Ketluy khute chhe - 4 in Gujarati Short Stories by Ranna Vyas books and stories PDF | કેટલુંય ખૂટે છે !!! - 4

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

કેટલુંય ખૂટે છે !!! - 4

(04)

સ્વામિ

“હું મારા બાળકને લીધા વગર આજે ઘરે નથી જવાની.”

ધારદાર અવાજે જે રીતે આ શબ્દો જ્હાનવી બોલી, એ શબ્દોની પાછળ રહેલી ધાર ની પરખ જેમને થઇ ગઈ એ ડોકટરે એક પણ વધારાનો શબ્દ બોલ્યા વિના નર્સ સાંભળે એ રીતે કહ્યું, ”સીઝરીયન ની તૈયારી કરો. અને હા, પેશન્ટ ના સગા પાસે સહી લેવા બે કલાક પછી જજો.” પછી જ્હાનવી સામે જોઈ હળવું હસતાં કહ્યું,”બે અઢી કલાક શાંતિથી સૂઈજા, એ.સી.માં. આમેય બાળક આવ્યા પછી સુવા નથી મળવાનું.”

જ્હાનવી કઈક પુછવા જતી હતી પણ એની આંખો માં જીજ્ઞાસા વાંચી ગયેલા ડોકટરે સામેથી જ કહી દીધું,”એમ વિચારેછે ને કે મેં બે કલાક પછી ઓપરેશન માટે સહી લેવાનું કેમ કહ્યું? મને એટલું તો ખ્યાલ આવેને, કે જેને પ્રેગનેન્ટ પત્ની ને હોસ્પિટલ સુધી લાવવા રિક્ષા ભારે પડે, એ આટલી સહેલાઈથી સીઝરીયન માટે સહી નહી કરે. અને ખરેખર તો તારી ડિલીવરી ની ઉતાવળ પણ નથી પણ હું સમજી ગયો છું કે ફરી ચાલીને આવવાની તારી તૈયારી નથી. અને હા, આમેય ઓપરેશન પહેલાં નોર્મલ ડિલીવરી માટે બે કલાક પરસેવો પાડ્યો એવું નહી લાગે ત્યાં સુધી તારો ધણી સહી નહી કરે. એટલે હવે એનેસ્થેટીસ્ટ આવે ત્યાં સુધી તું ઉંઘ ખેંચીલે. અને હા, બાળક આવી ગયા પછી બધાને કહેવાનું ભૂલતી નહી કે નોર્મલ સુવાવડ માટે તે કેટલો કષ્ઠ વેઠ્યો.” આભારવશ જોઈ રહેલી જ્હાનવી સામે છેલ્લું સ્મિત કરી ડોક્ટર લંચ લેવા ગયા.

લંચ લઈને આવ્યા ત્યારે વધારે સારા મૂડ માં હતા. એમણે જ્હાનવી સામે જોઈ પુછ્યું,”મારા મોઢે ધણી શબ્દ તને ખુચ્યો હશે, કદાચ. પણ, આવા માણસ ને શું કહેવું? આત્મા ને ઓળખે એ વર, બીજા બધાં પર. હું તને હતાશ કરવા નથી માંગતો. પણ, તું મારી દીકરીની ઉંમર ની છે એટલે કહુછું કે માણસ પોતાનો મૂળ સ્વભાવ ભાગ્યેજ બદલી શકેછે. એટલે તુ તારી રીતે મજબુત થઇ જજે. અને હા, આ મારા વાળ તાપથી ધોળા નથી થયા. પંચાવનમું પૂરું થશે આ ડિસેમ્બર માં.”

જ્હાનવી એ મૌન તોડ્યું,”આઈ એમ માસ્ટર ઇન કલીનીકલ સાયકોલોજી, સર. માણસ ના સ્વભાવ વિશે હું ઘણું જાણું છું. પણ આપણા સમાજ માં અડધા-કલાક કે એક કલાક ની બેઠક માં જીવનસાથી પસંદ કરવાની પ્રથા છે. અને કોણ એટલા સમય માં માણસ નો સ્વભાવ પકડી શકે છે? પણ ચિંતા ન કરો સર, પ્રાણ અને પ્રકૃતિ સાથેજ જાય એ કહેવત બહુ જુની છે. કલીનીકલ સાયકોલોજી નો જન્મ પણ નહતો થયો ત્યારની. અને એટલેજ, આ મારું પહેલું અને છેલ્લું બાળક છે.” આમ બોલી શાંતિથી આંખો બંધ કરી તેણે એનેસ્થેટીસ્ટ તરફ ઇન્જેક્શન મુકાવવા માટે હાથ લંબાવ્યો. ઓપરેશન શરુ થયું. ડોક્ટર નું ધ્યાન હવે ઓપરેશન માં હતુ.

