operation golden eagle - 12 in Gujarati Fiction Stories by Pratik D. Goswami books and stories PDF | ઓપરેશન ગોલ્ડન ઈગલ 12

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

ઓપરેશન ગોલ્ડન ઈગલ 12

ઓપરેશન ગોલ્ડન ઈગલ

પ્રકરણ: ૧૨

પ્રતીક. ડી. ગોસ્વામી

ઉપરથી જોવામાં આવે તો કુદરતની એ કરામત પરફેક્ટ U આકારની દેખાય. બારાની બંને તરફ ઊંચી, લીલોતરીથી ઘેરાયેલ કરાડો ઉભી હતી. ગાઢ, અંધકાર મઢ્યા ધુમ્મસમાં જોકે એ કાળી ભૂતાવળ જેવી દેખાતી હતી. જાણે કોઈ વિશાળ પહાડને તેની સાઈડો એમ જ રહેવા દઈને મોટી કરવત વડે વચ્ચેથી કાપી નાખ્યું હોય, એવું લાગતું હતું. U આકારની પહોળાઈ છસ્સો મીટર અને લંબાઈ આશરે બે કિલોમીટર જેટલી હતી. એ કરાડની તળેટીઓમાં બહારની તરફ લીલોતરીની ઓથે ભારતીય નૌકાદળે ખાસ પ્રકારનું, અત્યાધુનિક રેડીઓ સ્ટેશન સ્થાપ્યું હતું. લીલોતરીના કવર હેઠળ વિમાન વિરોધી તોપો અને વિમાન વિરોધી તથા જહાજ વિરોધી મિસાઇલો પણ ગોઠવવામાં આવી હતી.

અહીં નૌકાદળનું એક નાનકડું પણ સુવિધાયુક્ત એમ્યુનેશન ડિપોટ યાને કે બળતણ, દારૂગોળા અને ખાધખોરાકીનું થાણું હતું, જે ઇમર્જન્સીના સમયમાં વપરાતું હતું. આ જગ્યાની આટલી બધી અગત્યતા હોવા છતાં નેવીએ અહીં દરિયાઈ જાળીઓ કે સુરંગો નહોતી પાથરી, કારણકે અકસ્માતે કન્ટેઇનરો કે પ્રવાસીઓથી ભરેલું કોઈ જહાજ તેની અડફેટે આવે અને નાશ પામે તો તેમની ગુપ્તતા છીનવાઈ જાય એમ હતી. વિશ્વ બિરાદરીમાં હો હા મચે એ નફામાં ! ખાસ મિશનો માટે જ આ બેઝનો ઉપયોગ થતો હતો. નેવી માટે આજનું મિશન પણ એટલું જ અગત્યનું હતું.

ત્રણેય જહાજોને બારાનાં મુખ પાસે ઉભા રાખવાનો હુકમ આપીને કેપ્ટન દિપક મિશ્રા કમાન્ડ બ્રિજની કેબિનમાંથી બહાર નીકળ્યો. સીડીઓ ઉતરી આગળના તૂતક પર ગયો. બહાર મામાનું ઘર ભૂલાવી દે એટલી ઠંડી હતી, છતાં પણ તેણે સ્વેટર કે મફલર (કે હાથમોજાં પણ !) નહોતા પહેર્યા. કદાચ શરીર પર ચરબીનું બારેમાસ વીંટળાઈ રહેતું થર જમાવ્યું હતું એટલે ! ઠંડકને લીધે નાક જામી ગયું હતું, મોઢા વાટે બાષ્પમિશ્રિત ઉચ્છવાસ કાઢતો કાઢતો તે 76 મિલિમીટરની મુખ્ય તોપની જમણી તરફ વળ્યો.

