operation golden eagle - 13 in Gujarati Fiction Stories by Pratik D. Goswami books and stories PDF | ઓપરેશન ગોલ્ડન ઈગલ 13

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ઓપરેશન ગોલ્ડન ઈગલ 13

ઓપરેશન ગોલ્ડન ઈગલ

પ્રકરણ: ૧૩

પ્રતીક. ડી. ગોસ્વામી

ટ્રીન્ગ....ટ્રીન્ગ.... ટ્રીન્ગ..... !

"સાલું સવારના પહોરમાંય આમને સુખ નથી !" ફોનના બબડાટ સાથે જનરલ કયાની પણ શરુ થઇ ગયા. સામટા બે 'એલાર્મ'નો શોરબકોર સાંભળીને તેમના બેગમની નિંદર પણ ઉડી ગઈ. કયાનીએ ફોન ઉઠાવ્યો. હજી તો રિસીવર હાથમાં લીધો જ કે સામેથી જાણે ધમણ ચાલી રહી હોય એવો અવાજ સંભળાયો.

"સર.... ! વેરી અર્જન્ટ ન્યૂઝ !" તરત જનરલ કયાનીએ ફોન પટકયો અને પોતાના ઘરમાં જ આવેલી નાનકડી ઓફિસ તરફ દોડયા. ફોન તેમના મદદનીશ મેજર કુફરત અલીનો હતો.

“આટલી સવારે તે શા માટે ફોન કરે ? એવા તે કયા સમાચાર હશે ? ક્યાંક હિન્દુસ્તાની ફૌજે ફરીથી સર્જીકલ સ્ટ્રાઈક તો નથી કરીને ?” કયાનીનું ચરખા જેવું મગજ ઝડપથી વિચારી રહ્યું હતું. તેઓ ઓફિસમાં પહોંચ્યા, જ્યાં અત્યારે ટેલિફોન રણકી રહ્યો હતો. કામ અને વ્યક્તિગત જિંદગીને અલગ રાખવા માટેની આ એક વ્યવસ્થા હતી. જો તેઓ પોતાના શયનખંડમાં હોય અને કોઈ ચીલાચાલુ નાનકડું કામ આવી પડે, તો ત્યાં જ પતાવી દે, પણ જો કોઈ સિરિયસ સમાચાર આપવાના હોય કે મેળવવાના થાય, તો તેઓ પોતાની ઓફિસનો ફોન જ વાપરતાં હતાં. એ ફોન ખાસ પ્રકારનો અને અનહેકેબલ હતો. ઘરના કોઈ નોકર કે સભ્યને પણ તેને હાથ લગાડવાની સખત મનાઈ કરવામાં આવી હતી.

"બોલ કુફરત ! શું સમાચાર છે ?"

"સર... સર..."

"આગળ બોલને.. જીભ ચોંટી ગઈ છે કે શું ?" જનરલ અકળાયા.

"સર, પીઓકેમાં આપણી ચોકીઓ પર હિન્દુસ્તાની ફૌજે મોર્ટાર હુમલો કર્યો છે. ત્રણેય ચોકીઓ ઉડાવી દેવામાં આવી છે. આપણાં ચૌદ જવાનો શહીદ થયા છે.... અને ચાર જખમી છે !" મેજરે હાંફતા અવાજે સમાચાર કહી સંભળાવ્યા. જનરલ કયાનીના ભવાં ઊંચા થયાં...તેમણે પૂછ્યું "આપણા સિપાહીઓએ દુશ્મનને ઉશ્કેર્યા હતા કે ફાયરીંગ કરી હતી ?"

"ના સર ! એવું તો કંઈ નથી થયું. ચાર ઘાયલ સૈનિકો પીઓકેમાં આપણી બીજી એક ચોકી પર પહોંચ્યા છે, એમણે ત્યાંના અફસરને જણાવ્યું છે કે ફાયરીંગ દુશ્મને શરુ કરી હતી... અને તેઓ જવાબ આપે એ પહેલાં જ ત્રણે ચોકીઓનો ખાત્મો બોલાવી નાખ્યો હતો."

"ઠીક છે, તરત ત્યાં બેકઅપ મોકલો અને શહીદોના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરો. અને ઘાયલ સૈનિકોને તરત જ મિલિટરી હોસ્પિટલમાં શિફ્ટ કરો. બીજી વાત, કે જ્યાં સુધી મારો હુકમ ન આવે ત્યાં સુધી આપણે દુશ્મનને ઉકસાવવાનો નથી કે એમના ગામો કે ચોકીઓ પર ફાયરીંગ નથી કરવાની. આ વાત બધા કોર કમાન્ડર્સ સુધી પહોંચી જવી જોઈએ. સમજી ગયો ?"

