Ek Chaal Tari Ek chaal mari - 5 in Gujarati Fiction Stories by Pinki Dalal books and stories PDF | એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 5

Featured Books
Categories
Share

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 5

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 5 )

‘પપ્પુ, કહાં હો આજકલ ?‘

સામેવાળો ફોન ઊચકીને હલો બોલ્યો ત્યાં તો સીધું તીર જ છોડ્યું વિક્રમે.

‘અરે ! વિકી શેઠ, બહોત દિન કે બાદ.... ‘પપ્પુ પારધી એના માવાથી પીળા, કાબરચીતરાં થયેલાં દાંતને દીવાસળીથી ખોતરતાં બોલ્યો :

‘આજકાલ યાદ નહીં કરતે હમેં.... !’

‘અરે, પપ્પુ, ખાલીપીલી કિસી કો પરેશાન કરના મેરી આદત નહીં... તું તો જાનતા હી હૈ... હાં, પર અભી કામ કી બાત હૈ, બોલ, કબ ફોન કરું ?

પપ્પુ પારધી થોડી હેરત પામી રહ્યો : શું વાત છે ! વિકી શેઠ પોતાને ફોન કરીને ટાઇમ માંગે છે!

‘અરે, હમણાં જ બોલો ને ! તમારા માટે આપણે ચોવીસ કલાક હાજર.... બોલો, બોલો !’

પપ્પુ પારધીને થયું કે સાચે જ સવારે જમણા હાથમાં ચળ આવતી હતી ને ત્યારે થયેલું કે લક્ષ્મીયોગ બનશે જ, પણ આમ તરત દાન ને મહાપુણ્ય જેવા સંજોગો તો કલ્પ્યા નહોતા.

‘ઓ. કે., તો બડે ધ્યાન સે સુન.’

વિકીએ અવાજ બને એટલો ધીમો કર્યો. વાતાવરણમાં નીરવ શાંતિ હતી. આજુબાજુ પણ કોઇ અવરજવર નહોતી, છતાં માનસિકતા જ ઘડાઇ ગઇ હતી હવે તો.

‘તમારે ત્યાં પેલી સોપક્વીન છે, જાણે છેને ?’ ધીમા-ગંભીર અવાજે વિકીએ કહ્યું.

‘સોપક્વીન ?માને સિરિયલવાળી ? ‘પપ્પુએ જરા સ્પષ્ટીકરણ માગ્યું હોય એમ સામો પ્રશ્ન કર્યો.

‘અરે, હા !’ વિકી જરા હડબડાયો. આ પપ્પુ માત્ર નિશાન જ સચોટ તાકી શકતો એટલે જ અંડરવલ્ડૅના વણલખ્યા નિયમ પ્રમાણે નામ પડી ગયું પપ્પુ પારધી. બાકી, માળો બહેરો ઠીક સાંભળી પણ નહોતો શકતો, પણ અત્યારે મગજ પર સવા કિલો આઇસ મૂકીને કામ કરવાનું હતું. જરાસરખી ગાફેલગીરી મામલો બગાડી નાખે એ હરગિજ ન પોસાય, વિક્રમે વિચાર્યું.

‘હા, વિકી શેઠ. તમે કહી રહ્યાં હતાં ને. કેમ અટકી ગયા ?’ સામેથી પપ્પુ પૂછી રહ્યો હતો.

‘અરે, હા... તો હું કહેતો હતો કે તમારે ત્યાં હમણાં નંબર-વન સોપક્વીન છે એની ગેમ કરવાની છે, પણ ફાઇનલ એક્ઝિટ નહીં. એ પ્લાન પછી તને આપીશ. તારો પેલો બીજો મોબાઈલ ચાલુ છેને ?’

