sav lilu salala in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | સાવ લીલું સલાલા

Featured Books
Categories
Share

સાવ લીલું સલાલા

સાવ લીલું સલાલા


સલાલા શહેર ઓમાનનું દક્ષિણ છોર પરનું, લગભગ ગોવાની સામેનું કહી શકાય એવી રીતે વસેલું ગ્રીન સીટી ઓફ ઓમાન કહી શકો. ઓમાનની રાજધાની મસ્કતથી આશરે 1100 કી.મી. દક્ષિણે સમુદ્ર તટ પર છે. મસ્કતથી રાત્રે બસો ઉપડે છે અને આશરે 11 કલાક લે છે. રસ્તો ખીણો, ઘાટ અને કાંઠા નજીકથી પસાર થાય છે. સ્પીડ લિમિટ 120 કી.મી./કલાક સુધી હોવા છતાં લોકો 140, ક્યારેક 170 ઉપર જાય છે એને અકસ્માતો જીવલેણ થાય છે. સરકારી સૂત્રો પણ ફ્લાઇટની સલાહ આપે છે.


અમે સલામ એર ફ્લાઇટથી ઈદની રજાઓ દરમ્યાન મસ્કતથી સલાલા ગયાં. બપોરે દોઢ ની ફ્લાઇટ સાડાત્રણે પહોંચે જે 20 મિનિટ મોડી હતી. બહાર નીકળતાં જ શણગારેલું એરપોર્ટ સ્વાગત માટે હાજર હતું.



અમે અગાઉથી હોટેલ એપાર્ટમેન્ટ બુક કરેલો અને એરાઇવલમાં જ ઘણી શોપ્સ રેન્ટ એ કાર ની હતી જેમાં થી 4 બાય 4 ની એટલે કે જેનાં ચારેય વ્હીલનું ટ્રાન્સમિશન અલગ હોય તેથી ઊંચા ચઢાણ કે ઉબડખાબડ રસ્તે સહેલાઇથી જઈ શકે તેવી કાર લીધી. હોટેલ એપાર્ટમેન્ટમાં કપડાં ધોવા, રસોઈ માટે, ચાની ઇલેક્ટ્રિક કીટલી, કપ રકાબી, થાળી વાટકા, ફ્રીજ બધું જ હોય. રહેવાનું ઘર જ.


ફ્રેશ થઇ બહાર નીકળયાં અને નજીકના જોઈન્ટ પર નાસ્તો વગેરે પતાવ્યું ત્યાં સાડા પાંચ થવા આવેલા. સીધા ખરીફ ફેસ્ટિવલ જોવા ઇટ્ટીન ગ્રાઉન્ડ પહોંચ્યાં. આરબોની રહેણી કરણી, એમના ગ્રામ્ય ઘરો, પોશાક વગેરે બતાવેલું. મેળામાં આપણાં ચવાણાં, મુખવાસ, કપડાં, ઘરેણાં, રમકડાં, પર્સ - શું ત્યાં ન હતું એ સવાલ હતો. રાજકોટના જન્માષ્ટમીના મેળાઓની મોડર્ન આવૃત્તિ. આમ તો માત્ર જોવાનું કેમ કે અહીં ઘણું તડકભડક દેખાવનું હતું. ટકાઉ હોવા વિશે ગેરંટી નહીં.



ત્યાંના આરબો પણ હિન્દી સમજતા હતા. કલ્ચરલ શો 6 વાગે પુરો થઇ ગયો હોઈ પરત ગયા સિવાય છૂટકો ન હતો. શહેરની મધ્યમાં સેન્ટ્રલ પોઇન્ટ પાસે એક ગુજરાતી રેસ્ટોરાં ‘રાજભોગ’માં ગયાં. સુંદર જમવાનું સંપૂર્ણ ગુજરાતી સ્ટાઇલનું. ત્યાંથી નિવાસે ગયાં.


******

દિવસ 2


બીજે દિવસે સવારે આશરે સાડાનવ વાગ્યે સ્ટાર્ટ થયાં. પ્રથમ ગયાં નારિયેળી બજાર જ્યાં તરેહ તરેહના નારિયેળ- આપણા લીલાં, શ્રીલંકાનાં પીળાં, કેળાં નાનાં, મોટાં, એલચી કેળાં, લાલ છાલનાં કેળાં પણ હતાં. પાઈનેપલ એટલાં તો મીઠાં હતાં, એ લોકો મસાલા વિના જ ખાવાની સલાહ આપતા હતા. શેરડીની ગંડેરી પણ લીધી અને ગળ્યાં મોટાં લીંબુ પણ. નારિયેળ પી ને ગયાં ઐઇન અથુમ.




