મોરબીની ઇંઢોણી ગોંડળ ની ચાંચ,
જામનગર નો ઉભોપુડો પાઘડીએ રંગ પાંચ,
બારાડી ની પાટલીયાળી બરડે ખુંપા વાળી,
ઝાલાવાડ ની આટીયાળી કાળી ટીલી વાળી,
ઓખાની પણ આટિયાળી ભારે રુઆબ ભરેલી,
ઘેરી ને ગંભીર ઘેડ ની જોતા આંખ ઠરેલી,
હોરઠ ની તો સીધી સાદી ગીર નું કુંઢાળુ,
ગોહિલવાડ ની લંબગોળ ને વણાકી વઘરાણું,
ડાબે કે જમણે પડખે એકજ હરખી આંટી,
કળા ભરેલી કાઠીયાવાડ ની પાઘડી શીર પલાંઠી,
ભરવાડો નું ભોજમરું ને રાતે છેડે રબારી,
પુરી ખૂબી કરી પરજીયે જાડાં ઘા ઝીલનારી,
બતી જૂનાગઢ બાબીઓની સિપાહીઓ ને સાફો,
ફકીરો ને લીલો ફટકો મુંજાવર ને માફો,
વરણ ગાતી આ વેપારી કે વહવાયા ની જાતી,
ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતી પાઘડીયે પરખાતી...