અંડરવલ્ડૅમાં થતાં ઓપરેશન પ્રમાણે એક પ્લાન બે વ્યક્તિ વચ્ચે ચર્ચાતો જરૂર, પણ ત્રણ-ચાર જુદાં-જુદાં સિમવાળા હેન્ડસેટ પર, કોઇક બે વાક્ય એક પર, બીજા ફોન પર એકાદ કોડવર્ડ, ત્રીજા સ્માર્ટ ફોનનાં વ્હોટ્સઍપ મેસેન્જર પર ઑડિયો ક્લિપ કે ટેક્સટ તો ચોથા ફોનના યાહુ મેસેન્જર પર... પણ સમસ્યા હતી આ પપ્પુ પારધીની. એ બીજા બધા ગૅગસ્ટર જેવો અભણ તો હતો જ, પણ જરૂર પડે આ બધું શીખી ટેક્નોસેવી બનવાનું એને ક્યારેય નહોતુ ફાવ્યું. કદાચ આ કારણ હતું પપ્પુ પારધીનાં વળતાં પાણીનું.

‘પપ્પુ, બીજો ફોન છેને ? તો મારા દુબઇના નંબર પર કોલ કર!’ મલેશિયામાં બેઠેલો વિક્રમ એક પ્લાન ચર્ચવા ત્રણ મોબાઇલ રાખતો. એક કાર્ડ મલેશિયાનું લોકલ, બીજું દુબઇનું ને ત્રીજું ઇન્ડિયાનું.

‘શેઠ, અત્યારે તો બારમાં બેઠો છું. બીજો ફોન સાથે નથી... પણ બોલી દો, વાંધો નહીં. આજકાલ પોલીસ મોટી માછલીઓ પાછળ છે વાંધો નહીં આવે..’

આ બોલતા પપ્પુ પારધી નક્કી ખંધુ હસી રહ્યો હશે એવી અટકળ વિકીએ કરી લીધી, જે સાચી પણ હતી. પપ્પુને બહુ દિવસે હાથમાં આવેલો બિઝનેસ ગુમાવવો નહોતો એ વાત નક્કી હતી.

‘ઠીક છે, તો સાંભળ... પ્લાન બી પછી કહીશ, પણ અત્યારે તો તું ફ્કત એટલું જ કર કે મિસ સોપક્વીનની અવરજવર પર નજર રાખ. એ ક્યાં જાય છે, ક્યારે જાય છે, ક્યારે આવે છે, કોને મળે છે, ક્યાં મળે છે ? એ બધી હિલચાલ પર અઠવાડિયા સુધી નજર રાખ, સમજ્યો ? ‘વિકીએ ઝાઝી વાત કરવી જરૂરી ન સમજી. એક ફોન પર લાંબી વાત કરવી એ સલામતી જોખમાવવાનું સૌપ્રથમ ભયસ્થાન.

‘ઓકે શેઠ, સમજી ગયો.... પણ તમે કહ્યું નહીં, નજર કોની પર રાખવાની ?’ પપ્પુ મુંઝાયો હોય એમ પૂછી બેઠો.

‘અરે !’ જબાન પર આવેલું ગધે વિક્રમ ગળી ગયો.

‘અરે... ! કહ્યું તો ખરું, તમારી પેલી સોપસ્ટાર પર....

વિક્રમને હવે આ બેવકૂફ માણસ પર ચીડ ચડી રહી હતી. એક જમાનાનો અવ્વલ દરજ્જાનો શાર્પ શૂટર એક બારગર્લથી દિલ વિંધાવી બેઠો. અંડરવલ્ડૅમાં જેના નામના સિક્કા પડતા હતા. એ એક બારવાળી માશુકાના પ્રેમમાં શરીફ ને ઇજ્જતદાર બનવાનાં સપનાં જોવા લાગ્યો ને થયું શું ? માશુકાને તો હાથમાં લીલી નોટનો હાર લઇને પહેરાવતો આશિક ખપતો હતો.... આવો મુફલિસ દિવાનો નહીં.

