Redlite Bunglow - 22 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૨૨

Featured Books
Categories
Share

રેડલાઇટ બંગલો ૨૨

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૨

કોલેજક્વીન સ્પર્ધા માટે રચનાને દોસ્તીના ભાવથી તૈયાર કરવામાં અને રાજીબહેનને તેમના લાભની વાત કરી બાટલીમાં ઉતારવામાં અર્પિતાને સફળતા મળી ગઇ એટલે તે ખુશ હતી. પોતાના ઇરાદા મુજબ જ બધું ચાલી રહ્યું હતું. અર્પિતાએ મનોમન પોતાની જાતને શાબાશી આપી. કોલેજક્વીન સ્પર્ધા માટે ઓછો સમય મળવાનો હોવાથી રચના ચિંતામાં હતી. રચના પાસેથી ગયા વર્ષની કોલેજક્વીન સ્પર્ધાના અનુભવ જાણ્યા પછી અર્પિતાએ તેની ચિંતામાં વધારો કર્યો હતો. તેણે માહિતી આપી હતી કે આ વર્ષે મોડેલ બનવાના ઇરાદા સાથે બે-ત્રણ છોકરીઓએ આ સ્પર્ધામાં ઝંપલાવ્યું છે. પણ રચનાને રાજીબહેન અને રવિકુમાર પર ભરોસો હતો.

રચના અને અર્પિતા બીજા દિવસે કોલેજમાં ગયા અને પહેલું કામ રચનાનું નામ નોંધાવવાનું કર્યું. રચનાએ જોયું કે પંદર જેટલી છોકરીઓ આ સ્પર્ધામાં હતી. કેટલીકને તે ઓળખતી હતી. તેમાં ગયા વર્ષની છોકરીઓ તેની જેમ ફરીથી ભાગ લઇ રહી હતી, ગયા વર્ષે એ છોકરીઓએ તેને બરાબરની હરિફાઇ પૂરી પાડી હતી. ત્યારે તેને રાજીબહેન અને રવિકુમારને કારણે જ ખિતાબ મળી ગયો હતો. આ વખતે અર્પિતાનો નંબર પણ એ બંને જ લગાવશે એવો તેને વિશ્વાસ હતો.

નામ નોંધાવીને બંને પ્રિંસિપલ રવિકુમારની ઓફિસમાં આવીને બેઠી હતી. રવિકુમાર કોલેજનો રાઉન્ડ લગાવીને આવે તેની રાહ જોતી બંને બેઠી હતી. રચનાને એ વાતની શાંતિ હતી કે કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ લેનાર છોકરીઓને દસ દિવસ માટે ક્લાસ ભરવામાંથી મુક્તિ અપાઇ હતી. તેનાથી સારી તૈયારી થઇ શકવાની હતી. પરંતુ અર્પિતાએ તેને ગભરાવી મૂકી હતી.

"અલી, તું તો કોઇ આર્ટ ફિલ્મમાં કામ કરવાની હોય એવી રીતે ગંભીર થઇને બેઠી છે..." અર્પિતાએ તેને ઉત્સાહમાં લાવવા હસીને કહ્યું.

"તો શું કરું? કાલે તેં કહ્યું કે બે-ત્રણ છોકરીઓ કોલેજક્વીન બનવા વધારે મહેનત કરી રહી છે ત્યારની મને એ જ ચિંતા સતાવી રહી છે કે મારો બીજો નંબર પણ આવશે કે ફિયાસ્કો થશે." રચનાએ પોતાની ચિંતા જાહેર કરી દીધી.

"રચના, તને જોઇને તો કામદેવ પણ મોહિત થઇ જાય એમ છે. થોડી રંગમાં રહેને! રંગ જમાવીશ તો જ ધૂમ મચાવી શકીશ." અર્પિતાએ તેને પ્રોત્સાહિત કરી.