તૂતક પાસે જઈને તેણે સિગ્નલ લેમ્પ પરથી કેનવાસનો પડદો હટાવીને તેને સામે કરાડની તળેટી તરફ ગોઠવ્યો, લેમ્પની કળ દબાવીને ચાલુ-બંધ કરી બે વખત તેના શેરડાં ફેંક્યા. ત્રીસેક સેકન્ડમાં એ જ 'ભાષામાં' સામો પ્રત્યુત્તર મળ્યો. દિપક મિશ્રાએ ફરી પાછો ત્રણ વખત લેમ્પ ચાલુ-બંધ કર્યો. સામે પક્ષે સિગ્નલ લેમ્પની લાઈટ એક વાર ચાલુ-બંધ થઇ અને પછી ચાલુ જ રહી, અને ધીમે રહીને બીજી તરફ ફંટાઈ. દિશા નિર્દેશન બારાની અંદર તરફનું હતું. પોતાના સૈનિકો અથવા મનવારોની ઓળખ કરવા માટે નૌકાદળની આ નિવડેલી ટેક્નિક હતી, જેમાં શક્તિશાળી લાઇટના નક્કી કરેલ ફ્રીક્વન્સીના શેરડાઓ કોડવર્ડ તરીકે વપરાતાં હતાં.

અલબત્ત આ ટેક્નિક જૂનવાણી હતી. અત્યારે તો અત્યાધુનિક રડાર વપરાતાં હતાં, પરંતુ સખત રેડીઓ સાયલેન્સના પ્રતાપે દીપક મિશ્રાએ સિગ્નલ લાઇટથી કામ ચલાવ્યું. રણનીતિક રીતે તેનો બીજો પણ એક ફાયદો હતો. ઉપરથી ચોકીયાત પ્લેનમાંથી કોઈ નજર કરે તો તેને નીચે માત્ર અંધારું જ દેખાય, કારણકે ગાઢ ધૂમ્મસની ઓથમાં એ શેરડાઓ ઓઝલ રહે, પરિણામે તેમની હાજરી પકડાવાની રહીસહી શક્યતાઓ પર પણ પૂર્ણવિરામ આવી જતું હતું.

ખરેખર તો હાઇકમાન્ડ અને અમુક ચુનંદા અફસરો સિવાય આ મિશનની કોઈને ભનક પણ ન હતી. કચ્છના અખાત તરફ હંકારી રહેલી મનવારોના નાવિકોને પણ નહીં ! તેમને તો કઈંક બીજું જ કારણ અપાયું હતું. કેપ્ટન દિપક મિશ્રાને પણ પૂરી વિગતો આપવામાં નહોતી આવી. 28ની મોડી રાતે સરકારે ફેલાવેલી (અલબત્ત જુઠ્ઠી !) ખબર અનુસાર એ ત્રણ ફ્રિગેટો થોડા દિવસ પછી બંગાળના ઉપસાગરમાં યોજાવા જઈ રહેલી નૌકા કવાયત માટે હજુ સજ્જ થઇ રહી હતી.

કાફલાનો સરદાર કેપ્ટન દિપક મિશ્રા, કે જે પાકિસ્તાની નેવીમાં 'જાયન્ટ એલિગેટર' તરીકે કુખ્યાત હતો, તેને રશિયન નેવીના કાર્યક્રમ માટે રીઅર એડમીરલ સાથે મોસ્કો મોકલાયો હોવાની વાત નેવીમાં વહેતી કરાઈ હતી, ભારતીય નૌકાદળમાં રહીને પાકિસ્તાન વતી જાસૂસી કરતાં નમકહરામોને મૂર્ખ બનાવવા માટે જ ! ખરેખર તો રીઅર એડમીરલ સાથે ભળતો જ માણસ ગયો હતો, જેને નેવી સાથે સાત પેઢીનોય સંબંધ ન હતો !

આજનું સાહસ ન ભૂતો ન ભવિષ્યતિ હતું, તેથી તેના માટે આવી બધી તકેદારીઓ લેવી જરૂરી પણ હતી.

