Satya na Prayogo Part-5 - Chapter-4 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્યના પ્રયોગો - ભાગ-5 - 4

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

સત્યના પ્રયોગો - ભાગ-5 - 4

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૪. શાંતિનિકેતન

રાજકોટથી હું શાંતિનિકેતન ગયો. ત્યાં ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મને

પ્રેમથી નવરાવ્યો. સ્વાગતના વિધિમાં સાદાઈ, કળા અને પ્રેમનું સુંદર મિશ્રણ હતું. ત્યાં મને કાકાસાહેબ કાલેલકરની પહેલી મુલાકાત થઈ.

કાલેલકર ‘કાકાસાહેબ’ કેમ કહેવાતા હતા એ તો ત્યારે હું જાણતો જ નહોતો. પણ પાછળથી માલૂમ પડ્યું કે કેશવરાવ દેશપાંડે, જેઓ વિલાયતમાં મારા સમકાલીન હતા ને જેમની સાથે મારો વિલાયતમાં સરસ પરિચય થયો હતો, તે વડોદરા રાજ્યમાં ‘ગંગનાથ વિદ્યાલય’ ચલાવતા હતા. તેમની ઘણી ભાવનાઓમાં એક આ પણ હતી કે વિદ્યાલયમાં કૌટુંબિક ભાવના હોવી જોઈએ. તેથી બધા અધ્યાપકોને નામો આપ્યાં હતાં. તેમાં કાલેલકર

‘કાકા’ નામ પામ્યા. ફટકે ‘મામા’ થયા. હરિહર શર્મા ‘અણ્ણા’ થયા અને બીજાઓને યોગ્ય

નામો મળ્યાં. કાકાના સાથી તરીકે આનંદાનાંદ (સ્વામી) અને મામાના મિત્ર તરીકે પટવર્ધન (આપ્પા) આગળ જતાં આ કુટુંબમાં જોડાયા. એ કેટુંબમાંના ઉપરના પાંચે એક પછી એક

મારા સાથી થયા. દેશપાંડે ‘સાહેબ’ને નામે ઓળખાય. સાહેબનું વિદ્યાલય બંધ થયા પછી આ કુટુંબ વીખરાયું. પણ એ લોકોએ પોતાનો આધ્યાત્મિક સંબંધ ન છોડ્યો. કાકાસાહેબ જુદા જુદા અનુભવો લેવા લાગ્યા, અને તે અનુભવોને અંગે આ વખતે શાંતિનિકેતનમાં રહેતા હતા. તે જ મંડળના એક બીજા ચિંતામણ શાસ્ત્રી ત્યાં રહેતા હતા. આ બંને સંસ્કૃત શીખવવામાં ભાગ લેતા હતા.

શાંતિનિકેતનમાં મારા મંડળને નોખો ઉતારો આપવામાં આવ્યો હતો. અહીં

મગનલાલ ગાંધી તે મંડળને સાચવી રહ્યા હતા, અને ફિનિક્સ આશ્રમના બધા નિયમોનું સૂક્ષ્મતાએ પાલન કરતા-કરાવતા હતા. મેં જોયું કે તેમણે શાંતિનિકેતનમાં પોતાની સુવાસ પોતાનાં પ્રેમ, જ્ઞાન અને ઉદ્યોગને લીધે ફેલાવી હતી. અહીં ઍન્ડ્રૂઝ તો હતા જ. પિયર્સન હતા. જગદાનંદબાબુ, નેપાળબાબુ, સંતોષબાબુ, ખિતિમોહનબાબુ, નગીનબાપુ, શરદબાપુ અને કાલિબાબુની સાથે ઠીક સંબંધમાં આવ્યા.

મારા સ્વભાવ પ્રમાણે હું વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે ભળી ગયો, અને જાતમહેનતને વિશે ચર્ચા કરવા લાગ્યો. પગારદાર રસોઈયાને બદલે જો શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાની રસોઈ કરી લે તો સારું થાય. રસોડાની ઉપર આરોગ્ય અને નીતિની દૃષ્ટિએ શિક્ષકવર્ગ કાબૂ મેળવે, અને વિદ્યાર્થીઓ સ્વાશ્રય અને સ્વયંપાકનો પદાર્થપાઠ લે. આ વાત મેં ત્યાના શિક્ષકો આગળ મૂકી. એકબે શિક્ષકે માથું ધુણાવ્યું. કેટલાકને આ પ્રયોગ બહુ ગમ્યો. બાળકોને તો, નવી ચીજ ગમે તે હોય તો ગમે જ તે ન્યાયે, આ પણ ગમી. અને અખતરો શરૂ થયો. આ વાત કવિશ્રી આગળ મૂકતાં, શિક્ષકો અનુકૂળ થાય તો આ અખતરો પોતાને તો જરૂર ગમે એવો અભિપ્રાય તેમણે આપ્યો. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, ‘આમાં સ્વરાજની ચાવી રહેલી છે.’

પિયર્સને અખતરો સફળ કરવામાં પોતાની કાયા નિચોવી. તેમને તે બહુ ગમ્યું.

