Ek Hati Kanan.. in Gujarati Fiction Stories by RAHUL VORA books and stories PDF | એક હતી કાનન... - 28

Featured Books
Categories
Share

એક હતી કાનન... - 28

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ – 28)

કાનન હજી નક્કી નહોતી કરી શકતી કે ખુશ થાવું કે નહીં.મુક્તિ હજી પ્રમાણમાં નાની હતી.ચિંતા એને મનન ના પ્રતિભાવની પણ હતી.ક્યાંક મનન અને તેનાં કુટુંબીજનો ફરીથી મુક્તિ ને બાલઘરમાં મૂકવાની જીદ નહીં કરે ને?”
કુદરત ફરી હસી રહી હતી.
“તાપસી,એક કામ કરીશ? તું જ મનનને આ સમાચાર આપી દે ને.”કાનને કહ્યું.
“હું,મનનભાઈ ને આ સમાચાર આપું? કેમ આવા સારા સમાચાર તો તમારે જ આપવાનાં હોય ને.”તાપસીને નવાઈ લાગી.
“તાપસી,હવે મને ડર લાગે છે.પોતાના થી લડી લડીને હું થાકી ગઈ છું.મને ડર એ વાતનો છે કે ફરી મનન અને એનાં ઘરનાં મુક્તિને બાલઘર માં મૂકવાની જીદ કરશે તો? કાનને પોતાનો ડર વ્યક્ત કર્યો.
“તો દોડાવી દેજો એ બધાંને.અને મુક્તિ અંગે એ લોકોને તમારી તાકાતનો અનુભવ થઈ જ ગયો છે એટલે એવી હિમ્મત તો નહીં જ કરે.અને બીજું હજારો લોકોની પ્રેરણામૂર્તિ સમાન તમે આવી ઢીલી ઢીલી વાતો કયારથી વિચારવા લાગ્યાં.”તાપસી એ પોતાની આગવી સ્ટાઇલ માં કહ્યું.
“સો વાતની એક વાત,આ સારા સમાચાર તમે જ આપજો અને પૂરા વિશ્વાસથી મનમાં કોઈ શંકા રાખ્યા વગર આપજો.મનનભાઈ આ વખતે તમારી સાથે ઊભા રહેશે.અને ચિંતા શું કામ કરો છો હું છું ને તમારી સાથે.બે જણીઓ સાથે બેસીને બધાંને સીધાંદોર કરી નાખશું.” તાપસીએ વાતને હળવી બનાવવા કહ્યું.
“મનનની ચમચી.”કાનને પણ હસતાં હસતાં કહ્યું.
તાપસી ઓફીસ ગઈ.આખો દિવસ તાપસી વારંવાર ઘડિયાળ સામે જોયા કરતી હતી.સાંજ જલ્દી પડે એની રાહ જોતી હતી.મનને એકાદ વાર ટકોર પણ કરી.
“આજે તપન સાથે મૂવી નો પ્રોગ્રામ લાગે છે.”તાપસી એ મૂંગા રહેવું પસંદ કર્યું જે અઘરું હતું એના માટે.
કાનન આખો દિવસ મનનને કઈ રીતે વાત કરવી એની ચિંતામાં હતી.ઊંડે ઊંડે મનનના પ્રતિભાવ નો ડર હતો.
મનન ના આવવાના સમયે એણે ફાઈલ મુક્તિ પાસે મૂકી દીધી.એને ખબર હતી કે મનન આવીને સીધો મુકિત પાસે જ જાશે.
બેલ વાગતાં જ દરવાજો ખોલીને પાણી લેવાના બહાને કાનન રસોડામાં ચાલી ગઈ.અંદર જઈને મનનના પ્રતિભાવોની ધડકતે હૃદયે રાહ જોવા લાગી.પાણીના માટલાં પાસે શૂન્યમનસ્ક ઊભી રહી.
મનનની નજર સીધી ફાઈલ પર ગઈ.ફાઈલમાં રીપોર્ટ વાંચીને કાનન જે રીતે કંઈ વાત કર્યા વિના અંદર દોડી ગઈ એનું કારણ પણ એને સમજાઈ ગયું.મનન બિલ્લી પગે અંદર ગયો.જોયું તો કાનન પાણીનાં માટલાં સામે સ્થિર ઊભી હતી.
મનને જઈને એને આલિંગન માં જકડી લીધી.ઓચિંતા હુમલાથી પહેલાં તો કાનન ડઘાઈ જ ગઈ.પણ મનન નો હસતો ચહેરો જોઇને એટલી રીલેક્સ થઈ ગઈ કે એ પણ મનનને એટલા જ જોરથી વળગી પડી.