માશુકા તો આવી હતી એવી જ હવામાં ઓગળી ગઇ ને આ તો ખરેખર દીવાનો થઈ ગયો, એક દસ બાય બારની ખોલીને, હાથમાં પૈસા હોય તો બાર, નહીં તો આન્ટીનું સસ્તું પીઠું. બસ. એ જ જિંદગી રહી ગઇ.

પોતાની ચીડ પર કાબૂ મેળવી વિક્રમે શાંત સ્વરે ફરી દોહરાવી એ જ વિગતો. જે એ પહેલાં કહી ચૂક્યો હતો.

‘પણ શેઠ, પ્રોબ્લેમ એ છે કે આ ક્વીન એટલે કોણ ? આજકાલ તો બધીઓ પોતાને ટીવીની સુપરસ્ટાર માને છે ને બીજું એ કે હું તો કદીય આ સિરિયલો જોતો પણ નથી. મને શું ખબર કોણ અત્યારે હિટ છે ને કોણ પીટ..’ પપ્પુ બોલ્યો હતો સાહજિક રીતે, પણ વિક્રમને એમાં મીટર ચઢતું લાગ્યું.

સાલો બે વર્ષથી બેકાર રહેલો શરાબી એની કિંમત કરતા દોઢી વસૂલી કરીને જ રહેવાનો

વિક્રમે આ તમામ પરિબળનો વિચાર કરી જ રાખ્યો હોય એમ હળવેથી કહ્યું :

‘પપ્પુ સલોની... જીના યહાં, મરના યહાંની દેવયાની... હવે એમ ન પૂછતો એ સિરિયલ કઇ ચેનલ પર અને ક્યા સમયે આવે છે, સમજ્યો ?’

વિક્રમનું મગજ હવે તપી ગયું છે એની નોંધ શાર્પ શૂટરે લીધી હોય એમ ક્ષણભરમાં મામલો પામી લીધો.

‘વધુ વાત હવે હું બે-પાંચ દિવસમાં ફોન કરું ત્યારે અને હા, યાદ રહે... તારે ફક્ત નજર રાખવાની છે, બીજું કંઇ જ નહીં... ઓકે ?’ વિક્રમે પોતે સોંપેલી ડ્યૂટી પેલા દારૂડિયા પપ્પુની જડ બુદ્ધિમાં ઊતરી છે કે નહીં એની ખાતરી કરી લેતાં કહ્યું.

‘ઓકે, શેઠ... ઓકે, નો ટેન્શન...’ પપ્પુએ ખાતરી આપી એટલે વિક્રમને જરા ધરપત થઇ.

પપ્પુ પારધીને કામ સોંપવામાં એકમાત્ર વાંધો એની જડતાનો, બાકી એના જેવો શૂટર નહીં. આમ પણ છેલ્લાં બે વર્ષથી પોતે જ એવો દેવદાસ થઇ ગયેલો કે પોલીસફાઇલમાં પણ એની એન્ટ્રી ઓછી થઇ ગયેલી. આવા સંજોગોમાં એનો ઝાઝો શક પણ કોઇ કરવાનું નહોતું.

મનોમન ગોઠવેલી બાજીનું પપ્પુ પારધી નામનું પહેલું પાનું વિક્રમ હવે ઊતરી ચૂક્યો હતો

* * *

‘વિકી, બી કેરફુલ... કામ એટલું પાકેપાયે થવું રહ્યું કે એનાં કોઇ છેડાં ભૂલેચૂકે મારી સાથે કે મારી કંપની સાથે ન જોડાય....’

