકક્ષ સ્થાન આપેલ છે.
વેદકાલીન યુગમાં સ્ત્રીઓને પત્ની તરીકે પણ ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત હતું. પત્ની વિના પતિને અર્ધો એટલેકે અપૂર્ણ ગણવામાં આવતો અને યજ્ઞાદી પવિત્ર ક્રિયાઓમાં પુરુષે પત્નીની સાથે બેસવું ફરજીયાત ગણાતું. પરણીને સાસરે જતી નવવધુ સાસરિયામાં દાસી નહીં, પણ સામ્રાજ્ઞી બને તેવી ઉચ્ચ ભાવના નીચેના મંત્રમાં કેટલી સુંદર રીતે પ્રગટ થઇ છે:
सम्राज्ञी श्वशुरे भव सम्राज्ञी श्वंष्चा भव I
ननान्दरी सम्राज्ञी भव सम्राज्ञी अधिदेवृशु II (ઋગ્વેદ/૧૦.૮૫.૪૬)
અર્થ: હે વધુ ! તું તારા સારા વ્યવહાર અને સેવાથી શ્વસુર, સાસુ, નણંદ અને દિયરને વશમાં કરી લે અને સામ્રાજ્ઞી બન.
તે યુગમાં સ્ત્રીઓને પોતાનો વર જાતે પસંદ કરવાની (સ્વયંવરની) સ્વતંત્રતા હતી. બાળલગ્ન થતાં નહીં અને વિધવાવિવાહ પણ એક સ્વીકૃત સમાજવ્યવસ્થા હતી. તદુપરાંત સ્ત્રીઓને નીયોગથી સંતાન પ્રાપ્ત કરવાની પણ છૂટ હતી. મહાભારત સમયમાં સમ્રાટ ચિત્રાંગદ, સમ્રાટ વિચિત્રવીર્ય અને મહાત્મા વિદુરનો જન્મ મહર્ષિ વ્યાસ દ્વારા નીયોગને પરિણામે થયો હતો, એ બહુ જાણીતી હકીકત છે.
૬) કર્મ મુજબ વર્ણ:
સામાન્ય માન્યતા મુજબ વર્ણવ્યવસ્થા અને તેનાં પરિણામોને હિંદુ સંસ્કૃતિનું સૌથી મોટું કલંક અને હિંદુસમાજને વિભાજીત કરીને નબળો બનાવનાર સૌથી મોટું પરિબળ ગણવામાં આવે છે. આ વર્ણવ્યવસ્થાનાં મૂળ વેદોમાં હોવાથી આ કારણે કોઈપણ ઉદારમતવાદી અને વિચારશીલ વ્યક્તિને વેદો પ્રત્યે સન્માનની લાગણી ના પ્રગટે તેને એક સ્વભાવિક પ્રતિક્રિયા ગણી શકાય.
પરંતુ વેદોના ઉપદેશોનું યોગ્ય અર્થઘટન અને તેમાં પ્રસ્તુત અનેક સંદર્ભોનું કાળજીપૂર્વક અધ્યયન કરવામાં આવે તો માલૂમ પડે છે કે વેદોના નિર્દેશ મુજબ વર્ણવ્યવસ્થા અમલમાં આવી, ત્યારે તે જન્મઆધારિત નહીં પરંતુ કર્મઆધારિત વર્ણવ્યવસ્થા હતી. અર્થાત્ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ અને શૂદ્રનો દીકરો શૂદ્ર એવું નહોતું, પરંતુ બ્રાહ્મણનું કર્મ કરે તે બ્રાહ્મણ કહેવાય અને શૂદ્રનું કાર્ય કરે તે શૂદ્ર કહેવાય એવા નિર્દેશો હતા અને તે મુજબ તેનું પાલન થતું.