ઐઇન અટ્ઠમ પર લગૂન હતું. લગુન એટલે નાનું સરોવર, જે ઊંચા ખડકો વચ્ચે હોય. આવી રણ વચ્ચે આસપાસ લીલોતરી વાળી જગ્યાને વાદી કહે છે. રસ્તો પર્વતો અને ખીણ વચ્ચેથી પસાર થતો હતો. વાદળો પર્વતોને ચુમતાં હતાં. પર્વતો પણ જાણે શિશુ વાદળોને તેડીને રમાડતા હતા. રસ્તો ઘણો સુંદર હતો પરંતુ ડ્રાઈવર માટે કસોટી રૂપ હતો.


જંગલમાંથી વિશાળ ધોધ ઊંચાઇએથી પડતો જોવો એ એક અવિસ્મરણીય અનુભવ હતો. એના દૂરથી સંભળાતા ગર્જનાભર્યા અવાજને માણતાં થાકો જ નહીં. પ્રકૃતિ પવનથી સૂરીલી વાંસળી પણ વગાડી શકે છે અને આવો મોટી ગર્જના કરતો અવાજ પણ કરી શકે છે.


આગળ જંગલમાં ઝરણાં હતાં જ્યાં નિર્મલ પાણી ખળખળ વહેતુ હતું. નાની ગુફાઓ પણ હતી. લોકો તો સાત માળ જેટલે ઊંચેથી પડતો ધોધ અભિભૂત થઇ જોઈ રહેતા હતા અને ઝરણાનું પાણી પીતા હતા.




થોડે આગળ જતાં પાણીનો નાનો ધોધ ઐમ તબરુક નામની જગ્યાએ હતો.


અહીં જંગલમાં નાનું મેદાન જેવું બનાવ્યું છે. નજીક નાની ગુફાઓ અને ઝરણાઓ. લોકો શુદ્ધ પાણી ખોબેથી પીતાં હતાં, છોળો ઉડાડતાં હતાં. ત્યાં નાનો ધોધ પણ હતો. એની નજીક ખડક પર બેસી કે ઝાડીમાં થઈ ઝરણાઓ નજીક જવાતું હતું.

આગળ મુશ્કેલ ચઢાણ 4 બાય 4 કાર થી જ ચડી શકાય એવું, ”હેરત પામે ઉપર વાળો” જેવું સીધું, પથરાળ અને મુશ્કેલીથી ઢાળ ચડી શકાય એવું કારથીચઢી પહોંચ્યાં મોટા ધોધ પર.



હવે અમે ગયાં એંટી ગ્રેવીટી પોઇન્ટ. આ જગ્યા આપણા કચ્છના કાળા ડુંગર જેવી છે. લાઈનબંધ કારો પેસેન્જરોને ઉતારી, ન્યુટ્રલમાં નાખી ઉભી રહે એટલે આપોઆપ આગળ વધે પરંતુ ધીમે ધીમે. અહીં ઓવરટેઈક કરવું શક્ય નથી, આજુબાજુ ખીણ છે. અહીં ઓમાનમાં સામાન્ય રીતે હોર્ન વગાડવાની મનાઈ છે પણ આગળની કાર ધીમેથી ઉપર ખેંચાતી હોય તો પાછળની હોર્ન મારતી આવે. ઉપર જઈ પછી ચાલુ કરી યુ ટર્ન મારી નીચે આવે. અહીં આવેલી કારો ભારે હોય એટલે, કે ગમે તે હોય, ઉપર કાળા ડુંગર કરતાં ધીમેથી ખેંચાતી હતી એ પણ પેસેન્જરો ઉતરી જાય તો જ.



અહીં અમે વનભોજન કર્યું- પથ્થરો ગોઠવી લોકોએ રાંધ્યું પણ હશે. ત્યાં કાળું બળેલાં લાકડાં જેવું હતું. અમે અમારા બેસવા માટે પથ્થરો ઉપાડી રાઉન્ડ ટેબલની જેમ ગોઠવ્યા અને ભોજન પતાવ્યું, આગળ ચાલ્યાં.