“આવા સારા સમાચાર આપવા માટે આખો દિવસ ખરાબ કરાતો હશે? ઓફિસમાં ફોન કરીને બોલાવ્યો હોત તો બધું જ કામ પડતું મૂકીને આવી જાત.”મનનના અવાજમાં ખુશી છલકાતી હતી ત્યાં જ તાપસી અને તપને પ્રવેશ કર્યો.
“કાનન,મુક્તિ ભલે તાપસીને માસી કહે પણ હવે જે આવશે એના પાસે તો હું ફઈ જ કહેવડાવીશ.અત્યારથી કહી દઉં છું.”મનનનું રીએક્શન જોઈને તાપસી ને પણ શાંતિ થઈ.
તપન બધાં સામે વારાફરતી બાઘા જેમ તાકી રહ્યો હતો.
“અને મુક્તિના તપન મામા પણ આવનારના તો એ કાકા જ રહેશે.”મનને વાક્ય પૂરું કર્યું.
તપન હજી પણ સમજી નહોતો શક્યો.
“અરે બુધ્ધુ,કાનન અને મનન ફરી મમ્મી-પપ્પા બનવાનાં છે.”તાપસી એ ફોડ પાડ્યો.
“કાનન,તું એકલી એકલી ડોક્ટર પાસે પણ જઈ આવી? હવેથી ક્યારેય એકલે નહીં જવાનું.હું પણ સાથે આવીશ.”મનને કહ્યું.
“એકલે એકલે કોણ ગયું હતું? તમારી સેક્રેટરી મારી સાથે જ હતી.”કાનને ઘટસ્ફોટ કર્યો.
“ઓહો, હવે સમજાયું. તાપસી આવી ત્યારથી ઘડિયાળ સામે જોયા કરતી હતી.અને એકાદવાર મને વહેલા નીકળી જવું હોય તો નીકળી જવાનું કહ્યું પણ ખરું.”
‘કાનન,આ શનિવારથી મારા કાયમી ધામા અહીં.હવે તને એકલા મૂકવાની ભૂલ હું નહીં કરું.”મનનની આ જાહેરાત તો કાનન માટે પણ ચોંકાવનારી હતી.
મનન એટલો બધો ઉત્સાહમાં આવી ગયો કે રસ્તામાંથી જ વડોદરા ફોન કરી દીધો અને એ પણ કહી દીધું કે આ શનિવારથી હું કાનન સાથે કાયમી ધોરણે રહેવા આવી જઈશ.એવી રીતે મનને પોતાના ઘરે પણ આ ખુશ ખબર આપી દીધી અને પોતે શનિવારથી કાનન જોડે જ રહેશે તે જણાવી દીધું.મનન નાં કુટુંબીજનો પ્રતિભાવ ની બાબતમાં પણ અવઢવમાં જણાયાં.
ધૈર્યકાન્ત અને સરૂબેને પણ કાયમી ધોરણે ગોંડલ સેટલ થવાનું નક્કી કરી લીધું.
“ચાલ ને તપન લગ્ન કરી લઈએ.”તાપસીએ એકવાર તપનને કહ્યું.તપન પહેલાં તો તાપસી સામે તાકી રહ્યો.હંમેશની જેમ મજાકના મૂડમાં કહે છે કે ગંભીર છે એ જોવા માટે.પણ તાપસીના ચહેરાના ભાવ ગંભીરતાની ચાડી ખાતા હતા.
“લગ્ન એ વળી કઈ બલાનું નામ છે.એ કરવાં પડે?”તપન ના જવાબથી તાપસી થોડી ગૂંચવાઈ.
“અને લગ્ન કરવા પહેલાં પરસ્પર ઓળખવાં પડે,સમજવાં પણ પડે અને એનાં માટે થોડો સમય સાથે રહેવું પણ પડે.બે ચાર કલાક સાથે ફરવાથી કે સાથે ફિલ્મો જોવાથી સાચો પરિચય થોડો થાય?” તપને પોતાના વિચારો સ્પષ્ટ કર્યા.
“લગ્ન વિના સાથે કેમ રહેવાય.આપણાં કુટુંબીજનો, મિત્રો,સમાજ એનું શું?”તાપસીએ પોતાનો ડર વ્યક્ત કર્યો.
“આપણાં બે વચ્ચે વળી આ લોકો ક્યાંથી આવ્યાં.લગ્ન એ તો ઉભય પક્ષનો મામલો છે.જો આપણે બન્નેને એકબીજા પર વિશ્વાસ હોય તો આ બધાની ચિંતા શા માટે કરવાની.એકબીજાની ઓળખાણ તો સાથે રહેવાથી જ થાય.અત્યારે તો બધું રંગીન જ લાગતું હોય પણ સાથે રહ્યા બાદ જ આપણે ક્યા મોરચે કેટલું અનુકૂળ થવાનું હોય તે નક્કી કરી શકીએ.અને આવા મજબૂત પાયા ઉપર રચાયેલી ઈમારત જ લાંબો સમય ટકી શકતી હોય છે.”
