પંકજ, વિષ્ણુ, પાર્થ, અતુલ અને વિરલ આ પાંચ ની દોસ્તી પ્રખ્યાત હતી આખી કૉલેજ મા, ગમે ત્યાં આ પાંચેય સાથે જ જોવા મળતા, કૉલેજ હોય કે બહાર, એક પણ ઓછો હોય તો ચાર સૂના થઈ જાય, માલેતુજાર પરિવાર ના વારસદાર હતા ચાર જણા, અતુલ ને છોડી ને..
ખાધે-પીધે સુખી ઘર નો અતુલ પણ એકદમ જાય તેવો નહોતો, હા, બીજા ચાર જેટલી મિલકત કે જમીનો ન હતી, બા – બાપુજી બંને માધ્યમિક શાળા મા શિક્ષક હતા, રિટાયરમેંટ નજીક હતુ, બાપુજી ની વગ પણ સારી હતી, અતુલે પણ કયારેય પોતાના ચાર દોસ્તો ની જાહોજલાલી જોઈ લઘુતાગ્રંથિ અનુભવી નહોતી, એ ચારેયે પણ કદી પોતાની મિલકત કે પૈસા નો રોબ બતાવ્યો નહોતો, બધા ઉચ્ચ વ્યકિતત્વ ના માલિક હતા, એકમેક પર જીવ આપી દે એવા હતા આ પંચરત્નો..
સહજાનંદ કૉલેજ મા નવી આવેલી વૈશાલી આજકાલ હૉટ ટોપિક હતો, કહેવાતુ હતુ કે નાક પર માખી બેસવા દે એનુ નામ વૈશાલી નહિ..! ઘમંડ અને રૂઆબ નો મહેલ, હમેશાં ટટ્ટાર અને અકડુ ચાલ ની માલિકણ પર આ ટોળકી ગાંડી થઈ હતી, અને ન થાય તો જ નવાઈ, કારણ આખી કૉલેજ એની પાછળ રઘવાઈ થઈ હતી, છોકરા ઓ માટે આકર્ષણ અને છોકરી ઓ માટે ઈર્ષા નું કેન્દ્ર બની હતી વૈશાલી...
કશે ફરવા જવુ હોય કે મૂવી જોવા મોટેભાગે નિર્ણય સર્વાનુમતે લેવાતો, પણ પંકજ ની નિર્ણય શકિત માટે બધાને માન હતુ, એક રીતે આ પંચરત્ન ગૃપ નો અધોષિત લીડર હતો પંકજ, વૈશાલી બાબતે રીતસર ની ચર્ચા કરવામા આવી, બધા એ પોતાનો મત જાહેર કર્યો, પણ અતુલે બહુ રસ ન દર્શાવ્યો, એના કહેવા પ્રમાણે સામે થી આવતી હોય તો ઠીક, બાકી મારા આદર્શવાદી માતા- પિતા ને આ ઘમંડી વહુ ન ખપે..
આમ તો અભ્યાસ માં બધા એકમેક થી ચડિયાતા હતા, પરંતુ અતુલ આ બાબતે મેદાન મારી જતો, હાઈસ્કૂલ થી લઈ ગત સેકન્ડ યર સુધી એ હંમેશા ફર્સ્ટ રેન્ક લાવ્યો હતો, શિક્ષણ એના લોહી માં ઊતર્યુ હતુ,
પંકજ નાં કહેવા પ્રમાણે બધા પોતાની રીતે વૈશાલી ને પ્રપોઝ કરે, જેના પ્રત્યે એને પ્રેમ ભાવ જાગે વૈશાલી એની, બાકી ના ચારે એ પછી નજર ઉઠાવી જોવું પણ નહિ.. પૈસા, પાવર અને અભ્યાસ માં તેજસ્વી હોવાથી અધ્યાપકો ના માનીતા, પાંચ રત્નો ના આ ગૃપ ને કોઈ બહુ છેડતુ નહિ,.. એ કારણે હોય કે બીજા કોઈ કારણે, વૈશાલી ના બીજા ચાહકો ને આ લોકો એ ગણકાર્યા જ નહિ..
પાર્થ અને અતુલ કેન્ટીન માંથી ફ્રી થઈ લાઈબ્રેરી માં બેસી નવા આવેલા લેકચરર બાટલીવાલા ના ફની ડ્રેસીંગ ને યાદ કરી હસતા હતા, વૈશાલી અતુલ ની એકદમ નજીક આવી, એ બંને બાઘા ની જેમ એને તાકી રહ્યા..
