Hammir no Javab in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | હમ્મીરનો જવાબ

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

હમ્મીરનો જવાબ

હમ્મીરનો જવાબ

કુમારપાલ હમ્મીરના * જવાબની રાહ જોતો ત્યાં ઊભો હતો. યમીનુદ્દોલા સુલતાન મહમૂદ ગઝનવી વિષે એણે અનેક વાતો આંહીં આવ્યા પછી સાંભળી હતી. અને એ સાંભળીને એની શક્તિ વિષે એને નવાઈ ઊપજી હતી. જે માણસ આવાં ભયંકર રણ ખેડીને હજારોની સેના આંહીં લાવી શકે, તે માણસ જેવો તેવો ન હોય. આજે એણે એને પ્રત્યક્ષ જોયો. અને એને ખાતરી થઈ ગઈ કે એ નીડર સેનાપતિ છે, અને નિર્ભય યોદ્ધો છે. એ ગમે તેવું સાહસ કરી શકવાની તાકાત ધરાવે છે. એ તો આંહીં રહીને સિંહલદ્વીપમાં મોતી લેવા દોડે તેવો સાહસિક જણાયો. આંહીં રહેવાનું સાહસ એને માટે સહજ લાગ્યું. દામોદર સાચો હતો. અત્યાર સુધી એણે એને લડાઈના દૃષ્ટિબિંદુથી જ જોયો હતો. એ મહાન સેનાપતિ ઘણો જ ચપળ હતો. અને એના વિજયો એની ચપળતાને આભારી હતા.

પણ કુમારપાલે આંહીં આવ્યા પછી, સુલતાનની બીજી બાજુ વિષે જાણ્યું. એ કવિ હતો. કવિઓનો મિત્ર હતો. વિદ્ધાનોનો પોષક હતો. એની સભામાં મહાન ભોજરાજની સભાની પેઠે ચારસો ચારસો શાયરો રહેતા. ચાર લાખ દીનાર એ એમને માટે વાપરતો. એણે ગીજનીમાં મથુરાંની સ્પર્ધા કરનારાં ભુવનો ઊભાં કરવા માંડ્યાં હતાં. સુતાર લુહાર કડિયા કારીગરોને મુલતાનની આસપાસ લાવીને એણે થાણાં સ્થાપવા માંડ્યાં હતાં. છેલ્લાં બે-ત્રણ વર્ષથી ભારતવર્ષમાં રાજ સ્થાપવાની એને ઝંખના જાગી ગઈ હતી. એ હેતુથી મુલતાન તરફ એણે કિલ્લા થાણાં સ્થાપવાં શરૂ કર્યાં હતાં. એણે ઘણા રાયોને મિત્રો

-----------------

*હમ્મીર શબ્દ રાજતરંગિણીમાં કલ્હણે વાપર્યો છે.

બનાવવાની કુનેહ હમણાં હમણાં બતાવવા માંડી હતી. કલિંજરના રાય ગંડે* એની પ્રશંસામાં હિંદીમાં એક કાવ્ય લખી મોકલ્યું હતું. પાંચ લાખ માણસો, વીશ હજાર ઘોડાં અને પાંચસો હાથીઓ, જે કિલ્લામાં આસાનીથી કાંઈ ન હોય તેમ હરીફરી રહી શકે, ને દુશ્મનના ઘેરાનો લાંબા વખત સુધી તાબે થયા વિના સામનો કરી શકે, એવા કલિંજરના દુર્ગને પણ આ સુલતાને કાંઈ ન હોય તેમ જીતી લીધો હતો. વળી ગંડરાયને મિત્ર બનાવ્યો. તેની ત્રણસો હાથીની ભેટ સ્વીકારી લીધી. તેનું કાવ્ય વાંચ્યું. ને એને પોતે સામે ભેટો મોકલી. આસપાસથી જીતેલા પંદર દુર્ગો એને સાચવવા સોંપ્યા. સુલતાને આમ મૈત્રીસંબંધો પણ શરૂ કર્યા હતા.