નોર્થ કોરિયાના પોર્ટ સિટી લેખાતા વોન્સનના એક બીચ રિસોર્ટ્માં વિક્રમ સાથે મિટિંગ ગોઠવવામાં ગૌતમને શાણપણ સમજાયું હતું. આટલી અમસ્તી વાત માટે પોતે વિક્રમને મળવા જવું પડે એ વાત એને જરા હીણપત ભરી લાગી હતી, પણ ફોન પર ખુલીને વાત કરવી જોખમી હતી. વારંવાર દુબઇ આંટા મારી આવ્તા વિક્રમને મળવા પોતે દુબઇ જાય તો કોઇની આંખે ચઢી જવાય... અને વિક્રમને ઇન્ટરપોલની જાળથી મૂકી્ત જગ્યાએ મળવામાં જ ડહાપણ હતું. મિટિંગ દુનિયાના કોઇ પણ છેડે થાય, પછી એ ફળદાયી નીવડે એ વાત સૌથી મહત્વની હતી.

‘સર, મારા પર છોડી દો તમતમારે જલસા કરો. જો તમે ચિંતા કરશો તો અમે શું કામના....’

આત્મવિશ્વાસના રણકા સાથે વિક્રમે ગૌતમને ખાતરી આપતા કહ્યું. કહેવાતા ભદ્ર સમાજના વરુઓની ટોળકીમાં ફરતા વિક્રમ આવી ભાષા અને સભ્યતા એવી શીખી ગયો હતો કે એ લાગે તો મધ મીઠી, પણ હોય છરી.

‘જુઓ, જે પ્રમાણે મેં વિચાર્યું છે એ પ્રમાણે સલોની પોતે ફાઇનલ એક્ઝિટ કરશે.’

વિક્રમે ઓરેન્જ જ્યુસનો મોટો ઘૂંટડો ભર્યો. આખરે તો આ બિઝનેસ મિટિંગ હતી પોતાની, એમાં કોઇ ગાફેલગીરી ચાલી જ શકે નહીં...

‘હમ્મ....’ વિક્રમના પ્લાનને બારીકાઇથી સમજવા માગતો હોય એમ ગૌતમની આંખ જરા ઝીણી થઇ.

‘વિકી, એક વાત સમજી લે, આ સલોની જરા જૂદી માટીની છે. એ કોઇ લાલચમાં આવે એવી નથી. ન એ કોઇ લુખ્ખી ધમકીથી માની જાય.... પેલી મોહનાવાળી વાત કદાચ અહીં નહીં જામે.’

ગૌતમે પોતાના મનમાં ઘૂમરાઇ રહેલા શકને વાચા આપી દીધી. ગૌતમના મનમાં હતું કે મોહના વર્મા જેવી જ ગેમ વિક્રમે જો સલોની માટે વિચારી રાખી હોય તો એ ભૂલ કરે છે. મોહના વર્મા થોડી લાલચુ ને વળી ડરપોક પણ ખરી. આ સલોની છે જૂદી જ ચીજ ને ઉપરથી લોમડી જેવું દિમાગ....

‘સર જી, બિલિવ મી, યુ કેન ટ્રસ્ટ માય સ્ટ્રેટેજી.’ ગૌતમને સહમત કરાવવાનો એક વધુ પ્રયાસ કર્યો વિકીએ, પણ નિરર્થક.

ગૌતમ જરા વધુ પડતો અપસેટ હતો. મોહના વખતે માત્ર ચીફનો ડર હતો. હવે ચીફ ઉપરાંત એવિયેશન કંપની ને ફિલ્મ પ્રોડક્શનની પણ માથે ચેલેન્જ હતી. ઉપરાંત ત્રીજી બાજુ મામલો જરા નાજુક થઇ રહ્યો નફીસાને કારણે....

‘જો વિકી, એ બરાબર છે તું જે કરશે તે હન્ડ્રેડ પર્સેન્ટ જ હશે, પણ આ વખતે મને જરા આઉટલાઇન આપવી પડશે તારા પ્લાન ઓફ એક્શનની.... જો કંઇક આંડુઅવળું વેતરાયું તો...’ ગૌતમે પોતાનું વાક્ય અધૂરૂં મૂકી દીધું, જેના પરિણામના વિચારમાત્રથી એ કંપી ઊઠ્યો હતો.

