પ્રકરણ ૧૬
કોલમ્બિયાડ
શું કાસ્ટિંગ સફળ થયું હતું? સાચું કહીએ તો અત્યારે તો એમ કહેવું એ એક અટકળથી વધારે કશું જ ન હતું. એ સફળ થશે જ એના માટે ઘણા કારણો હતા, કારણકે તમામ બીબાંઓ એ ઢાળેલા ધાતુને બરોબર પોતાનામાં સમાવી લીધા હતા પરંતુ આ અંગે કશું નક્કર કહી શકવા માટે હજી ઘણો બધો સમય જરૂરી હતો.
ગન ક્લબના સભ્યો માટે આ સમય અત્યંત દર્દભર્યો હતો. પરંતુ તેઓ કશું જ કરી શકે તેમ ન હતા. જે. ટી. મેસ્ટ્ન તો શેકાતાં શેકાતાં બચી ગયો હતો. કાસ્ટિંગને લીધે આકાશમાં ઉઠેલા જબરદસ્ત ધુમાડાને શાંત થયે પંદર દિવસ વીતી ગયા હતા અને આ સ્થળથી બસો ફૂટના વિસ્તારમાં સ્ટોન્સ હિલમાં રોજ ચર્ચાઓ થતી પરંતુ આ સ્થળની નજીક પહોંચવું અશક્ય હતું. તેમની પાસે માત્ર ધીરજ ધર્યા સિવાય બીજો કોઈજ રસ્તો ન હતો.
“આજે ૧૦મી ઓગસ્ટ થઇ. ૧લી ડિસેમ્બરને હવે ચાર મહિના જ રહ્યા છે. આમ તો આપણે સમયસર આપણું કામ પૂરું નહીં કરી શકીએ.” એક સવારે જે.ટી. મેસ્ટ્ન આ પ્રમાણે બોલ્યો. બાર્બીકેન કશું જ બોલ્યા નહીં, પણ એમનું મૌન એમની ગંભીર તકલીફની ચાડી ખાતું હતું.
જો કે, રોજેરોજના નિરીક્ષણ બાદ એમ જરૂર લાગી રહ્યું હતું કે જમીન પરની હકીકત બદલાઈ રહી હતી. ૧૫મી ઓગસ્ટે એવો ખ્યાલ આવ્યો કે ભેજ સંપૂર્ણપણે જાડાઈમાં પરિવર્તિત થઇ ગયો છે અને એ રાક્ષસે બીબાંની અંદર જ પોતાના અંતિમ શ્વાસ લઇ લીધા છે. ત્યારબાદ અમુક દિવસો સુધી ધીમો ધીમો ધુમાડો દેખાઈ રહ્યો હતો અને છેવટે ૨૨મી ઓગસ્ટે બાર્બીકેન અને તેમના મિત્રો એન્જીનીયરો સાથે ધાતુની એ ચાદર પર પોતાનો પગ મૂકી શક્યા જેને સ્ટોન્સ હિલની ટોચ ઉપર પાથરવામાં આવી હતી.
“છેવટે!” ગન ક્લબના પ્રમુખે આમ કહીને પોતાની રાહત વ્યક્ત કરી.
કાર્ય એ જ દિવસે ફરીથી શરુ થઇ ગયું. બીબાંના અંદરના ભાગમાંથી ધાતુ કાઢવાની શરૂઆત થઇ, આ માટે આ બધાનો આશય એ હતો કે શારકામ કરીને તેમને ચોખ્ખા કરી દેવા. તીકમ અને શારકામના સાધનો વગર રોકાયે કાર્યરત થઇ ગયા. જમીન ધૂળવાળી હોવાને લીધે આટલી બધી ગરમીમાં તેને ખોદવાનું કાર્ય કઠીન હતું પરંતુ મશીનોની મદદથી જે કોઇપણ ધૂળ કે માટી બહાર આવી તેને ઝડપથી રેલ્વે વેગનોમાં ઠાલવી દેવામાં આવી. કામ પ્રત્યેનો ઉત્સાહ કહો કે પછી બાર્બીકેનના ડોલર્સનો પ્રભાવ હોય ત્રીજી સપ્ટેમ્બર સુધીમાં તો તમામ બીબાં ખાલી થઇ ગયાં.
શારકામ પણ તરતજ શરુ થઇ ગયું અને શક્તિશાળી મશીનોની મદદથી થોડાં જ અઠવાડિયામાં એક મોટી અને ખામીરહિત ગોળાકાર નળી સામે દેખાવા લાગી અને તેના કાણાને પોલીશ કરીને ચમકાવવામાં આવ્યું.
