ઘર નહોતું તો બધાંને આશરા ઓછાં પડ્યા
ઘર મળ્યું તો માણસોને ખાટલા ઓછાં પડ્યા
માંગે એવું આપવાનું , બંધ કર ઈશ્વર હવે,
આભ દઈશ તો એમ ક્હેશે તારલા ઓછાં પડ્યા
નહિ તો દુશ્મનનું ગજુ શું કાંકરીચાળો કરે !
આપણામાંથી ખરેખર આપણા ઓછા પડ્યાં
મોત નામે માર્ગદર્શક , એટલો હોંશિયાર કે
જિંદગી, તારા દીધેલાં દાખલા ઓછાં પડ્યાં !
લાશમાં જો જીવ આવે , એટલું નક્કી 'નિનાદ',
બળતાં-બળતાં બોલશે કે લાકડા ઓછાં પડ્યાં !
નિનાદ અધ્યારુ