‘જુઓ સર, મારે તમને કહેવું તો નહોતું જ, પણ હવે તમે આમ નબળા પડો છો એટલે તમને મારા પ્લાનની રૂપરેખા કહીં દઉં.’ વિક્રમની મુદ્દલે ઇચ્છા નહોતી કે એ પોતાનો ફુલપ્રૂફ થયા વિનાનો પ્લાન ગૌતમ સાથે ચર્ચે, પણ ગૌતમની હાલત જોયા પછી એને વિશ્વાસમાં લીધા વિના છૂટકો નહોતો.

‘મારો એકશન પ્લાન બે-ત્રણ તબક્કામાં છે, જેમાંથી પ્લાનના પહેલા તબક્કા પર ઓલરેડી કામ ચાલુ થઇ ગયું છે...’

વિક્રમ જરા શ્વાસ ખાવા થોભ્યો. આ સાંભળીને ગૌતમના ચહેરા પરના હાવભાવ વાંચવા જરૂરી હતા, પણ એવી કંઇ હાશકારાની લાગણી ગૌતમના ચહેરા પર ન ફરકી એટલે વિક્રમે વાતનો દોર ફરી સાધી લીધો.

‘સલોનીની એક મેગા સિરિયલ ચાલુ છે... બીજાં કોઇ નાના-મોટા કામ છે, પણ મુખ્ય આધાર છે જીના યહાં... સિરિયલ પર, જેમાં એ મેઇન કેરેક્ટર છે દેવયાનીનું... બરાબર ? વિક્રમે પૂછ્યું.

‘નો આઇડિયા. આઇ ડોન્ટ વોચ સચ સ્ટુપિડ સિરિયલ...’ ગૌતમે ખભા ઉચાળ્યા :

‘હા, એ સિરિયલ બહુ પોપ્યુલર છે એવું મે સાંભળ્યું છે.’

‘રાઇટ, છતાં છેલ્લાં થોડાં સમયથી એના ટીઆરપી ઘટતી જાય છે એટલે મારા સોર્સના જણાવ્યા પ્રમાણે આઠ-દસ વર્ષનો જમ્પ આવી રહ્યો છે એ સિરિયલમાં....’ વિક્રમ પાકું હોમવર્ક કરીને આવ્યો હોય તેમ બોલ્યો.

વિક્રમ પર હવે ગુસ્સો આવી રહ્યો હતો ગૌતમને : ટુ ધ પોઇન્ટ કેમ નથી આવતો આ માણસ ?

ગૌતમના મનમાં ચાલી રહેલા વિચાર પામી ગયો હોય એમ વિક્રમ હળવેક્થી બોલ્યો :

‘હું પોઇન્ટ પર આવી જ રહ્યો છું, પણ મારે આ વાતની પ્રસ્તાવના બાંધવી પડી, કારણ કે મને એ ખબર છે કે તમે સલોનીને સિરિયલ કે એની પ્રોફેશનલ ફ્રન્ટની સ્થિતિથી અવગત નહીં જ હોય !

‘હમ્મ...’ ગૌતમ માત્ર હોંકારો ભણીને ઉઠ્યો. પોતાને હેન્ડબેગમાંથી લંબચોરસ બોક્સ કાઢી જાણે અણમોલ જ્વેલરી કાઢતો હોય એવી સાવધાનીથી એક નાની પડીકી કાઢી. અર્ધપારદર્શક કાગળની એ પડીકીમાં મરી જેવા ઝીણા ઝીણા દાણાં હતાં. પછી ગૌતમે સિગારેટના પેકેટમાંથી એક સિગારેટ લીધી. એક ખૂણેથી સિગારેટ તોડીને એનું તમાકુ બહાર કાઢી પેલી પડીકીના ઝીણા દાણાં સાથે મિક્સ કરી નાખ્યું. ત્યારબાદ પેલા બોક્સમાં રાખેલા સિગારેટના રોલિંગ પેપરનો એક ટુકડો કાઢ્યો. એમાં મિશ્રણ પાથરીને સિફતથી એની સિગારેટ બનાવીને હોઠ પર ગોઠવી. લાઇટરથી એને સળગાવીને ઊંડો કશ લીધો ત્યારે એના ચહેરા પર નશાની એક આછી મદહોશી છવાઇ ગઇ એ વિક્રમ જોતો રહ્યો.

