Ek Chaal Tari Ek chaal mari - 13 in Gujarati Fiction Stories by Pinki Dalal books and stories PDF | એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 13

Featured Books
Categories
Share

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 13

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 13 )

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇ-વે પર સલોનીની હોન્ડા સિટી જાણે ટેસ્ટડ્રાઇવ પર હોય એમ એના સ્પીડોમીટરમાં એકસોવીસનો આંક વારંવાર ફ્લેશ થતો રહ્યો.

મગજમાં ઊમટેલું ચક્રવાત પોતાને ક્યાં, કઇ દિશામાં ફંગોળવા માંગતું હતું ? વિચારોના અડાબીડ જંગલમાં સલોની એવી ભૂલી પડી ગઇ હતી કે જાણે એમાંથી બહાર નીકળતાં એના પગ અજાણતાં જ એક્સિલેટર પર પ્રેશર વધારતા જતા હતા.

કોનાથી ભાગવાનું ? ક્યાં સુધી ભાગવાનું ?

સલોનીના મનાં આ બે પ્રશ્ર્ન વારંવાર ઊઠતા-પરિસ્થિતિથી, આસપાસ્ના લોકોથી, અમાહોલથી દૂર ભાગવું હતું કે પોતાની જાતથી જ એ દૂર ભાગી જવા માંગતી હતી ?

હકીકતમાં અત્યારે તો એકમાત્ર ડર સતાવી રહ્યો હતો. એ હતો વિક્રમનો. પોતે કાર તો એ રીતે ભગાવી રહી હતી જાણે પાછળ વિક્રમ ધસમસતો આવી રહ્યો હોય. એ કોઇ વાઘ-વરુ નહોતો કે ફાડી ખાય... ખરેખર તો જો એને કોઇ ખતમ કરી રહ્યું હોય તો એ હતો ડર....

મનને મનાવવા આવાં તો કંઇ કેટલાંય આશ્વાસન સલોની આપી ચૂકી હતી. પણ એ કેવાં ફટકિયા મોતી છે એ પોતે ક્યાં નહોતી જાણતી ? ધીરે ધીરે જાણે એક માનસિકતા ઘડાઇ રહી હતી. ફોનની રિંગ સાંભળતા જ ટ્રીગર થતું પૅનિક બટન... વિક્રમ !

ખરેખર તો ઘરેથી નીકળી ત્યારે ભલે હસી- મળીને સ્ટિયરિંગ સીટ પર ગોઠવાઇ, પણ મનમાં હળવો રોષ તો આઇ-બાબા પર પણ ચઢી રહ્યો હતો. પેલા બ્લેક્મેલરે રહી રહીને આટલા વર્ષે બે પાંચ-દસ ફોન શું કર્યા કે હરખાઇ ગયાં... બીજું કંઇ નહીં તો પોતાને જણાવી તો શકત ને ! આને ભોળપણ લેખવું કે નાદાનિયત ?

મા-બાપની સાદગીભરી સરળતા સલોનીને સંપૂર્ણપણે મૂર્ખામી લાગી હતી. સલોનીને યાદ આવ્યા આઇના શબ્દો : એ છોકરો પણ ખરો ખાનદાન... એની મિત્રતા કહેવી પડે ! કહેતો હતો કે સલોનીને કેટલી વાર કહ્યું કે આઇ-બાબાને મળવું છે, આવે ત્યારે કહેજે.... પણ સલોની, તું પણ ખરી... જે મિત્રએ આપણને આટલી મદદ કરી હોય એને આમ તરતો મૂકી દેવાનો ?

આઇએ તો જાણે આક્ષેપની પિસ્તોલ પોતાને જ લમણે તાકી દીધી હતી !

ભોળી આઇ... બિચારી શું જાણે આ દુનિયાનાં આટાપાટા ? અને એને ક્યાં ખબર છે કે....

સલોની હજુ આગળ વિચારે એ પહેલાં જ કારચાર્જર સાથે લગાવેલો મોબાઇલ રણક્યો.

ઓહ, આવી ગયો... શેતાનનું નામ લીધું ને શેતાન હાજર..

સલોનીના હોઠ પરથી એક ગાળ સરી ગઇ. ફોન રિસીવ કરવો કે નહીં એ તો અત્યારે સૌથી મોટી અવઢવ લાગી રહી હતી. એક તો એક્સપ્રેસ હાઇ-વે પર આ સ્પીડ.. જામતું જતું અંધારું... અને પોતાની ડ્રાઇવિંગ સ્કિલ અંગે શંકા... એવામાં ક્યાંક...

સલોનીને થયું ફોન રિસીવ કરવાને બદલે ડિસ્કનેક્ટ કરવો વધુ સારો,એ વિચાર સાથે જ ફોન કટ કરી નાખ્યો.

જોકે આ વખતે સામે છેડે વિક્રમ જાણે ના સાંભળવવાના મૂડમાં જ નહોતો.

એક કોલ

બીજો કોલ....

ત્રીજો કોલ...

ચાર કોલ કટ કર્યાં પછી સલોનીના મનમાં માંડ શાંત થયેલી ગભરામણે ફરી મન પર કબજો કરી લીધો. વિક્રમ હવે પહેલાંનો વિક્રમ રહ્યો નહોતો. હવે જે વિક્રમ હતો એ હતો કોઇ બાજીગર, ખેલાડી... સાથે થોડો ખંધો ને બરછટ પણ ખરો...

આ વાતનો ઉલ્લેખ સાવધાનીપૂર્વક આઇ-બાબાને કરવો જરૂરી હતો. વિક્રમ સાથે ઝાઝી લપછપ ન કરશો અને મારા વિશે તો હરગિજ નહીં એવો ઇશારો મોઘમમાં પણ આઇ-બાબાને કરી દેવાનો હતો,પણ એ તો આઇ પાસે વાત કઢાવવાના પ્રયાસમાં સાવ વિસરાઇ જ ગયું.

