બાજરાનાં દૂધિયા દાણા જેવી એક છોક્કરી
કાચી'ય નૈ... ને પાકી'ય નૈ...
હા.... બસ ખટુંબડી
કોલેજથી છૂટીને,
છોક્કરી ખેતરે બાજરો હોકારવા જાય...
છોક્કરીનાં એક હાથમાં ચોપડિયું ને,
બીજા હાથમાં ગોફણ...
મેડે ચડીને એ છોક્કરી
ગોફણમાં ચણકા ભરાવી ઉલાળે...
ને આખા'ય ખેતરને ગોથું ખવરાવે...
ખેતરની વચાળે ઉભેલો ચાડિયો
છોક્કરીને આપે ઠપકો
"કે... મૂઈ હળવી રે..!"
આંય મારો જીવ થૈ જાય છે અધ્ધર"
પણ છોક્કરી તો એની ધૂનમાં-
ઠબકા-બબકાને શીની ગણકારે?
આ છોક્કરી
હશે માંડ સત્તર-અઢારની
પણ...
આખા'ય ખેતરમાં છોક્કરીનાં નામનો ફડકો,
જાણે છોક્કરી ભાદરવાનો તડકો
એક દી'
ચાડિયો કંટાળીને બોલ્યો;
'આ બલાની હવે કો'ક કંકોતરીયું છાપો!'
તે વારૂની છોક્કરી
ખેતરનું છીંડું દઈને ગઈ ઈ ગઈ!
-કવિ શ્રી નિલેશ ગોહિલ.