સૌને સુલતાનની આ ઉદારતા લાગવા માંડી હતી. કુમારપાલ આ વાતમાં ઊંડો ઊતરી ગયો હતો. જયપાલે એને કહ્યું હતું કે તિલક તો એટલે સુધી વાત કરતો હતો કે પોતે ધારે ત્યારે ભારતભરને હથેળીમાં રમાડી શકે એટલી સત્તા અત્યારે સુલતાનની પાસે હતી. એ તો સારું હતું કે એને એ બાજુ દુશ્મનો પણ એવા જ મળ્યા હતા. અને ખુરાસાન સળગતું હતું.

નહિતર આ હમ્મીર તો આંહીં ધીમે ધીમે ધામા નાખે એવો હતો.

ગંડરાય પ્રત્યેના એના વર્તનની કેવી જબ્બર અસર ત્યાં થઈ ગઈ હતી ? જયપાલ એની નવાઈ જેવી વાતો કહેતો હતો. ત્યાંના પાડોશના એક રાયે એક અદ્‌ભુત પંખી સુલતાનને ભેટ મોકલાવ્યું હતું. ને મૈત્રી કરી હતી. એ પંખી કોઈ પણ ભોજનમાં ઝેર જુએ ને એની આંખમાં આંસુ આવી જાય ! અને હમ્મીરને એક અદ્‌ભુત સંજીવની મણિ જેવો મણિ એક રાયે મોકલાવ્યો હતો.

એ મણિમાં અજબ કરામત હતી. ગમે તેવો ઘા ભલેને લાગ્યો હોય, આ મણિ મૂકે એટલે એ રુઝાવા મંડે !

પણ કુમારપાલને આ બધું જાણ્યા પછી મંત્રીરાજ દામોદરની દીર્ઘદૃષ્ટિ માટે એક પ્રકારનું માન થઈ આવ્યું. એ એક જ માણસ એવો હતો જે સમજી ગયો હતો કે, આ ગર્જનક આંહીં રહી જાય તેવો છે. એણે આંહીં શિયાળો

-------------------

*કલંજર અને કલિંજર બે જુદાં છે. એક કલંજર દક્ષિણ કાશ્મીરમાં હતું.

કાઢ્યો, ઉનાળો કાઢ્યો, એક ચોમાસું ગાળી નાખ્યું. એક બીજો શિયાળો જવા દીધો અને આ ઉનાળો પણ હવે જઈ રહ્યો છે ! એને આંહીંની મોહિની લાગી છે. એ સમજી ગયો છે. આંહીં રાજ કરવા જેવું છે. આ પ્રજા શાંતિપ્રિય છે. અને વળી અંદર અંદર ભારે કલહવાળી ને ચડસવાળી છે.

એટલે એની છાવણીમાં મતભેદ છે ત્યાં જ, રવાના કરવાની જોગવાઈ કરવામાં ન આવે, તો થોડા વખત પછી, એક પછી એક રાય, લાટના, અર્બુદનાસોરઠના, કચ્છમંડલના - એક પછી એક રાય એને રીઝવવા માટે સ્પર્ધા માંડે ! અને ગર્જનક આંહીં રહી જાય ! વાત લંબાય તો છેવટે પરિણામ આ આવે. કુમારપાલ ગર્જનકની કોઈ પણ વાત માનભેર સ્વીકારી લેવા માટે હવે તૈયાર થઈ ગયો હતો. એને દામોદર મહેતાની વાત સમજાઈ ગઈ. પોતાની ચિંતા કળાય નહિ, તેમ એ શાંત ઊભો રહ્યો.

ગર્જનકે વજીર સાથે ગુફતેગો માંડી હતી. થોડી વાર પછી તે તિલક તરફ ફર્યો : ‘તિલક ! પૂછી જો એને, તારો રાય અમારો ધર્મ પાળશે ?’