ત્રણેય ફ્રિગેટો વારાફરતી બારાની અંદર પ્રવેશી. દિપક મિશ્રા હજુ પણ બહાર તૂતકના કઠેડા પાસે જ ઉભો હતો. થોડે દૂર હંકાર્યા પછી તેમની સામે સડસડાટ ઝડપે બે પેટ્રોલ બોટ આવતી દેખાઈ. નજીક આવીને તેમાંની એકે લાઇટનો ફ્લેશ કર્યો કે તરત દિપક મિશ્રાએ પોતાના વાયરલેસ વોકીટોકીથી કમાન્ડ બ્રિજમાં જહાજનું સંચાલન કરી રહેલા લેફ્ટનંટને મનવાર થોભાવીને તૂતક પરની નાની લાઈટો ચાલુ કરવાનો હુકમ આપ્યો. બીજી બે મનવાર બસ્સો મીટરનું અંતર રાખીને મધ્યમ ગતિએ પાછળ ચાલી આવતી હતી. આગળની મનવાર થોભી એટલે તેમણે પણ ઝડપ સાવ ધીમી પાડી દીધી.

પેટ્રોલબોટ પરથી એક પછી એક છ સશસ્ત્ર ચોકીયાતો ફ્રિગેટમાં ચડ્યા. લાંબી દાઢી, મેશ લગાવેલા-આછી લાઇટમાં ચમકતાં ચહેરા, બુલેટપ્રૂફ જેકેટ, લાઇટવેઇટ બુલેટપ્રૂફ હેલ્મેટ, કમરે લટકતી ગ્લોક સેમીઓટોમેટિક પિસ્તોલ અને ચપ્પુ, છાતી પર ડાબી તરફ જેકેટના ખિસ્સામાં ભરાવેલા અમેરિકન બનાવટનાં અત્યાધુનિક વોકીટોકી તથા હાથમાં પકડેલી તાવોર ગન, આ બધું તેઓ નેવીના 'માર્કોસ' કમાન્ડો હોવાની ચાડી ખાતું હતું. માર્કોસ- કાશ્મીરી આતંકવાદીઓમાં ‘દાઢીવાલી ફૌજ’ તરીકે ઓળખાતાં ભારતના સૌથી મારકણાં કમાન્ડો અત્યારે દિપક મિશ્રા એન્ડ કંપનીના સ્વાગત માટે આવ્યા હતાં ! આગળના એક જણે કેપ્ટન શર્માના મોઢા સામે પોતાની ટોર્ચ ધરી. અચાનક પડેલા શક્તિશાળી શેરડાના લીધે મિશ્રાની આંખી અંજાઈ ગઈ, તેણે હાથ આડો ધર્યો. પેલાં સૈનિકની હરકતથી તેને ગુસ્સો આવ્યો, પણ છતાં એ શાંત રહ્યો.

"આઇડેન્ટિટી પ્લીઝ !" સાવ શુષ્ક અવાજે સૂચના મળી. દિપક મિશ્રાએ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો, એક કવરમાંથી ગળી કરેલો કાગળ કાઢ્યો અને પેલાં સામે ધર્યો. સામેવાળાએ ટોર્ચના પ્રકાશમાં કાગળિયાં તપાસ્યા, પોતાના એક માણસને કાનમાં કશુંક કહ્યું અને ટોર્ચ બંધ કરીને કેપ્ટન દિપક મિશ્રાની બાજુમાં અદબ વાળીને ઉભો રહી ગયો. એટલીવારમાં પેલો માણસ જ્યાંથી તેઓ ઉપર આવ્યા હતાં, ત્યાંથી જ પાછો પોતાની પેટ્રોલ બોટ તરફ ગયો. થોડીવારે ફરીથી દીપક મિશ્રાને સીડીઓ પર જાડા બૂટડા પછડાવાનો તાલબદ્ધ અવાજ સંભળાયો. તેની આંખો મનવાર પર ઉપર આવવાના રસ્તે ખોડાઈ !

"આશા છે કે તમને રસ્તો મળી ગયો હશે, કેપ્ટન !" એક રુઆબદાર અવાજ ધુમ્મસને ચિરતો કેપ્ટન દિપક મિશ્રાના કાને અથડાયો. મિશ્રાએ આંખો ઝીણી કરીને પ્રયત્નપૂર્વક સીડી તરફ નજર નાખી. "કોમોડોર ઝુબેરખાન ?" તે આશ્ચર્યથી જોતો જ રહી ગયો.