હવે આશરે 50 કી.મી. દૂર આવ્યો ટાકા કેશલ. ટાકા ગામનું નામ છે. પ્રાચીન કિલ્લો પીળા રેતીના પથ્થરો વડે બનેલો. ઉપરથી નજીકનો દરિયો દેખાતો હતો. એ પણ ઈદની બપોરનો પોઢી ગયેલો. આકરા તડકા અને દરિયાની લહેરો વચ્ચે શાંતીથી સહુ કોઈ, સજીવ કે નિર્જીવ પણ પોઢી ગયેલું. કિલ્લો ચડતાં સાથે શ્રીમતીજીના ચપ્પલની પટ્ટી તૂટી. બપોરે બે અને ઈદ ની રજા, ટાકા જેવું નામ પણ ન સાંભળયું હોય એવું ગામ! એક ખુલ્લી દુકાનમાં ગયાં. માલિક આરબ. આવાં નાનાં ગામમાં એને અંગ્રેજી તો ક્યાંથી આવડે? એક કાળા સેલ્સમેન તરફ ઈશારો કર્યો. એને હિન્દીમાં વાત કરી કામ પતાવ્યું. એ આંધ્રનો હતો!! અમારી સાથે હિન્દીમાં અને માલિક સાથે અરેબિકમાં વાત કરતો હતો.



અહીંથી ગયાં મુગસેઇલ બીચ. પાણી એકદમ લીલું છે. રેતી સફેદ. પણ રેતી પર ચાલતી પોલીસની ગાડી ફરતી હતી- ચેતવણી આપવા. એ દિવસે પાણી વધુ ઠંડું હતું અને તોફાની પણ, એમના મુજબ. અમે તો બાજુમાં ઉભી લોકો સાથે જોતા હતા.


ત્યાંથી આગળ મારનીફ બીચ ગયાં. ત્યાં ઊંચેથી સમુદ્ર જોવા વ્યુ પોઇન્ટ્સ છે. એ લીલોતરીથી ભરેલા પહાડો પર છે. એ પહાડો પર ઊંચે ઊંટ લીલોતરી ચરતાં જોઈ નવાઈ લાગી. લોકો ઊંચે પથરાળ રસ્તેથી ચડી દૂર ક્ષિતિજમાં જોતાં હતાં. ત્રણ વ્યુપોઇન્ટ હતાં. ત્રણે પરથી અલગ અલગ વ્યુ. જવાનું બે પોઇન્ટ પર થોડું મુશ્કેલ ખરું.


નજીકમાં બ્લૉ હોલ્સ હતાં જ્યાં સમુદ્રનું પાણી ગુફામાં ખાલી જગ્યામાં જાય, હવા સાથે ભૂ.. ભૂ.. કરતું ઉપર ફુવારા સાથે ઉડે, પ્રચંડ અવાજ કરે. લોખંડની જાળીથી તેને કવર કરેલું. ત્યાં અગાઉથી બાફેલી પણ દાંડી સાથેની મકાઈ ખાધી. જાત જાતના મોં માં પાણી આવે એવા નાસ્તા મળતા હતા.





પરત ફરી સાંજે બોમ્બે ચટકા નામની રેસ્ટોરાંમાં ગયા. બહાર જ મરાઠી યુગલ નવવારી સારી પહેરેલી સ્ત્રી, ધોતી ને ટોપી વાળો પુરુષ ને છોકરો- એ ચિત્ર આવકારવા ઉભેલું. એક મરાઠી નાટકની સલાલામાં જ મંચનની જાહેરાત હતી. અહીં ઘણા મરાઠીઓ ખાવા આવેલા. પણ ઘણા ભારતીયો અન્ય રાજ્યોના પણ હતા.



************

દિવસ 3.

આજે દૂર કોસ્ટલ હાઇવે પર હુડબીન શહેર અને અશ સુવામીયાહ આશરે 240 કી.મી. જઈ પાછું આવવાનું હતું. સવારે 9.30 વાગે નીકળી ગયાં. કોસ્ટલ હાઇવે જતાં એક બાજુએ રેતીના ઢૂવા આવે, ઊંચા પીળા સોનેરી ચમકતી રેતીના ડુંગરો, થોડીવારમાં ખડકો, વળી નીચે ગામની વસ્તી, વળી અલગ અલગ રંગના ખડકો- કાળાશ પડતા, પીળા, કથ્થાઈ વગેરે. બીજી બાજુ સાથે ચાલતો દરિયો. દિવસના સમય અને કાપેલા અંતર મુજબ દરિયો પણ કલર બદલતો રહે- લીલો, એકદમ ભૂરો, જાંબલી, દૂરથી જાંબલી, નજીકથી લીલો કે નીલો.