તદુપરાંત વૈશ્ય અને શૂદ્રને પણ સમાજનું અગત્યનું અંગ ગણીને સન્માન મળતું. આ વર્ણોના લોકોને પણ વેદાભ્યાસનો અધિકાર હતો, એટલું જ નહિ, કેટલાંક વૈદિક સાહિત્યની રચના પણ શૂદ્રો દ્વારા થઇ છે, જેમ કે ઋગ્વેદના અગત્યના બ્રાહ્મણગ્રંથ, ઐતરેય બ્રાહ્મણનું સંકલન ઈતર નામની શૂદ્ર સ્ત્રીના પુત્ર ઋષિ ઐતરીય દ્વારા કરવામાં આવ્યું છે. આથી સમજી શકાય છે કે વૈદિકકાળમાં બ્રાહ્મણ અને શૂદ્ર વચ્ચે અત્યંત ભેદ કે અસ્પૃશ્યતાના ખ્યાલો ન હતા, બલકે શૂદ્ર પણ ઋગ્વેદના મહત્વના બ્રાહ્મણનો દ્રષ્ટા બન્યો હતો. આ વૈદિક સમાજનું ઔદાર્ય છે.
અથર્વવેદના અને યજુર્વેદના નિર્દેશો દર્શાવે છે કે શૂદ્રને સમાજમાં નીચો કે અસ્પૃશ્ય નહોતો મનાતો. પ્રાર્થનામાં તેના નામના ઉદ્દેશો બ્રાહ્મણ કે ક્ષત્રિયની સાથે થયા છે. ઉપનિષદોમાં પણ ક્ષત્રિય વિદ્યાનો જ્ઞાતા હોય કે શૂદ્ર તેનો અધિકારી હોય તેવું દર્શાવતાં દ્રષ્ટાંતો ઉપલબ્ધ થાય છે.
જ્ઞાનદાન કે શિક્ષણ એ કેવળ બ્રાહ્મણસમાજનો ઈજારો હોય અને સેવા એ શૂદ્રની જ ફરજ હોય એ વિચાર ઘણો પાછળથી એટલે કે પૌરાણિક કાળમાં અમલમાં આવ્યો. તે સમયે બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજની એકહથ્થુ અને અમર્યાદિત સત્તાને પરિણામે વર્ણવ્યવસ્થા ચુસ્ત બની, જેને લીધે મહદ્ અંશે શૂદ્ર સમાજનું શોષણ થયું, જે અંતે હિંદુ સમાજને નબળો પાડનાર મોટું પરિબળ બની રહ્યું.
૭) મુદ્રાલેખ:
દરેક સંસ્થા કે કંપનીને પોતાનું એક ધ્યેય વાક્ય (Vision Statement) હોય છે. સરકારી સંસ્થાઓ માટેનાં આવાં વાક્યોને મુદ્રાલેખ તરીકે ઓળખવામાં આવે છે. સ્વતંત્ર ભારત દેશના જુદાજુદા સરકારી વિભાગો માટેના મુદ્રાલેખ મોટેભાગે વૈદિક સાહિત્યમાંથી લેવામાં આવ્યા છે.
i) ભારત દેશ - સત્યમેવ જયતે
આપણા દેશનો મુદ્રાલેખ ચાર મુખવાળા સિંહોના પ્રતિક નીચે લખાયેલ ‘સત્યમેવ જયતે’ છે, જે ચલણી નોટોથી માંડીને દરેક રાષ્ટ્રીય દસ્તાવેજ પર જોવા મળે છે. આમ ‘સત્યમેવ જયતે’ ને આપણું ‘રાષ્ટ્રીય વાક્ય’ કહી શકાય, જેનો અર્થ થાય છે, સત્યનો હંમેશાં વિજય થાય છે.