“ મેં સાંભળ્યું છે કે તમે કૉલેજ ના રેન્કર છો, મને તમારી કેમેસ્ટ્રી ની નૉટ્સ જોઈએ. “ રૂઆબદાર લહેજો., અતુલને લહેજા માં રહેલ હુકમ ખૂંચ્યો.. “ જયદીપ પણ રેન્કર જ છે, એની પાસેથી લઈ લો, હું નથી આપી શક્તો, સૉરી. “ સામે પક્ષે પણ આંચકો અનુભવ્યો, એ પણ આ રણકા ની આદિ ન હતી, કોઈ દિવસ “ના” સાંભળી ન હતી..
“ તમને શું પ્રોબ્લેમ છે?“ વૈશાલી નો અવાજ થોડો ધીમો થયો.
“ શાંતિ થી રિકવેસ્ટ કરી હોત તો આપવામાં કોઈ પ્રોબ્લેમ નહોતો, હું તમારા બાપ નો નોકર નથી કે તમે હુકમ કરો અને હું દોડતો જઈ મારી નૉટસ લાવી તમારા ચરણો માં મૂકી દઉં! “ અતુલ ની પણ છટકી હતી..
“ તારી આ હિમ્મત? તું ઓળખે છે મને? હું તારા જેવા 25 ને ખરીદી શકું છું. મારા પિતા ઠાકુર હેમરાજસિંહ લોહવાણા ગામ ના સરપંચ છે. તારા જેવા ની પેન્ટ મારા બાપ ની એક હાક થી બગડી જશે “
“ તારો બાપ સરપંચ હોય તો એ તારા ગામ નો, અહીં તું એક સ્ટુડન્ટ છે, તારા વાણી વર્તન એક સ્ટુડન્ટ ને છાજે તેવા હોવા જોઈએ, ન કે બગડેલ રાજકુમારી જેવા, આખી કૉલેજ તારા થી અંજાઈ શકે છે, હું નહિ.., હું એક એજ્યુકેટેડ ફેમિલી માંથી આવું છું, મારે મન પૈસા અને પાવર થી સંસ્કાર અને સભ્યતા વધુ મહત્વ છે. માટે આ રસ્તો પકડ, અને તારો આ ધમંડ બીજા કોઈ સામે બતાવજે.. “ અતુલ બોલ્યે જતો હતો, વૈશાલી અને પાર્થ અવાચક નજરે એને જોઈ રહ્યા હતા.
“ વાહ દોસ્ત વાહ, કેટલી ઉચ્ચ વાત કરી તેં, હવે આ મેડમ એના સરપંચ બાપ ને કહી ગામ નાં ગુંડા મોકલશે, અને તને માર ખવડાવશે, “ ક્યાર નાં પાછળ થી સાંભળી રહેલા પંકજે આગળ આવી અતુલ નો ખભો થાબડ્યો અને વૈશાલી તરફ ફર્યો, “ આ એકલો નથી, અમે પાંચ છીએ, અને અમારા માંથી એક જણ તમારા બાપ જેવા 5 ને ખરીદવાની તાકાત ધરાવે છે, સમજી? ”વૈશાલી પાસે હોય શું કે એ બોલે! મરેલી ચાલે એ નીકળી કલાસ તરફ જવા લાગી..