કોમોડોર ઝુબેરખાન, એ નેવીબેઝનો કમાન્ડર, અને ત્યાં બારેમાસ પડાવ નાખીને રહેતા માર્કોસ કમાન્ડોની ટુકડીનો સર્વેસર્વા ! મુંબઈમાં 26/11 ના હુમલા પછી આતંકીઓને તેમની યોગ્ય જગ્યાએ 'પાર્સલ' કરવા માટે હાથ ધરાયેલા કમાન્ડો મિશનનો તે ઉપનિરીક્ષક હતો. ઉપરાંત કાશ્મીરમાં પણ અનેક જોખમી ઓપરેશનોની આગેવાની તેણે લીધી હતી. મુસલમાન હોવાને કારણે અનેક વખત દુશ્મનોએ તેને પોતાની સાથે ભળી જવા માટે લાલચ આપી હતી, ધમકીઓ પણ આપી હતી. છતાં એક સાચા મુસલમાન તરીકે તેણે દર વખતે માતૃભૂમિને પ્રાધાન્ય આપ્યું હતું.

કદાચ એટલે જ કાશ્મીરમાં તેની પોસ્ટિંગ વખતે તેની પત્ની અને બે પુત્રીઓની હત્યા કરી નાખવામાં આવી હતી. એમ કહેવાતું હતું કે એમના મૃત્યુ પછીથી કોમોડોર ઝુબેરખાન આતંકવાદીઓ પ્રત્યે અત્યંત ક્રૂર બની ગયો હતો. માનવતાના નાતે અમાનવીય કૃત્યો કરનારને બક્ષવાની મૂર્ખાઈ કરતી ભારતની સરકારો માટે તો આ વર્જ્ય હતું. તેના આ જ 'અપલક્ષણ'ને લીધે ભૂતકાળની સરકારે તેને અહીં પોસ્ટિંગ આપીને જાણે ચકલાં-કાબર ગણવાનું કામ આપી દીધું હતું. જોકે શાંતિના (અલબત્ત નકલી) કબૂતરો ઉડાડતી સરકારે ઝુબેરખાનની એક વાત નજરઅંદાજ કરી હતી, તેની યુદ્ધકલા ! ગમે તેવી પરીસ્થિતિ હોય, તેમાંથી આબાદ રસ્તો કાઢીને ફતેહ કેમ હાંસિલ કરવી એ કોમોડોર ઝુબેરખાન સારી રીતે જાણતો હતો. 'ઓપરેશન ગોલ્ડન ઈગલ'ના સુપ્રીમ કમાન્ડરો અને નિયામકોએ તેની આ જ ખૂબીને કામે લગાડવાનું નક્કી કર્યું હતું.

કેપ્ટન મિશ્રાથી એક પાયરી ઊંચો અફસર તેમને 'વધાવવા' રૂબરૂ આવ્યો હતો. એ જ રુઆબથી ડગલાં માંડતો તે મિશ્રાની નજીક આવ્યો. મિશ્રાએ અદબથી સલામ ઠોકી.

"રિલેક્સ કેપ્ટન ! તમને અહીં જોઈને ખુશી થઇ." જુબેરખાને કેપ્ટન દીપક મિશ્રાનું નખશીખ અવલોકન કરતાં કહ્યું.

"મને પણ સર !"

"અચ્છા, તો તમને ઉપરથી શું ઓર્ડર મળ્યા છે એ કહેશો ?" ઝુબેરખાન બધું જાણતાં હોવા છતાં અજાણ હોવાનો ઢોંગ કરી રહ્યો હતો. આ તો દરેક ઉપરી અફસરની ખાસિયત છે. બને તેટલું ઓછું બોલવું, અને બને તેટલું વધુ બોલાવવું !

"સર ! મને ઓર્ડર છે કે પીરોટન પાસે પોઇન્ટ 35 કહેવાતી જગ્યાએ રોકાઈને તમારા આગમનની રાહ જોવી અને પછી આગળ તમે કહો તેમ !"