આ શબ્દસમૂહને સંસ્કૃતના પ્રકાંડ પંડિત એવા પંડિત મદનમોહન માલવિયાજીએ લોકપ્રિય બનાવીને વર્ષ ૧૯૧૮માં ભારતભરમાં પ્રચલિત કર્યો. ત્યાર બાદ મહાત્મા ગાંધીજીએ પણ આ શબ્દસમૂહને અપનાવીને સત્યના માર્ગે જ આઝાદીનો જંગ લડવાનું નક્કી કર્યું. છેવટે આઝાદી મળ્યા પછી ભારત સરકારના મુદ્રાલેખમાં આ શબ્દસમૂહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શબ્દો લેવામાં આવ્યા છે અથર્વવેદના ઉપનિષદ મુંડકોપનિષદના નીચેના મંત્રમાંથી:
सत्यमेव जयते नानृतं, सत्येन पन्था विततो देवयान: I
येनाक्रमन्त्य्रुशयो हयाप्तकामा, यत्र तत सत्यस्य परमं निधानम II (મુંડકોપનિષદ 3.૧.૬)
ii) સર્વોચ્ચ ન્યાયાલય – યતો ધર્મસ્તતો જય:
આપણા સર્વોચ્ચ ન્યાયાલય (સુપ્રિમ કોર્ટ)નો મુદ્રાલેખ, યતો ધર્મસ્તતો જય:, બૃહદારણ્યક ઉપનીષદમાંથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ થાય છે, જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. મહાભારતમાં પણ મહર્ષિ વ્યાસ કહે છે કે “યતો કૃષ્ણાસ્તતો ધર્મ:, યતો ધર્મસ્તતો જય:”, અર્થાત્ જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે અને જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે.
iii) ભારતીય નૌસેના – શં નો વરુણ:
ભારતીય નૌસેનાનો મુદ્રાલેખ, શં નો વરુણ:, યજુર્વેદના તૈતરીય ઉપનીષદમાંથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ થાય છે, હે વરુણદેવ, અમારા પર કલ્યાણકારી રહેજો.
iv) ભારતીય વાયુસેના – નભ: સ્પૃશં દીપ્તમ
ભારતીય વાયુસેનાનો મુદ્રાલેખ, નભ: સ્પૃશં દીપ્તમ, ભગવદ ગીતાના અગિયારમા અધ્યાયના ચૌવીસમા શ્લોકમાંથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ થાય છે, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગોથી શોભતા સર્વવ્યાપી વિષ્ણુને નમન.
v) ભારતીય તટરક્ષક – વયં રક્ષામ:
ભારતીય તટરક્ષકનો મુદ્રાલેખ, વયં રક્ષામ: વાલ્મિકી રામાયણમાંથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ થાય છે, અમે સૌની રક્ષા કરીશું.
પંચામૃત:
સીધું અને ઊંધું બંને રીતે વાંચતાં એકસરખી હોય તેવી વાક્યરચના પેલિનડ્રોમનું એક વધુ ઉદાહરણ જોઈએ. આ રચના પણ માળવાના રાજા અને કવિ ભોજ દ્વારા રચાયેલ છે. અહીં પહેલા શ્લોકને ઉલટા ક્રમમાં વાંચતાં જે રચના બને છે, તે પણ સુંદર અર્થ ધરાવતો શ્લોક છે.
वाह्नाजनि मानासे साराजावनमा तत: I
मत्त सार गराजेभे भारीहावज्जनध्वनि II
અર્થ: અને ત્યાર પછી શત્રુઓનું ગર્વ ખંડન કરી શકતું અને સદા અજેય રહેલું તે વિશાળ સૈન્ય બળવાન તેમ જ માતેલા હાથીઓ અને ઉત્સાહના પોકારો કરતા લોકો સાથે દુશ્મન તરફ આગળ વધ્યું.
હવે આ શ્લોકને અંતથી આરંભ તરફ વાંચો, તો આવું વંચાશે:
निध्वनज्जवहारिभा भेजे रागरसात्तम: I
ततमानवजारासा सेना मानिजनाहवा II
અર્થ: પ્રભાવશાળી અને ગરજતા વેગવાન હાથીઓ તેમજ રણભૂમીને જુસ્સાના પોકારો વડે ગજવતા લોકોની વિશાળ સેના અચાનક વીરોના એ સંગ્રામમાં ક્રોધથી વિકરાળ બની.
આમ આ નવો શ્લોક પણ એક સુંદર અર્થપૂર્ણ રચના છે. આપણી સંસ્કૃત ભાષાની કેટલી વિશાળ અર્થવિવિધતા અને રાજા ભોજની કેટલી ઉંચી વિદ્વતા !