89 કી.મી. કાપ્યા પછી પહોંચ્યા આશરે 11 વાગે મીરાબાત બીચ. અહીં સમુદ્ર શાંત હતો. ભીડ ખાસ ન હતી. નહાવાની મઝા પડી. સાત રંગનાં છીપલાં વિણ્યાં. અહીં ટોઈલેટ પર એક કેરાલી સ્લીપ ફાડતો હતો. હા, આખા ઓમાનમાં કોઈ પણ જગ્યાએ ભૂલથી પણ મૂત્રત્યાગ માટે કોઈ પાછલી ભીંત કે ઝાડી ન પકડાય. સીધી જેલ. પેટ્રોલ પમ્પ પર અને આવી જાહેર જગાએ વ્યવસ્થા હોય જ. લોકો પણ ક્યારેય ખુલ્લામાં ઉભતા નથી. કેરાલી અરબો સાથે અરેબિકમાં વાત પણ કરતો હતો! આવી અંતરિયાળ જગાએ, એકાંત સ્થળે નોકરી એ પણ સફાઈ કામદાર ની! દયા આવી.


હવે શરૂ થયો કોસ્ટલ હાઈવે. ભોમિયા વિનાના ડુંગર ભમવાના એ પણ 120 ની સ્પીડે સંભાળીને. બીજી બાજુ દરિયો.



આગળ ગયા. રસ્તો વચ્ચે વચ્ચે ઘુમાવદાર, ઊંચા ઢાળ, વળી નીચે- રસ્તો, સુંદર દ્રશ્યો. સાઈડ પર દરિયો સતત કંપની આપતો ખરો જ. દૂર મોજાંઓ વચ્ચે સફેદ ફીણ હાલતાં ચાલતાં દેખાય. કહેવાયું કે એ ડોલ્ફિન હોઈ શકે. લોકોને બસ એમ જ સવારે કાંઠા નજીક રમતી આવતી ડોલ્ફિન દેખાય છે, નસીબમાં હોય તો વ્હેલ પણ દેખાઈ જાય. અહીં મસ્કતમાં લોકો 35 રિયાલ એટલે કે 5200 જેવા રૂ. ખર્ચી ડોલ્ફિન શો જોવા મધદરિયે જાય છે. અહીં તો એમ ને એમ.



રસ્તે જેટલી પણ થોભવા જેવી જગ્યા લાગે ત્યાં કાર થોભાવતા ગયા. સાથે અલગ અલગ રંગો બદલતો દરિયો અને જાતજાતના ખડકો જોતાં વચ્ચેથી પસાર થતા ગયા. આમ ભાગતા, થોભતા જવાની મઝા અલગ જ છે. તમે જ તમારા મન ના માલિક.


વચ્ચે જંગલી રખડતાં ઊંટનાં ધણ, પાળેલાં ઊંટોની વણઝાર અને એક તાજું જન્મેલું, ટપટપ દોડતું, આપણા ખભા જેટલું ઊંટ પણ મળ્યું. અહીં રસ્તે નિશાનીઓ હતી કે ઊંટો રસ્તા પર આવી શકે છે, ધીમા જાઓ. બે ત્રણ આકાર વાળી ખૂંધનાં, કેટલાક કદાચ રોગને લીધે કાળાં ઉંટ પણ હતાં.


આશરે 2.30 વાગે હુડબીનથી 15 કી.મી. જેવા દૂરના સ્થળે એક છત્રી પર રોકાઈ લોકો વન ભોજન કરે એમ રણ ભોજન કર્યું. સાથે લીધેલા બ્રેડ બટર. કોસ્ટલ હાઇવે અહીં સમાપ્ત થતો હતો અને સાંજે ફ્લાઇટ પહેલાં 240 કી.મી. પહોંચવાનું હતું. રિટર્ન જર્ની સ્ટાર્ટ કરી. હા. જતાં, આવતાં સ્પીડ સતત 120 કી.મી./કલાક રાખેલી, જે માન્ય છે. વળતાં માત્ર સવાબે કલાકમાં 240 કી.મી. કાપી સલાલા આર્કિઓલોજિકલ પાર્ક પહોંચ્યા.