વધુમાં વધુ બાવીસમી સપ્ટેમ્બરે એટલે કે બાર્બીકેનની મૂળ દરખાસ્તના બાર મહિનાથી પણ ઓછા સમયમાં એક પ્રચંડ હથીયારને શારકામ દ્વારા ઉભું કરી દેવામાં આવ્યું હતું જે પોતાના કાર્ય માટે તૈયાર હતું. હવે ફક્ત ચંદ્ર જ રાહ જોઈ રહ્યો હતો અને આ તમામ એકમત અને ચોક્કસ હતા કે ચંદ્ર સાથેની મુલાકાત સંપૂર્ણ સફળતા પામશે.
જે. ટી. મેસ્ટ્નની લાગણીઓ ઉછાળા મારી રહી હતી અને એને લીધે જ તે લગભગ આ મોટા નાળચામાં પડતાં પડતાં રહી ગયો હતો. જો કર્નલ બ્લૂમ્સબેરીના મજબૂત હાથોએ એને અર્વાચીન એરોસ્ટ્રેટસની જેમ સમયસર પકડી લીધો ન હોત તો મેસ્ટ્નનું મોત આ કોલમ્બિયાડમાં થઇ જવું નિશ્ચિત હતું.
જ્યારે આ તોપ બની ગઈ ત્યારે હવે તે સંપૂર્ણ જ છે તે અંગે કોઈજ શંકા ન હતી. આથી છઠ્ઠી ઓક્ટોબરે કેપ્ટન નિકોલે પ્રમુખ બાર્બીકેન અને પોતાની વચ્ચે એક એકાઉન્ટ ખોલાવ્યું અને એમાં તેમાં એક પત્ર દ્વારા બે હજાર ડોલર્સ જમા કરાવ્યા. એવું માની શકાય કે કેપ્ટનો ગુસ્સો આ સમયે તેની ચરમસીમાએ હશે અને તેનાથી તેમને કોઈ માંદગીનો સામનો પણ કરવો પડે એમ હતું અને તેમની પાસે હજી પણ ત્રણ, ચાર અને પાંચ હજાર ડોલર્સની શરત બાકી હતી અને આથી જો એમણે આ બે હજાર ડોલર્સ જમા ન કરાવ્યા હોત તો તેમને કોઈએ કશું જ કહ્યું ન હોત. પણ અહીં નાણાની કોઈ ગણતરી કરવાની જ ન હતી, અહીં તો એના દુશ્મને લોઢામાંથી સાઈઠ ફૂટ જાડી તોપ બનાવીને બતાવી એ હકીકતે એને સૌથી મોટો ઘા આપ્યો હતો.
ત્રેવીસમી સપ્ટેમ્બર બાદ સ્ટોન્સ હિલને સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવી અને અનુમાન કરી શકાય છે કે મુલાકાતીઓની કેવી ભીડ ત્યાં ઉમટી પડી હશે. ટેમ્પા ટાઉન અને આસપાસના વિસ્તારોમાંથી લોકોનો અવિરત પ્રવાહ કોઈ સરઘસ માટે નહીં પરંતુ ધાર્મિક જાત્રા માટે ત્યાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.
પ્રયોગ કરવાના દિવસે જ દેખાઈ ગયું હતું કે આખી દુનિયાના ઉત્સાહની ચરમસીમા આવી ગઈ હતી. દુનિયાના ખૂણેખૂણેથી લાખો લોકો અહીં આવી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણેકે આખું યુરોપ અમેરિકામાં સ્થળાંતર કરી ગયું છે.
આવનારા લાખો લોકોની ઉત્કંઠા જબરદસ્ત હતી પરંતુ તેમને બિલકુલ ઓછો સંતોષ મળી રહ્યો હતો. ઘણા લોકોને એમ હતું કે તેઓને કાસ્ટિંગની પ્રક્રિયા જોવા મળશે પરંતુ તેમના હાથમાં ધૂમાડા સિવાય બીજું કશું જ ન આવ્યું. બાર્બીકેને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સામાન્ય લોકોને દૂર રાખ્યા હોવાથી આ ભૂખી આંખોને કોઈજ ખોરાક મળી શક્યો નહીં. વિરોધના સૂર, અસંતોષ, ગણગણાટ અને પ્રમુખના સરમુખત્યારશાહી વલણ સામેના અસંતોષ સિવાય એ લોકો કશું જ કરી શકે એમ ન હતા. પ્રમુખના આ કાર્યને ‘બિનઅમેરિકન’ પણ ગણાવવામાં આવ્યું. સ્ટોન્સ હિલ્સની આસપાસ રમખાણ જેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી પરંતુ બર્બીકેન એમની જીદ પર કાયમ રહ્યા. પરંતુ જ્યારે કોલમ્બિયાડ સંપૂર્ણપણે તૈયાર થઇ ગઈ ત્યારે બંધબારણાની પરિસ્થિતિ જાળવી રાખવાનું મુશ્કેલ હતું. જો એમ કરવામાં આવ્યું હોત તો પણ એ લોકલાગણી વિરુદ્ધનું હોત અને ખરેખરતો એનું અપમાન જ હોત. આથી જ બાર્બીકેને આ જગ્યાના તમામ દરવાજાઓ ખોલી નાખ્યા પરંતુ તેમણે તેમના સ્વભાવ અનુસાર લોકોની ઉત્કંઠામાંથી પણ નાણા રળવાનું નક્કી કરી લીધું હતું.