બહાર જ્હાનવી નો પતિ રૂપેશ વિચારમગ્ન હતો. બાળક દીકરો હશે કે દીકરી? જ્હાનવી ઘણી વાર બોલી ચુકી હતી કે તેને એકજ બાળક ની ઈચ્છા છે. પછી એ દીકરો આવે કે દીકરી, એક એટલે એક. તેથી જો દીકરી હશે તો બીજા બાળક માટે જ્હાનવી ને પોતે મનાવી શકશે કે નહી એમ પતિદેવ વિચારી રહ્યા. જ્હાનવી ની નાની બહેન આવી પહોંચી હતી, તે જ્હાનવી ની તબિયત અંગે ચિંતિત હતી. અને એ બન્નેની મનોદશાથી બેખબર એવાં રૂપેશ નાં મમ્મી, જ્હાનવી નાં સાસુમા, કેટલું બિલ આવશે એ બબડાટ કરતાં હતાં.

જ્હાનવી ના લગ્નને માંડ દોઢ વર્ષ થયેલું. પ્રથમ સુવાવડ હતી આ . અને એમની જ્ઞાતિ માં પ્રથમ સુવાવડ સાસરીમાં જ કરવાનો રિવાજ. પૈસાની કોઈ તંગી નહી. રૂપેશ સારામાં સારુ કમાતો. પણ તેની મમ્મી ભારે કંજૂસ. આમ ઘરમાં ખાવા-પીવા માં કોઈ રોક ટોક નહી. જરુરિયાતમંદ ને મદદ કરે. મંદિર ધર્મશાળા, યાત્રા સંઘ માં દાન-ધર્મ પણ કરે. પણ, જ્હાનવી નો કોઈ પણ ખર્ચ તેમને ભારે પડે. એ કેટલા ડ્રેસ લાવે છે થી માંડી મહિનામાં કેટલી વાર હોટલમાં જમવાનું ગોઠવેછે એ સાસુમા ગણ્યા કરે. સાસુ-વહુની કંકાસ ચર્ચા સમજાવવા ઘણાં ઉદાહરણ છે પણ ભારત માં ઉછરીને મોટા થયેલા વાચકો ને એ ઉદાહરણની જરુરછે???

ઓપરેશન પછી આંખ ખોલીને જ્હાનવી એ પોતાની નવજાત દીકરી જોવાની ઈચ્છા વ્યક્ત કરી. પછી એ જ હંમેશ ના શાંત ચહેરે હસીને ડોક્ટર ને કહ્યું,”તમે તમારે બિલ બનાવજો મસમોટું. થોડા વધારે ખંખેરજો. અને એ કોઈ ગરીબ ની સારવારમાં વાપરજો. પણ મારા ધણી જોડેથી તો વધારેજ લેજો.”

ડોકટરે હસીને પુછ્યું,”કેટલા? રિક્ષા ભાડા જેટલા વધારે?”

“ના,ના, સ્વામિ નો પગાર સિત્તેર હજાર છે.” – જ્હાનવી નો જવાબ. ડોક્ટર સ્તબ્ધ. “સિત્તેર હજાર? અને તોં પણ રિક્ષા ભાડું એને ભારે પડ્યું?”

“ના, એને ભાડું ભારે નહતું પડ્યું. મારાં સાસુનો બોલ ઉથાપવો અઘરો છે એના માટે.” – જ્હાનવી એ કહ્યું.