"જી સર !"

"સારું, શેખ સાહેબ સાથે સાંજની મીટીંગ ફિક્સ કરાવ, એમને કહેજે અર્જન્ટ છે !"

"ઠીક છે સર !"

ફોન કટ થયો. જનરલ કયાની વિચારમાં પડ્યા. તેમની ઊંઘ તો ઉડી ચુકી હતી. જોકે એક વાતની રાહત હતી કે વર્ષોથી ચાલી આવતી પ્રથાની જેમ ભારતીય સેના આ વખતે પણ પાકિસ્તાનની સીમાવર્તી ચોકીઓ પર હુમલાઓ કરીને દાઝ કાઢી રહી હતી. આવા હુમલાઓથી હવે પાકિસ્તાની સેના પણ ટેવાઈ ચૂકી હતી. છતાં કયાની કોઈ જોખમ લેવા નહોતા માંગતા, તેથી અબુ સુલેમાનની 'ફ્રી ડિલિવરી' ન થઇ જાય ત્યાં સુધી તેમણે અને તેમની સેનાએ સંયમ જાળવી રાખવું અનિવાર્ય હતું. સખત ઠંડી હોવા છતાં હૂંફાળી નીંદર માણવાની લાલચ રોકીને તેઓ તૈયાર થવા માટે બાથરૂમ તરફ વળ્યાં.

***

30 ઓક્ટોબર, 2016, ચકલાલા, રાવલપિંડી

રાવલપિંડી અને ઇસ્લામાબાદ વચ્ચે પડતો બેનઝીર ભુટ્ટો ઇન્ટરનેશનલ એરપોર્ટ અત્યારે પાકિસ્તાની પત્રકારોના કોલાહલથી ગાજી રહ્યો હતો. વહેલી સવારનો સમય હતો, બંને ટ્વીન સિટીના નાગરિકોને પોતાની રોજિંદી ઘરેડમાં પડવા માટે હજુ ત્રણેક કલાક બાકી હતાં, છતાં પત્રકારોને ચેન નહોતું. પાકિસ્તાનમાં (અને બહાર પણ !) જવલ્લે જ આદર પામતાં એક ખાસ માણસનાં સ્વાગતની તૈયારીઓ ચાલુ હતી. બધા પત્રકારો પણ એમનો જ 'ઇસ્તકબાલ' કરવા ઉભા હતા.

થોડીવાર પછી 'પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ'ના બોઇંગ 777 વિમાને રન-વે પર ચિચિયારીઓ સાથે પૈડાં ટેકવ્યા. રન-વેના છેક છેડા સુધીનું અંતર કાપીને એ ભારેખમ વિમાન આખરે થોભ્યું. મોબાઈલ લેડર ગોઠવાઈ, દરવાજો ખૂલ્યો અને એક મહાનુભાવ બહાર આવ્યા. પગથિયાં ઉતરતે ઉતરતે તેમણે હાથ હલાવીને ત્યાં હાજર રહેલા જૂજ લોકોનું અભિવાદન કર્યું. એ મહાનુભાવ એટલે પાકિસ્તાનના વડાપ્રધાન ઇકબાલ શાહીદ, સત્તાના હુકમવિહોણાં પત્તાં ! ખેર, લોકશાહીના તરફદાર માટે આમ પણ પાકિસ્તાનમાં ખાસ કોઈ ઈજ્જત નથી હોતી.

સ્વાગત કરનારાઓમાં તેમની પાર્ટીના ચાર-પાંચ સભ્યો અને એકલદોકલ મંત્રીઓ સાથે તેમનો પી.એ અરશદ પણ ઉભો હતો, જે અત્યારે તણાવમાં લાગી રહ્યો હતો. ગુલદસ્તાઓથી બહુમાન સ્વીકારીને ઇકબાલ ટર્મિનલ તરફ આગળ વધ્યા જ્યાં પત્રકારોનું ટોળું તેમને વધાવવા તૈયાર જ ઉભું હતું. તેઓ પાસે આવ્યાં એટલે પત્રકારો તેમને ઘેરી વળ્યાં અને એક પછી એક સવાલોની ઝડી વરસવાની શરુ થઇ, જેના જવાબોની તૈયારી ઇકબાલ શાહીદે વિમાનમાં બેઠે બેઠે મનોમન કરી લીધી હતી.

