Manav Desai is lost. in Gujarati Thriller by Kishan Desai books and stories PDF | માનવ દેસાઈ ખોવાયેલ છે

Featured Books
Categories
Share

માનવ દેસાઈ ખોવાયેલ છે

"આજે શું છે? કેમ કોલેજની બહાર સ્ટેજ બનાવે છે?"
"આ તાબદાન શેનું છે?"
"બકા, આજે શેનો કાર્યક્રમ છે?"

આવા કેટલાય સવાલોથી કોલેજનું પાર્કિંગ ઘેરાયેલું હતું. વર્ગખંડથી લઈને કેન્ટીન બધે આ જ પ્રશ્નો હતા. ચારેય બાજુ ઘોંઘાટ છે. પ્રોફેસર જે બોલી રહ્યા છે એ છેલ્લી બેન્ચ સુધી સંભળાતું ન હતું. છેલ્લી બેન્ચ પર બેઠેલો માનવ આ બધાથી અકળાયેલો હતો. સવારે પાર્કિગમાં સ્ટેજ બનવાને લીધે ટ્રાફિક જામ થયેલો એટલે વર્ગમાં મોડો આવેલો. તેથી છેલ્લી બેન્ચ પર બેસવું પડેલું. સવારથી એનું મગજ ગરમ હતું. પોતે મોડો હોવાથી પ્રોફેસરોને ફરિયાદ પણ કરતે તો પોતે જ સાંભળવું પડતે. અને આમ પણ કોઈ પ્રોફેસરોને ફરિયાદ સાંભળવામાં રસ હોતો નથી.

માનવથી રહેવાનું નહિ અને એ વર્ગખંડ છોડીને કેન્ટીનમાં જતો રહ્યો. વર્ગ પૂરો થયા બાદ અમન અને હેત્વી બંને ત્યાં આવ્યા.

"શું થયું છે તને? ખુરાનાનો લેક્ચર છોડી દીધો. એ તને ખુન્નસથી જોતો હતો." અમને આવતાં વેત જ પૂછી લીધું.

"સવારથી મગજનું દહી થઈ ગયું છે. શેનું તાબદાન છે આ પાર્કિગમાં?" માનવ ખુબ ગુસ્સામાં હતો.

"થોડું ધીમેથી બોલ. સમસ્ત વિદ્યાર્થી સંઘ - SVSની પેનલ ઘોષણા છે." અમને ધીમા અવાજે કીધું.

"સાલા, બુદ્ધિના અડધાઓને કઈ ભાન નથી. પોતાના અંગત હેતુ માટે સામાન્ય વિદ્યાર્થીઓને હેરાન કરશે. આવશે કોઈ પ્રમુખ અને ખોલશે વિદ્યાર્થીઓ માટે કરવાના કામોની ચોપડી. સમજાતું નથી કે આ લોકો વિદ્યાર્થીઓનું ભલું કરવા માંગે છે કે હોદ્દાની રાજનીતિની લાલસામાં વિદ્યાર્થીઓને હેરાનગતિ પહોચાડવા માંગે છે." માનવ બોલતો જ રહ્યો.

"એ જ, હું પણ હેત્વીને આ જ સમજાવું છું કે આ બધું છોડી દે, પણ એને નશો ચડ્યો છે." અમનને મોકો મળી ગયો હેત્વીને સંભળાવવાનો.

"એવું કંઈ નથી. અમારું સંગઠન વૈચારિક સિદ્ધાંતો પર કામ કરે છે. અમારી વિચારધારા હંમેશા વિદ્યાર્થીલક્ષી રહી છે." હેતવીએ પોતાનો લુલો બચાવ કરી લીધો.

"આ તારી કાયમી ગોખેલી વાતો અમારી આગળ ન કરે તો સારું." અમને સામે કહી જ દીધું.

"હેતવી, કોઈ પણ પક્ષ કે સંગઠન હોય ,તેના મૂળમાં સ્વાર્થ જ રહેલો હોય છે." માનવે ગંભીરતાથી કહ્યું.

"બાય ધ વે, સુહાની ક્યાં છે? લેકચરમાં પણ ન આવી અને અહીંયા પણ નથી. માંદી છે કે શું?" અમને માનવને પૂછ્યું.

"ખબર નહિ, કાલે રાત્રે વાત થયેલી ત્યારે તો કહેતી હતી કે ખુરાનાના લેક્ચરમાં તો જવું જ પડશે. હાજરી ઓછી પડે છે.મને દેખાતી નથી. લાવ, કૉલ કરી જોવ." માનવ ફોન કરે છે.

"આપ જીસે સંપર્ક કર રહે હો વો મોબાઈલ સ્વીચ ઓફ હૈ, કૃપીયા થોડી દેર બાદ કૉલ કરે." માનવને ધાસ્કો પડ્યો. સવાર સવારમાં સુહાનીનો ફોન સ્વીચ ઑફ?

" ભાઈ, આપણે નીકળવું જોઈએ. આમની રેલી શરૂ થશે તો રસ્તા બંધ કરાવી દેશે અને ધમાલ થશે તો બપોર પરી જશે." અમને માનવને કહ્યું.

"હા ભાઈ, આમનો કોઈ ઠેકાણું નહીં. હેત્વી, તારે તો રોકવું પડશે ને. વિરોધપક્ષના ભાષણો સાંભળવા." માનવે કટાક્ષમાં સંભળાવી દીધું.

"ના ના, મારે કંઈ કાયમ નથી જવાનું. હું તો માત્ર એમની વિચારધારાથી પ્રભાવિત છું એટલે જોડાઈ છું. મારે કોઈ હોદ્દો નથી જોઈતો. હું પણ આવી જ તમારી જોડે." હેત્વિને માહિતી મળી ગઈ હતી કે આજે ઘણી મોટી બબાલ થવાની છે.

બધા પાર્કિંગ પાસે પહોંચ્યા અને ઘોષણા થવામાં વાર નહોતી. અમનને ત્યાં ઉભા રહીને પેનલ જાણવાની ઈચ્છા થઈ આવી પણ માનવે તેને રોકી દીધો. ટ્રાફિક જામ પહેલેથી જ થઈ ગયો હતો. SVS અમદાવાદના પ્રમુખ રક્ષિત પટેલ પોતે આવ્યા હતા. પોલીસ હાજર હતી પણ તેઓ દૂર ઉભા રહીને તમાશો જોવામાં વ્યસ્ત હતા. માનવ ટ્રાફીકમાં વધુ અકળાતો હતો. પાછળ બેઠેલા અમનનું ધ્યાન ઘોષણામાં જ હતું. રક્ષિત પટેલે પેનલની ઘોષણા શરૂ કરી. માનવ ટ્રાફીકમાં જગ્યા કરી આગળ વધતો હતો.

" આ વખતે આપણા વિભાગમાં જુહી જ ઉમેદવાર બનશે." અમને પોતાનો મંતવ્ય આપ્યો.

ત્યાં જ રક્ષિત પટેલનો અવાજ થોડો મોટો થયો અને માનવના કાનમાં એ જાણે સોઈની જેમ ભોંકાયા.

" મને જણાવતા આનંદ થાય છે કે SVSને આ વર્ષે ગુજરાતી વિભાગના મહિલા પ્રતિનિધિ માટે ખુબ હોનહાર કાર્યકર્તા મળ્યા છે. હું સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું સુહાની પુરોહિતને...."