Vidaayni veda in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | વિદાયની વેળા

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

વિદાયની વેળા

વિદાયની વેળા

સૌથી વસમી એવી વિદાયની પળના ભણકારા વાગી રહેલા દામોદર મંત્રીએ સાંભળ્યા. અને એ ગંભીર શોકગ્રસ્ત બની ગયો. કુમારપાલે આવતા-જતાં રાયકા સાથે બધા સમાચાર મોકલી દીધા હતા. નાના રણની આજુબાજુનાં ગામડાંઓમાં ભોમિયાની તપાસ માટે જયપાલ અને તિલક અવારનવાર નીકળતા હતા. હવે આંહીંથી જેમને જવાનું હતું તેમની વિદાયની વેળા આવી ચડી. સૌથી વસમી એ પળ હતી. ત્રણે માણસો જાણી જોઈને ધરતીમાં દટાઈ જવા માટે જ જવાના હતા. એમના જવા ઉપર જેવોતેવો આધાર ન હતો.

દુર્લભરાજ મહારાજને ગાદીપતિ તરીકે સ્વીકાર થયો છે, એ સમાચાર બધે ફેલાવા મંડ્યા. એમણે હવે સામે ચાલીને, સુલતાનને મદદ કરવાની હતી. મંત્રી કુમારપાલ પણ ભોમિયાની તપાસમાં રહેતો. સુલતાન માટે સાંઢણીઓ, ઘોડાઓ, જાણકાર વળાવિયાઓ એમનો પ્રવાહ સોરઠમાંથી ગુજરાતમાં વહેવા માંડ્યો હતો. દામોદરને રાયકાઓએ સમાચાર આપ્યા. હજારો સાંઢણીઓ, માલ, સામાન, ઘોડાં, હથિયાર, માણસો, પાટણમાં તૈયારીમાં પડ્યાં હતા. વિશ્વાસપાત્ર અને જાણીતા સાચા ભોમિયઓની શોધ થઈ રહી હતી.

કુમારપાલના સમાચાર આવ્યા અને રા’ની પ્રવૃત્તિ પણ વધી ગઈ. એનું સાંઢણીદળ તૈયાર થવા માડ્યું. મહારાજ ભીમદેવ પણ હવે વધુ વખત જૂનાગઢ ગાળતા હતા. ઘોડેસવારો, સાંઢણીઓ, એક નાનું સરખું દળ, ધીમે ધીમે ત્યાં તૈયાર થવા માંડ્યું.

એવામાં એક દિવસ મંત્રી દામોદરના સમાચાર આવ્યા. પવનવેગે મહારાજ ભીમદેવ અને રા’ ઊપડ્યા, મઠપતિના આશીર્વાદ મેળવવા. સૌ પાછા સોમનાથનાં ભગ્ન ખંડેરોમાં ભેગા થઈ ગયા.

સાંજનો સમય થયો. અને ધીમે ધીમે જંગલના ગુપ્તેશ્વર મંદિરના દીપો પ્રગટવા માંડ્યા. વાતાવરણ બધું ગંભીર થઈ ગયું. આજે મઠપતિજી પોતે ભગવાન શંકરની આરાધના કરવા માટે આવ્યા હતા.

તેમણે પોતે આજે આરતી ઉતારી. નાગરું વાગ્યું. ઘંટાઘોષ થયો. શંક ફૂંકાયો. બીલીપત્ર અને પુષ્પાંજલી લઈને મઠપતિજી પોતે મંદિરના અંદરના ભાગમાંથી બહાર આવ્યા. સામે ધિજ્જટઊભો હતો. ધ્રુબાંગ હતો. પંડિત ધૂર્જટિ આંખો મીંચીને અંતરના ઊંડાણમાં શંકર ભગવાનને જોતા ત્યાં ઊભા હતા. એક તરફ રાજા ભીમદેવ, દામોદર અને રા’ નવઘણજી હતા. બધી જ વાત જાણે પોતે સમજતી હોય તેમ રા’ની અદ્‌ભુત સાંઢણી ત્યાં મેદાનમાં નીચે બેઠી હતી. રા’, ભીમદેવ મહારાજ, દામોદર, બધા હાથ જોડીને મઠપતિજીને નમી રહ્યા.

મઠપતિ ધિજ્જટ, ધ્રુબાંગ અને ધૂર્જટિ તરફ ગયા. તેમની સમક્ષ ભગવાન શંકરની પ્રસાદી ધરી. ત્રણે જણાએ ભક્તિભાવે નમીને સદાશિવનું છેલ્લું જળ ટીપું લઈ લીધું. બીલીપત્ર આંખે અડાડ્યાં. પુષ્પો માથે ચડાવ્યાં, હાથ જોડીને ભગવાનને ભક્તિભાવે નમી રહ્યા.

મઠપતિજીએ પ્રેમથી તેમના માથા ઉપર હાથ મૂક્યો, અને ખભો થાબડ્યો. તે ગદ્‌ગદ થઈ ગયા હતા. કાંઈ બોલી શક્યા નહિ તેમણે મૂંગા મૂંગા આશીર્વાદ આપ્યા.