"પણ અર્પિ, તને કેવી રીતે ખબર પડી કે કેટલીક છોકરીઓ મોડેલિંગમાં જવા માટે જ આ સ્પર્ધામાં ભાગ લઇ રહી છે?" રચનાએ તેના મનમાં ઘૂમરાતો પ્રશ્ન પૂછી જ લીધો. પણ અર્પિતાએ જવાબ આપવાની જરૂર જ ના રહી. પ્રિંસિપલ રવિકુમાર આવી પહોંચ્યા હતા.

"ગુડમોર્નિંગ સર!" બંનેએ સાથે જ તેમને હસીને કહ્યું.

"શું ચર્ચા ચાલી રહી છે?" પ્રિંસિપલ રવિકુમારે સ્થાન લેતાં કહ્યું.

"સર, આ રચના પણ કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ લઇ રહી છે...." અર્પિતાએ તેમને વાત કરી.

પ્રિંસિપલ રવિકુમારે તેને વચ્ચે જ અટકાવીને કહ્યું:"હા, રાજીબહેને મને કહ્યું છે કે રચનાને પણ તૈયારી કરાવજો. આપણા નાકનો સવાલ છે..."

પોતાના નાકની ચિંતા કરતી રાજીબહેન માટે તેને કહેવાનું મન થઇ ગયું કે "એનું તો હું એવું નાક વાઢીશ કે શૂર્પણખા કરતા વધારે ખરાબ હાલત કરીશ." પણ અર્પિતા કંઇ બોલી શકે એમ ન હતી. '

રવિકુમારની વાત સાંભળીને બંનેને ખ્યાલ આવી ગયો કે રાજીબહેન સાથે તેમનું નેટવર્ક મજબૂત છે.

"પણ સર, રચનાને બીજી સ્પર્ધકોની ચિંતા છે...." અર્પિતાએ રચનાની ચિંતા વ્યક્ત કરી દીધી.

"હા રચના, ગઇકાલે જ મેં અર્પિતાને કહ્યું હતું કે કોલેજક્વીન સ્પર્ધામાં કેટલીક છોકરીઓ પ્રોફેશનલ હેતુથી ભાગ લઇ રહી છે..."

-તો અમને કયા અંગત હેતુથી ભાગ લેવા ઊભી કરી છે? અર્પિતાને સામો સવાલ કરવાનું મન થઇ રહ્યું હતું.

ટેબલના ખાનામાંથી ડાયરી કાઢતાં પ્રિંસિપલ રવિકુમાર આગળ બોલ્યા:"તેમને તો મોડેલ બનવું છે. પણ તમે બંને મોડેલથી કંઇ કમ નથી."

ટેબલ પર મૂકેલી ડાયરીમાં કંઇક જોતાં બંનેનો ઉત્સાહ વધારવા તે બોલ્યા ત્યારે તેમના ચહેરાના ભાવ ગંભીર હતા. અર્પિતાએ તેમનું ધ્યાન ખેંચવા ટીશર્ટ નીચેની બ્રાની ઇલાસ્ટીક પટ્ટીને સરખી કરવાના બહાને તેનો અવાજ સંભળાય એમ કર્યું તેથી તેના બંને ઉરોજ આંદોલિત થયા. પહેલી વખત તેના આવા ચેનચાળાથી રવિકુમાર ખુશીથી આંદોલિત ના થયા એટલે તેને નવાઇ લાગી.

બીજી જ ક્ષણે તેને કારણ જાણવા મળી ગયું.

"કેમ છો સર...?" મીઠા સ્વરમાં કહીને કોઇએ પ્રવેશ કર્યો.

અર્પિતાએ મોં ફેરવીને જોયું તો રાજીબહેન આવ્યા હતા.

રવિકુમાર કદાચ રાજીબહેનની રાહ જોઇ રહ્યા હતા.

