Shivtatva - 8 in Gujarati Spiritual Stories by Sanjay C. Thaker books and stories PDF | શિવતત્વ - પ્રકરણ-8

Featured Books
Categories
Share

શિવતત્વ - પ્રકરણ-8

શિવતત્ત્વ

ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર

સંજય ઠાકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૮. શિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ

પુરાણકથા છે કે ભૃંગી નામના એક ઋષિ શિવના અનન્ય ભક્ત હતા. પરંતુ તેઓ માત્ર શિવમાં જ માનતા હતા. શિવ સિવાય અન્ય કોઈ દેવી-દેવતાને કે ખુદ શિવપત્ની પાર્વતીને માનવા કે કોઈપણ રીતે સ્વીકારવા તૈયાર ન હતા. શિવ જ સર્વ કાંઈ છે તે ભાવ સાથે દેખીતા જગતનો અને માતા પાર્વતીના રૂપનો તેઓમાં તિરસ્કાર પણ હતો. શિવભક્ત હોવાના નાતે તેઓ કૈલાસ પર આવતા અને શિવની જ્ઞાનસભામાં પણ ભાગ લેતા.

એક વખત શિવની સાથે જ્ઞાનસભામાં દેવી પાર્વતી પણ આવ્યાં. ભગવાન આસુતોષે દેવીને શિવ-સત્સંગમાં આદરસહિત પોતાની બાજુમાં સ્થાન આપ્યું. શિવ અને પાર્વતીને આ રીતે બિરાજીત થયેલાં જોઈને જ્ઞાનસભામાં શિવ સત્સંગનો લહાવો લેવા પધારેલા ઋષિઓએ શિવ-પાર્વતીને પ્રણામ કરીને તેમની પ્રદક્ષિણા કરી આશીર્વાદ લીધા; પરંતુ ઋષિ ભૃંગીએ માત્ર શિવને જ પ્રણામ કર્યા અને પ્રદક્ષિણા પણ માત્ર શિવની જ કરી. શિવ અને શક્તિના રૂપમાં ઋષિ ભૃંગીએ ભેદ કર્યો. તેથી પોતાના અનન્યભક્ત એવા ઋષિ ભૃંગીને બોધ આપવા શિવ અને પાર્વતીએ પોતાનું અર્ધનારીશ્વર રૂપ પ્રગટ કર્યું. જે અર્ધનારીશ્વર રૂપની પણ તમામ ઋષિઓએ ભક્તિભાવથી નમન કરીને પ્રદક્ષિણા કરી. જ્યારે નમન અને પ્રદક્ષિણા કરવાનો વારો ઋષિ ભૃંગીનો આવ્યો ત્યારે દેવી પાર્વતીને નમન અને પ્રદક્ષિણા નહીં કરવા માગતા ઋષિ ભૃંગીએ એક ભમરાનું રૂપ લીધું અને અર્ધનારીશ્વર રૂપમાં પણ માત્ર શિવને જ નમન અને પ્રદક્ષિણા કર્યાં.

ઋષિ ભૃંગી દ્વારા પ્રકૃતિસ્વરૂપા દેવી પાર્વતીનો તિરસ્કાર થયો હતો, પરંતુ પોતાના તિરસ્કાર છતાં દેવીએ ઋષિને કહ્યું કે તમારા પ્રયાસો સફળ બનાવવા આજે હું તમને એક વરદાન આપું છું અને તમે જેનો તિરસ્કાર કરી રહ્યા છો તે વારંવાર ન કરવો પડે એટલેહું તમને મારી પ્રકૃતિથી મુક્ત કરું છું. દેવીના આમ બોલતાંની સાથે જ ઋષિ ભૃંગીના પ્રકૃતિથી પામેલા દેહનો ભસ્મમાં વિલય થઈ ગયો. હવે ઋષિ ભૃંગી પાસે ફક્ત ચૈતન્ય હતું, પરંતુ કોઈ શરીર ન હતું. પોતાના પ્રકૃતિમય શરીરને રાખની ઢેર થયેલું જોઈને ઋષિને ઘણો પશ્ચાત્તાપ થયો અને પોતાની ભૂલ સમજાઈ. ઋષિએ પોતાને સત્યનો બોધ થયો છે તે વાત સાથે પ્રાર્થીભાવે દેવીની માફી માગી. દેવીએ ફરી ઋષિને તેમનું હતું તેવું પ્રકૃતિમય શરીર અર્પણ કરી દીધું.