અને થોડા દિવસ માં વૈશાલી નો સંપૂર્ણ બિહેવિયર ચેન્જ થઈ ગયો, બધા સાથે હસીને વાત કરતી જોઈ બધા આંખો પટપટાવતા હતા કે આ કોઈ સ્વપ્ન તો નથી ને..! પંકજ એન્ડ કંપની સાથે પણ બેસી વાતો કરતી, પણ એ અતુલ થી દૂર રહેતી, અતુલ ને પણ કંઈ પડી નહોતી એની.. એક બપોરે બધા કેન્ટીન માં મસ્તી કરતા હતા, અતુલ ને માથાનો દુખાવો ઉપડતા એ ગાર્ડન માં આવી બેઠો, પાછળ વૈશાલી આવી અને માફી માંગી અને ધડાકો કર્યો “અતુલ, તે મને ખરેખરા અર્થ માં માનવ બનાવી છે, જીવન જીવવાનો અર્થ તેં મને બતાવ્યો છે, બે અઠવાડિયા થી હું ખરેખર લાઈફ ને એન્જોય કરી રહી છું, હવે આ વૈશાલી તારા વિના અધૂરી છે, હું આજીવન તારી બનીને રહેવા માંગુ છું. “
“ વૈશાલી, માફી આપવા નું ગજુ મારૂ નથી, હું તારા થી નારાજ પણ નથી, રહી વાત આજીવન સાથે રહેવાની, તો આપણા બંને નો સાથ શક્ય નથી, આપણી જ્ઞાતિ અલગ છે , તું માલેતુજાર ફેમિલી થી છે, હું મધ્યમ વર્ગીય છું. “ પહેલીવાર અતુલ ને પોતાની પાસે મિલકત અને પૈસા ની કમી પર અફસોસ થયો, જે છોકરી પર કૉલેજ આખી ગાંડી હતી, એનો પ્રેમ એ સ્વીકારી શકતો નથી..
“તું મને પ્રેમ કરે કે ન કરે, હું તને જ પ્રેમ કરીશ, આ ફાઇનલ કહી દીધું. “ થોડી જીદ હજુ સ્વભાવ માં રહી ગઈ હતી, અને આ જીદ અતુલ ને ગમી પણ.. એ કોઈ દિશાહીન ભાવના મા તણાવા માંગતો નહોતો, જેથી એના માતાપિતાને નુકસાન પહોંચે…એ કારણ થી એ વૈશાલી ને અવોઈડ કરતો, પરંતુ વૈશાલી હવે અતુલ ને ગમે ત્યાં થી શોધી ને એની સાથે જ સમય વિતાવતી, આખી કૉલેજ માં એ બંને નું પ્રેમ પ્રકરણ હૉટ ફેવરીટ બની ગયુ હતું, છોકરાઓ અતુલ ને બેવકૂફ માનતા અને છોકરીઓ વૈશાલી ને, કેટલાક છોકરા તો હજી પણ “આશા અમર છે” એમ માની વૈશાલી ની નજીક જવા મન મનાવતા પણ પંકજ એન્ડ કંપની ની ધાક થી દૂર રહેવુ પડતુ....
અતુલ નો સંકલ્પ ધીરે ધીરે તુટવા લાગ્યો, વૈશાલી ના રંગે રંગાવા લાગ્યો, છેવટે એણે પણ પ્રેમ નો એકરાર કરી જ લીધો, પંચરત્નો માં વૈશાલી નો છઠ્ઠા રત્ન તરીકે ઊમેરો કરવામાં આવ્યો, બધુ ઠીકઠાક ચાલતુ હતુ પણ અતુલ કાયમ ચિંતાગ્રસ્ત હોય એવો દેખાતો, વિરલે આ વાત નોટ કરી ને પંકજ, વિષ્ણુ અને પાર્થ ને જણાવી.
“ અતુલ, કોઈ પ્રોબ્લેમ છે તને, કેમ આમ ટેંશન મા હોય એવો લાગે છે? “ વિષ્ણુ એ હળવેથી પૂછ્યું, પંચ બેઠુ હતું.
“ હા યાર, તમે લોકો જાણો છો કે હું અને વૈશાલી એકબીજાને પ્રેમ કરીએ છીએ, હું રહ્યો મધ્યમ વર્ગીય પટેલ, મારા બા – બાપુજી નો એક નો એક દીકરો છું એટલે મારી પસંદ એ એમની પસંદ, એમની સાઈડ થી કોઈ વાંધો નહી આવે, પણ વૈશાલી તમારી જેમ અમીર પરિવાર ની છે, અને રાજપૂત કૂળ માં થી આવે છે, એના પિતાશ્રી કોઈ કાળે આ સંબંધ મંજૂર નહિ રાખે, હું મારા બાપુજી ને એનો હાથ માંગવા મોકલુ પણ કઈ રીતે? બાપુજી નું અપમાન કરશે તો, હડધૂત કરી કાઢી મૂકે એ બાપુજી સહન નહિ કરી શકે, મારી પાસે કોઈ બીજો રસ્તો નથી, જેનાથી હું વૈશાલી ને પોતાની કરી શકુ..! “ વાર્તાલાપ નાં મધ્યાંતરે વૈશાલી પણ આવી પહોંચી હતી.