"અચ્છા તો રવિકુમાર પર આજે સેંસરશીપ રહેશે!" એમ સ્વગત બોલી અર્પિતાએ રાજીબહેનને ઊભા થઇને આવકાર આપ્યો. રચનાએ પણ એમ જ કર્યું.

અર્પિતાએ નોધ્યું કે સ્વરૂપવાન રાજીબહેનનું રૂપ કોલેજમાં બદલાયેલું હોય છે. તે ભારતીય પોષાક સાડીમાં ટ્રસ્ટી જેવા પ્રતિષ્ઠિત હોદ્દાની ગરિમા જાળવી રહ્યા હતા.

રાજીબહેન અત્યારે સિફોનની પિંક સાડીમાં જચી રહ્યા હતા. મધ્યમ બાંધાના રાજીબહેનનું સાડીમાં શરીર થોડું વધારે જણાતું હતું. પણ સેક્સીનેસ એટલી જ વધી હતી. ચસોચસ બ્લાઉઝમાં દેખાતો ઉરોજનો સ્પષ્ટ આકાર અને ખુલ્લી મટકતી કમર રવિકુમારનું દિલ જીતી લે એવા હતા.

રાજીબહેનની અડધી ખુલ્લી સેક્સી કમર જોઇને અર્પિતા મનમાં બબડી રહી હતી:"જો તારા ગલત ધંધાની કમર ના ભાંગું તો મારું નામ અર્પિતા નહીં."

રવિકુમારના દિલની ધડકન વધી જાય એવું મોહક વાતાવરણ હતું. તેમની સામે ત્રણ હસીનાઓ તૈયાર થઇને બેઠી હતી. પણ રવિકુમારે વાતની ગંભીરતાને મહત્વ આપી રાજીબહેનને બેસવા કહ્યું અને મૂળ મુદ્દા ઉપર જ આવી ગયા.

"રાજીબહેન, કોલેજક્વીન સ્પર્ધા માટે તમારું શું આયોજન છે?"

"જુઓ, બ્યુટીપાર્લરવાળીને કહી તો દીધું છે, પણ એક વાતની ખાસ સૂચના આપી છે કે હળવો મેકઅપ કરજે. આપણે કોઇ ફિલ્મનું શુટિંગ કરવાનું નથી. સ્ટેજ પર લાઇવ પર્ફોમન્સ કરવાનું છે. એટલે કુદરતી સુંદરતાનો અહેસાસ થવો જોઇએ. અને ડાન્સ વગેરે કલા શીખવવા માટે એક પ્રોફેશનલ ટીચર કાલથી જ એમને ઘરે તાલીમ આપશે. બાકીનું કામ તમારે સંભાળવાનું છે સર!"

"ગુડ! જનરલ નોલેજ અને બીજા મુદ્દા મારા પર છોડી દો. આપણા માટે સારી વાત એ છે કે બીજી એકપણ છોકરી આ સ્પર્ધા માટે મારું માર્ગદર્શન લેવા આવી નથી. એમ પણ બને કે એ આપણાથી વધુ સારી તૈયારી કરતી હોય." રવિકુમાર છેલ્લું વાક્ય ચિંતાના સૂરમાં બોલ્યા.

"એ છોકરીઓ વિશે કોઇ માહિતી મળી શકે?" રાજીબહેન બોલ્યા ત્યારે અર્પિતા ચમકી ગઇ. તેને બોલવા પરથી રાજીબહેનનો ઇરાદો અલગ લાગ્યો.

"જુઓ વધારે તો કંઇ જાણકારી નથી પણ એ છોકરીઓ મોટા ઘરની છે અને ખૂબ પૈસાદાર છે. છોકરીઓની જીદ મોડેલ તરીકે કારકિર્દી બનાવી બોલીવુડ સુધીની છે..." રવિકુમાર બોલ્યા.

"વાંધો નહીં. આપણે પડકાર ઝીલી લીધો છે." રાજીબહેને વાત પૂરી કરી.