ગૌતમની ઘણી ઇચ્છા હતી કે આ બધું એને કોઇની હાજરીમાં ન કરવું પડે, પણ આ નિર્દોષ લાગતું કાતિલ ડ્રગનું વ્યસન દિવસે દિવસે એને વધુ ને વધુ પકડમાં લઇ રહ્યું હતું અને આખરે વિકી તો રાઝદાર હતો. પોતાના ટુકડા પર નભાતો રાઝદાર....

‘સોરી, સર.... તમને બોર નથી કરતો, પણ પ્લાન ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે... સાંભળો...’ વિક્રમે જોયું કે ગૌતમને આ ઘડીએ સામે પેલી ગોળી સિવાય કશામાં રસ નહોતો.

‘કેરી ઓન વિકી, ઇન્ટરેસ્ટિંગ... બોલતો જા, હું સાંભળું જ છું.’ યાચક નજરે હવે બીજા કશ માટે તલસી રહેલો ગૌતમ બોલ્યો. એને પ્લાન સાંભળવામાં ખરેખર કોઇ રસ નહોતો. એને એકમાત્ર પરિણામ ખપતું હતું... સલોનીથી ઝડપી છૂટકારો !

‘હા, તો હું કહેતો હતો કે લીપ એટલે કે જમ્પ છે આઠ-દસ વર્ષનો જે સાંભળીને સલોનીના પેટનું પાણી વલોવાઇ જવાનું ! હવે આ વલોપાતને ઝંઝાવાતનું સ્વરૂપ મળે એનું પરિણામ વિચારી શકો છો ?’ વિક્રમ પ્રશ્ન પૂછીને ગૌતમના ચહેરાને તાકતો રહ્યો.

‘હમ્મ....’ ગૌતમનાં તાંબાવર્ણ ચહેરા પર અજબ શાંતિ લીંપાઇ હતી. એ પ્લાન સજ્જડતાની હતી કે ડ્રગની ? વિક્રમને પ્રશ્ન થયો.

સલોની શું ચીજ છે આ બચ્ચારો હજી જાણતો નથી... એને એમ છે કે એણે કેવો સલોનીનો ઉપયોગ કરી લીધો, પણ એને ખબર નથી કે પેલી એને કેવો બેવકૂફ બનાવી રહી છે.

‘લિસન, આપણે કોઇ ઓપરેશન કરવાનું જ નથી... આપણે તો કરવાનો છે દોરી સંચાર.’

વિક્રમના ચહેરા પર જે રીતે એક વિજય સ્મિત તરી આવ્યું એ જોઇને ગૌતમે પહેલી વાર અનુભવ્યું કે આ કામ વિક્રમ માત્ર પૈસા માટે નથી જ કરી રહ્યો

* * *

આશુતોષ, મીટ મી અર્જન્ટલી.... એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે..

સેટ પર ગળાડૂબ વ્યસ્ત આશુતોષે વ્હોટ્સઍપ પર બે કલાક પહેલાનો મેસેજ જોયો. ફ્લાઇંગ હોર્સ પ્રોડક્શનના સીઇઓ રવિ મહેરાનો એ મેસેજ હતો. અન્ય પ્રોડક્શન હાઉસિસ જેવી આ કંપની નહોતી. જે હીરોઇનના બ્લાઉઝ, પેટીકોટ કે બિંદીનાં રંગની પસંદગીમાં પણ માથું મારે. એવા માહોલમાં આવો મેસેજ... આશુતોષ દ્ધિધામાં પડી ગયો. ક્યાંક સલોનીએ કંપનીના સીઇઓ કે ચેનલના ક્રીએટિવ હેડ્નું ચક્કર તો નથી ફેરવી દીધું ને ?