તિલકે સવાલ કર્યો. કુમારપાલે આ સવાલની તો આશા જ રાખી ન હતી. છતાં તેણે લેશ પણ ગભરાયા વિના ત્વરાથી જ ઉત્તર વાળ્યો : ‘અમારો રાય વિદ્વાન છે. તમારા કોઈ પંડિતને મોકલો. જો અમારા રાયને એ સમજાવી જાય, તો એનો વિજય થાય. ન સમજાવી શકે, તો વિજય અમારો થાય. આને માટે અમારે ત્યાં આ રીત છે !’

મહમૂદ મૂછમાં હસી રહ્યો. આ જ જવાબ એને કલિંજરમાં *મળ્યો હતો. એણે ફરીને કહ્યું : ‘તો પછી તમારો રાય અમારી તહેનાત ઉઠાવશે એની ખાતરી શી ? ખાતરી આપો !’

‘નામદાર સુલતાનને શી ખાતરી જોઈએ છે ?’ કુમારપાલે જવાબ આપવાને બદલે સામે સવાલ કર્યો.

‘નામદાર સુલતાન જાણવા માગે છે કે, તમને શેતરંજ આવડે છે ?’ તિલક બોલ્યો.

------------------------

*નાઝિમ છીહઙ્ઘૈટ ન્.

કુમારપાલ તો આ સવાલથી ડઘાઈ જ ગયો. હમ્મીર હસી પડ્યો. ‘એને પૂછ તિલક, કે તમે શેતરંજ રમ્યા છો ?’

‘ચોરંગી ?’ કુમારપાલ રહી રહીને બોલ્યો : ‘હા, હું શેતરંજ જાણું છું. કોઈ રમવાવાળો હોય તો હું રમવા માટે તૈયાર છું ! હારજીતની હોડ માટે પણ તૈયાર છું !’

‘રમવાનું કામ નથી,’ તિલકે કહ્યું. ‘નામદાર સુલતાન જાણવા માગે છે કે, એમાં ક્યાંય બે રાજા, એક સાથે, એક ખાનામાં બેસે છે ?’

‘ના.’ કુમારપાલ સવાલનું રહસ્ય સમજ્યો ન હતો. સુલતાન પ્રત્યેની અધીનતા વિષેની આ વાત હતી, કે ભીમદેવ દુર્લભરાજ વિષે એ વાત હતી, તે એકદમ કળી શક્યો નહિ. એ ટૂંકો જવાબ દઈને વધુ સવાલની રાહ જોઈ રહ્યો.

‘તો પછી આંહીં કાકા-ભત્રીજા બેનો અમલ શી રીતે હોઈ શકે ? જે રાય અત્યારે ગાદી ઉપર છે, એને લઈને આવો.’

‘જુઓ નામદાર !’ કુમારપાલ શાંતિથી બોલ્યો : ‘હું તો મહારાજ દુર્લભરાજ તરફથી આવ્યો છું. એમણે ભત્રીજાને ગાદી સોંપી હતી જ હમણાં. હવે એને લાગે છે કે એ બધું ટાળે તેમ છે. એણે સોમનાથ ભગવાનનું મંદિર નાશ કરાવ્યું. એણે પાટણનો નાશ કરાવ્યો. એનામાં વ્યવહારુ ડહાપણ હોત તો એ બધાં બચી જાત. એટલે દુર્લભ મહારાજ પાછા ગાદીપતિ થવા માગે છે. પાટણના એ જ રાય છે, એ સંધિ માગે છે. તમે કહો તે કરવા એ તૈયાર છે. તમને મારી વાત માન્ય ન હોય તો ના કહો, એટલે હું જાઉં. ઘણા માણસો પોતાના વારસોની બિનલાયકાતને લીધે, પાછી સત્તા લેવા મથે છે. ન લે તો બધો નાશ થાય. એના જેવી આ વાત છે.’