ફરી મોબાઇલ રણક્યો.

‘હેલો...’ સલોનીએ ધારી લીધું હતું કે પોતાના હલોનું સ્વાગત ગાળ કે ધમકીથી જ થવાનું.

‘હલો, સલોની... સુહાના સફર ઔર યે મૌસમ હસીન. ? જેવી રહી આઇ-બાબા સાથેની મુલાકાત ?’ એક ખંધુ સ્મિત વિક્રમના ચહેરા પર રમી રહ્યું હશે એવી કલ્પના સલોની કરી શકતી હતી.

‘વિક્રમ, તો તને ખયાલ જ હશે કે અત્યારે હું ડ્રાઇવ કરું છું... અને મને ડ્રાઇવિંગની ખાસ પ્રેક્ટિસ નથી... આ વાત બે-અઢી કલાક પછી પણ થઇ શકે છેને ?’સલોનીએ આ અપ્રિય વાતચીત ટાળવાનો એકમાત્ર પ્રયાસ કરી જોયો.

‘વેલ.. વેલ.. સલોની, બહોત ખૂબ..’ વિક્રમ દાઢમાં બોલ્યો :

‘તું ઍક્ટ્રેસ તો સાચી,પણ તારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ પણ કાબિલેતારીફ છે ! મારી વાત ટાળવા શું પરફેક્ટ ટાઇમિંગ છે !’

‘વિક્રમ, પ્લીઝ...’ સલોનીના સ્વરમાં વિનંતીનો નરમાશભર્યો પાશ ભળ્યો. અચાનક જ અંધારું શરૂ થઇ રહ્યું હતું. એ પહાડી ઇલાકાની તાસીર હશે કે પોતાના ગભરાહટનો પડઘો એ સલોની નક્કી ન કરી શકી.

’સાંભળી લે, સલોની... મને લાગે છે કે તારી સાથે હું જરા વધુ પડતો જ નરમાઇથી પેશ આવી રહ્યો છું... જે ટ્રીટમેન્ટ સામાન્યપણે મારા ક્લાયન્ટને મળતી નથી...’ વિક્રમ શાંતિથી બોલી રહ્યો હતો, પણ એના શબ્દોમાં જે ધાર હતી એ સલોનીને રીતસર ઘાયલ કરી રહી હતી :

ઓહ, તો હું ક્લાયન્ટ.... ખરેખર તો શબ્દ શિકાર હોવો જોઇએ... સલોનીને સ્ફૂર્યું.

‘વિક્રમ, સોરી... પણ આ રીતે મારાથી વાત નહીં થાય.... એકદમ અનસેફ છે..’ વિક્રમની વાત અધવચ્ચે કાપતાં સલોની બોલી ઊઠી.

‘નહીં, સલોની... યુ વિલ લિસન ઍન્ડ બ્લડી વેલ લિસન ટુ મી...’ વિક્રમના સ્વરમાં વરુનો ઘૂરકાટ હતો.

‘નો.... આઇ વોન્ટ...’ સલોની પહેલી વાર ઊંચા અવાજે બોલી :

‘જસ્ટ, સ્ટોપ ઇટ..’ કહી સલોનીએ તરત ફોન કટ કર્યો, કારણ કે અચાનક એનું ધ્યાન ગયું હતું એક્સપ્રેસ હાઇ-વે ના પુરા થતાં વૈત થઇને શરૂ થયેલા ઘાટ પર. જેના મોડ પર તોતિંગ શિલા અડધો રસ્તો રોકીને પડી હતી. કદાચ અચાનક ધસી પડી હતી, પરંતુ જે પણ કંઇ થયું હતું એ થોડી ક્ષણ પહેલા થયું હતું. શિલાની સાથે ખરી રહેલા નાના દગડ-પથ્થર તો હજી પણ રોડ પર ગબડી રહ્યાં હતા...

સલોનીની આંખ સામે આ ભયંકર નજારો હતો અને બીજી બાજુ, ફરી રણકી રહેલા મોબાઇલ ફોનનું નૉન-સ્ટોપ ફાયરિંગ... સલોની હજી કંઇ પરિસ્થિતિ સમજે એ પહેલા જ સ્ટિયરિંગ પરથી કાબૂ છટકી જતો હોય એમ લાગ્યું.

એકસોવીસ કિલોમિટર પ્રતિકલાકની સ્પીડ પર ભાગઈ રહેલી કાર બેકાબૂ થઇ ચૂકી હોય એમ ધસી પડેલી, રસ્તો રોકીને પડેલી કાળમીંઢ શિલા સાથે અથડાઇ. એક જબ્બર ધડાકાએ જાણે સલોનીના કાન ફાડી નાખ્યા, છતાં ખુલ્લી આંખે એ જોઇ શકી હતી. કોલ્ડડ્રિન્કનાં ઢાંકણની જેમ ઊડી રહેલા કારના બોનેટને... આ એક અથડામણે ન જાણે કેટલા કંપ સર્જી દીધા, જેના કારણે હવે અસ્થિર થઇ ચૂકેલા બીજાં નાના–મોટાં દગડ ગબડીને નીચે તરફ ધસવાના શરૂ થઇ ચૂક્યાં હતાં. જાણે થઇ રહેલો કોઇ ઉલ્કાપાત. વિન્ડોસ્ક્રીન તોડીને પોતાની આગોશમાં લઇ લેવા માગતો હોય એમ કાળ સામે ઝળુંબી રહેલો દેખાયો સલોનીને. ગનમાંથી છૂટેલી બુલેટ હોય એમ ધસી આવેલા પથ્થરોએ ગણતરીની ક્ષણમાં કારને કાટમાળમાં ફેરવી દીધી.