“ ભાગી જાઓ બંને, અહીં નુ અમે સાચવી લઈશું, તારા માં-બાપ ને અમે ઊની આંચ નહી આવવા દઈએ, ભરોસો રાખજે વા’લા. “ પાર્થ જુસ્સા માં બોલ્યો.
વૈશાલી એ પાર્થ સામે જોઈ કહ્યું , “ ભાગવા નું કામ કાયરો કરે, હું કાયર નથી, “ અતુલ તરફ ફરી બોલી, “અને જેટલો પ્રેમ હું તને કરૂ છું અતુલ, એથી 10 ગણો પ્રેમ હું મારા માં બાપ ને કરૂ છું, તું મને નહિ મળે તો મોત ને વ્હાલુ કરીશ, પણ ભાગી ને મારા કુળ ને કલંક નહિ લગાડું, તારા માં હિમ્મત હોય તો મને મારા ઘરે થી મારા પિતા ની સામે ઉઠાવી જા, છે હિમ્મત? “ અતુલે બેઘડી એની આંખો માં જોયુ, એ નજરો નો તાપ ન જિરવાતા નીચું જોઈ ગયો.
“ આજે રાત્રે 10 વાગ્યે અતુલ એકલો નહિ, અમે પાંચે જણા આવશું વૈશાલી, તારા ફાધર ને જાણ કરી રાખજે, અમે તને સમ્માનભેર તારા ઘરે થી લઈ જશું આ મારૂ પ્રોમિસ છે. “વૈશાલી, વિરલ, પાર્થ, વિષ્ણુ અને ખુદ અતુલ પણ ચોંકી ને પંકજ સામે જોઈ રહ્યા, પંકજ નાં માઈન્ડ માં શું પ્લાન હતો એ કુદરત જાણે, પણ બધાને એની નિર્ણય શક્તિ વિશે માન હતું, કોઈ કંઈ બોલ્યુ નહિ અને મિટિંગ બરખાસ્ત થઈ..
બરાબર 9:15 કલાકે પાંચ જણ નો કાફલો અમરતપુર થી લોહવાણા તરફ ઉપડ્યો, 25 મિનિટ માં લોહવાણા ગામ ને પાદરે પંકજ ની એસ્ટિમ આવી ને ઉભી રહી, વૈશાલી ની બતાવેલી નિશાની પ્રમાણે એનાં ઘરનો રસ્તો પકડ્યો, આખુ ગામ સુમસાન હતુ, કૂતરા પણ થાકી-પાકી સૂઈ ગયા અથવા ગામ છોડી ચાલ્યા ગયા હોય એવુ ભાસતુ હતું, 10 મિનિટ માં પંચરત્નો સ્ટ્રીટ લાઈટ નાં અજવાળે ધીમી અને ટટ્ટાર ચાલે ચાલતા પાણી ની ટાંકી લગી પહોંચ્યા , થોડે દૂર પંચાયત નું બે ગાળા નું મકાન દેખાયું, એની બિલકુલ સામે વૈશાલી નાં બે માળ નું મોટું , ચાર ગાળા નું જુનવાણી ઢબ નું મહેલ સરીખું મકાન દ્રષ્ટિગોચર થયું, મંઝિલ મળી ગઈ હતી, પરંતુ સન્નાટો હજી યથાવત હતો, પાંચે મૂંઝવણ માં પડી ગયા, વૈશાલી ને આપેલા પ્રોમિસ મુજબ એનાં બાપ સાથે વાત કરવાની હતી, પણ અહીંયા તો ચકલૂંય ફરકતુ નહોતું, ઘર ની આગળ નાં ભાગે 4 ફૂટ ની કમ્પાઉન્ડ વૉલ હતી, વચ્ચે વાંસ નો બંને તરફ ખૂલે તેવો મોટો ઝાંપો હતો, ઝાંપો ખોલી બધા અંદર પ્રવેશ્યા, જમણી બાજુ ટ્રેકટર અને ખૂણા માં ખેતી નાં સાધનો વ્યવસ્થિત મૂક્યા હતા, ડાબી તરફ 8 થી 10 ખાટલા ઢાળ્યા હતા, બે ખાટલા માં કોઈ 2 જણા સૂતા હતા.