સુલતાન કાંઈક સંભારી રહ્યો. એને ત્યાં સીસ્તાનમાં જ ખલીફ - બિન-અહમદે પોતાના શાહજાદા તાહીરને રાજ આપી દીધેલું. શાહજાદાની નાલાયકી જોઈ, પછી પસ્તાવો થયો. એને મળવા માટે બોલાવ્યો. એને બાંધી દેવરાવ્યો. સત્તા પાછી લીધી. તાહીરનું મરણ જેલમાં જ થયું. પોતે જ એ વાતની તપાસ માટે ગયો હતો, તે તેને સાંભર્યું. પોતે કિલ્લાને ઘેરીને પડ્યો હતો તે દિવસો એને યાદ આવી ગયા. ત્યારે પહેલી વખત પોતાને ખલીફાએ ‘અમીર’ -માંથી ‘સુલતાન’નો અધિકાર આપ્યો હતો ! અને છેવટે તો પોતે ખલીફ બિન-અહમદને માફી બક્ષી હતી.

એટલે સત્તા છોડ્યા પછી સત્તાની વાત પાછી લેવા રાજવંશી ઘણી વખત અધીરા થાય છે, એ કુદરતી વાત હતી.

સુલતાનને ભીમદેવની દોડાદોડી યાદ આવી ગઈ. એણે ધાર્યું હોત તો યુદ્ધ વિના જ ઘણું બચાવી લીધું હોત. ડોસો દુર્લભરાજ એટલા માટે આગળ આવે એ તદ્દન સ્વાભાવિક હતું. એણે વઝીર તરફ દૃષ્ટિ કરી : ‘હઝનક ! કેમ લાગે છે ?’

‘આપણે પોતે જ નામદાર ! ખોટા શૂરાતનથી થાકી નથી ગયા ? હમણાંનું જ સંભારો ને !’

વઝીરની વાત સિપાહ સાલાર શાહજાદા મસઉદ વિષે હતી. મસઉદ સાથે એને આંખો વઢતી હતી. આંહીં સુલતાન રહી જાય તો મસઉદ ત્યાં કાબુલિસ્તાનમાં રહે. વઝીરને એ ભયંકર લાગતું હતું. પોતે મસઉદની સત્તા નીચે એક દિવસ પણ ટકે તેમ ન હતો. મસઉદને કેટલાક નાપાક ગુલામોએ એવી સલાહ પણ આપી હતી કે સુલતાન મહેમૂદને અમે કેદ કરી દઈએ. તું આગેવાની લે. મસઉદે એમને ફીટકાર્યા હતા. પણ વાત સુલતાન પાસે આવી હતી. અને બાપ-દીકરાનો વિરોધ વધ્યો હતો.

તિલક વઝીરની વાતને સમજી ગયો હતો. તેણે આંખ આડા કાન કર્યાં. પણ સેવંતરાયે ટેકો આપ્યો : ‘આ કિસ્સો બરાબર એવો છે. એમાં કુંવર રાયને લડાઈનું અભિમાન છે. એનું લોહી જુવાન છે. દેશનો એમાં નાશ થઈ રહ્યો છે. દુર્લભરાજને એ ગમતું નથી. આ વાત છે.’

સુલતાન બોલ્યો : ‘તો તિલક ! દાબશલીમ, એક હજાર સાંઢણી દર સાલે મોકલે. એક વખત આપે એમ નહિ. પૂછજો. છે કબૂલ ?’

તિલકે સુલતાનની વાત કુમારપાલને કહી. કુમારપાલે તે તરત સ્વીકારી લીધી. સુલતાને ફરીને તિલકને કહ્યું : ‘અને એને કહે, અત્યારે જૂનાગઢના રા’ની સાંઢણી લાવી દે !’

સુલતાને દગાફટકાની ગંધ લેવા માટે આ કહ્યું હોય તેમ લાગ્યું. તેમ જ રા’ની સાંઢણી પોતાને ત્યાં હોય, તો પછી કોઈ એની ગતિને પહોંચી ન વળે, એ નેમ હોય.

પણ કુમારપાલે તરત જ જવાબ વાળ્યો : ‘એ ન બને, નામદાર ! જૂનાગઢનો રાય અમારા હાથમાં નથી, જૂનાગઢના કિલ્લાને લેતાં છ મહિના હાલ્યા જાય. હા, તમારે સાંઢણી લેવી જ હોય તો ચાલો, અમે રસ્તો બતાવીએ. અમે સાથે ચાલીએ. પણ છ મહિના તો વાત કરતાં નીકળી જશે !’