"સર, વેલકમ બેક ટૂ પાકિસ્તાન ! તમારી 'ઓઆઇસી' દેશોની મુલાકાત કેવી રહી ?" એક ફોર્મલ સવાલ પૂછાયો.

"એકંદરે સફળ કહી શકાય. 'ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન'ના અનેક દેશોએ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વેપાર વધારવાનું વચન આપ્યું છે. આ સિવાય પાકિસ્તાનમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે પણ તેમણે રસ દાખવ્યો છે." ઇકબાલે ડિપ્લોમેટિક જવાબ આપ્યો.

"સર ! ત્રણ દિવસ પહેલાં કાશ્મીર સીમાએ ઇન્ડિયન આર્મી પર હુમલો થયો છે. ઇન્ડિયા એ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું કહે છે અને એને લગતાં સબૂતો પણ તેમની પાસે છે. તમારું શું કહેવું છે ?" સવાલોનો અસલી દોર હવે શરુ થયો.

"તદ્દન જુઠ્ઠી વાત છે. પાકિસ્તાને હંમેશા ભારત સાથે દોસ્તી માટે હાથ લંબાવ્યો છે. હું દાવા સાથે કહી શકું છું, કે આમાં પાકિસ્તાનનો કે પાકિસ્તાની ફૌજનો કોઈ જ હાથ નથી. બલ્કે મને લાગે છે કે કાશ્મીરની આઝાદી માટે લડતાં યોદ્ધાઓએ ભારતીય ફૌજના જુલ્મોથી કંટાળીને આ હુમલો કર્યો છે. તેથી હું ભારતીય હૂકુમતને તાકીદ કરીશ કે તેઓ કાશ્મીરી આવામની માંગણી પર ધ્યાન આપે !"

"સર પણ સબૂતોનું શું ? ભારતીય હૂકુમત પાસે પાકિસ્તાન વિરુદ્ધ ઠોસ સબૂત છે, જે એ પાકિસ્તાનને સોંપવા પણ તૈયાર છે.." એક પત્રકારે અણિયાળો સવાલ કર્યો, જેની કળ વળે એના પહેલાં જ બીજો સવાલ પૂછાયો, "સર ! તમે વિદેશયાત્રાએ હતાં, તેથી કદાચ એવુંય બની શકેને કે તમારી જાણ બહાર આ પગલું ભરવામાં આવ્યું હોય !"

આ સવાલ પૂછનાર 'ધ ડેઇલી મેઈલ' નામના અગ્રગણ્ય બ્રિટિશ અખબારનો અંગ્રેજ પત્રકાર રોબર્ટ કોલીન્સ હતો, જે લંડનથી ઇકબાલનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો હતો. આજે સાંજે પાકિસ્તાનની એક જાણીતી ચેનલમાં ઇકબાલ સાથે ભારત-પાક મુદ્દા પર ચર્ચા કરવા માટે તેને ખાસ બોલાવવામાં આવ્યો હતો. ખબર નહીં કેમ પણ અત્યારે તેને પાકિસ્તાની પત્રકારો સાથે અહીં હાજર રહેવાનું દોઢ ડહાપણ સૂજ્યું હતું.

ઇકબાલે રોબર્ટની સામે કંઈક ગુસ્સા સાથે જોયું અને બોલ્યા "મિસ્ટર, બની શકે કે તમે કદાચ પાકિસ્તાનની વર્તમાન ઉપલબ્ધિઓ અને પરિસ્થિતિથી વાકેફ ન હોવ, એટલે તમને જણાવી દઉં કે પાકિસ્તાનમાં છેલ્લા ઘણાં વર્ષોથી લોકશાહી સરકાર છે. પાકિસ્તાની સેના પણ બંધારણના દાયરામાં રહીને જ કોઈ પગલું ભરે છે, એટલે મારી જાણ બહાર આવું થવાનો સવાલ જ ઉત્પન્ન નથી થતો. રહી વાત સબૂતોની, તો ભારત સરકાર અમને સબૂત આપે, અમે એના પર તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશું !"

"આશા છે કે આપ લોકોને જોઈતો જવાબ મળી ગયો હશે." ઇકબાલના સાથી મંત્રીએ પત્રકારોથી પીછો છોડાવવા માટે કહ્યું, અને કાફલો ઝડપથી આગળ વધ્યો.