પંકજ ની ચેલેન્જ મુજબ વૈશાલી એ પિતા ને જાણ કરી હોય તો અહીં વધુ લોકો હોવા જોઈતા હતા, આ તો 2 જ હતા, તે પણ સૂતેલા.. અતુલ સિવાય બધા એ ખાટલાઓ માં બેઠક જમાવી, અતુલ ફુલ ટેંશન માં આંટા મારવા લાગ્યો, બીજા 4 પણ વિચાર માં જ હતા, કે આ સિચ્યુએશન માં શું કરવું?
સૂતેલા 2 માં થી 1 જરા સળ્વળ્યો, અતુલ નું મોઢું એથી ઉંધી દિશા માં હતુ, પેલા નો સળવળાટ સાંભળી એ ફર્યો, ને પગ માં ઈંટ જેવું કંઈક અફળાતા બેલેન્સ ખોઈ બેઠો, અને ધમ દઈ ને નીચે પડ્યો, પેલો માણસ આ અવાજ થી ફટાક દઈ બેઠો થયો, જેવા આ લોકો ને જોયા એટલે ખાટલા ની નીચે થી ભાલો ઉઠાવી લીધો, એક પળ થોભી સીધી બંગલા તરફ દોટ મૂકી, .. “ ઠાકુર કાકા”ના નામ ની બૂમો પાડતો દરવાજા માં પેસી ગયો, “કાકા, મેહમાન આવી ગયા છે.” સામે થી ઘેરો પહાડી અવાજ સંભળાયો “ સ્વાગત ની તૈયારી કરો, હું આવુ છું.” એ ઉંઘ માંથી અચાનક ઉઠેલો માણસ હવે વ્યવસ્થિત ચાલે પાછો ફર્યો અને પાંચે ને ઉદ્દેશી ને બોલ્યો “ તમે આરામ થી બેસો, ઠાકુર કાકા આવે છે.” બીજો સૂતેલો માણસ પણ ઉઠી બંગલા ની બાજુ ની પરસાળ માં રહી પાછળ ચાલ્યો ગયો. 3 ખાટલા માં બેઠેલ આ 5 યુવાનો મૂંઝવણ માં પડી ગયા, આ શું થઈ રહ્યું છે, એમની સમજ ની બહાર હતુ..
થોડી વારે બંગલા નો ભારેખમ દરવાજો ફરી 1 વાર ખુલ્યો અને એક રૂઆબદાર વ્યક્તિત્વ નાં માલિક ઠાકુર હેમરાજસિંહ કમ્પાઉન્ડમાં પધાર્યા, પાછળ થી એક માણસ જલ્દી થી એક સોફા ટાઈપ ખુરશી લઈ ખાટલા ની સામે મૂકી જેવો આવ્યો હતો એટલો જ જલ્દી થી અંદર ચાલ્યો ગયો, ઠાકુર સાહેબે સ્થાન ગ્રહણ કર્યુ, પડછંદ અને વિશાળકાય હેમરાજસિંહ ની દેહાકૃતિ પ્રોઢ વયે પણ આકર્ષક અને પ્રભાવશાળી હતી, ગામ મા એમનો પડ્યો બોલ ઝીલાતો, “ અમારી ધારણા એવી હતી કે તમે નહિ આવો, પરંતુ તમે આવ્યા એ ગમ્યુ, મને પણ ચેલેન્જ ગમે છે, અતુલ કોણ છે?” ભારે ભરખમ અવાજ હતો, વૈશાલી ની વાત અક્ષરસહ સાચી હતી, કાચા પોચા માણસ ની પેન્ટ તો ઠાકુર સાહેબ ની ત્રાડ થી ભીની થઈ જાય એમ હતું, બિલકુલ અતિશયોક્તિ નહોતી એ વાત માં..
અતુલ શિષ્ટતા થી ઉભો થયો, “હું છું, વડીલ.” પંકજ એન્ડ કંપની ઠાકુર સાહેબ નુ અવલોકન કરવા માં અને એમનાં અવાજ નાં પ્રભાવ માં એટવા ડુબી ગયા કે આસપાસ શું થઈ રહ્યુ છે એ ભાન પણ ન રહ્યું, ઝાંપો ખોલી અને કમ્પાઉન્ડ વૉલ ઠેકી માણસો આવી ને ખાટલા ની ત્રણે બાજુ ગોઠવાઈ ગયા હતા, કોઈક નાં હાથ માં ભાલા જેવા હથિયાર પણ હતા..