રચના અને અર્પિતાએ કોલેજક્વીન સ્પર્ધા માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી. બંને થોડા કલાક કોલેજમાં રવિકુમારનું માર્ગદર્શન લેવા જતી હતી અને બાકીનો સમય ઘરે ડાન્સ અને કેટવોકની તૈયારી કરતી હતી.

ચાર દિવસ પછી અર્પિતા કોલેજ જવા નીકળી ત્યારે રચના તૈયાર ન હતી.

"અલી, શું થયું? રાતનો ઉજાગરો છે કે શું?" અર્પિતાએ તેના રૂમ પર જઇ તેની હાલત જોઇ પૂછ્યું.

"ના, સવારથી પેટમાં ગરબડ છે." રચના નરમ અવાજે બોલી.

"ક્યાંક ગુડ ન્યૂઝ તો નથી ને!" અર્પિતાએ તેને હસાવવા કહ્યું.

"મારા કરતાં રાજીબહેન ચાલાક છે. ત્રણ મહિનાના કોન્સ્ટ્રાસેપ્ટીવ ઇન્જેક્શનની જ નહી મારી મહિનાની પેલી ડેટ પણ યાદ રાખે છે." રચના પાસેથી અર્પિતાને નવી માહિતી મળી. એને પોતાના મગજમાં નોંધી લીધી.

"સોડા કે કંઇ લીધું કે નહીં?" અર્પિતાએ તેને ઉપાય બતાવ્યો.

"ના, વીણાને કીધું છે. તે લઇ આવશે. તું આજે કોલેજ એકલી જઇ આવ. રવિકુમારને આજે ચાન્સ મળશે!" રચનાએ પેટનો દુ:ખાવો અવગણી હસવાનો પ્રયત્ન કર્યો.

"એ તો ચાન્સ લેતા જ રહે છે. પણ તું કોઇ ચાન્સ ના લેતી અને તબિયત સાચવજે. સ્પર્ધા નજીક આવી ગઇ છે. હું કોલેજ જઇને આવું છું." કહી અર્પિતા નીકળી ગઇ.

અર્પિતાને આજે પોતાના કેટલાક કામ પતાવવાનો ચાન્સ મળી ગયો એટલે ખુશ હતી. કોલેજક્વીન સ્પર્ધા પહેલાં કેટલાક કામ પતાવવા જરૂરી હતા.

અર્પિતા રાજીબહેનની કારમાંથી ઉતરી અને મહિલા ચાલકને કહી દીધું કે તે પોતાની રીતે બંગલા પર આવી જશે.

અર્પિતા કોલેજના દરવાજા પાસે પહોંચી ત્યારે તેના નામની બૂમ સંભળાઇ. તેણે પાછળ ફરીને જોયું તો નજીકના એક ઝાડ પાસે ઊભેલી એક છોકરી તેને ઇશારો કરીને બોલાવી રહી હતી. તે છોકરીનો ચહેરો યાદ કરતી તેની પાસે પહોંચી. એટલે તે છોકરી ઝાડ પાછળ સરકી. અર્પિતા તેની પાસે ગઇ ત્યારે તેને ખ્યાલ આવી ગયો કે એ મીના હતી. રાજીબહેનની જર્જરિત બીલ્ડીંગમાં અન્ય છોકરીઓ સાથે રહીને તે ગ્રાહકો સાચવતી હતી.

"મીના, શું વાત છે?" અર્પિતાએ નવાઇથી તેને પૂછ્યું.

"મારી પાસે વધારે સમય નથી. મને એ કહે કે અમારો ધંધો બંધ કરવા પોલીસને તેં જ જાણ કરી હતી ને?"

મીનાની વાત સાંભળી અર્પિતા ચોંકી ગઇ. લોહીનો વેપાર કરતી અર્પિતાની સ્થિતિ કાપો તો લોહી ના નીકળે એવી થઇ ગઇ.