ચારે દિશામાં છવાઇ રહેલો અંધકાર હવે જાણે સલોનીની આંખમાંથી ઊતરી રૂંવે-રૂંવે વ્યાપી રહ્યો હોય એમ એની આંખ સામે દૅશ્ય બહુ ઝડપથી ધૂંધળા થતાં ચાલ્યાં...

‘મોરે... આગે કોઇ એક્સિડન્ટ હુઆ હૈ...’

સલોનીની કાર પાછળ જ થોડાં અંતરે આવી રહેલી વ્હાઇટ કલરની ઇનોવામાંથી ત્રણ વ્યક્તિ ઊતરી.

‘અરે ! સર, કોઇ લડકી હૈ..’ મોરેએ ઑફિસર જેવી લાગતિ વ્યક્તિને કહ્યું. મોરે એક્સિડન્ટગ્રસ્ત કાર તરફ આગળ વધ્યો. ડ્રાઇવર્સ સીટ પાસે તૂટી ગયેલા વિન્ડોગ્લાસમાંથી સાવચેતીથી હાથ નાખી અંદર રહેલું સેફ્ટી લોક ખોલી કાઢ્યું. કારની હાલત એટલી હદે ખરાબ હતી કે એના ડોર પણ બહારથી ખુલી શકે તેમ નહોતા.

‘જિંદા હૈ કિ ગઇ ?’ ઑફિસરે પૂછ્યું.

મોરેએ સ્ટિયરિંગ પર માથું ઢાળીને પડેલી સલોનીનો ચહેરો હળવેથી ઊંચો કર્યો. આટલા ભીષણ અકસ્માત પછી કોઇ બચી શકે એવી શક્યતા નહીંવત હતી. સલોનીના કપાળ પર ઘા ઊંડા હોય એમ લોહીના રેલા વહીને ઊતરી રહ્યા હતા અને એને કારણે એણે પહેરેલું વ્હાઇટ શર્ટ રંગાઇને લાલ થઇ ગયું હતું. મોરેએ બેહોશ સલોનીના નાક પાસે હાથ ધર્યો :

‘સર.... સાંસ ચાલુ હૈ...’

‘બહાર નિકાલો ઔર સૂર્યવંશી, વન-ઝીરો એઇટ ઇમર્જન્સી મેં ફોન કરો !’ ઓફિસરે ફરમાન તો કર્યું, પણ મોરે એકલો આ કાટમાળમાંથી છોકરીને ક્યાંથી બહાર કાઢી શકવાનો. એવા કોઇક વિચારથી પ્રેરાઇને એ ઑફિસર નજીક આવ્યો. થોડી મિનિટ પહેલાં જ અકસ્માત થયો હોય એમ લાગતું હતું. હવે પાછળથી આવી રહેલી કારના કાફલાની હેડલાઇટ્સ વધવા માંડી હતી.

સૂર્યવંશી અને મોરેની મદદ લઇ સલોનીને બહાર કાઢી, પણ હજી ૧૦૮ હેલ્પલાઇનવાળી ઍમ્બ્યુલન્સ આવી નહોતી.

‘સા’બ... જરા આગે હી દાગતર મિલેગા...’ભેગા થઇ ચૂકેલા ટોળામાંથી એકાદ જણ બોલ્યું.

‘મોરે, એક કામ કરો... અંદર દેખો... ઔર કુછ હૈ ?’ ઑફિસરનો ઇશારો હતો સામાન કે એવી કોઇ ચીજ વિશે.

‘સર, એક હેન્ડ્બૅગ હૈ.. ઔર કુછ નહીં... ‘મોરે બોલ્યો.

‘સાથ લે લો...’ફરી એક ફરમાન.

‘સર.... એક મોબાઇલ પડા હૈ... લે લુ.. ?’

‘હાં, શાયદ રિલેટિવ્ઝ કે નંબર મિલ જાયેંગે..’

સૂર્યવંશીએ પોતાની વ્યવહારુ બુદ્ધિ ચલાવી.

‘હા, ઠીક હૈ... ચલો...’ સલોનીને પાછળની સીટ પર ગોઠવી ઇનોવા સ્ટાર્ટ થઇ ત્યારે પણ રોડ પર થતાં આવા અકસ્માત વખતે તાત્કાલિક પહોંચી જવાની કામગીરી બજાવતી હેલ્પલાઇન ઍમ્બ્યુલન્સ આવી નહોતી.

પાંચ મિનિટનો રસ્તો કપાઇ ગયો, છતા કોઇ રેડ ક્રૉસ જેવી ડિસ્પેન્સરી કે ક્લિનિક્ની નિશાની ન દેખાઈ ત્યારે મોરેને જરા ઉચાટ થઇ ગયો હોય એમ એ બોલ્યો પણ ખરા:

‘સર, વધુ લોહી વહી જશે તો ? કોઇ મેડિકલ હેલ્પ મળે એવા આસાર અહીં તો જણાતા નથી...’

મોરેની વાત સાંભળીને એના સરના કરડા ચહેરા પર જરા મુંઝવણના ભાવ આવીને અદૅશ્ય થઇ ગયા. એણે પાછળ ફરીને જોયું પાછલી સીટ પર સૂર્યવંશી બેઠો હતો અને જમણી સીટ પર સલોની પડી હતી- બેહોશ.. તદ્દ્ન નિશ્વેતન... એના લમણા પર થયેલા ઘામાંથી વહી રહેલું લોહી હવે જામવાની શરુઆત થઇ હોય એમ ઘટ્ટ થઇ કાળાશ પકડી રહ્યું હતું.

ઑફિસર અને એના સાથી હજી કંઇ વધુ વિચારી શકે તે પહેલાં જ પાસે પડેલો મોબાઇલ ફોન રણક્યો. ડ્રાઇવ કરી રહેલા મોરેએ એને ઉઠાવી પોતાના બૉસના હાંથમાં થમાવી દીધો : કદાચ કોઇ રિલેટીવ હોય તો જાણ તો કરી શકાય !