“યાદ છે તમને આ વખતે જેમ હું લેબર પેઈન સમજી ને હોસ્પિટલ પહોચી, પણ એ લેબર પેઈન નહતું, તેવી જ રીતે પાંચ દિવસ પહેલાં પણ આવેલી? એ વખતે પણ આવો જ દુખાવો હતો. હવે પહેલી વાર પ્રેગનન્સી હોય ત્યારે મને કેવી રીતે ખબર પડે કે આ લેબર પેઈન છે કે નહી? ત્યારે રૂપેશ મને રિક્ષા કરીને લાવેલો. એ વખતેય સાસુમા બોલેલાં કે નજીકજ છે, ચાલી ને જવાશે. પણ રૂપેશે રિક્ષા મંગાવી. હું આવી. પણ તમે કીધુ કે હજી વાર છે. હવે આ પાંચ જ દિવસ પછી ફરી આવવાનું થયું. આ વખતે સાસુમા મોટેથી ગરજ્યા, “ રિક્ષા ના બોલાવતો રૂપેશ. આતો કઈ હોય નહી ને ખોટો ધક્કો ખવડાવેછે ખોટું રિક્ષા ભાડું બગાડવું.” બસ.... પત્થર પર અંકિત આદેશ માતાજી નો.... મને ચલાવી ને લાવ્યો. અરે સર, આજુ બાજુ વાળા બાઈક અને ગાડી આપવા તૈયાર થયા. પણ એમાં એનું ખોટું દેખાયને? એટલે કોઈ નું વાહન પણ ના લીધું. અને મને ચલાવી ને લાવ્યો. હવે સર મારા ઘરેથી આવી હાલતમાં, જયારે મને એમ લાગતું હોય કે આ લેબર પેઈન જ છે, ત્યારે હું કેમની ચાલી હોઈશ? એટલે જયારે તમે સોનોગ્રાફી કરીને કહ્યું કે હજી વાર છે, ત્યારે મેં કહી દીધું કે આજે હું મારું બાળક લીધા વગર ઘરે નહી જાઉં.” જ્હાનવી ની આંખ માં આંસુ હતાં.

“પણ, સિત્તેર હજાર પગાર માં તો પોતાની કાર પોસાય. તારા હસબંડ કેમ નથી ખરીદી લેતા?” – ડોકટરે પુછ્યું.

“એને ધણી જ કહો સર. વાંધો નહી. પૈસાનો તો કોઈ પ્રશ્ન જ નથી. મારા પપ્પા એ પણ લગ્ન સમયે કાર લેવા માટે કેશ આપેલ. પણ રૂપેશ નાં માતુશ્રી નું કહેવું એમ હતુ કે કારની જરૂર નથી. પૈસા બેંક માં મૂકી દીધા અને મારે બજાર જવા કે કઈ બહાર જવા રીક્ષા અને બસના ધક્કા ખાવાના રહ્યા.” જ્હાનવી નું ગળુ ભરાઈ ગયું. ડોક્ટર વધુ કઈ પુછ્યા વગર ધીમેથી ખસી ગયા.

બહાર જઈને સ્મિત મઢ્યા ચહેરે રૂપેશ ને અભિનંદન કહી પછી ઓપરેશન ને લીધે જ્હાનવી ને બે મહિના સંપૂર્ણ આરામ ની જરુરછે એમ રૂપેશ નાં માતુશ્રી ના દેખતાં જ સમજાવી દીધું. શરીર સારુ રહે એ બહાના હેઠળ વહુને ઘરકામ માં લપેટવામાં આવેછે અને ડિલીવરી પછી જરુરી આરામ ઘણી વાર નથી મળતો એ વાત એ જાણતા હતા. ડોક્ટર્સ થોડા સમાજથી દૂર કોઈ ટાપુ પર રહે છે? ઘણી વાર એ વિચારતા કે શું સ્ત્રી નો શત્રુ સ્ત્રી જ છે? ઘર કંકાસ માં સાસુ-નણંદ જેટલું નામ સસરા કે જેઠ-દિયર નું કેમ નથી બગડતું!

