Lambha Baliyadevanu Mandir - 2 in Gujarati Travel stories by Payal Chavda Palodara books and stories PDF | લાંભા બળીયાદેવનું મંદિર - ભાગ 2

Featured Books
Categories
Share

લાંભા બળીયાદેવનું મંદિર - ભાગ 2

લાંભા બળીયાદેવાનું મંદિર

(ભાગ-૨)

ગુજરાતનું બળિયાદેવનું સૌથી મોટું મંદિર એટલે લાંભા ગામમાં આવેલું બળિયા બાપાનું મંદિર. અહી બળીયાદેવનું બહુ વિશાળ મંદિર આવેલું છે. અમદાવાદ થી લાંભા ગામ જવા માટે બસ અને રીક્ષાઓની સુવિધા ઉપલબ્ધ છે. તેમ છતાં જો પોતાનું સાધન હોય તો અમદાવાદ થી લાંભા બળીયાદેવનું મંદિર ૧૦.૭ કિલોમીટર એટલે કે, ૨૫ થી ૩૦ મિનિટ જેટલો સમય લાગે છે. નારોલ સર્કલથી લાંભા ગામ જવાના રસ્તે આ મંદિર આવેલું છે. જો ગાંધીનગર થી લાંભા જતા હોવ તો ૩૬.૪ કિલોમીટર એટલે કે રીવરફ્રન્ટથી જતા ૫૮ થી ૬૦ મિનિટ જેટલો સમય લાગે છે. 

લાંભા જવાનું નકકી થયું હોવાથી અમે સવારે વહેલા ઉઠીને નીકળી પડયા બળીયાદેવના દર્શને જવા માટે. લાંભા ગામના મંદિરના પ્રવેશ દ્રાર પર જ ભક્તોનું સ્વાગત કરતી બે ગજરાજની આકૃતિઓ આવેલી છે. લાંભા ગામના મંદિરની ભવ્યતા દર્શાવતો તેનો પ્રવેશ દ્વાર અને તેના પર કરેલી કોતરણી ખરેરખમાં અદ્ભૂત છે. બળિયાદેવના વિશાળ મંદિરની આગળ બિરાજેલા દેવોના દેવ મહાદેવની મુર્તિ. લાંભા પહોંચતા અમે સૌ પ્રથમ પ્રસાદીની લાઇનમાં ઉભા રહ્યા. તેમાં બુંદીનો પ્રસાદ લીધો અને ચવાણું પણ લીધું. અહીનું ચવાણું પણ બહુ જ પ્રખ્યાત છે. ચવાણું રૂા.૭૦ કિલો મળે છે અને બુંદીના લાડવાનું એક પેકેટ રૂા.૭૦ નું મળે છે. બળિયાદેવને બુંદીના લાડુ અતિપ્રિય હોવાથી તેમને બુંદીના લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. લાંભાના લાડવા ગામેગામ પ્રખ્યાત છે. તે લઇ પછી અમે મંદિર તરફ ગયા. આમ તો તહેવરમોમાં મંદિરમાં બહુ જ ભીડ હોય છે. પણ અમે ગયા ત્યારે ભીડ નહોતી. તહેવારોમાં મંદિરમાં દર્શનાર્થીઓ માટે લોખંડની કતારો કરવામાં આવેલી છે જેથી લાઇનમાં ઉભા રહીને પછી બધા દર્શન કરી શકે. ભકતોની લાંબી કતાર હોય ત્યારે અહી પંખા અને કૂલરની વ્યવસ્થા ઠેરઠેર કરવામાં આવે છે. જેથી દર્શન કરવા આવતા ભકતોને કોઇ અગવડ ના પડે. મંદિરમાં પ્રવેશતાં જ ડાબી બાજુ ગણપતિ દાદા અને જમણી બાજુ હનુમાનજીની સુંદર મુર્તિઓ આવેલી છે. મંદિરમાં લગાવેલું વિશાળ ઝુમ્મર પોતાની રોશનીથી મંદિરને ઝગમગાવી દે છે. મંદિરના ગર્ભગૃહની પાછળની દિવાલ પર ભગવાનની લીલાઓની સુંદર કલાકૃતિઓ આવેલી છે. ભક્તો નવજાત બાળકોને લઈને કુલડી અને ચાંદીની નાની નાની મુર્તિઓ લઈને દર્શને આવે છે. અહી જેવી તમને તકલીફ એ માટે કઇ બાધા કરવી એ માટેના બોર્ડ લાગેલા છે. આથી તમે તે લઇને બાધાની માનતા પૂરી કરી શકો. લાખોની સંખ્યામાં ભકતો પોતપોતાની શ્રદ્ધા-શક્તિ પ્રમાણે બાધા રાખતા હોય છે. બાળકોને ઓરી, અછબડા, શીતળા જેવા રોગો માટે માતા-પિતા બાળકોની બાધા માટે આ મંદિરમાં આવે છે. અહી રોજેરોજ ભકતોની ભીડ જોવા મળે છે, પરંતુ ખાસ કરીને મંગળવારે અને રવિવારે ભકતો વધારે જોવા મળે છે. અહી ચૈત્ર મહિનામાં મેળો જામે છે. ખાસ કરીને શીતળા સાતમે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરીને બળિયાબાપાના આશિર્વાદ પ્રાપ્ત કરે છે. દર માસની પુનમે બળિયાદેવના મંદિર પર સફેદ રંગની ધજા ચડાવવામાં આવે છે.

આ મંદિરની પાછળનો ભાગ છે જયાં વિશાળ હોલમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહી ભકતો ઘરેથી ટાઢુ ભોજન લાવીને નિરાંતે જમે છે. આ મંદિરમાં ટાઢુ ભોજન જમવાની પ્રથા વર્ષોથી ચાલતી આવે છે. બળીયાદેવના દર્શન પછી અમે પણ થોડું જમવાનું ઘરેથી બનાવીને લાવ્યા હતા. તો ત્યાં નિરાંતે બેસીને જમ્યા. ત્યાં તમને છૂટકમાં છાશ, આથેલા મરચાં, અથાણું ને થેપલા મળતા હોય છે. જે તમે તમારી પસંદગી મુજબ ખરીદી શકો છો.

અહીની પ્રખ્યાત માન્યતાઓમાં બળતી સગડી ઉપાડવી, રમતો કૂકડો ફેરવવો, ફૂલોના ગરબા પણ વધુ જોવા મળે છે. અહી બાધા માટે વજન કાંટો છે જેમાં બાળકના ભારોભર લાડવા, મીઠું, સાકર, ગોળ સાથે તોલાય છે. મંદિરની બહાર બજારમાં ચા-પાણી, નાસ્તાની સારી એવી વ્યવસ્થા છે. અમે પણ દર્શન કર્યા પછી મંદિરની બહાર ભજીયાનો નાસ્તો કર્યો. એ પછી તરતર જ અમે ઘરે જવા રવાના થયા.

 

-  પાયલ ચાવડા પાલોદરા