સલોની પોતાની ગરાસ સાચવવા કોઇપણ હદ સુધી જઇ શકે એનો અનુભવ તો આશુતોષે છેલ્લાં થોડાં સમયમાં કરી જ લીધો હતો.

તો પછી... ? મેધાની એન્ટ્રીનો છેડ ઉડાડવાની બાજી આ મહામાયાએ ગોઠવી દીધી હોય તો એ ગેમ શરૂ થાય એ પહેલાં જ પોતાની હાર ! અને જો હુંસા-તુંસી થાય ને એવામાં એના - સલોનીના પેલા ડિનરના સિલસિલાની વાત બહાર આવી જાય તો.... તો... !

આશુતોષનુ મગજ સદંતર બહેર મારી ગયું, પણ રવિ મહેરાને મળ્યા વિના હવે છૂટકો નહોતો.

મેસેજની અગત્યતા સમજીને શુટિંગને કોરાણે રાખતા આશુતોષે પહેલું કામ કર્યુ સિદ્દીકીને બોલાવીને દિવસભરનો ચાર્જ સોપવાનું. ગણતરીની મિનિટોમાં જ આશુતોષની કાર લિન્ક રોડ પર આવેલી ફ્લાઇંગ હોર્સ પ્રોડક્શનની ઓફિસ પાસે પાર્ક થઇ રહી હતી.

* * *

‘લેટ’સ કમ ટુ ધ પોઇન્ટ, આશુતોષ.... એ કહે કે લીપ કેટલા પિરિયડની છે. આપણી સિરિયલમાં કેટલા વર્ષનો જમ્પ આવશે ?’

હજી તો આશુતોષ પહોંચીને રવિ મહેરાની કેબિનમાં પ્રવેશે એ સાથે જ પ્રશ્ન વીઝાયો.

‘મહેરાજી, આમ તો છે આઠ-દસ વર્ષનો. પણ જો એટલો મોટો જમ્પ ન જોઇતો હોય તો આપણે કોઇ સ્ટ્રેટેજી વર્કઆઉટ કરી શકીશું. મને ખ્યાલ છે કે છેલ્લાં અઠવાડિયામાં ટીઆરપી ગ્રાફ સુધર્યો છે....’

એક જ શ્વાસે કેફિયત આપતો હોય એમ આશુતોષ બોલ્યો. રખે ને,સલોનીએ આ મહેરા પર પણ કોઇ જાદુની છડી ફેરવી દીધી હોય ! ક્યાંક એવું ન બને કે મેધાની એન્ટ્રી થાય ન થાય એ પહેલા મહેરા એની જ એક્ઝિટ કરી નાખે....

‘વેઇટ... વેઇટ... આશુતોષ, હોલ્ડ ઓન..’ મહેરાએ પોતાની રિવોલ્વિંગ ચેરને ડાબેથી જમણી અને જમણીથી ડાબી તરફ ફેરવી આશુતોષ સામે સ્થિર કરી.

‘મારો કહેવાનો ઉદ્દેશ તમારા કામમાં દખલ કરવાનો ન જ હોય, પણ જરા સંજોગો એવા ઊભા થયા કે મારે આ પગલું લેવા મજબૂર થવું પડ્યું.

આશુતોષ આશ્વર્યથી મહેરાનો ચહેરો તાકતો રહ્યો. જે માણસની એક્સાથે બાર-બાર હિંદી સિરિયલ ફ્લોર પર હોય એને એવી તે કેવી મજબૂરી નડી ગઇ ?

‘મારે તમારો મત જોઇએ છે કે આ લીપ અઢાર-વીસ વર્ષની ન લઇ શકાય?‘મહેરાએ ફરી એક વાર રિવોલ્વિંગ ચૅરને હળવો ઝટકો આપી ઘૂમાવી.