"બસ એટલું જ ? કેપ્ટન, તમને ખબર તો હશે જ કે મારા જેવો માથાફરેલ અફસર અશક્ય ઓર્ડર પણ આપી શકે છે !"

"તો એ અશક્ય ઓર્ડરનું પણ પાલન કરી અને તેના અંજામ સુધી પહોંચાડવાની મારી ફરજ છે સર ! જીવના જોખમે પણ !"

"વેલ સેઈડ કેપ્ટન ! તમારા વિશે જેવું સાંભળ્યું હતું તમે એવા જ નીકળ્યા ! ચાલો સારું છે, નેવીએ આ મિશન માટે યોગ્ય અફસરની પસંદગી કરી છે ! "

"થેન્ક યુ સર !" કેપ્ટન મિશ્રાએ શિષ્ટાચાર દર્શાવ્યો.

"ઓકે, તો કેપ્ટન હવે તમારા કાફલાને આગળ વધવાનો હુકમ આપો. આપણે બારાનાં છેડા સુધી જવાનું છે.... પછીનો રસ્તો તમારા માટે કદાચ અવિશ્વસનીય હશે !" ઝુબેરખાન બોલ્યો. બોલતી વખતે તે સતત કેપ્ટન મિશ્રાના ચહેરાના હાવભાવ નોંધી રહ્યો હતો..

"ઠીક છે સર !" કહીને મિશ્રા કમાન્ડ બ્રિજ તરફ ગયો.

કાફલાએ ફરીથી હંકારવાનું શરુ કર્યું. પેલી બે પેટ્રોલ બોટ પણ તેમની પડખે રહીને ધીમી ગતિએ ચાલવા માંડી...

બારાનાં છેડા સુધી હંકારતા વધુ વાર ન લાગી. હવે સામે ત્રણસો ફુટ ઊંચો પહાડ હતો.. કોમોડોર ઝુબેરખાન ફ્રિગેટમાંથી ઉતરીને ફરી પોતાની બોટ પર ગયો. થોડી જ વારમાં એક ભયંકર અવાજ આવ્યો અને સામે જાણે પહાડ તૂટ્યો ! બે બસ્સો ફુટ મોટા અને મજબૂત પોલાદી દરવાજા, કે જે લીલોતરી અને પહાડ સાથે એકરૂપ થઇ જાય એ રીતે રંગવામાં આવ્યા હતાં, ધીમે ધીમે એકબીજાની વિરુદ્ધ દિશામાં ખસ્યા. ટનબંધ દબાણ થવાને લીધે દરિયાના પાણીમાં થોડો સમય ખલબલી મચી ગઈ. સામે પહોળી વિશાળ બોડ હતી, જે આ ઘૂરકીલી વાઘણો અને તેના નાવિકોનું સ્વાગત કરવા ઉભી હતી. ફ્રિગેટોની જેમ તેની અંદર પણ આછી પાતળી લાઈટો જલી રહી હતી... ત્રણેય ફ્રિગેટના નાવિકો માટે એ દ્રશ્ય અકલ્પનીય હતું, કેપ્ટન દીપક મિશ્રા અને તેના સાથીદારો માટે પણ ! તેઓ તો આભા બનીને એ દરવાજાઓ તરફ જોઈ જ રહ્યા. આવી ટેક્નોલોજી ? ભારતમાં ? કેમ માની શકાય.. ! છતાં હતી.

કોમોડોર ઝુબેરખાન પાછો ઉપર આવ્યો. તેના સૈનિકોને તેની આવી બિનજરૂરી ભાગદોડ સમજાતી ન હતી, છતાં તેઓ મૂંગેમોઢે બધું જોયા કરતાં હતાં. અત્યારે કેપ્ટન મિશ્રાના હાવભાવ પર વધુ ધ્યાન આપ્યા વગર તેણે યંત્રવત રીતે હુકમ સુણાવ્યો.

"કેપ્ટન, જલ્દીથી તમારા જહાજોને અંદર લઇ લો."