બહાર નીકળીને ઇકબાલ શાહીદ પોતાની કાર પાસે આવી પહોંચ્યા. તરત અરશદે દોડીને તેમની બુલેટપ્રૂફ ગાડીનો દરવાજો ખોલતાં કહ્યું "જનાબ ! જનરલ કયાની તમને મળવા માંગે છે, હમણાં જ !" અરશદે જાણી જોઈને 'હમણાં જ' શબ્દ પર ભાર મૂક્યો હતો. ઇકબાલે બે સેકન્ડ અરશદ સામે ઘૂર્યા કર્યું. તેમના ચહેરા પર અણગમાના ભાવ ઉપસી આવ્યા. તેમણે પોતે જ જોરથી દરવાજો બંધ કર્યો. "કયાનીના બંગલા પર ગાડી લઇ લો." તેમણે ડ્રાઇવરને કહ્યું.

ઇકબાલ જનરલ કયાનીના બંગલે પહોંચ્યા. કયાની બંગલાના વિશાળ ગાર્ડનમાં ચાની લિજ્જત માણતે બેઠાં હતાં. અત્યારે તેઓ પૂરા લશ્કરી યુનિફોર્મમાં સજ્જ હતાં, કારણકે વડાપ્રધાન સાથે આ અનઓફિશિયલ મીટીંગ પતાવીને તેમણે તરત ઓફિસે જવા નીકળવાનું હતું. તેમણે ઇકબાલને આવતાં જોયા એટલે ચાનો કપ ટીપોય પર મૂકીને ઉભા થઇ ગયા. ઇકબાલ નજીક આવ્યા એટલે કયાનીએ લશ્કરી ઢબે સેલ્યુટ કરી.

"બોલો, આટલું વહેલું શું કામ પડ્યું?" ઉખડેલા સ્વરે ઉભા ઉભા જ ઇકબાલે પૂછ્યું.

"સર બેસો, પછી વાત કરીએ !" કયાનીએ વિનંતી કરી કે આદેશ આપ્યો એ ઇકબાલ સમજી ન શક્યા. કમને તેઓ સામે ગોઠવેલી ખુરશી પર બેઠાં.

"ઉમર, ઇકબાલ સાહેબ માટે એક ગરમાગરમ ચા લાવજે." તેમણે પોતાના નોકરને બૂમ પાડી.

"જનરલ, ટેસથી ચાની ચુસ્કીઓ લેવાનો સમય નથી મારી પાસે. જે કહેવું હોય તે જલ્દી કહો."

"અરે સર, આ ઉંમરે આટલો બધો ગુસ્સો સારો ન કહેવાય. તમે વિદેશયાત્રા પર હતાં, એટલે તમને જાણ કર્યા વગર જ ગાઝીઓને ભારતીય ફૌજ પર હુમલો કરવો પડ્યો એ બાબતે હું દિલગીર છું.”

"પણ વિશ્વ બિરાદરીમાં જવાબ મારે આપવો પડે છે જનરલ ! મારી ચાર દિવસની ઇસ્લામિક દેશોની મુલાકાતમાં મેં જોયું કે આપણી આ નીતિ પ્રત્યે અનેક દેશોમાં અણગમો છે. હવે આપણે મજહબના નામે આવા ધંધા કરીશું તો કદાચ ઇસ્લામી દેશો આપણો બહિષ્કાર પણ કરી શકે. તમારા પગલાંથી ચીનાઓ પણ નારાજ છે. અત્યારે આપણી પાસે ચીન સિવાય બીજો કોઈ શક્તિશાળી સાથીદાર નથી એ તમે જાણો છો... એમને નારાજ કરવું આપણને ન પોસાય !"

"ઇકબાલ સાહેબ !" જનરલ કયાનીનો અવાજ ઊંચો થયો. "વિદેશનીતિનો અમલ કરીને વિશ્વમાં પાકિસ્તાનની શાખ જાળવી રાખવાનું કામ તમારું છે, તમારી ડિપ્લોમેસીની નિષ્ફળતા પાકિસ્તાની ફૌજ પર ન ઢોળો.”

“તમે દરરોજ બિનજરૂરી ફસાદ કર્યા રાખો, તો સરકાર શું કરે ? એના કરતાં બલુચિસ્તાનમાં શાંતિ કઈ રીતે જાળવી રાખવી એના વિશે વિચારો.. ભારત સાથે દુશ્મની આપણને મોંઘી પડી શકે છે, જનરલ !”

