Lagnina Pavitra Sambandho - 29 in Gujarati Short Stories by Mausam books and stories PDF | લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 29

The Author
Featured Books
Categories
Share

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 29

થોડીવાર બધા શાંત થયા પછી અભિષેકે ધીમેથી પૂછ્યું,
" બા..! તમારે બે જુડવા બાળકો હતા..? મારો મિત્ર બિલકુલ આના જેવો જ લાગતો..પણ તે ગાયબ થઇ ગયો છે."

" ના બેટા..! આ મારો દીકરો નથી પણ સગા દીકરા કરતા પણ સારી સેવા કરે છે." બાએ કહ્યું.

" બા.. મહેરબાની કરીને જણાવોને કે આ ભાઈ તમને કેવીરીતે મળ્યો. પ્લીઝ..!"

તો સાંભળ..!,

"લગભગ દસ વરસ પહેલાંની વાત છે. અમે આબુમાં પર્વત નીચે નેસડામાં રહેતા હતા. ચોમાસું બેસવાની તૈયારીમાં હતું. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હતું. નિયતિના બાપુ ઘેટાં બકરાં ચરાવવા જતા હતા. નિયતિને વાંચતા વાંચતા વાતાવરણ જોઈ થયું બાપુને એકલા નથી મોકલવા. તો તે પણ તેના બાપુ સાથે ગઈ. અને પવન સાથે ધોધમાર વરસાદ પડવા લાગ્યો. તેઓ ઘરે જ આવતા હતા ને ત્યાંજ એમની નજર એક ખૂબ ઘાયલ થયેલ માણસ પર પડી. તેની હાલત જોતા એવું લાગતું હતું કે ખૂબ ઊંચાઈથી તે પડ્યો હતો." ખોંખારો ખાઈ ફરી તેમણે પોતાની વાત ચાલુ રાખી..

"માણસાઈના નાતે તેઓ તે માણસને ઘરે લાવ્યા. ખૂબ લોહી વહેતુ હતું અને તે બેભાન હાલતમાં હતો. પણ ઘરથી દવાખાનું ખૂબ દૂર હતું. લઇ કેવી રીતે જવું..? અને એક અઠવાડિયા સુધી સતત વરસાદને કારણે ઘરની બહાર નીકળી શકાય તેમ ન હતું. મારી એકની એક દીકરી નિયતિ કંઇક આયુર્વેદિકનું ભણતી હતી. તેને તેના અનુભવ અને ચોપડીઓમાંથી વાંચી વાંચીને આ માણસની તેણે સેવા કરી. એક અઠવાડિયા પછી તેને થોડું ભાન આવ્યું. તે આંખો ખોલતો પણ બોલી શકતો નહોતો."

નિયતિ ચા લઇ આવી. પ્રકૃતિ અને અભિષેકે ચાની ચૂસકી ભરી ત્યાં આગળની કહાની નિયતિએ ચાલુ કરી.

"પંદર દિવસ પછી તે બોલતો થયો. અમે તેને ઘણું પૂછ્યું. ઘણો પ્રયત્ન કર્યો પણ તેને કંઈ જ યાદ આવ્યું નહીં. છેવટે તે ખુદ નિરાશ થઇ ગયો. રોજ હું તેની માનસિક સ્થિતિ ચકાસતી હતી. તેને વધુ ટ્રેસ આપી શકાય તેમ ન હતું. તેની બુદ્ધિ તો તીવ્ર હતી, દુનિયાદારીની સારી એવી સમજ પણ હતી. બસ તેને પોતાનો ભૂતકાળ યાદ ન હતો. તે વારંવાર પોતાનું નામ ને તેનું ઘર ક્યાં છે તે પૂછે જતો હતો.તેના કોઈ સવાલનો અમારી પાસે જવાબ ન હોય.છેવટે અમે તેને તેનું નામ કિશન કહ્યું. તેના ઘર વિશે તો અમે કંઈ જાણતાં જ નહોતા. તેના ઘરના શોધતાં શોધતા ન આવે ત્યાં સુધી અમારી સાથે જ રહેવાનું કહ્યું. આના સિવાય તેની પાસે કોઈ ઉપાય જ ન હતો.પછી મને આયુર્વેદિક સરકારી હોસ્પિટલમાં જોબ મળતા અમે રાજસ્થાનના રતનપુરમાં રહેવા ગયા. રતનપુરમાં તેણે કામ પણ શરૂ કર્યું. તે પોતાનો ખર્ચ દર મહિને આપી દેતો. સાથે રહીને ધીમે ધીમે તે અમારી સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયો." આટલું કહી નિયતિ ચા ના કપ મુકવા રસોડામાં ગઈ.

" તો બા..! કિશન અને નિયતિ લગ્ન થયા છે..? કેવી રીતે થયાં..?" વધુ જાણવાની ઉત્સુકતાથી અભિષેકે પૂછ્યું.

" મારી નિયતિ માટે પણ અમે છોકરો જોતા જ હતા. અને કિશન આવ્યો અમારા જીવનમાં. અમારા રાજસ્થામાં કિશન જેવો ફૂટડો છોકરો મેં ક્યાંય નહોતો જોયો. પણ તેનું સાચું નામ ઠામ જાણતાં ન હતા એટલે તેની સાથે મારી દીકરીને પરણાવવાનું મેં ક્યારેય નહોતું વિચાર્યું. પણ એક દિવસ અમારા ઘરમાં આગ લાગેલી. મારી નિયતિ તેમાં ફસાઈ ગઈ હતી. પુરી સુજબૂઝ અને જીવના જોખમે આ છોકરાએ અમારી નિયતિને બચાવેલી. તે દિવસથી નિયતિના બાપુ મને રોજ કહે જતા ," આ બે એકબીજા માટે બનેલા છે. બંનેએ એકબીજાને મોતના મુખમાંથી બચાવ્યા છે. જો બંને સાથે રહેશે તો કોઇપણ મુશ્કેલીમાં એકબીજાનો સહારો બની રહેશે. આવો દેખાવડો અને સમજદાર વર નિયતિ માટે બીજો ક્યાંય નહીં મળે." અને તેના બાપુના કહેવાથી મેં નિયતિને પૂછ્યું. નિયતિને તો કિશન પહેલાંથી જ ગમતો હતો. બસ હવે કિસનને પૂછવાનું હતું. બાપુએ તેને પૂછ્યું. કિશન સાવ એકલો હતો. આખરે તે પણ માણસ હતો તેને પણ પ્રેમ અને હૂંફ જોઈએ. અને અમારી સાથે રહેતા લગભગ છ એક મહિના વીતી ગયાં હતાં પણ તેના કોઈ સગા તેને શોધતા શોધતા આવ્યા નહીં. આથી કિશન પણ નિયતિ સાથે લગ્ન કરવા તૈયાર થયો.ને બંનેના લગ્ન કરાવ્યા.એકાદ વર્ષમાં નિયતિની અમદાવાદમાં બદલી થઈ તો અમે બધા અહીં આવ્યા. કિશનની આવડત અને બુદ્ધિથી તેને અહીં પણ કામ શોધી લીધું.

" કિશને તેના હાથમાં રહેલા બ્રેસલેટ વિશે ન વિચાર્યું..? તેમાં પ્રાતિ લખેલું છે..! કોઈ સાગએ જ તેને આપ્યું હશે..! આવો વિચાર ન આવ્યો તેને..?" પ્રકૃતિએ નવાઈ વ્યક્ત કરતા પૂછ્યું.

😊 મૌસમ😊