એક શાક મોળવાની મંડળી જામી, અને બીજી અનાજ સાફ કરવાની. રસોડાની આસપાસ શાસ્ત્રીય શુદ્ધિ કરવામાં નગીનબાપુ વગેરે રોકાયા. તેમને કોદાળી લઈ કામ કરતા જોઈ મારું હેયું હરખાયું.

પણ આ મહેનતનું કામ સવાસો છોકરા અને શિક્ષકો પણ એકદમ ઝીલી શકે એમ

નહોતું. તેથી રોજ ચર્ચા થતી. કેટલાક થાકતા. પિયર્સનને થાક લાગે જ શાનો ? એ તો હસતે ચહેરે કંઈકને કંઈક રસોડાના કામમાં લાગ્યા જ રહે. મોટાં મોટાં વાસણો માંજવાં એ તો એમનું જ કામ. વાસણ માંજનાર ટુકડીનો થાક ઉતારવા કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં સતાર વગાડતા. દરેક કામ વિદ્યાર્થીઓએ પૂરતા ઉત્સાહથી ઝીલી લીધું, અને આખું શાંતિનિકેતન

મધપૂડાની પેઠે ગણગણવા લાગ્યું.

આવી જાતના ફેરફારોનો એક વાર આરંભ થાય પછી તે થોભી નથી જતા.

ફિનિક્સ રસોડું સ્વાશ્રયી હતું, એટલું જ નહીં પણ તેમાં રસોઈ બહુ સાદી હતી. મસાલાનો ત્યાગ હતો. તેથી વરાળ મારફતે ભાત, દાળ, શાક અને ઘઉંના પદાર્થો પણ પકાવી લેવામાં આવતા હતા. બંગાળી ખોરાકમાં સુધારા કરવાના ઈરાદાથી એ જાતનું એક રસોડું કાઢ્યું હતું. એમાં એક બે અધ્યાપકો અને કેટલાક વિદ્યાર્થીઓ ભળ્યા હતા. આવા પ્રયોગોમાંથી સર્વસામાન્ય રસોડું સ્વાશ્રયી બનાવવાનો અખતરો શરૂ થઈ શક્યો હતો.

પણ છેવટે કેટલાંક કારણોને લઈને આ પ્રયોગ બંધ રહ્યો. મારી માન્યતા છે કે આ જગવિખ્યાત સંસ્થાએ આ પ્રયોગ ટૂંકી મુદતને સારુ પણ ચલાવીને કંઈ ગુમાવ્યું નથી. અને તેમાંથી મળેલા કેટલાક અનુભવો તેને સારુ ઉપયોગી થયા હતા.

મારો ઈરાદો શાંતિનિકેતનમાં કંઈક મુદતને સારુ રહેવાનો હતો. પણ મને વિધાતા બળાત્કારે ઘસડી ગયો. હું ભાગ્યે એક અઠવાડિયું રહ્યો હોઈશ ત્યાં પૂનાથી ગોખલેના અવસાનનો તાર મળ્યો. શાંતિનિકેતન શોકમાં ડૂબી ગયું. મારી પાસે સૌ ખરખરો કરવા આવ્યા. મંદિરમાં ખાસ સભા ભરી. આ ગંભીર દેખાવ અપૂર્વ હતો. હું તે જ દિવસે પૂને જવા નીકળ્યો. સાથે પત્ની અને મગનલાલને લીધાં. બાકીનાં બધાં શાંતિનિકેતનમાં રહ્યાં.

ઍન્ડ્રૂઝ બર્દવાન સુધી મારી સાથે આવ્યા હતા. તેમણે મને પૂછ્યું, ‘તમારે

હિંદુસ્તાનમાં સત્યાગ્રહ કરવાનો અવસર આવે એમ લાગે છે ખરું ? ને લાગતું હોય તો ક્યારે એની કાંઈ કલ્પના આવે છે ?’

મેં જવાબ આપ્યો, ‘આનો જવાબ આપવો મુશ્કેલ છે. મારે એક વર્ષ તો કંઈ

કરવાપણું છે જ નહીં. ગોખલેએ મારી પાસેથી વચન લીધું છે કે, એક વર્ષ લગી મારે ભ્રમણ કરવું, કોઈ જાહેર પ્રશ્ન પર વિચાર ન બાંધવો, ન બતાવવો. આ વચન હું અક્ષરશઃ પાળવાનો છું. પછી પણ મારે કોઈ પ્રશ્ન પર બોલવાપણું હશે તો જ હું બોલવાનો છું.

એટલે પાંચ વર્ષ લગી સત્યાગ્રહ કરવાનો અવસર આવે એમ મને લાગતું નથી.’

અહીં આટલું કહેવું પ્રસ્તુત છે કે ‘હિંદ સ્વરાજ’માં મેં જે વિચારો દર્શાવ્યા છે તેને ગોખલે હસી કાઢતો ને કહેતા : ‘એક વર્ષ તમે હિંદુસ્તાનમાં રહી જોશો એટલે તમારા વિચારો એની મેળે ઠેકાણે આવશે.’