લુઝ કેરેક્ટર
આમ તો મને એ કંઈ ખાસ ગમતી નહિ, હતું પણ શું એ છોકરીમાં? સાવ સામાન્ય છોકરી જ કહેવાય, પરંતુ અમારા પડોશીઓ એને લુઝ કેરેક્ટર, ચારિત્ર્યહીન અને ચાલુ ફટાકડી જેવા ઉપનામથી નવાજતાં, હશે ભૂતકાળનું કોઈ અફેર કે કોઈક અફવા! મારે શું લાગે વળગે? કેટલીવાર સીમાએ આગોતરી પ્લાનિંગરૂપે મને પણ વોર્નિંગ આપી હતી, ‘ એનાં ઘર પાસે ઊભા નહિ રહેવાનું, બારીમાં નજર પણ નહિ કરવાની, વગેરે, વગેરે…
મને આ બધુ વિચિત્ર લાગતુ, હું શીલાને ખરાબ છોકરી નહોતો માનતો, ન મારૂ મન એને ચારિત્ર્યહીન માનવા તૈયાર હતુ, અરે, હજી કાલે પહેલીવાર એની સાથે વાત કરી, તે પણ એણે સામેથી બોલાવ્યો તો, બાકી મને એની સાથે વાત કરવાનો કંઈ અભરખો નહોતો, પણ મારી અર્ધાંગીની સીમાનાં મગજમાં આ બધું ઉતારે કોણ? કાલે જરાક માટે બચી ગયો, બાકી મારૂં આવી જ બન્યુ હતું..!
વાત એમ બની હતી, ગઈકાલે સાંજે બજારમાં શાકભાજી ખરીદવા ગયો હતો. બજાર કંઈ એટલુ દૂર નહોતુ, કે મારે બાઈક લઈને જવુ પડે, અને આમ પણ ઓફિસમાં આખો દિવસ બેસીને પગ અકડાઈ ગયા હોય. એ કારણથી હું પોતે સ્વેચ્છાએ દરરોજ સાંજે બજારમાં એક આંટો મારી આવુ, સીમા કોઈક વાર આવે. મોટે ભાગે તો હું એકલો જ હોઉં. ખરીદી કરી ઘરે આવતી વેળા એક કાગળે ઉડતો ઉડતો આવી મારા પગને સ્પર્શ્ કર્યો, નીચા નમી કાગળ ઉઠાવી મેં જોયો, કંઈક હિસાબ જેવુ લખેલ હતુ, મારી આંખો કાગળનાં માલિકને શોધવા ચોતરફ ફરી રહી, વધુ મહેનત ન કરવી પડી મારે, સામેનાં ઘરમાંથી અવાજ આવ્યો, “સંકેતભાઈ, આ તરફ, એ મારો છે” એ શીલા હતી, આમ તો બજારે આવતા-જતાં સીમાની સલાહ (કે હુકમ) ને અવગણી ત્રાંસી નજરે એ બારી સામે જોઈ લેતો, જવલ્લે જ એનાં દર્શન થતાં, શાકભાજી સમારવાં બારીમાં બેઠી હોય ત્યારે, એનું ધ્યાન ભાગ્યે જ મારી પર પડ્યું હશે! પડ્યું હોય તો પણ એણે મને વધુ લક્ષ્ય નથી આપ્યું. પરંતુ આજનો દિવસ સારો ઉગ્યો હતો, હું મનોમન એ કાગળનો આભાર માની રહ્યો. એનાં હાથનો ઈશારો એ કાગળ પર જ હતો, હું એ સુપ્રત કરવા માટે એની બારી પાસે દોરાયો, માંડ પાંચ પગલા દૂર હતી બારી.
મેં એ માનુનીને કાગળ આપ્યો, એણે આભારવશ થઈ એક હલકુ સ્મિત આપ્યું, પીળો અને ગુલાબી કલરનાં પંજાબી ડ્રેસમાં એ અદ્ભૂત લાગતી હતી. એક પ્રશ્ન આપોઆપ મારા મુખેથી બહાર આવ્યો, “ હેં તે તમે મારૂ નામ કઈ રીતે જાણો?” ઝેરનાં પારખાં ન કરાય, એ કહેવત સારી રીતે જાણતો હોવા છતાં, કદાચ લોકોની સાંભળેલી વાતોને ચકાસવા માટે હોય કે પછી એનું સ્મિત જોઈ હું સીમાની ધમકીઓને ભૂલી ગયો. એક સામાન્ય પુરૂષની જેમ મારા મનમાં એનાં પ્રત્યે આકર્ષણ થવાં લાગ્યું...
શીલાનાં મુખ પરનું સ્મિત હાસ્યમાં પલટાયું, હાસ્યમાં ઉપહાસની મુદ્રા ભળી, “ સંકેતભાઈ, તમારૂ ઘર અહીથી વધુ દૂર નથી, એક સોસાયટીમાં રહેતા હોઈએ એટલે નામ તો ખબર જ હોય ને!” એની વાતમાં મને કટાક્ષ જેવુ લાગ્યુ, કદાચ એ સમજી ગઈ હતી કે મારો વગર કામનો પ્રશ્ન એની સાથે વાત કરવાનું બહાનુ માત્ર હતુ, હું છોભીલો પડવાથી બચવા માટે જરા જોરથી હસી ત્યાંથી નીકળી ગયો, સાથે બોલ્યો પણ ખરો, “ હા, એ બરાબર..” આ પહેલી અને છેલ્લી મુલાકાત હતી અમારી..!