જોકે સ્ક્રીન પર ઝબકી રહ્યો અનરજિસ્ટર્ડ પ્રાઇવેટ નંબર હતો, જે થોડી અચરજભરી વાત લાગી હતી.

‘સૂર્યવંશી... કોલ કોઇ પ્રાઇવેટ નંબર પરથી છે... નંબર ડિસ્પ્લે નથી થતો...’ હજી આ વાક્ય પૂરૂં થાય એ પહેલા તો ફોન ડિસ્કનેક્ટ થઇ ગયો.

‘સર્, પાર્ટી મોટી લાગે છે...’ પોતાના બૉસના અવલોકનનું અનુમોદન કરતો હોય એમ સૂર્યવંશી બોલ્યો :

‘મોટી પાર્ટીઓના નંબર અનરજિસ્ટર્ડ જ હોય છે !’

ઑફિસર લાગતા શખસે ફરી એક નજર બેહોશ પડેલી સલોની પર નાખી. લીનનનું વ્હાઇટ શર્ટ અને નીચે ટાઇટ જીન્સ... હતાં તો સાદગીભર્યા વસ્ત્રો, પણ એમાથી છતી થતી હતી આભા ડિઝાઇનર્સ કટ્સ પ્રદર્શિત કરતી હતી. ફેન્ડીની હેન્ડબૅગ,ડાયમંડ અને એમરલ્ડ મઢ્યું ચાર્મ બ્રેસલેટ, ડાયમંડ સ્ટડેડ વૉચ, હાથની આંગળી પર ચમકી રહેલી સોલિટેર રિંગ અને આઇ ફોન... એનું આર્થિક સ્ટેટસ બયાન કરતા હતા.

ઑફિસરે સલોનીના ચહેરાને પહેલી વાર જરા ધ્યાનથી જોયો. ખબર નહીં, પણ કેમ, અતિશય સુંદર લાગી રહેલી આ યુવતીને ક્યાંક તો જોઇ છે... એવો વિચાર મનનેસ્પર્શી ગયો :

‘સૂર્યવંશી, લાગે છે કે આ ચહેરો જાણીતો છે... ક્યાંક જોયાનો ખયાલ છે, પણ.’

આ સાંભળીને સૂર્યવંશી પણ વિચારમાં પડી ગયો.

‘સર... જુઓ સાઇનબોર્ડ, સ્ટર્લિંગ નર્સિંગ હોમ.. એરો કહે છે એ પ્રમાણે બસ્સો મીટરથી વધુ દૂર નહીં હોય...’ કાર ડ્રાઇવ કરી રહેલો મોરે પોતાના સાહેબનું ધ્યાન દોરતાં બોલી ઊઠ્યો. એની વાત બરાબર હતી. સ્ટર્લિંગ નર્સિંગહોમ લખેલી બ્લુ નિયોન લાઇટ અને રેડ ક્રોસ પણ હવે ચોખ્ખા નજરે ચઢી રહ્યાં હતાં.

.... અને ત્યાં જ ફરી એક વાર સલોનીના મોબાઇલ પર પેલો પ્રાઇવેટ નંબરથી આવેલો કોલ રણક્યો, જેની એક જ રિંગ સાથે પેલા ઑફિસરે ચીલઝડપે ઉંચકીને હલો ? કહ્યું, પણ પૂરૂંષસ્વર સાંભળીને ગમે તેમ પણ સામેથી ફોન તરત ડિસ્ક્નેક્ટ થઇ ગયો.

સ્ટર્લિંગ નર્સિંગહોમ નામ તો ભારેખમ હતું, પણ હતી માત્ર પંદર બેડવાળી નાનકડી ક્લિનિક, બેઝિક સુવિધા સાથે સજ્જ.

સલોનીને તાબડતોબ ફર્સ્ટ એઇડ મળે એ જરૂરી હતું.

મોરે અંદર ગયો ને સાથે એક વોર્ડ્બોય જેવા માણસને લઇ બહાર આવ્યો.

‘અભી ઇધર કુછ નહીં હો સકતા.... હાઉસફુલ હૈ...’ પેલાએ સલોનીની અવસ્થા જોયા પછી પહેલું વાક્ય ઉચ્ચાર્યું. એનો ઇશારો પૈસા પડાવવાનો હોય એ સાફ છતું થતું હતું.

‘મતલબ... ?’ સૂર્યવંશી વચ્ચે બોલ્યો.

‘સર, નૌટંકી દેખી... ?’

‘જાઓ,તુમ અપને રેસિડન્ટ ડૉકટર કો બુલાઓ... ઔર ઇસકો એડમિટ કરો.. સમજે ?’

ઘોઘરા શાંત સ્વરે મળેલી સૂચનાથી પેલો વૉર્ડબોય જરા ઠંડો થઇ ગયો. લાગે છે કોઇ ભડકમદાર એવા કંઇક વિચારથી વધુ આડોડાઇ કરવાની હિંમત ન ચાલી.

‘હમણાં જ આવ્યો..’ કહી ઝડપથી અંદર ગયો.

થોડી જ ક્ષણોમાં વૉર્ડબૉય બીજા સાથી સાથે આવતો જણાતો. બંનેએ સ્ટ્રેચર પકડ્યું હતુ અને પછી તો ક્યાંકથી મેટ્રન પણ ફૂટી નીકળી. ગુડ ઇવનિંગ મૅડમ... પ્લીઝ, કોલ યોર રેસિડન્ટ ડૉક્ટર.. મેટ્રનને એવું કહેવાની જરૂર ન પડી હોય એમ નહીંવત સમયમાં ડૉક્ટર પણ આવી પહોંચ્યાં.