આ પ્રકારે ચિંતન કરી અને વિશાળ કોલમ્બિયાડ ઉભી કરવી અને તે પણ તેના અંતિમ ધ્યેય સુધી પહોંચીને, તે અમેરિકનપણાને ચરિતાર્થ કરતું હતું. પરિણામે ત્યાં એક પણ ઉત્કંઠાથી ભરેલો દર્શક ન હતો જે આ મહાન લોખંડી ઈમારતના પાતાળની યાત્રા કરવા ન માંગતો હોય. વરાળથી ચાલતી ક્રેનમાં છાબડી ભરાવીને લોકોની આ ઉત્કંઠા પૂરી કરવામાં આવી. આ એક સંપૂર્ણ ગાંડપણ હતું. સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો તમામ માટે આ પ્રચંડ તોપની અંદર જવું એ તેમની ફરજના ભાગરૂપ બની ગયું હતું. આમ કરવા માટે પાંચ ડોલર પ્રતિ વ્યક્તિનું શુલ્ક રાખવામાં આવ્યું હતું, જે ખૂબ મોટી રકમ હતી, પરંતુ તેમ છતાં પ્રયોગના બે મહિના સુધીમાં મુલાકાતીઓના ધસારાએ ગન ક્લબને લગભગ પાંચ લાખ ડોલર્સની કમાણી કરી અપાવી.
એ કહેવું જરૂરી નથી કે કોલમ્બિયાડના મુલાકાતીઓનો પ્રથમ જથ્થો ગન ક્લબના સભ્યોનો હતો. આ પ્રકારનો વિશેષાધિકાર આ પ્રસિદ્ધ સંસ્થાને મળે તે ન્યાયપૂર્ણ પણ હતું. આ સમારંભ પ્રમુખ, જે. ટી. મેસ્ટ્ન, મેજર એલ્ફીસ્ટન, જનરલ મોર્ગન, કર્નલ બ્લૂમ્સબેરી અને ક્લબના અન્ય સભ્યો એમ કુલ દસ લોકોને છાબડીમાં બેસાડીને તોપના તળીયે લઇ જવા સાથે શરુ થયો. તોપના તળીયે એટલી બધી ગરમી હતી કે આ તમામ લોકોનો અડધો શ્વાસ રૂંધાઇ ગયો. પરંતુ શું આનંદ હતો? શું લાગણીઓ ઉછળી હતી!! તોપના તળીયે જ્યાં એક મોટો પથરો મુકવામાં આવ્યો હતો તેના પર છ જણા બેસી શકે એવું એક ટેબલ મુકવામાં આવ્યું અને તેના પર એક લાઈટ જે દિવસના અજવાળા એટલો પ્રકાશ આપી શકતી હતી તેને લગાડવામાં આવી હતી. જાણેકે સ્વર્ગમાંથી ઉતરી આવી હોય તેવી ઉત્કૃષ્ટ વાનગીઓ અને ફ્રાન્સથી ખાસ મંગાવવામાં આવેલો મોંઘો વાઈન પીરસવામાં આવ્યો અને એ પણ પૃથ્વીની સપાટીથી નવસો ફૂટ નીચે.
આ પર્વ ઉત્સાહથી તેમજ કોલાહલથી ભરપૂર હતો. શરાબના જામ એકબીજા સાથે વારંવાર ટકરાઈ રહ્યા હતા. ગન ક્લબ, અમેરિકા, ડાયના, ફીબ, સેલીન, રાત્રીના દેવતા, પૃથ્વી અને ચંદ્રના નામે તેમણે પોતપોતાના જામ પીધા. હુર્રાહના અવાજો ઉપરની તરફ જોરજોરથી જવા લાગ્યા અને આ દસ ધમાલિયાઓ સાથે આખી સ્ટોન્સ હિલે ખુદે સાથ પુરાવ્યો.
જે. ટી. મેસ્ટ્ન ખુદ પરનો કાબુ ગુમાવી ચુક્યો હતો. એ શું બોલતો હતો અને શું ઈશારાઓ કરતો હતો તેના વચ્ચેનો તાલમેલ બેસાડવો અશક્ય હતું. સામાન્ય સંજોગોમાં એ ક્યારેય પોતાની જગ્યા છોડવા તૈયાર નહોતો રહેતો પરંતુ આજે તેને ખુદને એવી ઈચ્છા હતી કે કોઈક એને આ તોપમાંથી અત્યારે જ છોડે અને તેને પૃથ્વીની સફરે મોકલી આપે.
***