Shivtatva - 19 in Gujarati Spiritual Stories by Sanjay C. Thaker books and stories PDF | શિવતત્વ - પ્રકરણ-19

Featured Books
Categories
Share

શિવતત્વ - પ્રકરણ-19

શિવતત્ત્વ

ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર

સંજય ઠાકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૯. શિવરહસ્ય પુરાણની ઋભુગીતા

હજારો-હજારો વર્ષથી ભારતભૂમિ ઉપર ભગવાન શિવની વિવિધ ભક્તો દ્વારા પૂજા-ઉપાસના થતી આવી છે. શિવ ભારતના કોઈ એક જ પ્રાંત કે સમુદાયના નહીં, પરંતુ સમગ્ર ભારતના ઉપાસ્ય દેવ છે. હિમાલયના કેદારનાથથી લઈને લંકાતટના રામેશ્વર સુધી અને ઉત્તર ભારતના વૈદ્યનાથથી લઈને સૌરાષ્ટ્રના સોમનાથ સુધી ભગવાન શિવની ઉપાસના થતી રહી છે.

વિવિધ નામો અને વિવિધ રૂપોમાં હજારો વર્ષથી શિવ જ પૂજાતા રહ્યા છે. ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણના ઈષ્ટ તરીકે પણ ભગવાન શિવ પૂજાયા છે. શિવ-સ્વરૂપની ઉપાસના કોઈ નવી નથી. ભારતમાં ઘણા નવા પંથ અને સંપ્રદાયો ઊગીને આથમી ગયા છે, પરંતુ શિવની ઉપાસનાનો સૂર્ય આદિ-અનાદિ કાળથી ભારતની અધ્યાત્મભૂમિને પ્રજ્વલિત કરી રહ્યો છે. ભારતમાં તમિલનાડુ અને કર્ણાટક જેવાં રાજ્યોના શિવ-ઉપાસકોમાં શૈવાયતોનું નામ મોખરે છે જેમનો મુખ્ય ઉપાસનાગ્રંથ ઋભુગીતા છે.

જે રીતે આપણે ત્યાં મહર્ષિ વેદ વ્યાસજી રચિત શિવપુરાણ પ્રચલિત છે. તે રીતે તમિલનાડુ, આંધ્ર અને કર્ણાટકમાં શિવરહસ્ય પુરાણ પ્રચલિત છે. ભારતવર્ષમાં શિવરહસ્ય પુરાણને શિવપુરાણનું ઉપપુરાણ પણ ગણવામાં આવે છે. આશરે સાત હજાર વર્ષ પૂર્વે ઋભુ નામના એક સંત દ્વારા તેની રચના કરવામાં આવી છે. જેમ મહાભારતમાં ભગવદ્‌ગીતા કહેવાય છે તે રીતે બે હજાર શ્લોકવાળા શિવરહસ્ય પુરાણના છઠ્ઠા અધ્યાયમાં ‘ઋભુગીતા’ કહેવામાં આવી છે. તમિલ લોકોને આ ઋભુગીતામાં અપાર આસ્થા છે. રમણ મહર્ષિ જેવી પરમહંસ વ્યક્તિઓ પણ આ ઋભુગીતા ઉપર આસ્થા ધરાવતા હતા અને ઋભુગીતાનો નિત્ય અભ્યાસ કરતા.

કહેવાય છે કે પોતાના ભક્ત ઋભુને સ્વયં ભગવાન શિવે હિમાલયના કેદાર ક્ષેત્રમાં પોતાના સ્વરૂપનો રહસ્યમય બોધ આપ્યો હતો. તે બોધમાં ઓતપ્રોત થઈને સંત ઋભુએ જે ગીત ગાયું તેને ઋભુગીતા કહેવામાં આવે છે. ઋભુગીતામાં મુખ્યત્વે દસ પ્રકરણોનો વિશેષ અભ્યાસ થાય છે. આ દસ પ્રકરણોને જો કોઈ વ્યક્તિ બરાબર સમજી લે તો જીવતે જીવ પરમ આનંદને ઉપલબ્ધ થઈ જાય તેમ કહેવાય છે.