‘ઘા બહુ ઊંડા નથી.. અને આમ ઇજા પણ ખાસ નથી..’ ડોકટરે સલોનીને તપાસીને કહ્યું, પરંતુ પછી હળવેથી ઉમેર્યુ પણ ખરું:

‘સોરી, આ એક્સિડન્ટ કેસ છે એટલે...’ ડૉકટરે સલોનીની પલ્સ જોતાં કહ્યું. ડૉક્ટરે જે કહ્યું એનો અર્થ એવો થતો હતો કે પેશન્ટને સરકાર માન્ય હોસ્પિટલમાં જ સરવાર મળી શકે. આ પ્રાઇવેટ નર્સિંગહોમમાં નહીં.... પાછળથી પોલીસની ઝંઝટમાં કોણ પડે ?

‘ડૉક્ટર, તમે આ એક્સિડન્ટ કેસની ટ્રીટમેન્ટ કરો, બાકીનું હું જોઉ છું..’ડૉક્ટર પોતાની સામે ઊભા રહીને ફરમાન કરતી વ્યક્તિનો સત્તાવાહી અવાજ સાંભળી જરા સન્ન રહી ગયો.

પાંચ ફુટ અગિયાર ઇંચની હાઇટ, પહોળા ખભા, ઘાટીલુ, છતાં સ્લીમ બોડી, ટ્રીમ કરેલી વ્યવસ્થિત મૂછ... હળવો પફ પાડીને ઓળેલા શ્યામ-શ્વેત વાળ, એની તેજસ્વી આંખોમાં કંઇક એવું ચુંબક હતું, જે સામાને પોતાનો આદેશ માનવા પર મજબૂર કરી દે.

‘સર. પણ...’ રેસિડન્ટ ડૉકટર ના ભણી શકે એવી હિંમત જ એકઠી ન કરી શક્યો એટલે હજુ એ જરા ગલ્લાંતલ્લાં કરવા જાય એ પહેલા એના એપ્રન જેવા ડૉક્ટર કોટ પરનું એનું નામ વાંચી લીધુ હોય એમ પેલી વ્યક્તિ બોલી :

‘ડોન્ટ વરી, ડૉકટર બનસોડે... કોઇ પ્રોબ્લેમ નહીં થય... ઇટ’સ માય વર્ડ ટુ યુ.’

આટલું સાંભળતા ડૉ. બનસોડેને જરા વિસ્મય તો જરૂર થયું : પોતાની ઓળખ થોડી સેકન્ડ્સમાં પારખી લેનારો આ આદમી હશે કોણ.. ?

‘બાય ધ વે, આ છે મિ. સુદેશ સિંહ - એડિશનલ કમિશ્નર ઓફ પુલીસ, ક્રાઈમ બ્રાંચ.

સૂર્યવંશીએ આગળ આવીને પોતાના સરની ઓળખ આપીને આશ્ર્વર્યનો આંચકો આપ્યો. પછી પોતાની પણ ઓળખાણ આપી :

‘હું પીઆઇ કે. કે. સૂર્યવંશી.’

સિવિલિયન ડ્રેસમાં સજ્જ હોવાથી પોલીસ અધિકારીઓ સાથે પહેલાં આનાકાની કરનારા ડૉકટરે હવે સલોનીની તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી. જો કોઇએ આ એક્સિડન્ટ થતાં નજરે નિહાળ્યો હોય તો માની પણ ન શકે કે સલોની કઇ રીતે મોતને હાથતાળી આપીને છટકી હશે. એકસોવીસની સ્પીડમાં દોડતી કાર સલોનીની અસાવધાનીને કારણે તોતિંગ શિલા સાથે ભટકાઇ ત્યારે જ એની પરલોકની વન-વે ટિકિટ પાકી થઇ ગઇ હતી,પણ એમાં ચમત્કારિક બચાવ કર્યો હતો કારની એરબેગે....

સલોની હજી બેહોશ હતી.

‘નો.. નથિંગ ટુ વરી અબાઉટ... ઇજા મામૂલી છે. પણ કોઇક ગહેરો શૉક લાગ્યો હશે... શી વિલ બી ફાઇન ઇન કપલ ઓફ અવર્સ...’ ડૉ. બનસોડેએ હૈયાધારણ આપતાં કહ્યું. ખુદ એડિશનલ સીપી પોતે કોઇને આમ સારવાર માટે લઇ આવે તો પછી ટ્રીટમેન્ટમાં કચાશ રહેવાનો સવાલ જ નહોતો.

થોડાં સમય પછી તો ડૉકટરની સારવારની અસર હોય કે પછી આઘાતનાં પૂર ઓસરવાની શરૂઆત, સલોનીના બેહોશ શરીર અને ફિક્કા અચેતન ચહેરા પર ચેતન છવાતું હોય એવાં એંધાણ વર્તાઇ રહ્યાં. સલોનીના હાથની આંગળીમાં થોડી હલનચલન અને બંધ પાંપણ નીચે શરૂ થઇ ચુકેલી કીકીની આછી હિલચાલ સબ સલામતની ગવાહી આપી રહ્યા હતાં.

સુદેશ સિંહ, સૂર્યવંશી અને મોરે ક્ષણ માટે પણ ખસ્યા નહોતા આ અજનબી યુવતી પાસેથી.

‘એક વાર હોશ આવે તો એના ઘરના લોકોને જાણ કરી શકાય..’ સુદેશ સિંહ કહ્યું.

‘હા, વાટ તો જોવી જ રહી. આ મોબાઇલ ફોનની સ્ક્રીન લોક છે... પાસવર્ડ તો આ છોકરી જ જાણતી હશે. આપણે તો માત્ર ફોન રિસીવ કરી શકીએ...’ સૂર્યવંશીએ ટેકનોલોજી સામેની પરવશતાનો સ્વીકાર કરતા કહ્યું.