શીલાની બારી પાસેથી હટી પગ જેવા રસ્તા પર પડ્યાં,મને સીમાની ધમકીઓ યાદ આવી,’સીમાએ ન જોયુ હોય તો સારૂં ’ એ માટે હરી હરીનો જાપ કરવા માંડ્યોં. પરંતુ જે થવાનું છે તે થઈને જ રહે છે, એ ઘરે જઈને ખબર પડી..
“ ત્યાં તમારી સગલીની બારીમાં શું ચાટવાં ગયાં હતાં? ” ચપ્પુથી વધુ ધારદાર સવાલ મારા માથે ઝિંકાયો..
“ ના.. ના.. હા..હા.. એ તો હું એનો કાગળ પડી ગયો હતો, તે આપવા માટે ગયો…” મારા જવાબનો છેલ્લો શબ્દ પણ પૂરો ન કરવા દીધો અને એક બીજુ બાણ ફેંકાયું..
“ શું હા-ના, હા-ના, કરો છો? તે કાગળને તમારા પાસે જ આવવાનુ દેખાયું? બીજુ કોઈ ન મળ્યું એને?” એનાં સવાલોની સાથે અવાજ પણ ઊંચો થવા માંડ્યો, હું પરસેવે રેબઝેબ થઈ ગયો, સીમાનાં સવાલો અટકવાનું નામ લેતા નહોતા, છેવટે વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે, “ આ તમારી કેટલાંમી મુલાકાત છે? અને બહાર કયાં કયાં મળો છો? મારી બોલતી બંધ થઈ ગઈ હતી, એ મને બોલવાનો ચાન્સ આપ્યા વિના આક્ષેપ પર આક્ષેપ લગાવ્યે જતી હતી. અવાજ ઘરની બહાર નીકળવા માંડ્યો અને પડોશીઓ ઘરની અંદર આવવાં માંડ્યાં. ટોળું વધતું જાય એ પહેલાં કંઈ કરવું જરૂરી હતું, નહિતર સીમાની રાડારોળથી પીગળી જઈ અડોશપડોશનાં સ્ત્રીદાક્ષિણ્યમાં માનતાં મારા વહાલા પડોશીઓ જ મને ઢીબી નાખે, એ પાકું હતું. એનાં બે-ચાર દિયરોએ તો પૂછપરછ પણ શરૂં કરી દીધી હતી કે, “સંકેતભાઈએ શું કૌભાંડ કર્યું ?” મને કંઈ ઉપાય સુજતો નહોતો, એનાં કલકલાટમાં!
મને મારા દોસ્તની એક વાત આ કપરા સમયે ખરેખર કામ આવી, અમે બધા દોસ્તો ગૌરવને “જોરૂ કા ગુલામ”કહેતાં,પણ એ ચિડાતો નહિ. એ પોતાની પત્નીની કોઈ વાત નકારતો નહિ, બધી જ વાતમાં હા માં હા ભણ્યે જ રાખે.એ કહેતો, “ સ્ત્રી પાસે તમે પ્રેમથી આસાનીથી કામ કઢાવી શકો છો, એની હા માં હા કરો, એ તમારી હા માં હા કરશે, તમે ના ના કરશો, એ મોં ચઢાવીને બેસી જશે! જો કે એની વાત સાથે મારી આ ઉપાધીને કંઈ લાગતું વળગતું નથી, પરંતુ ખરા અણીનાં સમયે આ વાત યાદ આવી, અને મારો છૂટકારો થયો.
સીમાની ધમકીને પકડીને મારા સ્વભાવ વિરુદ્ધ એની હા માં હા કરવામાં મેં ભલાઈ સમજી અને બોલ્યો, “ હા મારી વહાલી, તુ સાચું કહે છે, કદાચ એણે જ કાગળ મારી તરફ ફેંક્યો હશે, મને આકર્ષવા માટે, હવે હું સમજી ગયો છું, એ છોકરી શીલા કેરેક્ટરની સારી નથી..!” શીલાનાં રૂપનાં આકર્ષણને મનમાં જ દફન કરી દઈ, મારી જાતને બચાવવા માટે એનાં કેરેક્ટર પર કીચડ ઉછાળવા માટે મારૂં મન મને અંદરથી ડંખતું હતું, પરંતુ આ સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો..!
ગૌરવનાં અનુભવ પ્રમાણે ધારેલ જવાબ મળ્યો, સીમાનાં મુખ પર સ્પષ્ટરૂપે વિજેતાનાં ભાવ આવ્યા, એ તરત જ બોલી, “ જોયુ, મેં નહોતુ કહ્યુ? પણ તમે મારી વાત માનો તો ને..!”
**સમાપ્ત**
*** Solly Fitter ***