ડોક્ટર પોતે ત્રણ દીકરીઓ ના પિતા હતા. ત્રણેય ને ભણાવી એમણે ડોક્ટર બનાવેલી પણ છતાં આ સમાજમાં દીકરીને વહુ બન્યા પછી સહન કરવી પડતી ઘણી બધી તકલીફોથી એ માહિતગાર હતા. ડોક્ટર ને વાંચન નો સારો શોખ. અધ્યાત્મિક પણ એટલાજ. ઘણીવાર તે નાની અને મોટી બન્ને ઉંમરની સ્ત્રીઓ – સાસુ અને તેમની વહુ ને સમજાવવા ધાર્મિક ગ્રંથો નો સંદર્ભ લેતા. આમેય આપણા દેશ માં લોકોનાં મન પર ધર્મની પકડ સૌથી કડક છે એ વાત તે સારી રીતે જાણતા-સમજતા.

પુરા સાત દિવસ જ્હાનવી હોસ્પિટલ માં રહી. સાથે સાસુમા પણ હોય. રૂપેશ બધી સંભાળ રાખતો. એકવાર ડોકટરે રૂપેશ સમક્ષ આ બાબતે વખાણ કર્યા. રૂપેશે હસી ને કહ્યું,”એમાં શું છે સર, આ તો મારી ફરજ છે.” ડોક્ટર ને નવાઈ લાગતી કે આમતો રૂપેશ બધી રીતે સારો લાગે છે તો પછી જ્હાનવી ને કયામત ના સમયે રિક્ષા ને બદલે ચલાવવા જેટલો ક્રૂર કેવી રીતે થઇ શક્યો?

ડોક્ટરની આ દ્વિધા જાણી જ્હાનવી એ જ આ વાતનો જવાબ આપ્યો. “મેં તમને નહતું કીધુ સર, માતુશ્રી નો બોલ...એ ઉથાપી નથી શકતો. અને તમે કેમ સમજતા નથી સર? સાત દિવસ માં હું તમને ઓળખી શકી એ મુજબ તમને ધાર્મિક જ્ઞાન સારુ છે. આ એ જ દેશ છે ને જ્યાં માતા ના બોલ પર એક ભાઈએ સ્વયંવર માં જીતેલી પત્ની પાંચ ભાઈ વચ્ચે વહેંચવાનું નક્કી કરાય છે? કોઈએ એ પત્ની – દ્રૌપદી ની વ્યથા કે મરજી વિશે વિચાર્યું? અરે ખુદ કુંતા માતા એક સ્ત્રી થઈને આવું કેમ કરી શકે? અજાણતા બોલાયેલા શબ્દો ને પત્થર ની લકીર ની જેમ પાળવામાં આવે અને બીજી બાજુ પત્ની ને જુગારમાં મૂકી શકાય! અરે કોણ કહે છે આપણી સંસ્કૃતિ નારી નું સન્માન કરે છે? આવો આદેશ ગાંધારીએ આપ્યો હોત તો કદાચ દુર્યોધને ના પાળ્યો હોત. તમને ખબર છે સર, ઘણી વાર મને લાગે છે કે દ્રૌપદી કરતાં તો દુર્યોધન ની પત્ની ને ઓછું કષ્ઠ વેઠવું પડ્યું હશે. સજ્જન માણસો સારા પુત્ર કે સારા રાજા થવા ની લ્હાય માં પત્ની ને ત્રાસ જ આપે છે ને? પ્રજા ને ના ગમે તો પવિત્ર હોવા છતાં પણ સીતા એ મહેલ છોડી આશ્રમ માં જવું પડ્યું. રામ રાજા તરીકે બરાબર હશે, પણ પતિ તરીકે એમણે અન્યાય કર્યો ન કહેવાય? ” એક ધાર્યુ બોલી ને હાંફી ગયેલી જ્હાનવી નું એક અલગ રૂપ ડોક્ટર જોઈ રહ્યા.

અને છેલ્લે ડોક્ટર ના કાન પર અથડાયા શબ્દો,” મેં તમને કહ્યું હતુ ને કે આ મારું પહેલું અને છેલ્લુ સંતાન છે.” ડોક્ટર જોઈ રહ્યા પારણા માં સુતેલી પરી. કદાચ એક માત્ર તંતુ જે રૂપેશ અને જ્હાનવી નું લગ્નજીવન બાંધી રાખશે અને જેને લીધે બંને બાંધ-છોડ કરી સાથે જીવી જશે, જેમ ઘણા લોકો છુટા ન પડવા માટે સાથે જીવી જાય છે તેમ.

***