‘પંદર-વીસ મિનિટ મેક્સિમમ..’ સુદેશ સિંહને હવે સલોનીની બેહોશી અકળાવી રહી હતી :

‘એકવાર એના ફૅમિલીને જાણ કરી દઇએ એટલે આપણે છૂટાં...’

હજી તો સુદેશસિંહ વાત પુરી કરે એ પહેલાં જ સલોનીનો મોબાઇલ ફરીવાર રણક્યો :

‘ફરી એ જ પ્રાઇવેટ નંબર.... અનરજિસ્ટર્ડ...’ મોરે પાસે રહેલો સલોનીનો મોબાઇલ સૂર્યવંશીએ પોતાના હાથમાં લીધો.

ફોનની રિંગ હજી સતત વાગી જ રહી હતી ત્યાં તો સૌના આશ્ર્વર્ય વચ્ચે સલોની રીતસર ચીસ પાડતી બોલી ઊઠી :

‘વિક્રમ.... પ્લીઝ... સ્ટોપ ઇટ... !’

હળવે હળવે ભાનમાં આવી રેહેલી સલોનીનો આચાનક આવો પ્રતિભાવ પોલીસ ઑફિસર ઉપરાંત પાસે ઊભેલા ડૉ. બનસોડે ને પણ આશ્ર્વર્ય પમાડી ગયો.

મામલો ગરબડ છે એટલી વાત તો પોલીસ ઓફિસરો એક ક્ષણમાં પામી ગયા હતા. ડૉ. બનસોડે અને એક નર્સ ભાનમાં આવી ગયેલી સલોનીની સારવારમાં પરોવાયા ને સુદેશ સિંહ અને સૂર્યવંશી સિગારેટનો કશ ખેંચવા નર્સિંગહોમના કમ્પાઉન્ડમાં આવીને ઊભા રહ્યાં.

સુદેશ સિંહે પોતાનો મોબાઇલ કાઢીને સમય જોયો. રાતનો દોઢ વાગી ગયો હતો શહેરના પ્રદૂષણથી મુક્ત આકાશ આખું હીરેમઢ્યું હોય એવું ઝગમગી રહ્યું હતું. સુદેશ સિંહે પોતાના શર્ટના ઊપલા પોકેટમાંથી ટ્ર્રિપલ ફાઇવ સિગરેટ કાઢીને બે હોઠ વચ્ચે દબાવી.

‘સર, ડિસ્ચાર્જ અત્યારે જ આપી દેશે..’ સુદેશ સિંહ તરફ ઝડપભેર આવી રહેલો મોરે બોલ્યો.

‘માચિસ લાવ, મોરે..’ સુદેશ સિંહ બોલ્યો. એ ન તો હાથમાં વૉચ પહેરતો, ન પાસે મેચબોક્સ કે લાઇટર રાખતો. મોરેએ પોતાની માચિસથી સરની સિગારેટ પેટાવતાં કહ્યું :

‘સર, આપણે આ મૅડમને હવે મૂકવા જવું પડશે ને ?’

‘હા, એ તો જવું જ પડે !’ સુદેશ સિંહ કંઇ ઊંડાં વિચારમાં હોય એમ બોલ્યા :

‘સૂર્યવંશી, કંઇક ગરબડ છે મારી સિકસ્થ સેન્સ કહે છે.’

‘સર, તમારી વાત ક્યારેય ખોટી નથી પડતી એ વાત તો બરોબર, પણ આમાં તો ચોખ્ખું ચોખ્ખું દેખાય જ છે... જોયું નહીં, પેલી ફોનની રિંગ સાંભળીને એ કેવી ડરી ગયેલી ? કેવી ચીસાચીસ કરી મૂકી... ?’

‘હં...’ સૂર્યવંશીની અટકળમાં વજુદ્દ તો હતું જ. સુદેશ સિંહને હોશમાં આવી રહેલી સલોનીની આવેશમય વર્તણુંકથી જ નહીં.,બલકે એ પહેલાં મોબાઇલ પર વારંવાર ફ્લેશ થતા અનરજીસ્ટર્ડ નંબર સાથે જ આશંકાના બીજ વવાઇ ગયા હતા.

આ છોકરી ક્યાંક ફસાઇ જશે ? પછી કોઇક ગેન્ગનો હાથો બની ગઇ હશે ?

‘સર, શક્ય છે કે એ છોકરી નશેબાજ હોય ! આજકાલ તો મોટાં ઘરનાં છોકરા-છોકરીઓ માટે નશો કરવો તો જાણે ફેશન બની ગઇ છે !’ સૂર્યવંશીએ પોતાનો આગવો મત રજૂ કર્યો.

‘એમ સૂર્યવંશી, તું પણ... ! સુદેશસિંહે પોતાના પડછયા જેવા સૂર્યવંશીની વાત હસી તો કાઢી,પણ એના મનમાં હવે ધીરે ધીરે કંઇક ગડ બેસી રહી હતી.

* * *

‘યુ કેન ગો હોમ... ફક્ત એટલું ધ્યાન રાખજો કે બે અઠવાડિયા સુધી હેરવોશ ન કરતા અને આ કપાળ ને માથાંમાં થયેલા ઘા ન રૂઝાય ત્યાં સુધી ડ્રેસિંગ નિયમિતરૂપે થાય એ જરૂરી છે..’ ડૉ. બનસોડે ડિસ્ચાર્જ આપતી વેળાએ સલોનીને જરૂરી સુચના આપી રહ્યા હતાં ?

સલોનીએ ચૂપચાપ સૂચના સાંભળી તો લીધી, પણ મનોમન એ જાણવાનો પ્રયત્ન કરી રહી કે પોતે અહીં આવીએ કઇ રીતે ?