"ઠીક છે સર !" સ્વસ્થ થવાની કોશિશ કરીને અદબથી કેપ્ટન શર્મા બોલ્યો, અને વાયરલેસ રેડીઓ સેટ ચાલુ કરવાનો હુકમ આપ્યો. અત્યાર સુધીની સફરમાં પહેલીવાર તેણે એ મશીનનો ઉપયોગ કર્યો. કાફલાના અન્ય જહાજોને જરૂરી સૂચનાઓ આપી અને ફરી રેડીઓ મૂંગો કરી નાખ્યો. ત્રણેય જહાજો એ વિશાળ ગુફામાં દાખલ થયાં. ફરી એ જ જોરદાર અવાજ, અને ‘અલીબાબા’ની ગુફા બંધ ! ખરેખર તો એને ગુફા કહેવી અયોગ્ય લેખાય, કારણકે 'ગુફા' શબ્દ અવિકસિતતા દર્શાવે છે, જયારે અહીં તો કેપ્ટન મિશ્રાને દરેક પ્રકારના ટેકનોલોજીકલ કરીશ્માઓ જોવા મળી રહ્યા હતા !

આખું માળખું પોલાદથી મઢેલું હતું. તેમાં ઠેક ઠેકાણે લાઈટો ગોઠવેલી હતી. સોએક ફીટ પહોળાઈના બોગદામા પોલાદનું જ ફ્રેમવર્ક કરેલા કુલ્લ બે ફોલ્ડિંગ બ્રિજ હતાં, જે સામસામા છેડાને જોડતાં હતાં. અત્યારે કાફલા માટે જગ્યા કરવા તેમને ફોલ્ડ કરી લેવાયા હતાં. આગળ કુલ્લ ચાર વિશાળ, શક્તિશાળી લાઇટોના પ્રકાશથી નહાઈ રહેલી જેટીઓ હતી. જેટીના કર્મચારીઓને ત્રણ મહેમાન જહાજોના આગમનની સૂચના પહેલેથી અપાઈ ગઈ હતી તેથી તેઓ પોતપોતાના કામમાં ગળાડૂબ હતા.

