મળતા કદી થડકો નહીં, શો ફાયદો ?
ભેટો છતાં.. અડકો નહીં, શો ફાયદો ?
જાણું સતત કંઈ પ્રેમનું ઝરણું ઝમે..
તો પણ તમે છલકો નહીં, શો ફાયદો ?
સૌને ખબર છે કે તમે નખરાળ છો,
મારી કને છણકો નહીં, શો ફાયદો ?
ઊભી બજારે નીકળો.. ઠસ્સો કરી,
આ લે, પછી મટકો નહીં, શો ફાયદો ?
ચોક્કસ કોઈ વાત ઘૂંટો પણ તમે,
બોલો નહીં, મલકો નહીં, શો ફાયદો ?
જો સાદ પાડો નામથી મારા, અને..
એ સાદમાં રણકો નહીં, શો ફાયદો ?
આ સાંજના ગાલે સૂરજ ચૂંટી ખણે,
રક્તિમ છતાં ચટકો નહીં, શો ફાયદો ?
~ ~ ~ ~ કુમાર જિનેશ શાહ ~ ~ ~ ~