ચાલ કરું હું રોષ ખોટ્ટો , તું ખોટ્ટી કરજે રીસ,
કોણ કહે છે ત્રેપન થયા, વરસ થયા ત્રેવીસ;
તારે ગાલે શરમનાં પડે શેરડા, સ્મિત તારું લજ્જાળુ,
હજીય તીખા તીર નૈનનાં, મારી ભીતર પાડે ભગદાળૂ;
એજ હજી હું મીણનો માધવ, 'ને નામ તારું માચિસ;
કોણ કહે છે ત્રેપન થયા, વરસ થયા ત્રેવીસ;
હૃદય ભલેને સ્ટ્રોંગ નથી, કે દુખે ઢીંચણના સાંધા,
કાબૂ બ્હાર હો કોલેસ્ટ્રોલ કે બ્લડપ્રેશરના વાંધા;
એટલી મીઠ્ઠી વાતો કરીએ,થાય કાનને ડાયાબિટીસ,
કોણ કહે છે ત્રેપન થયા, વરસ થયા ત્રેવીસ;
ટીપટોપ થઈ હું બ્હાર નીકળું, તારોય ડ્રેસ હો ફાઈન,
આતુરતાથી રાહ જોઈએ, ક્યારે આવે વેલેન્ટાઈન?
ચાલ, ભરબજારે નફ્ફટ થઈને કરીએ ફ્લાઈંગ કિસ;
કોણ કહે છે ત્રેપન થયાં, વરસ થયાં ત્રેવીસ...!