***

મીનાને મળીને વિચારો કરતી અર્પિતા કોલેજમાં ગઇ. તે આજે રવિકુમાર પાસે બહુ બેઠી નહીં અને શહેરમાં નીકળી ગઇ.

મેડિકલ સ્ટોર્સમાંથી દવાઓ અને કોસ્મેટિક્સની ખરીદી કરી. બજારમાંથી જરૂરી વસ્તુઓ લીધી અને નજીકના ગાર્ડનમાં બેસી ફોન કરવા લાગી.

દિવસે બગીચામાં સુંદર યુવતીને એકલી જોઇ ત્યાં આવેલા પુરુષો લાળ ટપકાવવા લાગ્યા હતા. એક સિગરેટ પીતો પુરુષ પોતાની સાથેના યુવાન સાથીદારને કાનમાં કંઇક કહી રહ્યો હતો. પછી તે નજીક આવ્યો અને બીજી બાજુ જોઇ બોલ્યો:"નંબર લાગે એવો છે?"

અર્પિતા સમજી ગઇ કે તેણે એને ધંધાદારી છોકરી ધારી લીધી છે. એ ખોટો પણ ન હતો. ઘણી છોકરીઓ કે સ્ત્રીઓ આ રીતે પણ ગ્રાહક શોધતી હોય છે. તેણે જાણ્યું હતું કે શહેરની કેટલેક ગલીઓમાં સ્ત્રીઓ ખુલ્લેઆમ વેશ્યાનો ધંધો કરી રહી હતી. તેની સામે પ્રશાસન કે સામાજિક સેવા કરતી સંસ્થાઓ પણ આંખ આડા કાન કરી રહી હતે. ધીમે ધીમે આ ધંધાને લોકો સામાન્ય ગણી રહ્યા છે. મજબૂર સ્ત્રીને અન્ય કોઇ રીતે રોજગારી આપવાને બદલે તેના શરીરનો ઉપયોગ કરવા પર જાણે મંજૂરીની મહોર મારી રહ્યા હતા. પણ અર્પિતા જાહેરમાં ધંધો કરતી સ્ત્રી ન હતી. એ તો આ વેશ્યા પ્રથાની વિરુધ્ધ હતી. રાજીબહેનનો ધંધો ખતમ કરવાની કસમ ખાઇને આગળ વધી રહી હતી. તેને થયું કે પોતે સળગાવેલી નાની ચિનગારી આગળ જતાં મોટું સ્વરૂપ લેશે. અર્પિતા હવે કોઇથી ગભરાય એવી ન હતી.

બે પુરુષો તેને તાકીને ગંદી નજરે જોઇ રહ્યા જ રહ્યા હતા. આવા પુરુષોને પાઠ ભણાવવા તેણે અમસ્તો જ ફોન ડાયલ કરીને તેમને સંબોધીને કહ્યું:"તમારે નંબર લગાવવો છે ને? મેં ૧૦૦ નંબર લગાવ્યો છે. પોલીસ આવી જશે...."

પેલો માણસ તો જીવ લઇને ભાગ્યો અને તેના સાથીદારને પણ ઢસડી ગયો. અર્પિતાને થયું કે શહેરના બગીચામાં પણ એકલી સ્ત્રીની સલામતિ નથી. ભમરાઓ ફૂલ શોધ્યા જ કરતા હોય છે.

અર્પિતા ઝટપટ પોતાનું કામ પતાવી રાજીબહેનના રેડલાઇટ બંગલા પર પાછી આવી ગઇ.

રચનાની તબિયત હવે સારી હતી. રાજીબહેને તેના માટે દવા મંગાવી લીધી હતી. એક જ કલાકમાં તેને રાહત થઇ ગઇ હતી. થોડીવારમાં ડાન્સ ટીચર આવવાની હતી. રચનાએ આલિયા ભટ્ટ પર ફિલ્માવેલું "બદરી કી દુલ્હનિયા" નું ટાઇટલ ગીત પસંદ કર્યું હતું. જેના શરૂઆતના શબ્દો "હાય મેં મર ગઇ, શૂલી પે ચઢ ગઇ..." ને સાંભળી અર્પિતાને થયું કે બિચારી આ સ્પર્ધામાં ભાગ લઇ ખરેખર શૂલી પર ચઢી ગઇ છે. રાજીબહેનની તો હાલત એનાથી વધારે ખરાબ થવાની છે.

