shade in Gujarati Short Stories by Jatin Bhatt... NIJ books and stories PDF | છાંયડો

Featured Books
Categories
Share

છાંયડો

' નિજ ' રચિત એક સરસ વાર્તા :

છાંયડો

' અરે રમણ? થઈ ગયો ફ્રી? '
' હા નવીન, ચલ આવું જ છું '
રોજિંદો સંવાદ. સિત્તેરથી પંચોતેર વર્ષીય બંને મિત્રો રોજ જ એકાદ કિલોમીટર દૂર બાગમાં બેસવા જાય. રસ્તામાંથી એમના જેવા બીજા પાંચ મિત્રો એટલે ટોટલ સાત જણાની આ રોજનીશી.
આસ્ફાલ્ટના રોડની બંને બાજુ ઘટાદાર વૃક્ષોની હારમાળા. આ રોડના છેડે અમારી સોસાયટી. શહેર અહીંથી ખાસ્સુ દૂર.
આમાં નવીનભાઈ એટલે મારા દાદા. હું તો 11 મા ધોરણથી ભણવા બહાર નીકળી ગયો છું પણ વેકેશન પડે એટલે દાદા પાસે આવી જવાનું. દાદી તો હતા નહીં. પણ દાદા આટલા વર્ષેય કડેધડે. વેકેશનમાં હું પપ્પા મમ્મી પાસે આવી જાઉં. રોજ સવારે દાદા અને એમના છ મિત્રો સાથે એકાદ કિલોમીટર દૂર બાગમાં જવાનું . અહીં મારા ફ્રેન્ડ બહુ ઓછા હતા એટલે દાદા મારા ખાસમખાસ ફ્રેન્ડ. એ સાતેય ફ્રેન્ડ્સની સરેરાશ ઉંમર 75 વર્ષ જેટલી તો હશે જ.
એય ને અલકમલકની વાતો ચાલતી હોય. કોઈ દાદા ચાલતા ચાલતા જ કસરત કરતા હોય. કોઈ કમરને આજુ બાજુ ફેરવતા હોય, મજાક મશ્કરી પણ ચાલતી હોય, કોનું કેટલું પેન્શન આવે છે કે આ મોઘવારી તો વધતી જ જાય છે, કયો પક્ષ આ વખતે કાઠું કાઢશે, એમાં ગ્લોબલ વોર્મિંગની પણ વાતો નીકળે. ' આપણો આ રોડ તો સરસ છે ને આપણી સોસાયટીઓ પણ શહેરથી દુર એટલે ગરમી આપણને ઓછી લાગે છે.' વગેરે વગેરે વાતો ચાલતી હોય.
હું એમની સાથે જાઉં. સાથે મારું નિરીક્ષણ પણ ચાલતું જ હોય. આજુબાજુ ઘટાદાર વૃક્ષો. બેઠેલા પક્ષીઓ, છાંયડા નીચે આરામ કરતા પશુઓ અને રાહદારીઓ, કોઈ દયાવાને પાણીની પરબ પણ માંડેલી. વડની લાંબી ઝૂલતી વડવાઈઓ પર નજીકની ઝુપડપટ્ટીના નાના નાના ટાબરિયાઓ. જરાય પોલ્યુશન નહીં. શુદ્ધ તાજી હવા.ગમે તેટલો આકરો ઉનાળો હોય અહીંયા એની અસર નહીંવત.આ આખો માહોલ મસ્ત મજાનો લાગતો હતો.
ઘરે પાછા આવીએ એટલે દરેક દાદાઓની આગળ પાછળ એમના છોકરા વહુઓ, એમના નાના ટેણિયાઓ એવા વળગી પડે જાણે વડવાઈઓ પર હિંચકા ન ખાતા હોય! દાદા આવ્યા શું શું લાવ્યાની બૂમરાણ પડે. બહુ જ પ્રેમ ભર્યો માહોલ હતો એ.
મારું ભણવાનું તો આ શહેરથી દૂર બીજા શહેરમાં પણ મારા આ દાદા વાળો એરિયા અને હું રહું છું તે એરિયામાં આસમાન જમીનનો ફરક. એક તો દરિયા કિનારે શહેર એટલે શરીરે પરસેવો થયા જ કરે. પાછા ચારે બાજુ ac એટલે આઉટડોર યુનિટમાંથી ગરમ ગરમ હવા આવ્યા જ કરે. મનમાં મનમાં થયા કરે કે ક્યારે વેકેશન પડે અને હું મારા શહેર મારા દાદા પાસે જાઉં.