‘વેલ...’ આશુતોષના ગળામાંથી અવાજ જ ન નીકળ્યો. આ તો બગાસું ખાતા પતાસું પડ્યું. પોતે મેઘાને તો સલોનીની વિદેશથી ભણીને ઇન્ડિયા પરત આવી રહેલી નાની બહેન તરીકે સેકન્ડ હીરોઇન બનાવવા ઇચ્છતો હતો અને હવે જો વીસેક વર્ષનો જમ્પ આવે તો તો મેઘા સલોનીની દીકરી જ..’

આશુતોષનું મન તો એવી પ્રસન્નતાથી છલકાઇ રહ્યું જાણે કોઇએ નાક પાસે ચંદનના અત્તરની શીશી ખોલી દીધી હોય...

* * *

‘મિસ્ટર વિક્રમ...’

આશુતોષની કાર હજી સિગ્નલ સુધી ન પહોંચી હશે ને રવિ મહેરાએ મલેશિયા ફોન જોડ્યો...

‘તમારી સૂચના પ્રામાણે અમે જરૂરી તમામ ફેરફાર કરી રહ્યા છીએ, હું હવે આશા રાખી શકું કે તમે આને એક મિત્રતા તરીકે લેશો, બિઝનેસ તરીકે નહીં.’

મહેરા કાબો બિઝનેસમેન હતો. અંડરવલ્ડૅ સાથે બિઝનેસ કરવા કરતા મિત્રતા કરવી વધુ બહેતર વિકલ્પ છે એ સમજી શકે એટલો કાબેલ. સામે છેડેથી ખાતરીભર્યો હકાર સભળાયો એટલે મહેરાએ અધુરું વાક્ય હેં... હેં... હસીને પૂરૂં કર્યુ:

‘ને હવે આશા રાખું છું કે પેલા ધમકીભર્યા ટોનમાં વાત કરવાને બદલે આ જ વાત હવે આપણે મળીશું ત્યારે આરામથી આગળ ચર્ચી લઇશું !’

સામેથી છેડેથી લાઇન કટ થયા પછી પોતાના સ્વીચ ઓફ કરેલા સેલ ફોનને વિક્રમ હાથમાં આમતેમ રમાડ્તો રહ્યો.

કેટલા વર્ષો રાહ જોવી પડી આ ક્ષણની !.

ગૌતમ સાથેની મુલાકાતમાં એના દોરી સંચારના પ્લાનની ચર્ચા કરવાનો કોઇ અર્થ પણ નહોતો.

સલોની,વીસ વર્ષની લીપ એટલે બેતાલીસ વર્ષની મહિલાનો રોલ... આ વાત તો તને ઊભી ઊભી સળગાવી દેશે. !

સિરિયલમાં આવતો વીસ વર્ષનો જમ્પ સલોની હરગિજ નહીં માન્ય રાખે એટલે કે સિરિયલમાંથી ફાઇનલ સેક્ઝિટ પછી હાથ પર બાકીની ઝુંટવાયેલી જાહેરખબરો, બી ગ્રેડની ફિલ્મમાંથી પણ હકાલપટ્ટી... એ પણ માત્ર એક ફોન કોલથી જ ચારે બાજુ બંધ રસ્તા, અંધકારભર્યું ભાવિ, ડિપ્રેશન ને અંતે સ્યુસાઈડ... આત્મહત્યા... !

વર્ષો પછી વિક્રમ ખડખડાટ હસ્યો

પ્લાન એ અમલમાં મૂકાઇ ગયો, હવે પ્લાન બી અમલમાં આવશે.... આમ છતાં સલોની આ કસોટીઓ પાર કરી ગઇ તો પછી પ્લાન સી અમલમાં મૂકવા સિવાય બીજો છૂટકો જ નહોતો

વિક્રમના ચહેરા પર એક ખંધું સ્મિત ફરક્યું :

સલોની... વારા પછી વારો, મારા પછી તારો !

***