નામ અલ બલિદ આર્કિઓલોજિકલ પાર્ક. રણમાં ઉગતી, અત્તર જેમાંથી નીકળે છે એ વનસ્પતિનાં વૃક્ષો જેનું નામ ફ્રાંકીન્સન્સ ટ્રી છે. આપણા મીઠા લીમડાની જંગલી આવૃત્તિ જેવાં પાનં અને જામફળી જેવાં સફેદ, લીસ્સા એનાં થડ દેખાય.


અહીં આ પ્રાઇવેટ મ્યુઝિયમ હોઈ એક કારના 2 રિયાલ ટિકિટ, પાર્કનો રાઉન્ડ લે છે એ ઈલેકટ્રીક કારમાં ફરવાના 500 બઇસા એટલે કે 85 જેવા રૂ., દરેક જગાએ ટિકિટ. યુનેસ્કો દ્વારા પુરસ્કૃત સાઈટ છે. દૂર જુના મહેલની પ્રતિકૃતિઓ, ખંડેરો, જુના વાસણો, એકાદ ખોપરી, એવું એવું એ વિસ્તારમાં થી જ નીકળેલું હતું. અંદર મ્યુઝિયમમાં વહાણોનાં મોડેલો, પ્રાચીન નકશા વગેરે એક ભાગમાં હતાં. રસપ્રદ છે કે ઈ.સ. 1098 માં ચીન સાથે ઓમાનની વ્યાપાર સંધિ માટે ત્યાંના દરબારમાં દૂત ગયેલા અને 1852 માં બ્રિટિશરો સાથે સંધિ કરતા અને યુ.એસ.માં 1852માં ઉતરતા ઓમાનના એમ્બેસેડરના ફોટા હતા. ઓમાનના ઊંચા ડુંગરો પર સ્થિત ઇલેક્ટ્રિકના ટાવરો, શહેરોનાં મોડેલો, મસ્કતની જેવી ઘુમાવદાર સડક અને રકાબી જેવાં વૉચ ટાવરનાં મોડેલ વગેરે હતાં. એકંદરે સારો પાર્ક હતો પણ ખાસ રસ પડે એવું ન લાગ્યું. અત્તર જેમાંથી બને એ વનસ્પતિ ગમી. ત્યાંના જ કાફેમાં ચા પાણી કરી સીધા સલાલા શહેરની મધ્યમાં. ઉડીપીમાં ઢોસા ખાઈ ઉભા થયા ત્યાં 7 વાગેલા. થોડું રખડી એરપોર્ટ. અહીં ગુગલ મેપે સાચે જ “ભેખડે ભરાવ્યાં’. જ્યાં you have reached destination બોલે ત્યાં તો ભીંત! અને મોટું મેદાન!! કોઈએ ગાઈડ કર્યાં. આખરે ગોળ ફરી પહોંચ્યાં. રેન્ટ એ કાર કાર્ડ એન્ટ્રીમાં નાખી, પરત આપી રાતે દસની ફ્લાઇટમાં 12 વાગે રાતે સલાલાથી મસ્કત પરત.


એ લીલુંછમ સલાલા શહેર, એ જંગલો, માત્ર 4 બાય 4 કાર જ જઈ શકે એવું કાર ટ્રેકિંગ- સીધા ચઢાણ, ઝરણાં, ધોધ, બ્લો હોલ પોઇન્ટ, એન્ટી ગ્રેવિટી પોઇન્ટ, કોસ્ટલ હાઇવેની મુસાફરી-આ બધું સ્મરણમાં રાખી પરત મસ્કત.


આ સ્થળ નજીકના દેશો જેવા કે સાઉદી અરેબિયા, અબુધાબી, કતારમાં પણ એટલું જ લોકપ્રિય છે અને દરેકને અહી આવવામાં લગભગ સરખો જ સમય લાગતો હોઈ દરેક દેશમાંથી આસપાસના લોકો અહીં આવે છે. કહેવાય છે આવી વરસાદ આપતી અને લીલ્લું છમ્મ દેખાય એવી જગ્યા આસપાસ હજારો કી.મી. માં ક્યાંય નથી.


તો સાવ લીલું સલાલા મારી સાથે ફેરવ્યા. ગમ્યું હશે.


સુનિલ અંજારીયા

711, અલ મનાર ટાવર, અલ ખુવઈર, મસ્કત.

(મુળ અમદાવાદ)