એને યાદ હતું માત્ર છેલ્લું એક દૅશ્ય. કાળમીંઢ મહાકાય શિલામાં એની કારનું ધસી જવું. કોઇ જબરી પથ્થરની વર્ષાને કારણે ચૂરચૂર થઇ તુટી ગયેલી વિન્ડસ્ક્રીનનો કાચ અને આ બધું થયું તે પહેલાં-માત્ર થોડી ક્ષણ પહેલાં ફોન પર થયેલી વાતચીત-વિક્રમ સાથેની વાતચીત.

‘અરે, મારો મોબાઇલ ?

સલોનીને અચાનલ ઝટકો લાગ્યો. એ કદાચ કારમાં જ પડ્યો હશે અને ધરો કે ચોરાઇ ગયો તો સિમ કાર્ડ બ્લોક કરાવી નવું મળવા સુધીની પ્રકિયામાં બીજા બે-ચાર દિવસ તો... ઉફફ, તો વળી પાછો વિક્રમ સમજશે કે...

વિક્રમ સમજશે... વિક્રમ, વિરવાનીને જાણ કરી દેશે... વિરવાની ક્રોધથી પાગલ થઇ જશે... એ પછી આમ ને તેમ, સલોનીના મગજમાં ફરી વિચારોનો વંટોળ એવો ફૂંકાતો ચાલ્યો કે એણે પોતાનું માથું બે હાથ વચ્ચે દાબી દેવું પડ્યું.

‘નો મોર.... આઇ કાન્ટ ટેક ઇટ એની મોર...’

સલોની પોતાના મનને જ નાના બાળકને સમજાવે તેમ સમજાવતી હોય તેમ સ્વગત બોલી રહી હતી. એને શું ખબર કે માત્ર દસેક ફૂટ દૂર ઊભેલા એડિશનલ પોલીસ કમિશ્નર સુદેશ સિંહ, ઇન્સ્પેકટરર સૂર્યવંશી અને હવાલદાર મોરે આ બધું જોઇ રહ્યાં છે.

લગભગ ત્રણ વાગ્યાના સુમારે સલોનીને લઇને સ્ટર્લિંગ નર્સિંગહોમથી ઊપડેલી વ્હાઇટ ઇનોવા બાન્દ્રા અલ –સિડ એપાર્ટમેન્ટ્સ પર આવીને થોભી ત્યારે સવારનું બ્રહ્મમુહૂર્તથઇ ચૂક્યું હતું. પોતાની મદદે આવેલા આ સજ્જનોનો આભાર માનવા સલોની પાસે શબ્દો ખૂટી પડ્યા...

‘સોરી.... સર, આપનું નામ તો નથી જાણતી, પણ મારી પાસે આભાર માનવા શબ્દ નથી..’ સલોનીના સ્વરમાં ભારોભાર આભાર સાથે આદર નીતરતો હતો.

‘માય પ્લેઝર ઇન્ડીડ, મૅમ...’ સુદેશ સિંહ વિનમ્રતા સાથે બોલ્યો. પોલીસના એક ઉચ્ચ અધિકારી તથા એક સજ્જન જાગ્રત નાગરિક તરીકે એની ફરજ પૂરી થતી હતી.

‘સોરી,પણ તમારું નામ જ ન પૂછ્યું. મે આઇ હૅવ યોર કાર્ડ,પ્લીઝ..’ સલોનીના અવાજમાં હળવી માત્રા ક્ષોભની ભળી હતી, પોતાની મદદે આવેલી આ ફરિશ્તા જેવી વ્યક્તિની ઓળખ પણ નહોતી થઇ.

‘અને હા, ઉપર આવશો ને કોફી પીશો તો મને સારું લાગશે...’ સલોનીના મગજ પર અહેસાનનો ભાર હાવી થઇ રહ્યો હતો. આંમત્રણ આપવાની સલોનીની નિર્દોષ રીત કદાચ થોડી હેરતભરી લાગી હોય એમ સુદેશ સિંહના ચહેરા પર એકાદ મિલીમીટર જેટલું બારીક સ્મિત રમીને અદૅશ્ય થઇ ગયું.

‘થૅક્યુ, ફરી કોઇ વાર... આજે નહીં..’ સુદેશ સિંહ નમ્રતાપૂર્વક સલોનીના નિમત્રંણનો ઇનકાર કર્યો.

‘અને આ તમારો મોબાઇલ ફોન..’ મોરેએ પોતાની પાસે રાખેલો સમોનીનો આઇ ફોન એના હાથમાં સોંપતા કહ્યું.

‘અરે ! થૅન્ક્સ...’ સલોનીના ચહેરા પર હૂંફાળું રાહતભર્યું સ્મિત આવ્યું.

‘પ્લીઝ, તમારું કાર્ડ આપી શકો છો.. ?’ સલોનીએ ફરી એક વાર આગ્રહ કર્યો. આજે નહીં તો કાલે. મદદ કરનારા આ નખશિખ સજ્જન લાગનાર દેવદુતને પોતે બુકે સાથે દિલથી થેન્ક યુ તો કહી શકે !

’મૅમ.... મારાં વિઝિટિંગ કાર્ડ જ નથી...’ સુદેશ સિંહના ખભા હળવી રીતે ઊંચક્યાં. જેમાથી નીતરતી હતી ભારોભાર સહજતા.

સલોનીના ચહેરા પર અંકાયેલી પ્રશ્નાકાર રેખા જોઇને ખુલાસો કરતો હોય એમ સુદેશ સિંહ બોલ્યા :

‘વિઝિટિંગ કાર્ડ છપાવ્યાં જ નથી... તો શું આપું ?’