“ પાકિસ્તાની ફૌજને ન શિખવાડો જનાબ, અમે અમારું કામ સારી રીતે કરીએ જ છીએ. ચીનને અને આપણાં બીજા મિત્રદેશોને કઈ રીતે સમજાવવા એ તમારે જોવાનું છે, જો તેમ ન કરી શકતા હોવ, તો રાજીનામુ આપી દો ! હા, રાજીનામાંથી યાદ આવ્યું કે તમારા પનામા અને સ્વિસ બેંકોના એકાઉન્ટ્સની બેહિસાબી મિલકત વિશે આજકાલ ઘણી વાતો થઇ રહી છે. એટલે જો તમે વડાપ્રધાન નહીં રહો, તો એ ગુના સંદર્ભે ખટલો ચલાવવામાં અને તમારી ધરપકડ કરવામાં પોલીસને સરળતા રહેશે એવું મારા એક વકીલ મિત્રનું માનવું છે !" જનરલ કયાની સીધી ભાષામાં, એકદમ ઠંડા અવાજે ઇકબાલ શાહીદને-પાકિસ્તાનના વડાપ્રધાનને ધમકાવી રહ્યા હતાં.

"તમે મને ધમકી આપો છો ?" ઇકબાલ ગુસ્સાથી ધ્રૂજી ઉઠ્યાં "યાદ રાખો કયાની, ત્રણ સિનિયર ઓફિસરોને અવગણીને તમને મેં જનરલ બનાવ્યા છે, મેં ! કાળા નાણાંની બીક મને બતાવતા પહેલાં પોતાના ગોરખધંધાઓને ત્રાજવામાં જોખી જુઓ. હજારો એકર જમીન દબાવીને બેઠા છો, અને... અને વિદેશોમાં કાળુંનાણું તો તમે પણ અબજોના હિસાબે ભેગું કર્યું છે. હું ડૂબીશ, તો તમને પણ સાથે લઇ જઈશ.. બીજું, કે હું રાજીનામું આપી પણ દઉં, તો તમે 'માર્શલ લો' ઠોકી બેસાડશો એમ ? પછી તો તમારું ઠીંકરું ફૂટવાનું નક્કી જ સમજજો. "

"એની તમે ચિંતા ન કરો, પીએમ સાહેબ ! આઈએસઆઈ વીલ લૂક ફોર ઇટ. હવે જે કહું છું તે ધ્યાનથી સાંભળો. હિન્દુસ્તાની પ્રધાનમંત્રીનો ફોન આવે તો વધુ વાત કરવાનું ટાળજો, અને છતાં તેઓ કોઈ ધમકી આપે, તો તમારે શું કરવાનું છે એ તમે જાણો જ છો. મીડિયા ચેનલો માટે અત્યારે કોઈ ઇન્ટરવ્યૂ ન આપજો. આ પ્રકરણ સમાપ્ત ન થઇ જાય ત્યાં સુધી શાંત રહેવામાં જ આપણી ભલાઈ છે. આ લો, આરામથી ચા પીઓ અને જેમ મેં કહ્યું છે એમ જ કરો. જરા પણ આડું અવળું થયું છે તો યાદ રાખજો, પાકિસ્તાનની હૂકુમત મારા હાથમાં છે. ભુટ્ટો જેવી તમારી હાલત ન થાય એની મને સખત ચિંતા છે !" જનરલ કયાનીએ ફરી ધમકી આપી.

ઇકબાલ સમસમી રહ્યા. આટલી નાલેશી સહન કર્યા પછી તેઓ ચા પીવા માટે ન રોકાયા. ધૂંવાફુંવા થતાં પોતાના ઘરે જવા નીકળ્યા. પાકિસ્તાનના વડાપ્રધાનની તેમની આર્મી સામે આટલી જ ઔકાત હતી ! જોકે તેઓ પણ ક્યાં દૂધે ધોયેલા હતાં, આર્મીના જનરલોની મહેરબાનીથી ઇકબાલ શાહીદ અને તેમના શાગિર્દોએ પણ ઘણા પૈસા બનાવ્યા હતાં. અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો તાલ હતો, જેમાં હવે બહુ જ જલ્દી વિક્ષેપ પડવાનો હતો....

ઘરે પહોંચીને તરત તેઓએ પોતાના એક ખાસ માણસને ફોન લગાવ્યો...