સુલતાનને સંતોષ થયો લાગ્યો.

સુલતાન બોલ્યો : ‘તિલક ! એને કહે કે તમારે આ ખંડણી હર સાલ નિયમ મુજબ મોકલવી પડશે !’

‘એમાં જરાય ફેર નહિ પડે, નામદાર ! હું વજીર છું, ત્યાં સુધી ફેર નહિ પડે !’ કુમારપાલે જવાબ વાળ્યો.

‘એક ેક સાંઢણી વીણી વીણીને મોકલવાની છે.’ તિલક બોલ્યો : ‘ગમે તેમ નહિ. એક સાંઢણી સાધારણ બે સાંઢણી જેટલી મજબૂત હોવી જોઈએ. અને દોઢસો મણ વજન ઉપાડી શકે તેવી તાકાતવાળી હોવી જોઈએ.’

‘એ વાત તો બરાબર છે.’ કુમારપાલે એ વાત કબૂલ કરી લીધી.

‘અને ત્રિલોચન હાથીઓ ઉપર મોકલતો તેમ, તમારે સાંઢણીઓ ઉપર, આ દેશની અવનવી ચીજો ભરીને મોકલવાની છે, ખાલી સાંઢણીઓ નહિ !’ તિલકે કહ્યું.

કુમારપાલે બે હાથ જોડીને માથું નમાવ્યું.

‘ખ્વાજા હસન ! એક પાલખી મંગાવો. અલી ખેશાવંદ રાયના આ વઝીર સાથે જશે. ક્યાં છે અલી ખેશાવંદ ?’ સુલતાને કહ્યું.

થોડી વારમાં જ એક ગુલામ કુર્નિશ બજાવતો ત્યાં હાજર થયો.

એ ખેશાવંદ સાથે સુલતાને કાંઈક વાત કરી. એનો એક અક્ષર કુમારપાલ સમજ્યો નહિ. પણ થોડા વખતમાં જ એક પાલખી ત્યાં દેખાણી. સુલતાને તિલકને કહ્યું : ‘તિલક ! તું પણ સાથે જા. અને આને સમજાવ. રાયને અધીનતા બતાવવા માટે, શી શી વાત કરવાની છે, એ એને કહે. તે પછી રાય આંહીં આવે.’

તિલકે કુમારપાલને કહ્યું : ‘નામદાર સુલતાન રાયને તલવાર ને કમરબંધની ભેટ મોકલે છે, શરીરે પહેરવાનો ઝબ્બો મોકલે છે. પાઘ મોકલે છે. એ પહેરીને રાય આંહીં આવે. અમે એને આંગળીની છાપમાંથી માફી આપીએ છીએ. પણ એણે નામદાર સુલતાનની તહેનાતમાં હમેશાં વિશ્વાસથી રહેવાના સોગંદ લેવા પડશે ! અમારે ત્યાં પણ આંહીંના જ ઘણા સૈનિકો ગીજનીમાં છે. એમને પૂછો, અમે એમને શંખ પણ ફૂંકવા દઈએ છીએ, એમના દેવને પૂજવા દઈએ છીએ.* અમારે દોસ્તી ખપે છે. નામદાર સુલતાનની સત્તા સ્વીકારે તે બધા એમના દોસ્ત બને છે. તમે દોસ્ત થઈને રહો. તમે આ પાલખીમાં મારી સાથે ચાલો.’

તિલક કુમારપાલની સાથે જવા માટે નીચે ઊત્રોય. કુમારપાલે સુલતાનને નમીને રજા લીધી.

‘હવે શાયર ફારૂકીને બોલાવો.’ સુલતાન એક ગુલામને આજ્ઞા આપતો સંભળાયો. ‘એનો લુદરવાનો કસીદા સાંભળીએ ! બહુ સરસ લખ્યો છે.’

---------------------

*પ્રોફે. મહમ્મદ હબીબનું ‘સુલતાન મહમૂદ ગઝની’ ૭૮.