ત્રણેય જહાજો લાંગર્યા. લાંબી મુસાફરીના અંતે થાકેલા નાવિકોને હવે અહીં આરામ કરવાનો હતો. કેપ્ટન દીપક મિશ્રા કોમોડોર ઝુબેરખાન સાથે નીચે આવ્યો. જેટીના રસ્તે થઈને તેઓ એક દરવાજામાં દાખલ થયા. પોલાદી ભોંયરો વટાવી તેઓ એક મોટા દરવાજા પાસે આવીને ઉભા ! એ આખો ટાપુ જ જાણે ભોંયરાઓ અને ગુફાઓનો બનેલો હોય તેવું કેપ્ટન મિશ્રાને લાગ્યું. જોકે આ બધું તેના માટે કોઈ સપનાથી ઓછું ન હતું. કોમોડોર ઝુબેરખાને દરવાજાની જમણી બાજુ ચમકી રહેલી મોટી સમચોરસ ડિસ્પ્લે પર પોતાનો હાથ મૂક્યો, થોડી વાર એમ જ મૂકી રાખ્યો. દરવાજાની એક નાનકડી બારી ખુલી, તેમાંથી એક ડિજિટલ ડિસ્પ્લે મઢેલો રોબોટિક કેમેરો બહાર આવ્યો. તે એક આઈ સ્કેનર હતું. ઝુબેરખાનની આંખનું પ્રૂફીંગ કર્યા પછી એ કેમેરો અંદર સરક્યો. ચરરર અવાજ સાથે ડાબી તરફ એક ચોરસ પોલાદી તકતી નીચે સરકી ! એ જગ્યાએ કોઈ વિચિત્ર ભાષામાં અક્ષરો અને નંબરો લખેલા હતાં. કોમોડોરે આઠ અક્ષરનો પાસવર્ડ નાખ્યો અને જરા પાછળ ખસ્યો. કેપ્ટન મિશ્રાએ પણ તેને અનુસરીને બે ડગલાં પીછેહઠ કરી. દરવાજો ખૂલ્યો અને સાથે કેપ્ટન મિશ્રાનું મોઢું પણ ! અત્યંત વિશાળ એવા એ હોલમાં પાંચ મોટી મોટી ડિજિટલ સ્ક્રીન લાગેલી હતી. એક પર એ બોગદાની ઇંચે ઇંચ જગ્યાનું સીસીટીવી રેકોર્ડિંગ દેખાઈ રહ્યું હતું. બીજી સ્ક્રીન કમાન્ડ સ્ક્રીન હતી, જેના પર વિવિધ પ્રકારના ડિજિટલ બટનો ઝબકી રહ્યા હતા. એ સ્ક્રીનને માત્ર કોમોડોર જ ઓપરેટ કરી શકતો હતો. ત્રીજી સ્ક્રીન પર આખા અરબ સાગરનો 3-ડી નકશો અને અત્યારે તેમાં હંકારી રહેલા જહાજો ટપકા સ્વરૂપે દેખાઈ રહ્યાં હતા. એ સ્ક્રીનની જમણી બાજુ હવામાનના લેટેસ્ટ આંકડા પણ પ્રદર્શિત થઇ રહ્યા હતાં. ચોથી સ્ક્રીન દિલ્હીમાં નેવીના કોઈ પણ વિભાગ સાથે વાતચીત માટેની હતી, અને પાંચમી સ્ક્રીન, કે જે સંભવત: રાસાયણિક કે અણુ હુમલાના સંચાલન માટે હતી, અત્યારે બંધ હતી. હોલમાં એક ખૂણે કેટલાક ટેબલો અને કમ્પ્યુટરો ગોઠવાયેલા હતા. અત્યારે તેમના પર કાનમાં હેડફોન ભરાવી બેઠેલાં અફસરો કામ કરી રહ્યા હતાં. બીજા ખૂણે ત્રણ સમાંતર દરવાજાઓ હતાં. કેપ્ટન મિશ્રાને એકાદ પળ માટે એવું લાગ્યું કે તે અમેરિકન નેવીના હેડક્વાર્ટરના વોરરૂમમાં ઉભો છે !

"આ તરફ કેપ્ટન !" ઝુબેરખાને એક દરવાજા તરફ ઈશારો કર્યો. કેપ્ટન મિશ્રા હજુ પણ એ બધું ફાટી આંખે જોઈ રહ્યો હતો. ઝુબેરખાન થોભ્યો, પાછો મિશ્રા તરફ ફર્યો અને તેના ખભા પર હાથ મૂકતાં કહ્યું " હવે આપણે જઈશું કેપ્ટન ?" દિપક મિશ્રા જરા ઝંખવાણો પડી ગયો. તેણે હકારમાં ડોકું ધુણાવ્યું અને તેઓ એક દરવાજા પાસે આવ્યા.

એ દરવાજા પર લાલ ચોકડી દોરેલી હતી. ઝુબેરખાને ફરી અંગૂઠાને તકલીફ આપીને દરવાજો ખોલ્યો. બરાબર સામે લિફ્ટનો દરવાજો હતો.

" ટેક મી ધેર ડાર્લિંગ !"

પોતાના માલિકનો ‘ટહુકો’ સાંભળીને દરવાજો ખૂલ્યો. તેઓ લિફ્ટમાં દાખલ થયા. કેપ્ટન દીપક મિશ્રા ચુપચાપ ઉભો હતો. શું કહેવું ? આટલા બધા ગતકડાં તો તેણે પહેલીવાર જોયા હતાં !

"શું વિચારો છો કેપ્ટન ?" કોમોડોરે પૂછ્યું. જોકે તે જાણતો હતો કે દિપક મિશ્રા શા માટે ચૂપ હતો...

"સર ! સર આ બધું ક્યારે... મતલબ નેવીમાં આટલી સોફેસ્ટિક ટેક્નોલોજી... ?"