છેલ્લે હું 12માં ધોરણના વેકેશનમાં ગયો તે જ. પછી તો બીજી કન્ટ્રીમાં ભણવા જવાનું થયું. ભણવાનો બોજ અને રજાઓ ન મળવાને લીધે, અમુક નાણાકીય બાબતોને લઈ હું ચાર વર્ષ પછી મારા શહેર ગયો.
કારમાં સીધો ઘરે ગયો. ખાસુ ચેન્જ થઈ ગયું હતું શહેરનું વાતાવરણ. પહેલાં કરતાં રસ્તા ઘણા પહોળા થઈ ગયા હતા.
ઘરે દાદા આરામ કરતા હતા. હવે તો એમને ય 80 વર્ષની ઉપર થઈ ગયા હશે.
' દાદા, સરપ્રાઈઝ, તમારો પૌત્ર આવી ગયો દાદા , દાદા હવે કેવું છે? ને જવું છે ને કાલે સવારે ચાલવા? '
દાદા થોડા અચકાયા. પણ પછી એમણે હા પાડી.
સવારે હું, દાદા ,પપ્પા ને પપ્પાના મિત્રો બધા જ ચાલવા નીકળ્યા. એજ રોડ પણ હવે ખાસો પહોળો કરેલો.
રસ્તામાં ચાલતા ચાલતા પપ્પાને પૂછ્યું : ' પપ્પા, દાદાના બીજા મિત્રો ક્યાં ગયા ને આ તમારા મિત્રો કોણ કોણ છે? મેં તો આજેજ જોયા એ લોકોને.'
જવાબમાં પપ્પા બોલ્યા: ' હા તું આ લોકોને નથી ઓળખતો, પણ હું તને ઓળખાણ આપી દઉં ' કહીને બધાની ઓળખાણ આપી. એ બધા દાદાના મિત્રોના પુત્રો હતા. પપ્પાના હમઉમ્ર હતા.
' દિકરા, આ મારા બધા મિત્રોના પપ્પા અને તારા દાદાના મિત્રો વારાફરતી ગુજરી ગયા પણ એ લોકો રોજ જ ચાલવા જતા એટલે એમનું રૂટિન હવે અમે પકડી લીધું એટલે અમે રોજ જ જઈએ છીએ. અમે બધા એ વડીલોને રોજ જ યાદ કરીએ છીએ. એ લોકોના ગયા પછી અમને એમની કિંમત સમજાય છે. મારા મિત્રોને એવું લાગે છે કે વડીલો ગયા એટલે ઘરનો છાંયડો ગયો.એટલે જ અમે બંને જણા તારા દાદાને પહેલા કરતા વધારે પ્રેમથી રાખીએ છીએ. દાદા કિડની ફેઈલ્યોરમાં છે. એમનું નિયમિત ડાયાલિસિસ ચાલે છે. તું ટેન્શનમાં ન આવે એટલે તને જણાવ્યું ન હતું. તુ આવી ગયો તે બહુ જ સારું થયું બેટા '
સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. આજુ બાજુ નજર કરતો કરતો ચાલ્યા કરતો હતો. અચાનક નજર રોડ પર ગઈ. રોડ પહોળો કરેલો હતો પણ એને લીધે આજુબાજુ જે ઘટાદાર વૃક્ષો હતા એનો સોથ વળી ગયેલો હતો. એના છાંયડામાં હું જે જોઈને ગયો હતો એમાંથી એક અંશ અત્યારે દેખાતો ન હતો. નહીં તો કોઈ પક્ષીઓ કે પ્રાણીઓ, નહીં કોઈ વડવાઈઓ,
અને મારાથી સરખામણી થઈ ગઈ , અને મનોમન બોલાઈ ગયું :
' વડીલો હોય કે વૃક્ષો , એમનો છાંયડો સમાજ માટે જરરી છે .'
.
.
જતીન ભૂપેન્દ્રભાઈ ભટ્ટ 'નિજ '
94268 61995