આ પ્રસંગે ભગવાન શિવ કહ્યું કે જે કોઈ વ્યક્ત મારા અને પાર્વતીના, શિવના અને શક્તિના સ્વરૂપમાં કોઈ ભેદ જુએ છે તે મૂઢ અને અજ્ઞાની છે. આવી વ્યક્તિને મારી ભક્તિ કરવા છતાં પણ કોઈ ઉન્નતિ પ્રાપ્ત નહીં થાય. શિવ અને શક્તિમાં ભેદ જોવો તે શાસ્ત્ર દૃષ્ટિએ મિથ્યા અને ભ્રામક છે. વિદ્વાનો શિવશક્તિને એક જ જાણે છે.

‘‘શિવ યદિ સંગીત હૈ તો શક્તિ ઉસકી વીણા હૈ

શિવ યદિ અર્થ હૈ તો શક્તિ ઉસકા શબ્દ હૈ

શિવ યદિ સમુદ્ર હૈ તો શક્તિ ઉસકી લહર હૈ

શિવ યદિ ફૂલ હૈ તો શક્તિ ઉસકી સુગંધ હૈ

શિવ હી શક્તિ હૈ ઓર શક્તિ હી શિવ હૈ

કહને કો હી જુદા હૈ દોનો હકીકતમેં એક હૈ’’

આપણાં શાસ્ત્રોમાં પુરુષ અને પ્રકૃતિને આદિ-અનાદિ અને એક કહ્યાં છે, ભગવદ્‌ગીતા કહે છે ઃ ‘‘પ્રકૃતિં પુરુષં ચૈવ વિદ્ધયનાદી ઉભાવપિ.’’ (અ.૧૩,-૧૯) આમ હોવા છતાં શાસ્ત્રોની તાત્ત્વિક સમજ વગરના લોકો મિથ્યા ભેદને માને છે. ભેદ પણ એવો કે જે માતાજીને માને છે તે શિવને નથી માનતા અને શિવને માને છે તે માતાજીને નથી માનતા. મૂઢ લોકો જે માને તે પરંતુ તત્ત્વદૃષ્ટિએ જોનારાઓ શક્તિને શિવથી જુદાં નથી જોતાં.

આપણે ત્યાં સીતારામ, રાધેકૃષ્ણ, લક્ષ્મીનારાયણ જેવા શબ્દોનો પ્રયોગ થાય છે. સીતારામના સ્વરૂપ માટે ગૌસ્વામી તુલસીદાસજી કહે છે કે જેમ વાણીથી તેનો અર્થ ભિન્ન નથી હોતો અને જેમ પાણી વચ્ચે કોઈ ગમે તેટલી રેખા દોરવાનો પ્રયત્ન કરે; પરંતુ પાણી કોઈ રેખાઓ દોરવાથી અલગ નથી થતું. તે રીતે સીતા અને રામ કહેવા માટે જ બે રૂપ છે. બાકી સીતા અને રામ એક જ છે.

ગિરા અરથ જલ બીચિ સમ કહીઅત ભિન્ન ન ભિન્ન

બંદઉ સીતારામ પદ જીન્હહિ પરમ પ્રિય ખિન્ન

(રા.ચ.મા.કાંડ-૧/૧૮)

ઋષિઓ કહે છે જેમ આકાશમાં પૃથ્વી અને પૃથ્વીમાં આકાશ રહેલું તેમ શિવામાં શિવનો અને શિવમાં શિવાનો વાસ છે. તે રત્નાભૂષણથી પણ સજ્જ છે અને ભુજંગાભૂષણથી પણ. તે દિવ્યામ્બરને પણ ધારણ કરે છે અને દિગંબરતાને પણ. તેવા શિવ અને શિવપ્રિયા ગૌરીને નમસ્કાર હો.