“ તમે પોતાની જાત ને સંભાળી શકો છો? કે બીજાને સાચવવા નીકળ્યા છો?” સવાલ અતુલ ને ઉદ્દેશી ને કરાયો હતો, “આજુબાજુના 10 ગામો માં અમારા નામ ના સિક્કા પડે છે, અમારી ધારણા પ્રમાણે અમારી ધાક સાંભળી ને તમે આવવુ માંડી વાળશો એમ હતી, પરંતુ તમે આવ્યા, અને હિમ્મતભેર આવ્યા…, પાછા જઈ શકશો ??? બરાબર તપાસ કરી નથી લાગતી, અમારા વિશે..!” ઠાકુરે જરા અટકી ને વિરામ લીધો અને આગળ ચલાવ્યુ, ““ હા તો જુવાનો, શું જોઈ ચાલી નિકળ્યા છો અડધી રાતે અમારા લોહવાણા માં..! મરવાની ધાક નથી લાગતી? અમને રાજપૂતો ને જાણતા નથી કે આમ અમારી કન્યા ને ઊઠાવવા આવી ગયા? મગજ ગીરવે મૂકી આવ્યા છો શું? “ ઠાકુર સાહેબ ની ત્રાડ થી શાંત વાતાવરણ ધ્રુજી ઉઠ્યું , .. “ આવા જ ધંધા કરવા માટે કૉલેજ જાઓ છો?.... અમે તમને એક મોકો આપીએ છીએ, જેમ આવ્યા છો, એમ પાછા વળી જાવ, કોઈ તમને કશું નહિ કહે અને , બીજી વાર આ ગામ ની ધરતી પર તમારા માં થી એકનોય પગ ન પડવો જોઈએ, નહિતર ઠાકુર હેમરાજસિંહ થી ખરાબ કોઈ નહી હોય. ”
કોઈ ને પણ એ વાત ની ખબર ન હતી કે વૈશાલી ઉપર ઝરૂખામાં થી આ બધુ સાંભળતી- જોતી હતી, છેલ્લા ઊપાય તરીકે એણે નીચે બધા ની વચ્ચે હાજર થવા નું વિચાર્યુ હતુ, ત્યાં સુધી એ જોવા માંગતી હતી કે પંકજ એન્ડ કંપની ચેલેન્જ કઈ રીતે પુરી કરે છે!! એણે જયારે સાંજે પિતાને આખી વાત જણાવી ત્યારે પોતાના તરફ થી ક્લીયર કહ્યુ કે “ અતુલે મને માણસો સાથે માણસ બની ને રહેતા શીખવાડ્યુ છે, હું એનાં સિવાય કોઈ સાથે પ્રેમ ન કરી શકીશ, તમે મને પરણાવી ગમે તેની સાથે શકો છો, પરંતુ એ જીવન વિતાવેલુ ગણાશે, જીવન જીવીશ હું ફક્ત અતુલ સાથે..”
હેમરાજસિંહે એક ની એક દીકરી ની વાતો ધ્યાન થી સાંભળી અને બોલ્યા “ અમે માનીએ છીએ તમારી વાતો બેટા, પણ અમે એક બાપ છીએ, ગમે તેનાં હાથ માં દીકરી ને સોંપીએ તો અમારૂ જીવતર એળે જાય, સૌપ્રથમ તો એ જુવાનો અમારૂ નામ સાંભળી અમારા ગઢ માં આવવાની હિમ્મત જ નહિ કરે, આવી ગયા તો અમે એમની બહાદુરી અને સભ્યતા ની પરિક્ષા કરીશું, છોકરો નીડર, સભ્ય અને સંસ્કારી હશે તો અમને કોઈ વાંધો નહિ રહેશે, અને એક પણ પરિક્ષા માં એ ઉણો ઉતર્યો તો, તમારે એને ભૂલી જવું પડશે.” વૈશાલી એ ડન કર્યુ, એને વિશ્વાસ હતો કે અતુલ આ પરિક્ષા માં પાસ થશે જ…
“ વડીલ, અમે જાણીએ છીએ, તમો રાજપૂતો શૂરવીર યોદ્ધા ઓ છો, અને એ પણ જાણીએ છીએ છે કે રાજપૂતો કદી પીઠ પાછળ વાર નથી કરતા, અને કદી નિહત્થા પર વાર પણ નથી કરતા. “ પંકજે વાત નો દોર પોતાના હાથ માં લેતા ઉભો થઈ ગયો.