સલોની વિસ્ફારિત આંખોથી આ અલગારી આદમીને તાકતી રહી. સ્ટેશન પર પાંચ રૂપિયાની બોલપેન વેચનારો ફુટપાથ પર ફુલ વેચનારો પણ આજકાલ પોતાના વિઝિટિંગ કાર્ડ છપાવી શકે એવી માયાવી મુંબઇમાં પેલો માણસ એવો પણ મળ્યો, જે પોતાના વિઝિટિંગ કાર્ડ નથી છપાવતો !

‘ઓકે... વાધો ન હોય તો તમારો નંબર તો આપો... અને તમારું નામ પણ !’ સલોનીએ મીઠો કટાક્ષ કરીને જલદી પીછો ન છોડવો હોય એમ ફરી પ્રયત્ન કર્યો.

’સુદેશ સિંહ..’ કોઇક સભાનતાથી પોતાની ઓળખ છૂપાવી રહ્યો હોય એવું સલોનીને લાગ્યું.

‘યૅસ, નંબર પણ સ્ટોર કરી લો. ૯૮૨૦૧....’

સુદેશ સિંહ બોલતો ગયો અને સલોની પોતાના મોબાઇલમાં સેવ કરતી ગઇ.

એ સેલ નંબર સાંભળી સૂર્યવંશી અને મોરે થોડાં આશ્વર્ય સાથે એકમેક જોઇ રહ્યાં.

નંબર સેવ કર્યા પછી હવે વધુ વાત તાણવાનો અર્થ નહોતો એવું સલોનીને લાગ્યું. ફરી એક વાર થેન્ક યુ કહી પ્રાઇવેટ લિફ્ટમાં પ્રવેશી ટૉપ ફ્લોરનુ બટન પ્રેસ કર્યું. ઓટિસના ઑટોમેટિક સ્ટીલ શટર્સ બંધ થયા અને લિફ્ટની પૅનલ પર રેડ લાઇટ ફલેશ થઇ. ‘ચલો... આપણી ડ્યુટી પૂરી...’ સુદેશ સિંહે એક્ઝિટ તરફ પગલાં માંડ્યા.

‘સર, તમે એક વાત નોંધી... પાછળ ચાલી રહેલા સૂર્યવંશીએ લગભગ લગોલગ આવીને પોતાના બૉસના કાનમાં ફૂંક મારતો હોય એવા દબાયેલા અવાજે પૂછ્યં.

;હં.. શું.. ?’ લાઉન્જની બહાર નીકળી રહેલા સુદેશ સિંહન્નું ધ્યાન રિસેપ્શન પર હાજર સિક્યોરિટી સ્ટાફ પર હતું.

‘સર.. એ જે લિફ્ટમાં ગઇ એ તો પ્રાઇવેટ લિફ્ટ હતી.’ સૂર્યવંશીના અવાજમાં જાણે ડિટેક્ટિવની શૈલીનો છંટકાવ હતો.

‘હા, તો ?’ સુદેશ સિંહે જરા મંદ અવાજે હુંકારો ભણ્યો હવે એ કદાચ થાક્યો હતો એથી વધુ કંટાળ્યો હતો.

‘સર, એ પ્રાઇવેટ લિફ્ટ હતી ટોપ ફ્લોર માટે, જે આખો ફ્લોર વિરવાનીઝ ગ્રુપ ઓફ કંપનીઝનો છે... મેં નેમપ્લેટ જોઇને રી-ચેક પણ કર્યું, ત્યાં પણ બ્લુ બર્ડ પ્રાઇવેટ લિમિટેડ જ લખ્યું હતું. ‘સૂર્યવંશીના સ્વરમાં અધીરાઇ ડોકિયાં કરી રહી હતી.

બૉસે કોઇ ખાસ રસ બતાવ્યો નહીં એટલે સૂર્યવંશી ના ઉત્સાહ પર થોડું પાણી તો જરૂર રેડાયુ હતું.

‘સર...’સૂર્યવંશી ફરી કંઇ બોલવા ગયો..

‘સૂર્યવંશી, માની ગયો તારી અવલોકનશક્તિને, બસ...’ સુદેશ સિંહે વાત પતાવવી હોય એવી નિર્લેપતાથી કહ્યું... નહીંતર સૂર્યવંશી વાતનો તંત નહીં છોડે..

’સર, આ પેલી હતી... પેલી સિરિયલવાળી છોકરી... ગૌતમ વિરવાનીનું ચૅપ્ટર થયેલુંને તે ! યાદ છેને ?’ સૂર્યવંશી એકશ્વાસમાં બોલી ગયો.

‘અરે ! હા...’ સુદેશ સિંહના મગજમાં ઝબકાર થયો :

‘યૅસ, સૂર્યવંશી... યુ આર રાઇટ !’

સુદેશ સિંહ ઇજાગ્રસ્ત સલોનીના ચહેરાને યાદ કરી રહ્યો. પોતે એ સમાચારમાં જોયેલી સલોની કરતાં આ છોકરી ઘણી જૂદી લાગી રહી હતી... કદાચ એટલે પણ ચહેરો ક્લિક ન થયો હોય એવું પણ બને !

‘હા, સૂર્યવંશી, એ તારી વાત સાચી, પણ મોરે હવે જલદી પહોંચાડ... હમણાં સવારે સાત વાગ્યે પંડિતજી હવન માટે હાજર થઇ જશે... કલાકની ઊંઘ તો જરૂરી છે.’ સુદેશ સિંહે બે હથેળી ઘસી ચહેરા પર ફેરવી. આખા દિવસના થાકે હવે અચાનક હુમલો કર્યો હોય એમ શરીર અને આંખો ભારે થઇ રહ્યા હતા.

‘સર !’ મોરેએ એક્સિલેટર પર વધુ પ્રેશર આપ્યું અને ઇનોવા ઊડવા લાગી :

‘અરે ! હા. સર.. આ બધી પળોજણમાં આપણે એ તો ભૂલી ગયા કે આજે મૅડમની પુણ્યતિથિ છે !’

***