એક ગામમાં મંદિર બની રહ્યું હતું. એક ભાઈ બહું દિવસથી પોતાનું સઘળું છોડીને મંદિરના નિર્માણકાર્યમાં ઓતપ્રોત હતાં. એક દિવસ એ મંદિરને પગથિયે એ ભાઈનું એક બાળક ત્યાં આવી પહોચ્યું. બાળકે ચોફેર નજર ફેલાવી. પછી પિતાજીને પૂછ્યું: "પાપા, આ શું બને છે?"
"બેટા, આ મંદિર બનાવીએ છીએ."
"કોના માટે?"
"ભગવાન માટે."
"હે પાપા! આ બધા કહે છે કે ભગવાને આ દુનીયા બનાવી, માણસો બનાવ્યા છે?"
"હા બેટા, એજ ભગવાન. તું બહું ડાહ્યો હો દીકરા!"
"પણ પાપા?"
"બોલ દિકરા." વચ્ચે જ પિતાએ પૂછ્યું.
"ભગવાનને મંદિરની શી જરુર?"
"કેમ બેટા? આપણે જેમ ઘરની જરૂર પડે છે એમ ભગવાનનેય ઘર જોઈએ ને!
"પણ પાપા,ભગવાને આખી દુનિયા બનાવી તો પોતાનું મંદિર કેમ બનાવી શકતા નથી? અને એ ક્યાં છે?"
પાપા ખામોશ બની બાળકની અબૂધતાને તાકી રહ્યાં.
-અશ્ક રેશમિયા