તાપસી વધુ ગૂંચવાઈ.આખરે બન્ને એ આ બાબતે કાનન સાથે ચર્ચા કરવાનું નક્કી કર્યું.
કાનને મધ્યમ માર્ગ દર્શાવ્યો.
“તમે બન્ને સમજદાર છો,પરિપકવ પણ છો.તમે ભલે સમાજથી ડરો નહીં પણ કોઈ પણ પગલું લેતાં પહેલાં આપણા સ્વજનોનો,તેમની લાગણીઓનો વિચાર પણ કરવો પડે.તમારું કોઈ પગલું એ લોકો માટે મુશ્કેલી ઊભી કરે એવું પણ ન હોવું જોઈએ.કાનૂની જરૂરિયાત મુજબ રજીસ્ટર્ડ મેરેજ કરી લ્યો અને સાથે રહેવા લાગી જાઓ.અને સાથે રહ્યા પછી પણ એમ લાગે કે સાથે જીવવું શક્ય જ નથી તો પ્રેમથી જુદાં પડી જાજો.”
તપન અને તાપસી ને આ સલાહ યોગ્ય લાગી અને પોતાનાં માતાપિતાની સંમતિ લઇ પરણી ગયાં.
કાનનનું ધ્યાન રાખવા આખી ફોજ તૈયાર હતી.
ધૈર્યકાન્ત અને સરૂબેન ગોંડલ આવી ગયાં હતા અને કાનન ની નજીક જ રહેતાં હતા.
મનન તો કાનન ની સાથે જ રહેતો હતો.
તપન અને તાપસી પણ કંપની આપવા આવી જ જતાં હતા.
એક દિવસ તપને એક સૂચન કર્યું.
“મનન.કાનનબેન ની પ્રસુતિ વખતે તમે એની પાસે જ રહેજો.”
સૂચન સાંભળી બધાં ચમકી ગયાં.તપને આગળ ચલાવ્યું.
“અરે એમાં આમ ચમકી કેમ ગયાં.આપણા દેશ માટે જો કે આ બાબત નવી છે. આ એક સાબિત થયેલી વાત છે કે પતિની હાજરી પત્નીને પ્રસુતિની પીડા સહન કરવાની શક્તિ આપે છે અને પુરુષને એ બાબત પણ સમજાય છે કે બાળકને જન્મ આપવામાં પોતાની પત્નીને કેટલું કષ્ટ વેઠવું પડે છે.”
આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો.કાનન ને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી.ડોક્ટરને વિનંતી કરવામાં આવી કે મનન ને ડિલીવરી સમયે હાજર રહેવાની છૂટ આપવામાં આવે.ડોકટરે પણ વિનંતી માન્ય રાખી. ડોક્ટર અને હોસ્પીટલનો સ્ટાફ પણ કશુંક નવું બની રહ્યું છે એનો ભાગીદાર બનવા માટે ગર્વ અનુભવી રહ્યો હતો.
કાનને મનન નો એક હાથ સજ્જડ રીતે પકડી રાખ્યો હતો.મનનનો બીજો હાથ કાનનના માથાં પર ફરી રહ્યો હતો.
આખરે કાનન ને પીડામાંથી મુક્તિ મળી અને મુક્તિને ભાઈ ની ભેટ મળી.
મનને પોતાના ઘરે સમાચાર મોકલ્યા.સમાચાર મળતાં જ કાનન નાં સાસુ-સસરા,જેઠ-જેઠાણી તરત જ પહોંચી આવ્યાં.કાનને પહેલેથી જ મુક્તિને તાપસી સાથે બહાર મોકલી દીધી હતી.સરૂબેને દીકરાને કાનન ની સાસુના ખોળામાં મૂક્યો.
“આવ્યો અમારો કુળદીપક.અમારો વંશવેલો ચાલુ રાખવા બદલ કાનન નો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.”
આ શબ્દો સાંભળી કાનનને ખૂબ જ ખોટું લાગ્યું. પડખું ફેરવીને સૂઈ ગઈ.
કાનનની જેઠાણીને પણ ખોટું લાગ્યું કારણ કે એ પણ એક દીકરીની માં હતી.
મનન કાનન ની માનસિક હાલત સમજી ગયો અને બધાંને બહાર લઇ ગયો.કાનન બબડી.
“મારી મુક્તિને ભોગે હું સાસરે પાછી નહીં જ ફરું.”
(ક્રમશ:)