ઋભુગીતામાં :

(૧) અસ્તિત્વ અને જાગૃતિનું પ્રકરણ પહેલું છે. આ પ્રકરણમાં જગતના અસ્તિત્વ

વિશે અને વ્યક્તિની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની ત્રણ અવસ્થાઓનું વર્ણન છે. સ્વયં પ્રતિ જાગરણને કેમ સાધવું તેનું રહસ્ય આમાં વર્ણવાયેલું છે.

(ર) બીજા પ્રકરણમાં ‘વિદેહ મુક્ત’ એટલે કે દેહ હોવા છતાં હું દેહથી પર અને મુક્ત છું એવી ધારણાનો અભ્યાસ છે. જે રીતે રાજા જનકે ઋષિ અષ્ટાવક્ર પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને વિદેહની પદવી મેળવી હતી તે રીતે ઋભુગીતાનો સંદેશ પણ વ્યક્તિને વિદેહની પદવી અપાવે તેવો છે.

(૩) ત્રીજા પ્રકરણમાં શિવતત્ત્વનું વર્ણન છે. સત્‌, શિવ અને આનંદ સ્વરૂપ શિવનું માયાશક્તિ દ્વારા જગતના વિશાળ પડદા ઉપર પડતા પ્રતિબિંબને વર્ણવવામાં આવ્યું છે.

(૪) ચોથું ‘જીવનમુક્ત’ પ્રકરણ છે. મર્યા પછી જ મુક્તિ થાય તેમ નહીં, પરંતુ જીવન

રહેવા છતાં સત્‌, ચિત્‌ અને આનંદના તત્ત્વથી અનુભવાતી મુક્તિનું વર્ણન છે.

(પ) પાંચમા પ્રકરણમાં સત્ય સમાધિનું વર્ણન છે. જેમાં સાધક સાધનાથી જે સમાધિ-

ભાવને પ્રાપ્ત થાય છે તેનાં રહસ્યને વર્ણવાયું છે.

(૬) છઠ્ઠા પ્રકરણમાં ‘સહજ સમાધિ’ વિશે કહેવાયું છે. જીવનમાં દરેક કર્મો કરતાં રહેવા છતાં પણ જે સમાધિભાવ સહજપણે સાધક સાથે રહી શકે તેવા સમાધિ- ભાવનું વર્ણન છે.

(૭) સાતમા પ્રકરણમાં સહજ સમાધિભાવની પૂર્ણતાનું વર્ણન છે. અન્ય ઉપાયોથી સમાધિ તરફ ગયેલા સાધકનો સમાધિભાવ ખંડિત થઈ શકે. પરંતુ એકવાર સહજ- ભાવે સમાધિમાં ગયેલા સાધકની પ્રકૃતિ જ શિવ તત્ત્વમાં સમાઈ જાય છે. જેથી તેની પૂર્ણતાને કોઈ ખંડિત કરી શકતું નથી.

(૮) આઠમા પ્રકરણમાં ‘મુક્તિ’ એ શિવકૃપાનો પ્રસાદ છે, સાધકની સાધનાઓ કે કર્મોની ઉપલબ્ધિ નથી તેની વિષદ ચર્ચા કરી સમજાવાયું છે.

(૯) નવમા પ્રકરણમાં ‘સત્‌, ચિત્‌, આનંદ’થી સમગ્ર જગત ઓતપ્રોત છે અને શિવની

ઉપાસના સાથે જ સાધક તેમાં ઓતપ્રોત થઈ જાય છે તે હકીકત જણાવાય છે.

(૧૦) દસમા પ્રકરણમાં શિવત્ત્વભાવનું વર્ણન છે. જે ભાવમાં સાધક શિવતત્ત્વને ઉપલબ્ધ કરી પોતે જ બ્રહ્મસ્વરૂપ થાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે.

ભારતના ખૂણે-ખૂણે હજારો-હજારો વર્ષથી જેની પૂજા-ઉપાસના થતી આવી છે તેવા મહાદેવ જ ભારતના ઈષ્ટ પરમેશ્વર છે. કોઈ જગ્યાએ ઋભુગીતાથી તો કોઈ જગ્યાએ રૂદ્રીથી, કોઈ જગ્યાએ પુરાણ રચિત સ્તોત્રોથી તો કોઈ જગ્યાએ ઋગ્વેદની ઋચાઓથી ભારતે શિવના જ ગુણોનું ગાન કર્યું છે.