અર્પિતાએ "સોનૂ કે ટીટુ કી સ્વીટી" નું "બમ ડીગી ડીગી" પસંદ કર્યું હતું. રચનાએ તેનો ગીત પરનો ડાન્સ જોઇને કહ્યું:"અર્પિતા આ સોંગ તારા ફીગર પર પરફેક્ટ છે. તારા હિપ્સ એટલા સેક્સી લાગે છે કે શું વાત કરું?" અને તેના હિપ્સ પર ટપલી મારી.

અર્પિતા રંગમાં આવીને ડાન્સ કરી રહી હતી. રચના પણ મૂડમાં આવી ગઇ હતી.

રચના કહે:"ઊંચી એડીના ચંપલમાં તારા કમરથી થોડા ઊંચા જતા હિપ્સ વધારે સેક્સી લાગે છે. પણ સાચવજે હિલવાળી ચંપલ તને પાડી ના દે."

"તું મારી ચિંતા ના કર." કહી અર્પિતા કેટવોકની પ્રેક્ટિસ કરવા લાગી.

હવે કોલેજક્વીન સ્પર્ધાને બે જ દિવસ બાકી હતા. પરમ દિવસે જ સ્પર્ધા હતી. સવારે સતત ડાન્સની પ્રેક્ટિસ કરી બંને થાકીને પોતાના રૂમમાં આરામ કરી રહી હતી. ત્યાં અર્પિતાના રૂમના દરવાજે ટકોરા પડ્યા અને વીણાનો અવાજ આવ્યો:"અર્પિતા, આવું કે?"

"આવ..." અર્પિતાએ કહ્યું એટલે વીણા અંદર આવી.

અર્પિતાએ બેડ પર નાનકડા સ્કર્ટમાં સૂતી હતી. તેની પેન્ટી દેખાતી હતી. એ જોઇ વીણાને સહેજ સંકોચ થયો. અર્પિતાએ સૂતાં સૂતાં જ કહ્યું:"દરવાજો ખુલ્લો લાગે તો આવી જ જવાનું. આપણે કોની શરમ રાખવાની? બોલ શું વાત લાવી છે?"

વીણાએ તેને એક કવર આપ્યું અને તેની બાજુમાં બેઠી. અર્પિતા સમજી ગઇ કે આજે કોઇ ગ્રાહકને સાચવવાનો છે.

"બેન, તમારો ડાન્સ કાલે જોયો! જબરદસ્ત નાચો છો." વીણા પ્રભાવિત થઇને બોલી રહી હતી.

"તું પણ ડાન્સ શીખને. મજા આવશે." અર્પિતાએ તક ઝડપી લીધી.

"આપણા ક્યાં એવા નસીબ બેન?" વીણા નિરાશ થઇ બોલી.

"એવું થોડું છે કે સ્પર્ધામાં ભાગ લેવો હોય તો જ એ શીખાય. ટીચર રોકેલા છે તો લાભ લેવાનો." અર્પિતાએ બિંદાસ કહ્યું.

"તમે રાજીબહેનને વાત કરશો?" વીણા ઉત્સાહથી કરગરી.

"અરે! એમાં વાત શું કરવાની. તારે થોડીવાર આવી જવાનું. એ ના થોડા પાડવાના હતા. હું છું ને!" અર્પિતાએ તેને તૈયાર કરી દીધી. એ કારણે વીણા તેની અહેસાનમંદ બની છે એનો અર્પિતાને ખ્યાલ આવી ગયો. તે વીણાનો પણ રાજીબહેન વિરુધ્ધની પોતાની ભાવિ યોજનામાં ઉપયોગ કરવા માગતી હતી.