ત્રણે વીરનરોએ છેલ્લા પ્રણામ કરી લીધા. એક વખત મંદિર તરફ દૃષ્ટિ કરી. ધીમે પગલે એ ત્યાંથી નીચે જવા માટે ચાલી નીકળ્યા. રાણકી તેમને આવતા જોઈ રહી.

મંદિરનાં પગથિયાં ઊતરીને છેલ્લે પગથિયે આવ્યા. એમણે એક વખત ફરીને હજી મહાદેવ તરફ દૃષ્ટિ કરી. પછી એ મેદાનમાં થઈને સાંઢણી ભણી જવા માટે આગળ વધ્યા. મઠપતિજી એમની આગળ ચાલતા હતા. રા’ નવઘણજી, મહારાજ, દામોદર પાછળ આવી રહ્યા હતા.

સાંઢણી રાણકી જાણે બધું જાણી ગઈ હોય તેમ ત્યાં બેઠી હતી. રા’ નવઘણ એની દૃષ્ટિમર્યાદાની બહાર રહેવા મહારાજ ભીમદેવની પાછળ આવતો હતો.

મેદાનમાં અચાનક કોઈ બે ડોશીઓ ઊભેલી દેખાઈ.

એમને જોતાં બધા ચમકી ગયા. આગળ ચાલી રહેલ મઠપતિજીના દીપકધરે એમના તરફ પ્રકાશ કર્યો. કોઈ બે જુગજુગ જૂની વેદનાની પ્રતિમાઓ હોય તેવી બે ડોશીઓ ત્યાં ઊભી હતી. એમના હાથમાં ફૂલની માળાઓ દેખાતી હતી.

તેમણે મઠપતિજીને જોયા ને હાથ જોડ્યા. એ આગળ આવી.

‘કોણ ? કોનું કામ છે ? મઠપતિજી બોલ્યા.

‘હું ધ્રુબાંગની મા ! મા’રાજજી અને આ....’

એક ક્ષણમાં વાતાવરણમાં જુદા જ પ્રકારની ગંભીરતા આવી ગઈ. મઠપતિજી સમજી ગયા. નેવું વર્ષ વટાવી ગયેલી બે ડોસીઓ પોતાના પુત્રોને અત્યારે છેલ્લું જોઈ લેવા માટે આવી હતી. મઠપતિજી પણ વિચારમાં પડી ગયા લાગ્યા. આ બંને અબળાની પાસે તમામ બળવાન પુરુષો પણ જાણે અબળ બની જતા લાગ્યા. તે પોતે તરત થોભી ગયા.

પહેલાં ધ્રુબાંગજી આવી રહ્યો હતો. વાંકી વળી ગયેલી, ડગુમગુ ચાલતી એની વૃદ્ધ માતા, પોતાના હાથમાં એક કોડિયું રાખીને આગળ આવી. તેણે ધ્રુબાંગજીને કંકુનો ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા. ફૂલનો હાર એની ડોકમાં નાખ્યો. એણે પાઘડીને બે હાથ અડાડીને ઓવારણાં લીધાં : ‘દીકરા ! સો વરસનો થા, ને ભગવાનનું વેર લઈને પાછો આંહીં ચોકી કરવા આવતો રે’ માડી !’

ડોશીમાનો વેદનાભર્યો, ધ્રૂજતો, પણ અજબ શ્રદ્ધાવાળો અવાજ સાંભળીને બધાનાં માથાં માનથી એની મેળે જ નમી ગયાં. મહારાજ ભીમદેવે બે હાથ જોડ્યા.

ધિજ્જટની મા એની પછવાડે જ હતી. ધિજ્જટ આવ્યો અને માતાની સામે હાથ જોડીને ઊભો રહ્યો : ‘દીકરા ! ચોસઠ ભુજાળી મારી મા તારી રખેવાળી કરે, ભગવાનનું વેર લઈને તું આપણી ભોમકામાં આવતો રે’ બેટા ! ભગવાન તને સો વરસનો ગલઢો બૂઢો કરે !’

ધિજ્જટની ડોકમાં કરેણની માળા શોભી રહી. કુંકુમના ચાંદલાવાળું તેનું કપાળ બધાને આકર્ષી રહ્યું.

દામોદર મહેતો એ વખતે એકદમ આગળ આવી ગયો હતો. તેના ચહેરા ઉપર એક પ્રકારની દિલગીરી છવાઈ ગઈ હતી. ધિજ્જટ, ધ્રુબાંગની તરત પાછળ જ આવી રહેલા, મહાપંડિત ધૂર્જટિનું આંહીં અત્યારે કોઈ સ્વજન ન હતું. એની કોઈ માતા આંહીં ન હતી. એની કોઈ બેન આંહીં ન હતી. એ મહાન પરદેશીને, સેંકડો જોજન દૂર પડેલું પોતાનું ઘર અત્યારે સાંભરી આવશે, એને વિદાય દેવા કોઈ ન હતું. પોતે આ વાત જોઈ શક્યો ન હતો, અને એને લીધે, આ છેલ્લી પળે તો ગજબની વેદના ભરેલી હવા ફેલાઈ જતી, એ પોતે પણ અનુભવી રહ્યો, પણ હવે શું થાય ?