"જનરલ કયાની પર નજર રાખવાનું શરુ કરી દે. એમની દરેક હરકતની રજેરજની માહિતી મને જોઈએ, ખાસ કરીને શેખ સાથેની એમની દરેક મિટિંગની ! તારા બધા સાથીઓને કામે લગાડ, પૈસો વાપરવામાં જરા પણ કંજૂસાઈ ન કરજે...એ જનરલને પણ ખબર પડવી જોઈએ કે હું કોણ છું."

"જી હુઝૂર, કામ થઇ જશે !" સામેથી જવાબ મળ્યો. ઇકબાલે ફોન મૂક્યો. ફરીથી કશુંક યાદ આવ્યું હોય એમ એમણે ફોન ઉપડ્યો અને અરશદને લગાવ્યો...

"અરશદ, જલ્દી મારા ઘરે પહોંચ, અને હા રસ્તામાં પેલાં હારામખોર અંગ્રેજ પત્રકારને કહી દેજે કે આજે સાંજનો ઇન્ટરવ્યૂ હું નાદુરસ્ત તબિયતને લીધે નહિ આપી શકું !"

"પણ સર... "

"મારા જોડે ખોટી જીભાજોડી કરવા માટે તને પી.એ નથી બનાવ્યો, જેટલું કહેવામાં આવે એટલું જ કરવાનું. સમજ્યો ?"

"ઠીક છે સર, કહી દઉં છું."

ફોન કટ થયો. તેઓ પાસેના સોફા પર બેઠાં. કંટાળા અને સફરના થાકને લીધે તેમની આંખ ક્યારે મળી ગઈ એની ખબર પણ ન રહી...

"સર, હિન્દુસ્તાની પીએમનો હોટલાઇન પર ફોન છે." અડધાએક કલાકની મીઠી નીંદરમાં અરશદે ભંગ પાડ્યો. ઇકબાલે કાંડા ઘડિયાળમાં જોયું તો હજુ સવારના સાત વાગ્યા હતા. તેઓ ઉભા થયા.

"આશા છે કે તમારી વિદેશયાત્રા સફળ રહી હશે, ઇકબાલ સાહેબ !" તિવારીએ દોસ્તાના અંદાજમાં વાતચીતની શરૂઆત કરી.

"જી, યાત્રા સફળ રહી." ઇકબાલે ટૂંકમાં વાત પતાવવાના ઈરાદાથી કહ્યું.

"હમ્મમ ! તો હવે તમારું ધ્યાન વિદેશો પરથી હટાવીને જરા પાકિસ્તાનના માહોલ પર આપો ઇકબાલ મિયાં, પાકિસ્તાની આવામ તમારા પાસેથી વિકાસની અને ભારત સાથે સારા સંબંધોની આશા રાખી બેઠી છે. એને મૂર્ખ બનાવવાની ભૂલ ન કરતાં !"

"હું કંઈ સમજ્યો નહીં, તિવારીજી !"

"તો તો તમારી નાદાનિયતને સોમાંથી સો ગુણ આપવા રહ્યાં ! ખેર, મેં એટલા માટે ફોન કર્યો હતો, કે ત્રણ દિવસ પહેલાં થયેલા હુમલામાં પાકિસ્તાની સેના અને તેનાં પાળેલાં આતંકવાદીઓનો હાથ હોવાનાં અમારી પાસે પૂરતાં સબૂત છે. એટલે પાકિસ્તાની સેના સાથે તો અમારા જવાનો વ્યાજ સહીત સાટું વાળી જ લેશે, પણ ભૂલેચૂકે જો એમાં તમારી સંડોવણી અમને માલૂમ પડશેને, તો જનાબ યાદ રાખજો, તમારી પાસે ગુમાવવા માટે ખુરશી સિવાય બીજું ઘણું બધું છે. પોતાના માટે દુઆ કરજો ઇકબાલ મિયાં, આવજો !" બ્રિજમોહન તિવારીએ ફોન મૂક્યો, સામે પક્ષે ઇકબાલે ફોન પટક્યો ! ચાર દિવસમાં આવાં તો કેટલાંય કઠોર વાક્યો તેમને અનેક દેશોના પ્રતિનિધિઓ તરફથી સાંભળવા પડ્યાં હતાં. તેમને જનરલ કયાની પર સખત ખીજ ચડી રહી હતી, આખરે આ બધું એમના લીધે જ થઇ રહ્યું હતું.... કયાનીને આ ગુસ્તાખી માટે સબક શીખવાડવાનું તેમણે નક્કી કરી લીધું.

ક્રમશ: