Satya na Prayogo Part-5 - Chapter-3 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્યના પ્રયોગો - ભાગ-5 - 3

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

સત્યના પ્રયોગો - ભાગ-5 - 3

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૩. ધમકી એટલે ?

મુંબઈથી મારા વડીલ ભાઈની વિધવાને અને બીજાં કુટુંબીઓને મળવા સારુ રાજકોટ તથા પોરબંદર જવાનું હતું તેથી ત્યાં ગયો. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડતને અંગે મેં

મારો પહેરવેશ ગિરમીટિયા મજૂરને લગતો જેટલો કરી શકાય તેટલો કરી નાખ્યો હતો.

વિલાયતમાં પણ ઘરમાં એ જ પોશાક પહેરતો. દેશમાં આવીને મારે કાઠિયાવાડનો પહેરવેશ રાખવો હતો. તે દક્ષિણ આફ્રિકામાં મારી સાથે રાખ્યો હતો. તેથી મુંબઈ હું એ પહેરવેશથી ઊતરી શક્યો હતો, એટલે કે પહેરણ, અંગરખું, ધોતિયું ને ધોળો ફેંટો, આ બધાં દેશી મિલના જ કાપડનાં બનેલાં હતાં. મુંબઈથી કાઠિયાવાડ ત્રીજા વર્ગમાં જ જવાનું હતું. તેમાં ફેંટો ને અંગરખું મને જંજાળરૂપ લાગ્યાં. તેથી માત્ર પહેરણ, ધોતિયું ને આઠદશ આનાની કાશ્મીરી ટોપી રાખ્યાં. આવો પોશાક પહેરનાર ગરીબ માણસમાં જ ખપે. આ વેળા વીરમગામ કે વઢવાણમાં મરકીને લીધે ત્રીજા વર્ગના ઉતારુઓની તપાસ થતી હતી. મને થોડો તાવ હતો. તપાસ કરનાર અમલદારે, હાથ જોતાં તેને તે ગરમ લાગ્યો તેથી, મને રાજકોટમાં દાક્તરને મળવાનો હુકમ કર્યો ને નામ નોંધ્યું.

મુંબઈથી કોઈએ તારકાગળ મોકલ્યો હશે, તેથી વઢવાણ સ્ટેશને ત્યાંના પ્રજાસેવક તરીકે પંકાયેલા દરજી મોતીલાલ મળ્યા હતા. તેમણે મારી પાસે વીરમગામની જકાતતપાસણી અને તેને અંગે થતી વિટંબણાઓની વાત કરી. હું તાવથી પીડાતો હતો તેથી વાતો કરવાની ઇચ્છા થોડી જ હતી. મેં તેમને ટૂંકામાં જ જવાબ દીધો :

‘તમે જેલ જવા તૈયાર છો ?’

વગર વિચાર્યે ઉત્સાહમાં જવાબ દેનારા ઘણા જુવાનો જેવા જ મેં મોતીલાલને માન્યા હતા. પણ તેમણે બહુ દૃઢતાપૂર્વક જવાબ દીધો :

‘અમે જરૂર જલમાં જશું. પણ તમારે અમને દોરવા જોઈશે. કાઠિયાવાડી તરીકે તમારી ઉપર અમારો પહેલો હક છે. અત્યારે તો અમે તમને ન રોકી શકીએ, પણ વળતાં તમારે વઢવાણ ઊતરવું પડશે. અહીંના જુવાનિયાઓનું કામ ને તેમનો ઉત્સાહ જોઈ તમે ખુશ થશો. અમને તમારી સેનામાં જ્યારે માગશો ત્યારે ભરતીમાં લઈ શકશો.’

મોતીલાલની ઉપર મારી આંખ ઠરી. તેમના બીજા સાથીએ તેમની સ્તુતિ કરતાં કહ્યું :

‘આ ભાઈ છે તો દરજી. પોતાના ધંધામાં કુશળ છે. તેથી રોજ એક કલાક કામ

કરી દર માસે લગભગ રૂપિયા પંદર પોતાના ખરચજોગ કમાય છે ને બાકીનો બધો વખત સાર્વજનિક સેવામાં ગાળે છે અને અમને બધા ભણેલાને દોરે છે ને શરમાવે છે.’

પાછળથી હું ભાઈ મોતીલાલના પ્રસંગમાં સારી પેઠે આવ્યો હતો. અને મેં જોયું કે તેમની ઉપરની સ્તુતિમાં મુદ્દલ અતિશયોક્તિ નહોતી. સત્યાગ્રહાશ્રમ સ્થપાયો ત્યારે તે દર

માસે થોડા દહાડા તો ભરી જ જાય. વીરમગામની વાત તો મન રોજ સંભળાવે. મુસાફરોની ઉપર પડતી હાડમારી તેમને સારુ અસહ્ય હતી. આ મોતીલાલને ભરજુવાનીમાં બીમારી ઉપાડી ગઈ, ને વઢવાણ તેમના વિના સૂનું થયું.

રાજકોટ પહોંચતાં બીજે દિવસે સવારે હું પેલા મળેલા હુકમ પ્રમાણે ઇસ્પિતાલે હાજર થયો. ત્યાં તો હું અજાણ્યો નહોતો. દાક્તર શરમાયા ને પેલા તપાસનાર અમલદારની ઉપર ગુસ્સો કરવા લાગ્યા. મને ગુસ્સાનું કારણ ન લાગ્યું. અમલદારે તો પોતાનો ધર્મ પાળ્યો હતો. તે મને ઓળખતો નહોતો, ને ઓળખે તોયે જે હુકમ કર્યો તે કરવાનો તેનો ધર્મ હતો. પણ હું જાણીતો તેથી રાજકોટમાં મારે તપાસ કરાવવા જવાને બદલે તપાસ કરવા

માણસ ઘેર આવવા લાગ્યા.

ત્રીજા વર્ગના મુસાફરોની આવી બાબતોમાં તપાસ આવશ્યક છે. મોટા ગણાતા

માણસો પણ ત્રીજા વર્ગમાં ફરે તો તેમણે ગરીબોને લાગુ પડતા નિયમોને સ્વેચ્છાએ વશ વર્તવું જોઈએ, ને અમલદારોએ પક્ષપાત ન કરવો જોઈએ. પણ મારો અનુભવ એવો છે કે, અમલદારો ત્રીજા વર્ગના મુસાફરોને મનુષ્ય ગણવાને બદલે જાનવર જેવા ગણે છે. તુંકારા સિવાય તેને બોલાવાય જ નહીં. ત્રીજા વર્ગના મુસાફરથી સામે જવાબ ન અપાય, દલીલ

ન થાય. કેમ જાણે તે અમલદારનો નોકર હોય નહીં એમ તેણે વર્તવું રહ્યું. તેને અમલદાર

માર મારે, તેને લૂંટે, તેને ટ્રેન ચુકાવે, તેને ટિકિટ દેતાં રિબાવે. આ બધું મેં જાતે અનુભવ્યું છે. અને આ વસ્તુસ્થિતિમાં સુધારો તો જ થાય જો કેટલાક ભણેલા અને ધનિક ગરીબ જેવા બને અને ત્રીજા વર્ગમાં ફરી ગરીબ મુસાફરને ન મળતી હોય એવી એક પણ સગવડ ન ભોગવે, અને અગવડો, અવિવેક, અન્યાય, બીભત્સતા મૂંગે મોઢે સહન ન કરતાં તેની સામે થાય ને દાદ મેળવે.

કાઠિયાવાડમાં હું જ્યાં જ્યાં ફર્યો ત્યાં ત્યાં વીરમગામની જકાતની તપાસને અંગે થતી હાડમારીની ફરિયાદો સાંભળી.

તેથી બોર્ડ વિલિંગ્ડને આપેલા નિમંત્રણનો મેં તુરત ઉપયોગ કર્યો. આ બાબતનાં

મળ્યાં એટલાં કાગળિયાં વાંચ્યાં. ફરિયાદમાં ઘણું તથ્ય હતું એમ મેં જોયું. તે બાબત મેં

મુંબઈની સરકાર સાથે પત્ર વ્યવહાર ચલાવ્યો. સેક્રેટરીને મળ્યો. લૉર્ડ વિલિંગ્ડનને પણ

મળેલો. તેમણે દિલસોજી બતાવી, પણ દિલ્હીની ઢીલની રાવ ખાધી.

‘જો અમારા જ હાથમાં હોત તો અમે ક્યારની એ જકાત કાઢી નાખી હોત. તમે વડી સરકાર પાસે જાઓ.’ આમ સેક્રેટરીએ કહ્યું.

મેં વડી સરકારની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. પણ પહોંચ ઉપરાંત કશો જવાબ ન પામ્યો. જ્યારે મને લૉર્ડ ચેમ્સફર્ડને મળવાનો પ્રસંગ આવ્યો ત્યારે, એટલે લગભગ બે વર્ષના પત્રવ્યવહાર બાદ, દાદ મળી. લૉર્ડ ચેમ્સફર્ડને વાત કરી ત્યારે તેમણે આશ્ચર્ય બતાવ્યું. તેમને વીરમગામ વિશે કંઈ જ ખબર નહોતી. મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી, અને તે જ વખતે ટેલિફોન કરી વીરમગામનાં કાગળિયાં મગાવ્યાં. જો મારી હકીકતની સામે અમલદારોને કંઈ

કહેવાનું નહીં હોય તો જકાત રદ કરવનું વચન આપ્યું. આ મેળાપ પછી થોડા જ દિવસમાં જકાત રદ થવાની નોટિસ મેં છાપામાં વાંચી.

મેં આ જીતને સત્યાગ્રહના પાયારૂપે માની, કેમ કે વીરમગામ વિશે વાતો દરમિયાન

મુંબઈ સરકારના સેક્રેટરીએ મને મારા તે વિશે બગસરામાં કરેલા ભાષણની નકલ પોતાની પાસે હોવાનું કહ્યું હતું. તેમાં રહેલા સત્યાગ્રહના ઉલ્લેખ વિશે તેમણે પોતાની નાખુશી પણ બતાવી હતી. તેમણે પૂછેલું :

‘તમે આને ધમકી નથી માનતા ? અને આમ શક્તિમાન સરકાર ધમકીને ગાંઠે ?’

મેં જવાબ આપ્યો :

‘આ ધમકી નથી. આ લોકકેળવણી છે. લોકોને પોતાનાં દુઃખ દૂર કરવાના બધા વાસ્તવિક ઉપાયો બતાવવાનો મારા જેવાનો ધર્મ છે. જે પ્રજા સ્વતંત્રતા ઈચ્છે તેની પાસે પોતાની રક્ષાના અંતિમ ઈલાજ હોવા જોઈએ. સામાન્ય રીતે આવા ઈલાજો હિંસક હોય છે.

સત્યાગ્રહ એ શુદ્ધ અહિંસક શસ્ત્ર છે. તેનો ઉપયોગ ને તેની મર્યાદા બતાવવાનો મારો ધર્મ

માનું છું. અંગ્રેજ સરકાર શક્તિમાન છે એ વિશે મને શંકા નથી. પણ સત્યાગ્રહ સર્વોપરી શસ્ત્ર છે એ વિશે પણ મને શંકા નથી.’

શાણા સેક્રેટરીએ પોતાનું માથું ધુણાવ્યું ને બોલ્યા : ‘આપણે જોઈશું.’