"મને તમારા માટે સંવેદના છે કેપ્ટન, તમે લોકો જહાજ પર જ બુઢા થઇ જશો.. " કોમોડોરે ટીખળ કરી, છતાં દિપક મિશ્રા અત્યારે મૂંઝાયેલો હતો, તેના ચહેરા પર મુસ્કાનને બદલે હજી પ્રશ્નાર્થ જ હતો..

"26/11 પછી !" ગંભીર થઈને કોમોડોર બોલ્યો, તેણે આગળ ધપાવ્યું " જાણો છો કેપ્ટન અંગ્રેજોને બંને વિશ્વયુદ્ધો જીતાડવામાં સૌથી મોટો ફાળો ભારતીય સૈનિકોનો હતો ! સીમા પર ચોવીસે કલાક આવા જાંબાઝોની બાજનજર હોવા છતાં અમુક માનસિક વિકલાંગ સુવરો આપણી સીમામાં ઘૂસી આવે, અને બેખોફ હુમલો કરીને આપણું નાક કાપી જાય એ કેવું શર્મનાક કહેવાય ! ખરેખર તો એ હુમલો નેવીની વિશ્વસનીયતા પર બટ્ટો હતો.

આવું બીજીવાર ન બને એના માટેની નેવીની પ્રતિબદ્ધતાને લીધે આ બેઝ બનાવવામાં.. બે વર્ષ તો જોકે સરકારે પરમિશન આપવામાં વેડફી નાખ્યાં, એના પછીના માત્ર છ મહિનામાં આ બેઝ તૈયાર કરી લેવામાં આવ્યો ! મારા ઉપરી અફસરોએ મારી યોગ્યતા પર ભરોસો મૂકી મને અહીંનો કમાન્ડર બનાવ્યો ! અત્યારે માત્ર આ એક જ જગ્યાએથી સમગ્ર અરબી સમુદ્ર પર નજર રાખી શકાય એમ છે, છતાં નેવીના દસ્તાવેજો કે સરકારના લોકો માટે ગુપ્તતા ખાતર અમારા આ 'ગરીબખાના'નું કોઈ અસ્તિત્વ નથી !"

" અવિશ્વસનીય, છતાં સત્ય ! સર, આવી ટેક્નોલોજી તો ચીનાઓ પાસે પણ નહીં હોય !"

"ચીનાઓ પાસે ચૂંચી આંખો અને નકલખોર દિમાગ સિવાય બીજું છે પણ શું !" કોમોડોર ઝુબેરખાન ખડખડાટ હસ્યો, અને સાથે કેપ્ટન દીપક મિશ્રા પણ ! લિફ્ટ ત્રીજા માળે ઉભી રહી. ખરેખર ત્યાં પહાડ માત્ર નામનો હતો, કારણકે તેનો મોટાભાગનો હિસ્સો નેવીના આ મથક કમ કમાન્ડો કેમ્પે રોકી લીધો હતો.

"ઓપન અપ ડાર્લિંગ !" વોઇસ ઓપરેટિંગ મશીને કોમોડોરનો અવાજ પારખ્યો અને લિફ્ટનો દરવાજો ખૂલ્યો. સામે કોમોડોરનો શયનખંડ હતો.

"એવો કેપ્ટન, તમને એક અગત્યની વ્યક્તિથી મુલાકાત કરાવું. એમના વગર તમારું મિશન અધૂરું છે !" દિપક મિશ્રા કોમોડોરની પાછળ પાછળ ચાલ્યો...

.....પૂરા બે કલાક પછી કેપ્ટન મિશ્રા પોતાની ફ્રિગેટ પર બગડેલા મૂડ સાથે પાછો ફર્યો. કોમોડોર સાથે દલીલો કરીને તેનું માથું દુઃખી આવ્યું હતું. અનેક કપરા મિશનો તેણે બેખોફ પાર પાડ્યાં હતાં, પણ સાવ અશક્ય ઓર્ડર કેમ માનવો !! મિશનની ખરી ગંભીરતાનો અહેસાસ તેને હવે થવા માંડ્યો હતો.

ક્રમશ: