❛આ કારણ-અકારણ અજંપાથી થાક્યો;
હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો.
ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક;
અગોચર,અનાહત તમાશાથી થાક્યો.
બુલેટોની ફૂટતી નથી ધણધણાટી;
નિરંતર તકાતા તમંચાથી થાક્યો.
ન છૂટી શકાતું, ન બંધાયેલો છું;
હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો.
સજાની હવે કેટલી રાહ જોવી ?
દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો.
ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં;
છતાં મોકલાતા ખુલાસાથી થાક્યો.
મુબારક મને મારાં આંસુ અટૂલાં;
તમારા બધાંના દિલાસાથી થાક્યો.❜