વીણા ખુશ થઇને ગઇ કે છેલ્લા દિવસે તેને પણ ડાન્સ કરવાનો મોકો મળશે.

અર્પિતાએ કવર ખોલીને જોયું તો આજે સાંજે કોઇ ગ્રાહક આવવાનો હતો. તેણે થોડું વિચારી લીધું અને કંઇક નક્કી કરી રચનાના રૂમ પર પહોંચી. રચના પણ આરામ ફરમાવી રહી હતી. તેણે બેડ પર સૂતી રચનાના ગોરા પગ પર હાથ ફેરવી સહેજ દબાવ્યા.

રચના ચોંકીને બેઠી થઇ ગઇ. "અલી, શું વિચાર છે?"

"હું જોતી હતી કે મજબૂત છે કે નહીં. વજન પડે તો આજે વાંધો નહીં આવે ને?" રચના આશ્ચર્યથી તેને જોઇ રહી.

"વાત એમ છે કે આજે સાંજે મારે એક ગ્રાહકને સાચવવાનો છે. તું સાચવી લઇશ? કદાચ આજે મા આવવાની છે.." અર્પિતાની વાત સાંભળી રચના વિચારમાં પડી ગઇ. પછી બોલી:"પણ, રાજીબહેન તો કહેતા હતા કે કોલેજક્વીન સ્પર્ધા સુધી તમારે કોઇ ગ્રાહક સાચવવાનો નથી. સ્પર્ધાની તૈયારી પર જ ધ્યાન આપવાનું છે. તો પછી આમ કેમ?"

"કદાચ કોઇ મોટો ગ્રાહક હશે અને ના પાડી શકાય એમ નહીં હોય. આપણે પણ તેમની પરિસ્થિતિ સમજવાનીને?" અર્પિતાએ તેને સમજાવી.

અર્પિતા સાથેની દોસ્તીને કારણે રચના તેના ગ્રાહકને સાચવવા તૈયાર થઇ ગઇ.

એટલે અર્પિતાએ તેના હાથમાં એક ગોળી આપતાં કહ્યું:"આ પિલ્સ તારું કામ સરળ કરી દેશે."

"મારે એનર્જીની જરૂર નથી ડાર્લિંગ!" રચનાએ બાવડા ફુલાવી ગોળી લેવાનો ઇન્કાર કર્યો.

"બુધ્ધુ, આ તારા માટે નહીં પેલા માટે છે. આ ગોળી એને પીવડાવીશ તો આળસ અને ઊંઘ ચઢશે એટલે તારે બહુ હેરાન થવું પડશે નહી. દૂધ કે સરબતમાં પાઇ દેજે. પછી તારે નિરાંત. તું પણ થોડી ઊંઘ ખેંચી શકશે." અર્પિતાએ હસીને તેને સમજાવ્યું.

"વાહ! તારી પાસે તો ગજબના આઇડિયા હોય છે!" રચના ખુશ થઇને બોલી.

અર્પિતા મનમાં જ મુસ્કુરુવા લાગી. તેણે સામે ચાલીને યોજનાના ભાગરૂપે રાજીબહેન પાસે આજે ગ્રાહક માંગીને આ બાજી ગોઠવી હતી તેનો ભોળી રચનાને અંદાજ જ નહોતો!

***

મીનાને કેવી રીતે ખબર પડી કે અર્પિતાએ પોલીસમાં ફરિયાદ કરી રેડ પડાવી હતી? રચનાને પિલ્સ આપી ગ્રાહક પાસે મોકલવામાં અર્પિતાની કઇ ચાલ હતી? અને સાયકલ પર જતા હરેશભાઇને બુલેટથી ટક્કર મારનાર કોણ હતું? એ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણ વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.