ચાલ હવે કંઇક બદલીએ...
આનંદની પળોનો સંગ્રહ કરી એનું અથાણું કરીએ
એનો વાટકીવ્યવહાર કરી આખું વર્ષ માણીએ
મેઘધનુષ્યના રંગોને દુઃખની પિચકારીમાં ભરી
જિંદગીના કેનવાસ પર રંગબેરંગી છાલક મારીએ
સતત કંઇકને કંઇક લખતાં આવ્યાં જીવનની સ્લેટ પર
એને કોરી કરી ફરીથી કશુંક નવતર ઉમેરીએ
ઊડાઊડ કરીને રમખાણ મચાવતાં આવ્યા આપણે
હવે ગોકળગાય બની શાંતિનો પોરો ખાઈ શ્વાસ લઈએ
દોડધામ કરી દુનિયા જોઈ, ને પોતાનાં જ શહેરથી દૂર થયાં
ચાલ પગપાળા જઈ આપણું વડોદરું ખૂંદી વળીએ
ભૌતિકતાનાં ભૂગોળમાં ભોમિયા બની ગયા ને કંટાળ્યા
સાચા સુખનાં સ્વૈરવિહારનો વિસામો લઈ શાંતિ પામીએ
પ્રભુની અનુભૂતિ માટે દેવસ્થાનોનાં સ્થાયી નિવાસી પણ થઈ ગયા
ચાલને આજે માણસ માત્રમાં વસ્તો ભગવાન શોધવા, સ્થળાંતર કરીએ !
હવે કંઈક તો બદલીએ જ...!
- પંકિલ દેસાઈ