“ તો તમને હથિયાર જોઈએ છે અમારી સાથે લડવા માટે? તમે પાંચ બચ્ચાવ છો, આ બસો જણા માં થી એક નો પણ તમે જુવાનિયાઓ મુકાબલો નહિ કરી શકો, મરવાની પુરી તૈયારી કરી આવ્યા છો, એમ? “હેમરાજસિંહ નાં અવાજ માં એ જ કડપ હતી.
“ વડીલ, અમને ખબર છે કે અમે માર્યા જઈશું, તમારા ભાલાઓ નો મુકાબલો નહિ કરી શકીશું, છતા અમે અહીં આવ્યા, તમારી કન્યા વૈશાલી ને આ છોકરો અતુલ એટલો પ્રેમ કરે છે ઠાકુર સાહેબ, કે એનાં માટે એ મરવા અહીં સુધી આવી પોગ્યો., અને એનાં આ ઉત્કટ પ્રેમ માટે, એ બંને ને મેળવવા માટે અમે ચાર દોસ્તો પણ મરવા માટે અહીં આવી ગયા, વડીલ, હું આપને વિનંતી કરૂ છું, તમે ભલે અમને મારી નાખો પણ અતુલ અને વૈશાલી ને મેળવી દો, એ બંને એકબીજા વગર ન જીવી શકશે, ન મરી શકશે... “અને પંકજ રડતા રડતા ઠાકુર હેમરાજસિંહ ના પગે પડી ગયો, અતુલ આમ પણ કયાર નો રડુ રડુ થઈ જ રહ્યો હતો, પંકજ ને રડતો જોઈ એણે પણ પોક મૂકી, અને ઠાકુર સાહેબ નાં પગ માં લાંબો થઈ ગયો, “પિતાજી, હું વૈશાલી ને દરેક હાલ માં ખુશ રાખીશ, કોઈ વાતે એને ઓછું નહિ આવવા દઉં, ” ઠાકુર સાહેબ મૂછ માં મલકાવા લાગ્યા, એમને આ જુવાનો ગમ્યા હતા..
અને ઠાકુર સાહેબ રાજી થઈ ગયા, ગ્રામવાસીઓ ની નજર માં ઠાકુર સાહેબ એક ખૂંખાર વ્યકિત હતા, આજે ગ્રામવાસીઓ ને ઠાકુર હેમરાજસિંહ મા એક પ્રેમાળ બાપ નાં દર્શન થયા, એક અભૂતપૂર્વ હૃદયપરિવર્તન ગ્રામવાસી ઓએ જોયુ, “ ભીમસિંહ, પરસાળ માં ખાટલા ઢાળો મેહમાનો માટે, તમારા માંથી કોઈ બે જણ જઈ અતુલ નાં પિતા ને માનભેર અહીં લઈ આવો.”
તે રાત્રી ગામ ખાતે અનોખી બની ગઈ, રાત્રે 12 :30 કલાકે ગોળ ધાણા ખવાયા, એક વર્ષ પછી લગ્ન ની તારીખ લેવાઈ, અતુલ અને વૈશાલી ના સુખરૂપ સંસાર નો પાયો નખાયો, પંકજ ની હિંમત, પાંચેય દોસ્તો નો પ્રેમ, ઠાકુર હેમરાજસિંહ ની કપરા સમય ની ઉદારતા અને વ્યવસ્થિત નિર્ણયે બે કુમળા ફુલ ને કરમાઈ જતા બચાવ્યા…
અતુલ અને વૈશાલી બે બાળકો સાથે લાઈફ નું ફુલ એન્જોયમેન્ટ ઉઠાવી રહ્યા છે, પૈસા ની રેલમછેલ છે, પેલેસ ટાઈપ બંગલો અને ઓડી Q7 છે, દુનિયાભર નું સુખ એમનાં પગ માં આળોટે છે, અતુલ ના બા – બાપુજી દીકરા ની પ્રગતિ જોઈ હરખાય છે ને મોજ થી જીવન પસાર કરે છે , આજે પણ એ પંચરત્નો ની દોસ્તી એવી જ અતૂટ છે, આખા પંથક માં એમની મિત્રતા નું ઉદાહરણ આપવામાં આવે છે.……
સમાપ્ત
સોલી ફીટર