આ દૂધમલ જુવાન વીરનું આંહીં કોઈ ન હતું !

પોતે જ એને માળા પહેરાવવા આગળ જાય, એ એક જ રસ્તો એને સૂઝતો હતો.

પણ એટલામાં મઠપતિજીની પછવાડેથી, એક સુંદર પ્રેમભરપૂર અવાજ એને કાને આવ્યો. અને એ ચમકી ગયો.

મઠપતિજીની પછવાડેથી ચૌલા પોતે આવી રહી હતી. તેના હાથમાં સોનેરી કંકાવટી હતી. હાથમાં અમૂલ્ય જૂઈ-મોગરાની માળા હતી. તે મઠપતિ પાસેથી આગળ વધી. પંડિત ધૂર્જટિ આગળ આવતાં જ એ એની સામે થોભી ગઈ હતી. દામોદર આ જોતાં ડોલી જ ગયો. એને લાગ્યું કે, પોતે ઇચ્છે કે ન ઇચ્છે, પણ આ નારી રાજરાણી થવા માટે જ જન્મી છે. એનામાં એક એક પળને સુંદર બનાવવાની કલા રહી છે ! એને રાજા ભીમદેવની માતા લક્ષ્મીદેવી સાંભરી આવ્યાં. એ રાજરાણી હતાં. એનામાં એવી પ્રેમની સમજ હતી. આજ ચૌલામાં એણે એ જોઈ.

ચૌલાએ આગળ આવીને ધૂર્જટિના કપાળે પ્રેમથી કુંકુમ ચાંદલો કર્યો. ચોખા ચોડ્યા. એની ડોકમાં માળા પહેરાવી. તેણે તેનાં અત્યંત સુંદર રીતે ઓવારણાં લીધાં. પ્રેમભર્યો એનો મધુર સ્વર વાતાવરણને ગજબની મીઠાશથી ભરી દેતો સંભળાયો : ‘ભાઈ ! વીર ! તમારી નામના જુગ જુગ અમર રહો. તમે પરાક્રમ કરીને પાછા ભગવાન સોમનાથ ને ચરણે આવો ! અમે સૌ એના મહોત્સવ વખતે તમારી રાહ જોતાં ઊભાં હઈશું ! તમારા વિના મહોત્સવ શરૂ નહિ થાય. તમને પાછા આવતા જોવા ભગવાન પોતે હાજર હશે !’

વાતાવરણ જાણે ફરી જતું લાગ્યું. આ પાછા ફરવાના, એવી આશા હવા પ્રગટતી જણાઈ.

બધા મેદાન તરફ આગળ વધ્યા. રાણકી એમના આવવાની રાહ જોતી ત્યાં બેઠી હતી. એ અધીરી થતી હતી. રા’ નવઘણને જોવા એ આમતેમ ડોક ફેરવતી હતી.

રા’ નવઘણ આગળ આવ્યો. તેણે રાણકીને ગળે હાથ મૂક્યો. ‘રાણકી ! બેટા ! આજ તારે ભગવાન શંકરના ગણોને લઈ જવાના છે હો !’ રાણકી ઊંચીનીચી થવા માંડી, જાણે એ બધું જ સમજતી હોય તેમ રા’ એને કહી રહ્યો : ‘તૈયાર થા. જોજે, આપણી રા’ના ઘરની આબરૂ જાય નહિ હો !’

રાણકીએ એને વહાલમાં અવાજ આપ્યો. અવાજનો જાણકાર રા’ પ્રેમથી ઠપકો આપતો હોય તેમ બોલ્યો :

‘લે હવે ગાંડી થા મા ! હું તારી વાંહોવાંહ આવું છું !’

‘ધ્રુબાંગજી !’

ધ્રુબાંગજી આગળ આવ્યો. તેણે રાસદોરી હાથમાં લીધી. તે આગળ ચઢી બેઠો. વચ્ચે પંડિતજી આવ્યા. ધિજ્જટ બેઠો ન બેઠો ત્યાં રાણકી ઝડપભેર ઊભી થઈ ગઈ હતી.

હવે ઉતાવળ કરવાની હતી. રા’ નવઘણ, દામોદર અને મહારાજ ભીમદેવ બીજી સાંઢણી ઉપર હતા. સાંઢણી ‘રણપંખિણી’ ઉપર રા’ આવી ગયો.

એક પળભર બંને સાંઢણીઓ ત્યાં ઊભી રહી ગઈ.

‘જય સોમનાથ’ના, ગંભીર ઘોષ સાથે તમામનાં મસ્તકો વિદાય લેનારાઓની નમી પડ્યાં.

અને બીજી જ ક્ષણે બંને સાંઢણીઓ અદૃશ્ય થઈ ગઈ.